તારાપણાના શહેરમાં/ગઝલની ગઝલ

Revision as of 02:12, 13 May 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ગઝલની ગઝલ

શરમથી શબ્દ પડ્યા છે સમયનું ઘાસ થઈ
કવિની લાલ-પીળી વાત પણ ખલાસ થઈ

જનમ જનમથી સંબંધાયો છું હું શ્વાસ થઈ
ન સંકળાવ મને આમ ફક્ત પ્રાસ થઈ

પવનને નડતી રહી વેદના ઉજાસ થઈ
જો અંધકાર થયો તો બધે સુવાસ થઈ

ફર્યા કરું છું હજી તારી આસપાસ થઈ
વિચારમગ્ન થઈ, ખુશ થઈ, ઉદાસ થઈ

બધાના પગ તળે કચડાઈ ગઈ કોઈ બાબત
અને શહેરના ખૂણે ખૂણે તપાસ થઈ