તારાપણાના શહેરમાં/રૂપજીવિનીની ગઝલ
Jump to navigation
Jump to search
રૂપજીવિનીની ગઝલ
એક અણસારનો પર્દો છે ને ઘર ખુલ્લું છે
રોજ બત્તીનો સમય* છે અને અંધારું છે
ભૂખરાં વાદળો સાથે કરો તારા-મૈત્રી
ક્યાં કોઈ ખાસ પ્રતીક્ષામાં ભીંજાવાનું છે
ખીણમાં રોજ ગબડવાનું છે ખુલ્લી આંખે
ને ફરી ટોચ સુધી એકલા ચડવાનું છે
કોઈ પછડાટ નહીં, વ્હાણ નહીં, ફીણ નહીં,
સંગે-મરમરની લહેરોમાં તણાવાનું છે
આ નગરમાં તો સંબંધોના ધુમાડા જ ખપે,
અહીંયાં ઊર્મિ તો અગરબત્તીનું અજવાળું છે
* દીવા ટાણું, બોણીનો સમય