તારાપણાના શહેરમાં/સ્વરૂપે અવસ્થાનમ્

From Ekatra Wiki
Revision as of 01:21, 15 May 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સ્વરૂપે અવસ્થાનમ્

દશે દિશાઓ સ્વયમ્ આસપાસ ચાલે છે
શરૂ થયો નથી તોપણ પ્રવાસ ચાલે છે

કશેય પહોંચવાનો ક્યાં પ્રયાસ ચાલે છે?
અહીં ગતિ જ છે વૈભવ વિલાસ ચાલે છે

કોઈનું આવવું, નહિ આવવું, જવું, ન જવું
અમસ્તો આંખમાં ઉઘાડ-વાસ ચાલે છે

દશે દિશામાં સતત એકસામટી જ સફર!
અને હું એ ય ન જાણું… કે શ્વાસ ચાલે છે

અટકવું એ ય ગતિનું જ કોઈ રૂપ હશે!
હું સા...વ સ્થિર છું, મારામાં રાસ ચાલે છે