અહો બત કિમ્ આશ્ચર્યમ્/અહીં નહીં, અહીં નહીં

From Ekatra Wiki
Revision as of 09:13, 7 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અહીં નહીં, અહીં નહીં| સુરેશ જોષી}} {{Poem2Open}} જન્માષ્ટમીને બીજે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


અહીં નહીં, અહીં નહીં

સુરેશ જોષી

જન્માષ્ટમીને બીજે દિવસે ભાગ્ય ખૂલ્યું. જયદેવે ‘ગીતગોવિન્દ’માં વર્ણવેલી મેદુરતા દેખાઈ. વાતાવરણ બદલાઈ ગયું. વર્ષાની આહ્લાદક શીતળતા વાતાવરણમાં છવાઈ ગઈ. આ મેદુરતાએ એક નવું જ એકાન્ત રચી આપ્યું. આવડી વિશાળ સૃષ્ટિ બહુ અનુકૂળ રીતે સંકોચાઈ ગઈ. રવીન્દ્રનાથે આવા જ દિવસ માટે કહ્યું છે : આજ શુધુ ચોખે ચોખે ચે યે થાકાર દિન – આજે તો કેવળ આંખમાં આંખ પરોવીને જોઈ રહેવાનો દિવસ છે. વાણી પણ વિક્ષોભકર લાગે છે. વર્ષાનો ધ્વનિ આવી નિ:સ્તબ્ધતાની પડછે જ ઊપસી આવે છે.

પવન જળના ભારથી સહેજ નમ્ર થયો છે, કૃશકાય નદીમાં એકાએક જીવનનો સંચાર થયો છે. ધરતીને હજી સન્તોષ થયો નથી. હજી એના અભ્યન્તરમાં આર્દ્રતા વ્યાપી ગઈ નથી. મધરાતે મોર ટહૂકતા હતા. પણ દાદુરનો અવાજ સંભળાતો નહોતો. ઘરમાં મંકોડા ઊભરાયા. એ વરસાદ વરસશે એનો સંકેત ગણાય છે. આથી આશા બંધાય છે.

પણ આકાશમાં ઘેરાં વાદળો છવાયાં. એનો નવ ઘનશ્યામ રંગ જોઈને જ પુલકિત થઈ જવાયું. એની પડછે બગલાંની પંક્તિને ઊડી જતી જોઈ. એ દૃશ્ય જોઈને રામકૃષ્ણ પરમહંસને હર્ષાતિરેકથી આનન્દસમાધિ આવી ગઈ હતી. રવીન્દ્રનાથે પણ આ બલાકાપંક્તિને એમની કવિતામાં અમર કરી છે. ચારે બાજુની નિ:સ્તબ્ધતાનો તપોભંગ કરીને એ શબ્દમયી ચંચલ અપ્સરા ચાલી જતી દેખાય છે. એને જોતાં જ આપણાં ચિત્ત પણ ચંચલ થઈને બોલી ઊઠે છે : હેથા નય, હેથા નય, અન્ય કોનો ખાતે – અહીં નહીં, અહીં નહીં, ચાલો અન્ય કોઈ સ્થળે. કાલિદાસે પણ ‘મેઘદૂત’માં ગર્ભાધાન સમયે ઉત્સુક બનેલી બલાકાપંક્તિને વર્ણવી છે.

વસન્તમાં જે ચંચળતા અનુભવીએ છીએ તેનાથી કંઈક નિરાળી ચંચળતા વર્ષામાં અનુભવીએ છીએ. વર્ષાની હિક્કળ પણ શિશિરની હાડ ધ્રુજાવનારી ઠંડીથી જુદી હોય છે. ગ્રીષ્મમાં પણ પાછલા ભાગમાં પવન અને ધૂળના પકડદાવની રમત ચાલે છે, મોટા વૃક્ષરાજ પણ ડોલવા માંડે છે. ધીમે ધીમે જેઠ આગળ વધતાં ઉપરનું આકાશ પણ ચંચળ બનતું દેખાય છે.

આ જુદા જુદા પ્રકારની ચંચળતા કયા કવિએ વર્ણવી છે? આથી જ તો પ્રકૃતિનાં રહસ્યો હજી અણખૂલ્યાં રહી ગયાં છે. વર્ષાની ચંચળતા પછી શરદની પ્રસન્નતા આવી છે. વર્ષાના કાદવથી ડહોળાયેલા કાસારમાં પંકજ ખીલી ઊઠે છે, નદીનાં જળ નીતર્યાં બને છે. શરદના સ્વચ્છ આકાશમાં પૂણિર્માના ચન્દ્રનું પૂર્ણ બિમ્બ જોઈએ છીએ ત્યાં એની પરાકાષ્ઠા આવે છે. પછી આછી આછી ધૂસરતા શરૂ થાય છે, નિહારની ઝાંય વરતાવા લાગે છે, શિશિરમાં તો વળી પૃથ્વી આછું અવગુણ્ઠન ઓઢી લે છે. બધું સ્થિર થઈ ગયેલું લાગે છે ત્યાં જ વસન્તપ્રસરની એંધાણી વર્તાય છે. દક્ષિણાનિલ આપણને અકારણે વિહ્વળ કરી મૂકે છે. વળી કેસૂડાં-મહુડાંનો મદિર કોલાહલ સંભળાવા લાગે છે. કોયલના પંચમ સૂરમાં આ પ્રગટ થાય છે.

સ્થિતિમાંથી ગતિ અને ફરી ગતિમાંથી સ્થિતિ આવાં આન્દોલનો વિસ્તર્યા જ કરે છે. સમયને આપણે વહેતા પ્રવાહરૂપે કલ્પ્યો છે, ‘જગત’ અને ‘સંસાર’ શબ્દમાં પણ ગતિનો જ અણસાર છે, એટલું જ નહીં મરનાર પણ ‘સદ્ગતિ’ને પામે એવી જ આપણી પ્રાર્થના હોય છે. આમ છતાં ગતિથી માનવી મુંઝાય છે, એના આવર્તબુદ્બુદ્ને દાર્શનિકોએ તો માયાનો પ્રપંચ જ ગણ્યો છે. આથી જ તો ધ્રુવ, કૂટસ્થ, અધિકારી, અવ્યય એવા પરમ તત્ત્વની કલ્પના કરવામાં આવી છે. આખરે આપણું સાધ્ય તો એ ધ્રુવતત્ત્વ જ, એ ‘પરમમ્ સામ્યમ્’ અવસ્થા.

આમ છતાં સ્થિતિ એટલે આધાર આપનારી સ્થિરતા, ધારક બળ એવું જ હમેશાં રહેતું નથી. સ્થિતિ એટલે જડતા એવું પણ બની જાય છે. આથી જ તો ‘સ્થિતસ્ય સમર્થનમ્’ની નીતિ અપનાવનારા અળખામણા લાગે છે. એની સામે વિદ્રોહ ઊભો થાય છે. ક્રાન્તિ આવે છે અને બધું અસ્તવ્યસ્ત કરી નાખે છે. કવિઓ ઉશ્કેરાઈને ઇન્દ્રિયસંવેદ્ય જગતમાં અરાજકતા લાવી મૂકે છે. બધાં પરિમાણોને એઓ ધરમૂળથી બદલી નાખે છે. ઘડીભર આપણી વાસ્તવિકતાનો પણ આપણને આધાર રહેતો નથી.

પણ અરાજકતાનેય આખરે તો એનું આગવું રૂપ પામીને પ્રગટ થવાનું રહે છે, જો એમ નહીં બને તો એ અનાવિષ્કૃત જ રહી જાય છે. રૂપ એટલે સીમા, મર્યાદા; માટે જ કળાધર્મના મૂળમાં આવો વિરોધાભાસ રહ્યો છે. રૂપ ખરું, સીમા ખરી, મર્યાદા ખરી પણ એ અસીમના ભૂમિના ઇંગિતરૂપ હોવાં ઘટે. કવિતામાં શબ્દ દ્વારા શબ્દને ઉલ્લંઘી જવાનો રહે, માધ્યમ દ્વારા જ માધ્યમલોપ સિદ્ધ કરવાનો રહે. ધર્મ પણ ‘પુરુષોત્તમ’ની કલ્પના કરીને એની આગળ ‘મર્યાદા’ એવી સંજ્ઞા મૂકી દે છે.

મરણને પણ માનવીએ અન્તિમ વિરામરૂપે સ્વીકાર્યું નથી, રવીન્દ્રનાથે પણ એને બીજા લોકમાં જવાનું સંહિદ્વાર કહ્યું છે. પણ આમ એક લોક પછી બીજા અનેક લોક ઊઘડતા આવે એવી કલ્પના કરીએ તો ક્યાં અટકીએ? અનવસ્થાદોષ નહીં થાય? મરણને રીઝવવાના પણ ઘણા પ્રયત્નો થાય છે. જે બધું કેવળ ગતિરૂપે વિક્ષિપ્ત થઈ જાય છે તેને એક કેન્દ્રમાં સ્થાપીને સીમિત કરવાની લાલસા કે આસક્તિ પણ આપણા લોહીમાં જ છે. જ્યાં સુધી વહેતા રહીએ છીએ ત્યાં સુધી શુદ્ધિઅશુદ્ધિના કે નીતિ- અનીતિના પ્રશ્નો ઊભા થતા નથી. પણ લાલસા આપણને આકર્ષે ને એક બિન્દુ આગળ લાવીને સ્થિર કરી દે પછી બધા વિકલ્પો ઊભા થાય, એ વિકલ્પોમાંથી આપણને પસંદગી કરવાની રહે, એ પસંદગીનાં ધોરણની અપેક્ષા ઊભી થાય, એમાંથી નૈતિક મૂલ્યો ઊભાં થાય. આમ આપણે વધુ ને વધુ બંધાતા જઈએ, આખરે એ બધાંથી સાવ ઊફરા જઈને મુક્ત થવાનું મન થાય. આમ ક્રાન્તિ, અરાજકતા અને એમાંથી વળી સ્થિર થવાની મથામણ. આ દ્વન્દ્વમાં આપણે ફસાયેલા છીએ, આથી જ ગીતામાં નિર્દ્વન્દ્વ અને નિત્યસત્યસ્થની પ્રતિષ્ઠા કરી છે.

રવીન્દ્રનાથે કહ્યું છે કે કાલિદાસે ‘મેઘદૂત’માં પણ પૂર્વમેઘ ઉત્તરમેઘ એવા ભાગ પાડ્યા છે. પૂર્વમેઘમાં નરી ગતિ છે, ચંચળતા છે. માટે જેટલું યાત્રાસુખ છે, તેટલી વેદના નથી. ઉત્તરમેઘમાં ગન્તવ્યસ્થાન આવી ગયું છે. ગતિ થંભી ગઈ છે, વીણાના તાર પણ હવે તો ઝંકૃત થતા નથી. ત્યાં વેદના પ્રસ્તરીભૂત બનીને ભારે લાગવા માંડે છે ત્યાં ગતિ કેવળ આંસુની જ ગતિ છે.

ગતિસ્થિતિના દ્રુત અને વિલમ્બિત લયના સમન્વયથી જે સંગીત જન્મે છે તે પાયથાગોરાસે સાંભળ્યું હતું. આપણે જ્યારે લય ચૂકી જઈએ છીએ ત્યારે ગતિ કે સ્થિતિ તરફ વધારે ઝૂકીએ છીએ. આપણે તો આ અનેક સૌર જગતોવાળાં બ્રહ્માંડને નટરાજના નૃત્યરૂપે કલ્પ્યું છે. નૃત્યમાં સ્થિતિનું સ્થિર કેન્દ્ર છે માટે જ અનેક ગતિભંગીઓ શક્ય બની રહે છે.

આપણામાંય બે પ્રકારની ચેતના છે : એક છે વહનશીલ, એ પોતે તો શૂન્ય છે. જેના સન્નિકર્ષમાં એ આવે છે તેનો એ આકાર ધારણ કરે છે. પણ એ આકારને એ પકડી રાખતી નથી. આ સિવાયની બીજી ચેતના છે તે સાક્ષીભૂત ચેતના છે. એ આ બધી માનસિક ઘટનાઓમાં સૂત્રરૂપે અનુસ્યૂત થઈને જ રહેલી હોય છે. સ્મૃતિ અને વિસ્મૃતિ, સંસ્કાર અને અધ્યાસ એના અંશો છે. આથી જ આપણે કેવળ એક કાળના નથી. ભૂતકાળનો ભાર પણ ઉપાડીને આપણે ચાલવાનું છે, ભવિષ્યની દિશા સદા શોધતા રહેવાનું છે.

13-8-74