The Four Agreements

From Ekatra Wiki
Revision as of 05:50, 20 May 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "__NOTOC__ <center> <span style="color:#ff0000"> {{fine|‘એકત્ર' સંકલિત શ્રેણી }} frameless|center <span style="color:#ff0000"> {{large|વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ}}<br> </span> </center> <hr> {{BookCover |cover_image = File:The Four Agreements - Book Cover.jpg |title = The...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

‘એકત્ર' સંકલિત શ્રેણી

Granthsar-logo.jpg

વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ



The Four Agreements - Book Cover.jpg


The Four Agreements

Don Miguel Ruiz & Janet Mills
A Practical Guide to Personal Freedom. A Toltec Wisdom Book.

ચાર કરાર.....જાત સાથેની ચાર સમજૂતી.

ડૉન મીગ્યૂએલ રુઈઝ અને જેનેટ મિલ્સ
(વ્યક્તિગત મુક્તિની ટૉલ્ટેક માર્ગદર્શિકા)
ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન


અનુવાદ: ડૉ. ચૈતન્ય દેસાઈ

લેખક પરિચય :

આ પુસ્તકના લેખક ડૉન મીગ્યૂએલ રુઈઝના પરિવારની અપેક્ષા હતી કે તેઓ તેમનો, Toltec Spritual Teacherનો વારસો સંભાળે - ટૉલ્ટેક ધર્મોપદેશક બને. પરંતુ એના બદલે રુઈઝ તો સર્જ્યન બન્યા. એક વખત મૃત્યુની નજીક લઈ જનારા અનુભવમાંથી પસાર થયા પછી, એમણે એમના સમાજનું પારંપરિક જ્ઞાન-પ્રજ્ઞા શું મહત્ત્વનું છે તે સમજી, પોતાની જાતને ધર્મજ્ઞાન પ્રસાર માટે સમર્પિત કરી, તેઓ Nagual એટલે કે Spritual Master-shaman ધર્મગુરુ બન્યા. [નોંધ : Toltec પ્રાચીન મેક્ષિકન સંસ્કૃતિની મૂળ પ્રજા છે. તેઓ વિવિધ દેવોમાં માને છે અને નરબલિ સહિત વિવિધ પૂજાવિધિઓ, મોટા પત્થરનાં પૂતળાં સ્થાપી કરતા આવ્યા છે. મેક્ષિકો સીટીના પાટનગર તુલા પાસે આવાં દેવસ્થાનો છે. ટોલ્ટેક સંસ્કૃતિ એઝટેક પૂર્વેની છે.] જેનેટ મિલ્સ અંબર-એલન પ્રકાશન ગૃહના સ્થાપકપ્રમુખ અને Toltec Wisdom સીરીઝના સહલેખક છે. ડૉન મીગ્યૂએલ રુઈઝ Toltec અને Neoshamanistic teachingsના મેક્ષિકોના સૌથી વધુ વેચાતા ને વંચાતા લેખક છે. સમકાલીન જીવનમાં, પ્રાચીન ધર્મબોધ લાગુ પાડીને કેવી રીતે આધ્યાત્મિક જાગૃતિ પ્રાપ્ત થઈ શકે તે તેઓ બતાવે છે. ૨૦૧૮માં વૉટકીન્સે તેમને વિશ્વના ૧૦૦ સૌથી પ્રભાવક અધ્યાત્મ ગુરુઓમાં સ્થાન આપ્યું છે.

પ્રસ્તાવના :

The Four Agreements (૧૯૯૭) ‘ચાર સમજૂતીઓ’ પુસ્તક તમને નકારાત્મક તરાહોથી મુક્ત થઈ તમારા સાચા સ્વ-ને પામવા-ઓળખવાનું માર્ગદર્શન આપે છે. આઠ વર્ષ સુધી એ ન્યૂયોર્ક ટાઈમ્સનું બેસ્ટસેલર રહ્યું છે. સમાજના કડક નીતિ-નિયમો કેવી રીતે સમાજને ઘડે છે અને થોડા પ્રયત્નો ને થોડી પ્રતિબદ્ધતાથી વ્યક્તિ પોતાની માર્ગદર્શક જીવનરેખા કેવી રીતે દોરી શકે છે તે બતાવ્યું છે. ‘હું કેવી રીતે વધુ પ્રામાણિક બની શકું? મારા ધાર્યા મુજબ ન થાય તેવી પરિસ્થિતિનો કેવી રીતે સ્વીકાર કરી શકું? આખો વખત અન્યો સાથે, સંજોગો સાથે બાથ ભીડ્યા પછી અંતે તો ખબર પડે છે કે મારા માટે હું જ જવાબદાર હતો. આમ વ્યક્તિગત જવાબદારી, સાચી મુક્તિ સમજી સંતુષ્ટ જીવનનું સર્જન કરવાની ચાવી અહીં આપી છે. આ ચાર મૂળભૂત સમજૂતીઓ પાળ્યા પછી, તમે નવું જીવનદર્શન પામી શકશો અને શીખી શકશો કે હવે મારે કેવી રીતે જીવવું જોઈશે. જીવનપરિવર્તનકારી આ પુસ્તક toltec wisdom અને તત્ત્વદર્શન ઉપર આધારિત છે, જે જીવન પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ બદલતાં શીખવશે. આ ચાર કરારોને આપણા દૈનિક જીવનમાં સંયોજવાથી આપણને માનસિક શાંતિ-સંતોષ મળશે, આપણા સ્વપ્ન સાકાર થશે અને આપણે સંવાદિત જીવન જીવી શકીશું. આ ચાર કરારો કે સમજૂતીઓ આપણે આપણી જાત સાથે જ કરવાની રહે છે તો ચલો, એને ટૂંકમાં જોઈ લઈએ :

(૧) તમારા કાર્યજગતમાં દોષરહિત પૂર્ણતા મેળવવા પ્રયત્નશીલ રહો.
(૨) કશું જ વ્યક્તિગત ન લઈ લો. બીજાનાં વર્તન, અભિપ્રાયો-કાર્યોને મન પર ન લો, વિતરાગી બનો.
(૩) ધારણા ન બાંધો, અનુમાનથી ન ચાલો. ખુલ્લા મને સ્પષ્ટતા કરી લો. ધારણાથી ગેરસમજ અને સંઘર્ષ થઈ શકે છે.
(૪) હંમેશા તમારું શ્રેષ્ઠ પ્રદાન કરો.

દરેક પરિસ્થિતિમાં, કાર્યમાં તમારો ઉત્તમ પ્રયાસ જ કરો. જો કે પોતાની ઉત્તમતા ક્ષણે ક્ષણે બદલાતી પણ હોય છે તે પણ સ્વીકારો.

ચાવીરૂપ મુદ્દાઓ :

૧. બાળપણમાં આપણને સમાજ દ્વારા શિસ્તબદ્ધ નિયમો શીખવાય છે, તેને આપણે મોટા થઈએ ત્યારે પણ પાળવાના હોય છે:

માતૃભાષામાં આપણી પસંદગી ચાલતી નથી, એ તો જે પરિવાર કે વાતાવરણમાં આપણો જન્મ-ઉછેર થાય તેના તરફથી મળે જ છે, પરંતુ આપણે જે ભાષા બોલીને મોટા થઈએ છીએ, એ સમાજે આપણને શીખવેલી એકમાત્ર વસ્તુ નથી. બીજા ઘણા પ્રકારના સામાજિક નીતિ-નિયમોથી આપણે અને આપણાં સ્વપ્નાં ઘડાય છે. દા.ત. દરેકનાં વ્યક્તિગત સ્વપ્નાં હોય છે, તેમ સમાજનાં સામૂહિક સ્વપ્ન પણ હોય છે, એને આપણે Dream of the Planet કહી શકીએ. એને શીખવનાર-સમજાવનાર નીતિ નિયમો આપણને માતાપિતા, શાળા-શિક્ષકો, ધાર્મિક અને બીજાં પ્રભાવક પરિબળો દ્વારા મળે છે—આપણું વાણી-વર્તન, માન્યતા, સારા-નરસાનો ભેદ, વિવેક વગેરે. આ બધું પણ આપણી પસંદગીથી આપણને આવી મળતું નથી. તેની સામે શંકા કે સવાલ કર્યા વિના તેનો સ્વીકાર કરવામાં આપણું ઘરેલુ ઘડતર સમાયેલું હોય છે. પણ જો બાળક તરીકે આપણે એની સામે બંડ કે બળવો કરીએ તો વડીલો તો આપણા કરતાં ત્યારે વધારે પાવરફૂલ હોવાના જ. તેઓ બાળબંડને દબાવી, શિક્ષા કરી આપણને આજ્ઞાંકિત બનાવવાની કોશિશ કરશે. એટલું જ નહિ, તેમની આજ્ઞા માનીએ, નિયમસર ચાલીએ તો તેઓ તેનો સારો બદલો-રીવોર્ડ-પણ આપશે. જેથી કરીને આપણામાંના મોટા ભાગના તેમને શરણે થઈ સદ્વર્તન સ્વીકારી લેતા હોય છે. તમે માત્ર વિચારો, કે તમે નિયમો પાળો છો ત્યારે કેટલા માતાપિતા તમને ‘ગુડબોય, વેલડન’ કહેતા હશે, અને નિયમસર ન વર્તો, ધમાલ મસ્તી, જીદ કરો ત્યારે ‘બેડબોય’ ‘નૉટીગર્લ’ કહેતા હોય છે ને? આ સીસ્ટમમાં, યોગ્ય વર્તનનો પ્રારંભિક રીવોર્ડ, માબાપ, વાલી, શિક્ષકો-મિત્રો દ્વારા મળતી આવી પ્રસંશા કે પ્રેરણા જ છે. જેથી તમે સારા બનવા લાગો છો તમને સારું લાગે છે, તેનો મોટપણે તમને લાભ કે વળતર પણ મળે જ છે. આપણે ક્યારેક અંદરની ઈચ્છા દબાવીને પણ, દંભ કરીને પણ સદ્વર્તન કરીએ છીએ, નિયમનો અસ્વીકાર-નકાર કરતા નથી. પરિણામ સ્વરૂપે, એક ચોક્કસ તબક્કે, કોઈને આપણા ઉપર નિયંત્રક નજર રાખવાની જરૂર પડતી નથી. કારણ કે સદ્વર્તન કે નિયમપાલન આપણામાં ઊંડે સુધી રોપાઈ ગયું હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણે domesticate થઈ જઈએ છીએ. આપણી જાતને જે તે ઢાંચામાં ઢાળી લઈએ છીએ, આપણી એક સંપૂર્ણ self-image બનાવી લઈએ છીએ, અને ધારો કે ક્યારેક પણ એનાથી આપણે વિપરીત ચાલીએ તો આપણી જાતને આપણે પોતે જ જજ કરીને સજા કરીએ, દોષ દઈએ છીએ... કે આ વર્તનમાં હું સામાજિક ધારા-ધોરણથી ઊલટો ચાલ્યો, એ બરાબર નથી, મારે એવું ન કરવું જોઈતું હતું. પણ ના, બીજો પણ એક જુદો માર્ગ છે. આપણે આપણાં પોતાનાં નવાં ધારા-ધોરણ સ્થાપીને, સમાજદત્ત નિયમોથી મુક્ત થઈને પણ કંઈક નવું, વધુ સારું કરી શકીએ છીએ. માનવીને કેળવી શકાય છે, તેનું સંવર્ધન શક્ય છે: ટૉલ્ટેક બોધ કહે છે કે માનવીને બાળપણથી અમુક રીતે કેળવી શકાય, શીખવી શકાય છે. તમે જોશો કે આપણે જે તે વિશિષ્ટ પ્રકારના સાંસ્કૃતિક, સામાજિક, ધાર્મિક, રાજકીય વાતાવરણથી પ્રેરિત થઈને ઉછેર પામીએ છીએ. તે મુજબ આપણી માન્યતા, અભિપ્રાય, વર્તન ઘડાય છે. આપણે જે તે normative roles and rules અપનાવતા જઈએ છીએ. જેથી આપણો એક જગત જોવાનો દૃષ્ટિકોણ – world-view ઘડાય છે. તેની શરૂઆત આપણા માતાપિતા અને પરિવારથી થાય છે. એક મિનિટ માટે તમે તમારા નામનો વિચાર કરો, તમારું નામ કેવી રીતે-કોણે પાડ્યું? તમે એને ક્યારેય બદલવાનો વિચાર કર્યો છે? તમારી માતૃભાષા, જે તમે અનાયાસે પરિવારના વાતાવરણમાં જ શીખી ગયા. તેવું જ તમારા ધર્મનું. તેનાં મૂળભૂત મૂલ્યો તમારામાં સીંચાતા ગયાં. આ બધી પાયાની બાબતોએ તમારી એક ઓળખ બનાવી, sense of belonging, જૂથ, જ્ઞાતિ, સમાજના તમે અંશ હોવાનું ભાન આપ્યું. છતાં એના ઉપર નિયંત્રણ તમારું નથી. આમાંની અમુક વસ્તુઓને તમે બદલી શકો યા અનુકૂળ થઈ શકો, પરંતુ આપણે domesticated થયા, કેળવાયા છીએ અને જન્મ્યા ત્યારથી જ બાહ્ય પરિબળો ને સપનાંઓ દ્વારા પ્રભાવિત થતા રહ્યા છીએ, તેથી આપણું સંસ્કૃતિદત્ત બધું આપણને સ્વાભાવિક ને સારું-સાચું લાગે છે, અને આપણે તે સ્વીકારીએ છીએ, taken for granted લઈએ છીએ. ‘તમે તમારી ધાર્મિક માન્યતાઓ, મૂલ્યબોધ અથવા તમારી જીવન તરાહને કદી પ્રશ્નો કર્યા છે?’ ના...કારણ કે, આપણે એને લાંબા સમયથી, જાણ્યા-સમજ્યા વિના સ્વીકારી લીધાં છે. માટે લેખક દલીલ કરે છે કે આપણે બહારનાઓનાં લીધાં છે. માટે લેખક દલીલ કરે છે કે આપણે બહારનાઓનાં સપના દ્વારા જ ઘડાયા છીએ, બાહ્ય સિદ્ધાંતસૂત્રોથી સેવાયા છીએ, માટે આપણે ભાગ્યે જ આપણી વિચારણાને પ્રશ્નો કરીએ છીએ. તમે childlike wonder-બાળસહજ આશ્ચર્ય/જીજ્ઞાસા –એવો શબ્દપ્રયોગ સાંભળ્યો હશે. તમે એ જોયું છે કે, રોજીંદા જીવનમાં, પોતાની આસપાસની દુનિયા જોતાં બાળક કેવો વિસ્મય, કૂતુહલ, આનંદ અનુભવે છે? એ બધું જાણવાને કેવું આતુર હોય છે? પણ સત્તર સવાલો પૂછતું બાળક માબાપને કંટાળાજનક લાગે છે તેથી તેઓ એને હતોત્સાહ કરે છે. તેની જીજ્ઞાસાને અવગણીને ચૂપ કરી દે છે. આથી આવી જન્મજાત જિજ્ઞાસા, વિસ્મયબોધને માબાપ, શિક્ષકો પોષતા નથી. એવું જ આપણું શિક્ષણ ને ઉછેર ખામીભર્યું રહે છે. થોડા સમય પછી, આપણા આવા ઘરેલું ઘડતરની બાગડોર આપણા હાથમાં લઈએ છીએ. આપણાં જે તે મૂલ્યો ને માન્યતાઓ આપણું વર્તન નક્કી કરે છે, અને આપણે આસપાસની દુનિયાનો યથાતથ સ્વીકાર કરીએ છીએ. આપણે આપણા દૃષ્ટિકોણ પ્રત્યે એટલા સભાન-સંમત ન હોઈએ, તેમ છતાં તેને સ્વીકારી લઈએ છીએ. આપણે મુખ્યત્વે બે સંમતિ સ્વીકારીએ છીએ : આપણી અંદર રહેલો જજ (નિર્ણાયક) અને અંદર રહેલો અપરાધી, ભોગ બનેલ victim. તમારે તમારામાં પરિવર્તન કરવું છે? તમે માનો છો કે તમે જે છો તેના કરતાં જુદા હોત તો વધુ સુખી હોત? આપણામાંના ઘણા પોતાની જાતના કટુ આલોચક હોય છે. આપણે માનીએ છીએ કે આપણું વર્તન અને દેખાવ એક ચોક્કસ પ્રકારનાં (સમાજ સ્વીકૃત) હોવાં જોઈએ. આપણી આ માન્યતા પણ બહારનાં સપનાં કે પરિબળોએ જ ઘડેલી હોય છે. જો આપણે તે મુજબ ન વર્તીએ/જીવીએ તો અપરાધભાવ અનુભવીએ છીએ, અસંતુષ્ટ રહીએ છીએ. આ ભાવ આપણામાં સતત-અવિરત રહે છે. આવો guilt વધુ અનુભવીએ તો તે આપણને શિકાર victim બનાવી દે છે. એ આપણને આગળ વધવા દેતો નથી. તેની snowball effect થાય છે, આપણે જાતને વારંવાર સજા કરતા રહીએ છીએ, આપણી આસપાસનાંને પણ સજા કરીએ છીએ. આપણે સજા ભોગવીએ છીએ એટલે બીજાએ પણ ભોગવવી જોઈએ તેવું માનવા દોરાઈ જઈએ છીએ. એટલા માટે જ, જૂની બંધનકારક માન્યતા-બેડીઓને છોડી, નવી-તંદુરસ્ત-સ્વીકૃતિઓ-સમજૂતીઓ અપનાવીશું તો જ ધબકતા-જીવંત રહી શકીશું.

૨. તમારા શબ્દો (વાણી-ભાષા પ્રયોગ) દોષરહિત બનાવો. પોતાની જાત માટે કે અન્ય માટે કટુભાષા કદી ન વાપરો :

( सत्यं ब्रुयात, प्रियम ब्रुयात, मा ब्रुयात सत्यं अप्रियम् ) ભાષાને દોષરહિત બનાવવી એટલે કટુવાણીનો પ્રયોગ પોતા માટે કે અન્ય માટે કદી ન કરવો, નહિ તો પાપ લાગી શકે. શાબ્દિક હિંસા ન થવી ઘટે. તમે તમારી જાતને ‘ખૂબ જાડિયો’ કે ‘મહામૂર્ખ’ એવું સ્વ-મૂલ્યાંકન કરો છો તો તે શબ્દિક હિંસા છે, જાતને નુકસાનકારક છે. એના કરતાં પોતાને કહો કે તમે કેવા મહાન છો કે પ્રેમાળ છો, ગુણવાન છો, તો તમને અંદરથી એક ઉદ્દીપન, ઉમળકો, ઉત્સાહ મળશે.....શબ્દોની તાકાત તમને ગુલામ કે આઝાદ બનાવી શકે છે. શબ્દો જેવા તેવા નથી, અર્થહીન કે વ્યર્થ અવાજ નથી, એ બહુ મોટું બળ છે. તમારા શબ્દો તમારી અભિવ્યક્તિ અને પ્રત્યાયન કરે છે. તમારા મનમાં નવા વિચારો સર્જી શકે, તમારો વાસ્તવબોધ ઘડી શકે અને બીજાના અભિપ્રાયોને પણ અસર કરી શકે છે. ચાલો, એક વાર્તાથી સમજીએ : એક સ્માર્ટ અને સારા સ્વભાવવાળી સ્ત્રીને એક દીકરી હતી, જેને તે દિલથી ખૂબ વહાલ કરતી હતી. એક દિવસ, એ મહિલા, થોડી શાંતિ અને એકલતાની ઝંખનામાં ઘરે આવી. તેણે જોયું કે તેની દીકરી ખૂબ ખુશીમાં જોરશોરથી કંઈક ગાઈ રહી હતી. મહિલાને ઘોંઘાટ લાગતાં, એક ક્ષણભર તેણે પિત્તો ગુમાવી દીકરીને ખીજવાઈને બોલી, ‘તારું સંગીત ઢંગધડા વગરનું-બેસૂરું છે, ચલ, બંધ કર !’ આ અણધાર્યા અનુભવથી દીકરીએ જોયું કે એની માતા એના (સંગીત કે રાગ) વિશે શું વિચારે છે, અને તે મુજબ એના મનમાં જડાઈ ગયું કે ‘મારો અવાજ બેસૂરો અને ત્રાસદાયક છે !’ ત્યારથી એનું ગાવાનું લાંબા સમય માટે બંધ થઈ ગયું. અરે, એને લોકો સાથે વાત કરવામાંયે તકલીફ થવા લાગી....તો જોયું? આપણા શબ્દો સામેના ઉપર કેવી અસર કરે છે? તમે કેટલીવાર તમારી જાતને આવાં નકારાત્મક સૂચન આપ્યાં હશે કે—મારું આટલું આટલું બરાબર નથી, હું આમાં નબળો, પછાત છું. દર વખતે એ તમારામાં દૃઢ થતું જાય છે અને તમે એવા બનતા જાવ છો. આથી, ભાષા-પ્રયોગ તમારી જાત સાથે કે બીજા સાથે ખૂબ વિચારીને કરજો. કારણ કે, શબ્દો તલવાર કરતાં તીક્ષ્ણ અને વધુ તાકાતવર હોય છે. ભાષા કે શબ્દો આપણને ભગવાનની સીધી ભેટ મળેલી છે. તેની તાકાત અકલ્પનીય છે. તમને ક્યારેક કોઈએ અપમાનજનક, અપશબ્દો કે તિરસ્કારસૂચક શબ્દો કહ્યા હશે. તો તે તમને હંમેશા ખીલીની જેમ ચૂભતા રહેશે. કારણ કે એવી કટુવાણીની ટકાઉક્ષમતા ભારે હોય છે, માટે તમને જે ભાષા-વ્યવહાર નથી ગમતો, તેવો તમે અન્ય સાથે ન કરશો. आत्मनः प्रतिकूलानि परेषां न समाचरेत । નેતાઓ કે જાહેર વક્તા પોતાની ભાષા સરસ રાખીને લોકોના દિલમાં પોતાનું સ્થાન બનાવે છે, પ્રચાર કરે છે; હીટલરે આખા દેશને પોતાની વાત અને વાણીથી જીતી લીધો હતો, અને એ રીતે પ્રજામત પોતાના પક્ષે વાળી નાઝી જર્મનીનો ઉદય થયો હતો. લેખક કહે છે કે નકારાત્મક શબ્દો ‘કાલા જાદુ’ જેવું કામ કરે છે. ગપસપ, અફવા, ગામગપાટાં પણ કાલા જાદુનાં જ સ્વરૂપો છે, અને આપણો જગત અને જનતા પ્રત્યેનો જે તે અભિગમ ઘડવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. જેને આપણે ક્યારેક મળ્યા પણ ન હોઈએ તેવી વ્યક્તિ વિશે કોઈ આપણને ખરાબ અભિપ્રાય આપે તો આપણે પણ તેનું મૂલ્યાંકન તેવું જ કરવા પ્રેરાઈએ છીએ. Gossip- ચર્ચાચાકડો કે ગપસપ તો સહેતુક હોય કે અહેતુક, પણ ઝેર જેવું કામ કરે છે. એટલે તેવા સંજોગોમાં કાળજી રાખવી ખૂબ જરૂરી છે. પણ વાણી-સતર્ક બનવું લાગે છે એટલું સરળ નથી. આપણી વાણી નિષ્પાપ, નિષ્કલંક, નિર્દોષ, અહિંસક હોવી ઘટે. બહુ જ વિચારીને બોલવું જોઈએ. પ્રામાણિકતા અને સચ્ચાઈપૂર્વક બોલવું જોઈએ. હકારાત્મકતા, પ્રેમ, મૈત્રી, નમ્રતા, ઈમાનદારી વગેરે બધું જ આપણા શબ્દો દ્વારા પ્રસરી શકે છે. જે આપણને વધુ સમાજ-સ્વીકૃત અને આત્મસંતુષ્ટ બનવામાં ખૂબ મદદ કરે છે. Positive Thinkingથી White Magic સર્જાઈ શકે છે. તે કાલા જાદુનો પણ નાશ કરી શકે છે. સત્ય બોલો, પણ પ્રિયકર રીતે બોલો. તે તમને અને તમારી આસપાસનાને ઊંચા લઈ જશે. તમે પ્રેમાળ દુનિયા સર્જી શકશો.

૩. તમારે (બધું જ) વ્યક્તિગત સ્તરે લેવાની જરૂર નથી....

તમને યાદ છે; ગયા વખતે કોઈકે તમારી સાથે ઉદ્ધતાઈપૂર્ણ વર્તાવ કરેલો, અને તેને તમે કેટલું બધું મન ઉપર લઈ લીધું હતું? એને બહુ વખત નથી થયો, છતાં વ્યક્તિગત સ્તરે લીધેલી વાત ઝટ ભૂંસાતી-ભૂલાતી નથી. એ જ સમસ્યા છે. આખરે તો, કંઇક વસ્તુ પર્સનલ બને, તો તમે અજાણતાં પણ તેની સાથે સંમત થવાનું શરુ કરો છો, અને મન ઉપર લેવાય છે, પછી ભલે તમને એ લાગતું વળગતું ન હોય, તો પણ મન એમાં વળગી રહે છે. આ ઉપરાંત, આમ વ્યક્તિગત રીતે વસ્તુને મન ઉપર લેવાથી, લોકો ‘પોતાના મહત્ત્વ’માં ફસાય છે, અને તેમને એમ જ લાગે છે કે આ બધું જાણે મારા વિશે જ થયું છે. વાસ્તવમાં, અગાઉ થયેલા આપણા domesticationનું આ પરિણામ છે. પણ લોકોને તમારી એવી કાંઈ પડી હોતી નથી. તેઓ તમારા વિશે વિશેષરૂપે કાંઈ બોલતા-કરતા નથી હોતા. એ બધું તેમના માટે જ હોય છે. લોકોને તો પોતપોતાનાં સ્વપ્ન હોય છે અને તે મુજબ તેઓ જીવતા હોય છે. તેમની મનઃસ્થિતિ મુજબ તેઓ તમને જોતા હોય છે. જો તેઓ ખુશ હશે તો તમને કહેશે, ‘અરે વાહ, તમે તો કમાલના સરસ છો!’ અને જ્યારે તેઓ ગુસ્સાના કે અન્ય મુડમાં હશે તો તમને devil-અસુર તરીકે પણ ચીતરશે.....જયારે આવું તમારું કાંઈ હોતું નથી. તમે તો જે છો, તે જ છો.....જોનારની નજર, મૂડ કેવાં છે તે મુજબ તમે એને દેખાવ છો....બસ, તો પછી તમારે ચિંતા કે હરખ-શોક કરવાની શી જરૂર? બિન્દાસ્ત મઝાથી જીવ્યે જાવને, ભાઈ! બસ, એટલું ખરું કે તમે તમારી જાતને બરાબર ઓળખી લો, પછી તમારે લોકોના અભિપ્રાયો, કૉમેન્ટ્સ પર્સનલી લેવાની જરૂર નહિ પડે, તેમની સ્વીકૃતિ શોધવાની જરૂર નહિ પડે. પરિણામ સ્વરૂપે, તેઓ જે કાંઈ કહે-કરે તેનાથી તમને ખ્યાલ આવશે કે દરેક લોકોનો world-view જુદો જુદો હોવાનો; અને તમારે પણ તમારો દૃષ્ટિકોણ પોતીકો રાખવો જોઈએ. ધારો કે, તમારા કહેવાયેલા શબ્દો અન્યને કડવા અને દુઃખદાયક લાગતા હશે તો તે પેલાનો અનુભવ કે સમજ ઉપર આધારિત છે. તમારી ભાવના તો સારી હોઈ શકે છે, ઈરાદો નેક હોઈ શકે છે. Eckhart Tolle કહે છે કે, ‘તમને જ્યારે થાય છે કે આ કાંઈ મારે પર્સનલ લેવાનું નથી, ત્યારે તેની પ્રતિક્રિયા આપવી જરૂરી બનતી નથી.’ પણ વાચકમિત્રો, આ એટલું સહેલું નથી. હા, જોકે તમે તમારી વાણી કટુતારહિત, દોષરહિત બનાવતાં શીખી ગયા તો તમે પહેલાં કરતાં વધુ શાંત-સ્વસ્થ-નિયંત્રિત રહી શકશો. એ જાણી-શીખી લો કે આપણું પોતાનું નિયંત્રણ આપણા જ હાથમાં હોવું જોઈએ, અન્યના હાથમાં નહિ. પણ જો તમે અન્યથી દોરવાયા, ઉશ્કેરાયા, વસ્તુને પર્સનલી લીધી તો પછી તેની પ્રતિક્રિયાઓ ઝઘડા અને દુર્ઘટનાની શ્રુંખલા સર્જી દેશે. સામસામા આક્ષેપો-પ્રતિઆક્ષેપો, કડવા શબ્દો, લાગણી દુભવનાર વાણી વગેરે વધતું જ જશે. અને એ વેરઝેર દાયકાઓ, સૈકાઓ સુધી ચાલુ રહી શકે. માટે આ બધું ન સર્જવું હોય તો તમારું વાણી-વર્તન દોષમુક્ત બનાવી, કશું જ વ્યક્તિગત રીતે મન પર ના લઈ જીવતાં શીખી જાવ. તમારું મનોદૈહિક આરોગ્ય પણ સારું રહેશે. તમારી સહનશક્તિ વધશે, આત્મબળ અને આત્મગૌરવ મક્કમ થશે. માનસિક ઈમ્યુનીટી વધશે, તમને કોઈ કંઈ પણ કહી જાય, તો ખોટું નહિ લાગે, ઊલટાનું તમે એને હકારાત્મક રીતે લઈ તમારી કાંઈ કમી હશે તો તમે તેને સુધારવાનો પ્રયાસ કરશો. તમે સૌને પ્રેમ, સહાનુભૂતિ, વિશ્વાસ, આનંદ આપી શકશો....બોલો, કેટલા બધા ફાયદા છે? તો ચાલો, આવું વ્યક્તિત્વ કેળવીએ!

૪. હંમેશાં તમારું બેસ્ટ (ઉત્તમ) પ્રદાન કરો, પછી ભલે તે સતત બદલાતું રહેતું હોય. કોઈપણ કાર્ય ઉત્તમ રીતે કરશો તો નિષ્ફળતા નહિ નડે.

આપણને અવારનવાર કહેવામાં આવે છે કે ‘તમે તમારું બેસ્ટ પ્રદાન કરો, ‘ઉત્તમ’ રીતે કરો’...પરંતુ આ બેસ્ટ/ઉત્તમોત્તમ એટલે વાસ્તવમાં શું? આપણા બેસ્ટને આપણે કોઈ વિશિષ્ટ મૂલ્યથી માપી નથી શકતા. કોઈક દિવસ આપણું બેસ્ટ કંઈક ફેન્ટાસ્ટીક હોઈ શકે, તો વળી કોઈક દિવસ પથારીમાંથી સવારે વહેલા ઊઠવું એ પણ અસાધારણ હોઈ શકે. કોઈક દિ’ આપણે સંપૂર્ણ તંદુરસ્ત, ખુશ મિજાજ હોઈએ, તો ક્યારેક માદા ને મંદ પણ હોઈએ. આમ આપણું ‘બેસ્ટ’ સાપેક્ષ હોય છે. આપણે શારીરિક-માનસિક રીતે કેવું અનુભવીએ છીએ તેના ઉપર બધું છે. તો વાચકો, ‘ઉત્તમ’ આપવાની એક ચાવી છે તંદુરસ્ત ટેવો પાડવી, જેથી આપણે દિન-બ-દિન ઉત્તમતા તરફ જઈ શકીએ. આપણે શરીરને વધુ પડતું કષ્ટ ન આપવું, વધુ પડતા થાકી ન જવું, વધુ પડતા છકી ન જવું. લેખક કહે છે, આપણે જયારે આપણું ‘બેસ્ટ’ આપીએ છીએ ત્યારે સારી વસ્તુ કે સેવા નિર્માણ થાય છે. અને પછી તેની સારી અસર આપણા જીવનનાં બીજાં ક્ષેત્રો પર પણ પ્રસરતી હોય છે, આપણે વધુ પૉઝીટીવ અને વધુ સર્જનાત્મક, બનતા જઈએ છીએ, આપણે વધુ આનંદી-સુખી બનીએ, જે આપણા અપરાધભાવને, લાસરિયાપણાને ઓગાળી દે છે. ‘બેસ્ટ’ આપવું એટલે ‘સંપૂર્ણ’ હોવું એવું નહિ, પણ પ્રામાણિકતાપૂર્વક, ભગવાનને ઓળખીને સેવા આપવી તે છે. ઉત્તમ પ્રદાન આપવા માટે ક્યારે તમારે હા કહેવી અને ક્યારે ના પાડવી તે શીખવું પડશે. ક્યારે જતું કરવું અને ક્યારે આગ્રહ રાખવો, હકારાત્મકતા ઉપર કેન્દ્રિત કરવું, વર્તમાનમાં જીવવું અને આળસ છોડી સદા સક્રિય રહેવું, વગેરે. લેખક રુઈઝ સૂચવે છે કે, જો ઉત્તમ રીતે કાર્ય કરવાનો આપણે સતત માઈન્ડસેટ બનાવી રાખીએ, તો આપણે આપણી વાણીની કાળજી રાખીશું, જે તે બાબતને પર્સનલી ન લઈશું, ધારણાઓ નહિ કરીશું... ટૂંકમાં, ‘બેસ્ટ’ આપવા ને કરવા માટે આ ત્રણ-ચાર શરતો આપણે પાળવી પડશે. તમને યાદ હશે કે, નાનપણથી લઈને આજ સુધી, માતાપિતાએ-વડીલોએ-શિક્ષકોએ તમને Do Your Bestની સલાહ સતત આપી હશે...પણ પરિસ્થિતિ અને મનઃસ્થિતિ સતત બદલાતી રહેતી હોય છે. સવારમાં ઉઠતાં તમે તાજામાજા, ઉત્સાહી, ખુશ ને ખુમારીવાળા હશો, તો રાત્રે સૂતાં સુધીમાં તમે થાક, કંટાળો અનુભવતા હશો. માટે ‘બેસ્ટ’ આપવામાં આની અસર તો પડતી જ હોય છે. જેને લીધે, તમે સ્વ-મૂલ્યાંકન, આલોચના, અપરાધભાવ અને હતાશામાં પણ પડી શકો છો. જે વસ્તુ કરવામાં તમને બાહ્ય પ્રેરણ કરતાં આંતરિક આનંદ/ઉમળકો વધુ લાગતો હશે, તે વસ્તુ તમારી ઉત્તમ થશે. આનું સરસ ઉદાહરણ છે તમારી નોકરીનો પગાર ! પૅ-ચેક ! જો પગાર એ જ એકમાત્ર તમારું મોટીવેશન હશે, તો તમારું બેસ્ટ નહિ આપી શકો. મોટાભાગના નોકરિયાતો, માત્ર પૈસા માટે જ નોકરી કરે છે, તેમની ખુશી માટે નહિ, ઉમળકાથી પ્રેરાઈને નહિ. તેથી તેમને નોકરી મુશ્કેલ, કંટાળાજનક થાકજનક અને વેઠરૂપ ઉપરથી લાદેલી લાગશે. આવો અસંતોષ અનુભવાતાં તેઓ અઠવાડિયાના અંતે વીક-એન્ડમાં પાર્ટી, ડ્રીન્કીંગ, ટુરીંગ જેવી અનુત્પાદક પ્રવૃત્તિને શરણે જતા હોય છે. જ્યારે બીજા પક્ષે તમારું ‘ઉત્તમ’ આપવું એટલે તમે તમારા કાર્યને-કાર્યક્ષેત્રને પ્રેમ કરતા હશો તો તમે તેમાં સખત મહેનત કરશો, દિલ રેડીને-દોડીને કામ કરશો, તોયે થાકશો નહિ, કંટાળશો નહિ, હારશો નહિ. આ ઉત્સાહ તમને જીવનમાં આગળ ને આગળ દોરતો રહેશે.

૫. આપણી મોટાભાગની ધારણાઓ ખોટી હોય છે. તેથી ધારી ન લો, પ્રશ્ન પૂછીને સત્ય તપાસો :

આપણે અનુમાન, ધારણા વિશે ઘણાં અવતરણો વાંચ્યાં, સાંભળ્યાં હશે, છતાં આપણે ધારણાઓને સાચી માની લેવાનું ચૂકતા નથી. આપણે જ્યારે અનુમાન guess work, assumption કરીએ છીએ ત્યારે જે તે બાબતમાં જે તૂટ-gap હોય છે તે જ શક્ય હશે, સાચી હશે એમ માની જ લઈએ છીએ. એ ઘણું ખતરનાક અને ગેરમાર્ગે દોરનારું નીવડે છે. સંબંધોની બાબતમાં આપણે મોટેભાગે ધારણાથી જ આગળ વધતા હોઈએ છીએ. અને માની લઈએ છીએ કે મને જે જોઈએ છે, હું જે ધારું છું તે જ સામેની વ્યક્તિ પણ ઈચ્છતી કે ધારતી હશે. આપણી અપેક્ષાઓ સમાન હશે, પણ જયારે સચ્ચાઈ સામે આવે છે. જે ધારણા કરતાં જુદી હોય છે, ત્યારે તકલીફ થાય છે, બિનજરૂરી વાંધા-વિરોધ અને વ્યથાના વાવેતર થાય છે. ધારણાઓમાંથી બચવાની ચાવી છે, તેને પડકારવાનું રાખો. તમે જુઓ કે તમારી અપેક્ષાઓ શી છે, અને લોકો તમારી પાસે શી અપેક્ષા રાખે છે. જો આના જવાબ તમને ખબર ન હોય તો, પ્રશ્ન પૂછીને સચ્ચાઈ/વાસ્તવિકતા જાણી લો, સંશોધન કરી લો કે વસ્તુસ્થિતિ શી છે? હું ધારું છું તે જ કે કંઈક બીજું? જ્યારે તમે કાઈપણ ધારણા કરવાને લાલચાવ છો ત્યારે, સીધા તારણ ઉપર કૂદી પડવાને બદલે, તેનાથી ઊલ્ટું પણ વિચારી જુઓ, અને ક્યારેક પ્રસંગોપાત, એ જ એનો સ્વાભાવિક જવાબ કે પ્રતિક્રિયા હોઈ શકે છે. વાસ્તવમાં, તમે અનુમાન કરો છો ત્યારે તમને તો એમ જ લાગે છે કે તમારી ધારણા સાચી જ છે, અને જો એ ખોટી પડશે તો તમે છેતરાઈ જશો કે તમારી બનાવટ થઈ જશે. તેથી જ મોટાભાગની ધારણાઓ વાસ્તવમાં આશીર્વાદરૂપ નથી હોતી. તે માત્ર કલ્પનામાં જ સાચી લાગે છે. તેથી તમને કંઈક સમજવામાં તકલીફ પડે ત્યારેતમે એનો અર્થ જાણો છે એમ ધારી લો છો. ત્યાર પછી, જ્યારે સત્ય સ્પષ્ટ થાય ત્યારે તમને ખબર પડે છે કે મારી ધારણા તો જુદીજ/કે ખોટી જ હતી. કલ્પના કરો કે તમે શહેરના માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યા છો ત્યારે એક સુંદર, આકર્ષક વ્યક્તિ તમારી સાથે આંખ મિલાવીને સ્માઈલ આપે છે. તમે તરત જ ધારી લેશો કે એ વ્યક્તિને તમે ગમી ગયા છો. તમારા મનમાં બલૂન ફૂટવા લાગે, શરણાઈ વાગવા માંડે અને મનડું તો લગ્નની શક્યતા સુધી પહોંચી જાય. આવા નિયંત્રણ બહારની ધારણા, સંબંધોમાં સમસ્યા કે ખટરાગ લાવી શકે છે. લોકો માની લે છે કે તેમના મા-બાપ, પોતે જે વિચારે છે તેમજ વિચારતા હશે. પણ આ ધારણા ખોટી પડે ત્યારે સંઘર્ષ અને વિખવાદ જન્મે છે. એવું જ પોતાની જાત વિશે કંઇક ધારણા-અવધારણા બાંધી લેવી, પછી વાસ્તવમાં એ ખોટી પડે, ધાર્યું ના થાય ત્યારે તમને ખોટું લાગે કે હું ખોટો પડ્યો, મેં મારી જાતનું વધારે પડતું મૂલ્યાંકન મળી લીધું હતું. પણ વાસ્તવમાં તમારે સફળ થવા માટે તમારી જાતને વધારે પ્રશ્નો પૂછવાની, ચકાસી લેવાની જરૂર હતી. આમ ધારણાઓ મોટેભાગે નુકસાનકારક નીવડતી હોય છે. માટે તે ન સેવતાં સત્યશોધન સવાલો દ્વારા કરી લેવું સારું. સ્પષ્ટ, સીધું પ્રત્યાયન કરી લેવું સારું. તેથી તમે સત્યની વધુ નજીક પહોંચશો, અને પછી ધારણાનાં વાદળ વિખેરાઈ જશે.

૬. આપણે દરેક વસ્તુઓના અંશ છીએ:

ટોલ્ટેક સંસ્કૃતિ ઍઝટેકની પૂર્વેની છે. તે બૌદ્ધિક અને સાંસ્કૃતિક રીતે ચઢિયાતી હતી, તે લોકો અધ્યાત્મિક દૃષ્ટિએ પણ ઊંડા ઊતરેલા હતા, અને એમનું જ્ઞાન પેઢી દર પેઢી આપતા રહેતા. વિજ્ઞાન અને કલાઓમાં પણ તેમની કુશળતા હતી. ટોલ્ટેક ફિલોસોફી પ્રકૃતિ સાથેના સીધા સંવાદમાંથી જન્મી હતી. હાલના વાચકો, આપણે વર્તમાન જગતના નિવાસીઓ, પ્રકૃતિના મૂળભૂત નિયમો અને મૂલ્યોથી બહુ દૂર થઈ ગયા છીએ, અતડા થઈ ગયા છીએ, તો આ પુસ્તક આપણને પ્રકૃતિ સાથેનું આપણું પુનઃજોડાણ કેવી રીતે થાય તે પણ બતાવે છે. વધુમાં, આ ચાર સમજૂતીઓ કે કરારો દૈનિક જીવનમાં અમલમાં મૂકવાથી આપણી વ્યક્તિગત મુક્તિ શક્ય છે; બદલાવ શક્ય છે. ટોલ્ટેક કથાઓ કે ઉપદેશબોધ એ છે કે બધું જ ઈશ્વરના આવિર્ભાવસમું છે. અને આપણા બધાનામાં ઈશ્વરના અંશ છે. માનવી પ્રેમ અને પ્રકાશનો બનેલો છે, તે ઈશ્વરને/પરમાત્માને પ્રતિબિંબિત કરે છે. એનો અર્થ એ થયો કે આપણે બધા પવિત્ર અસ્તિત્વો છીએ. આપણે કણ કણમાં ભગવાનની અભિવ્યક્તિ નિહાળવી જોઈએ, પણ આપણું વીઝન વાદળછાયું અને વિકૃત થઈ ગયું છે તે સમસ્યા છે. રુઈઝ દર્પણના ઉદાહરણથી આ સમજાવે છે. દર્પણ નવો-ચોખ્ખો હોય ત્યારે આપણે પ્રતિબિંબ સ્પષ્ટ જોઈ શકીએ છીએ, પણ તેના ઉપર ધૂળ, ડાઘા પડી જાય પછી? સમય જતાં કાચ એની ચોખ્ખાઈ ગુમાવે, ધૂમાળિયો થઈ જાય તેથી આપણે કે જગત તેનું પ્રતિબિંબ સ્પષ્ટ ન જોઈ શકે. અરે, આપણે આપણી જાતનેય ઓળખી ન શકીએ ક્યારેક તો, કાચ એવો ગંદો પણ થઈ જાય છે. તો આ પુસ્તક The Four Agreements એ કાચ સફાઈનું કેમીકલ જેવું છે. तोरा मन दरपन कहलाये, भले-बूरे सारे कर्मों को देखे और दिखाये- યાદ કરો.

૭. તમારી જૂની રૂઢિગત માન્યતાઓ, સમજદારીથી છૂટકારો મેળવી, મુક્તિને પામો:

હવે તમને ખ્યાલ આવી રહ્યો હશે કે તમારાં જૂનાં વલણો, સમજણો, વૃત્તિઓ તમારે માટે કેવાં પીડાદાયક હતાં...તો પછી એમાંથી મુક્ત થાવ.. બાળપણમાં પરિવારે સમાજે તમારામાં રોપેલું પ્રારંભિક, પરંપરાગત સ્વપ્ન, અત્યારે તમારું રહ્યું નથી. હવે મોટપણે તમે તેને બદલી શકો છો. અને હવેની તમારી ઝંખના મુજબનું નવું સ્વપ્ન, નવું જગત રચી શકો છો. બાળપણમાં તમે શીખેલી બધી જ વસ્તુમાં પૂર્ણ સત્ય નહોતું એ હમણાં તમે જોઈ શક્તા હશો. તો પછી હવે તમે તમારું પોતાની સમજદારી, પ્રજ્ઞા અને અપેક્ષા મુજબનું Dream of second Attention રચવાનું શરૂ કરો. તેમ કરવા માટે, ભય-આધારિત તમારી જે દુઃખદાયક માન્યતાઓ હતી તેને જોવાનું, સમજીને છોડવાનું શરૂ કરો. ધીમે ધીમે તેને તોડતા જાવ. નવી આશાવાદી કલ્યાણકારી માન્યતાઓ સાથે જોડાતા જાવ. ટોલ્ટેક માન્યતા એમ પણ કહે છે કે, તમારા મનને નિયંત્રણમાં રાખનારું એક પરોપજીવી તંત્ર પણ છે. તેના કોચલામાંથી બહાર નીકળવા તમારે ક્ષમા, દયા, કરુણા, પ્રેમ, ભાઈચારાનાં શસ્ત્રો વાપરવાં પડશે... જે ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા, શત્રુતા જેવા શત્રુઓને હણવામાં કામ આવશે. નકારાત્મક લાગણીઓને કાપવા માટે હકારાત્મક દૃષ્ટિકોણ જ કામ આવશે. [એક ઈસાઈ પ્રાર્થના યાદ આવે છે :

शांतिका वाद्य बना तु मुझे, प्रभु.. शांतिका वाद्य बना तु मुझे
हो तिरस्कार वहाँ करूं स्नेह, हो हमला तो क्षमा करूं मैं
हो जहाँ भूल मैं, सत्य धरुं, हो संदेह वहाँ विश्वास
घोर निराशा, वहाँ करूं आश, घोर अँधियार वहाँ पे प्रकाश
हो जहाँ दुःख, उसे करूं हाश... शांति का वाद्य बना तु मुझे...

તમારો રોષ પેલા પરોપજીવીઓને પોષણ આપશે અને તેથી વધુ નકારાત્મકતા પ્રગટશે. આ વિષચક્ર અટકાવવા માટે તમારે, તમને માઠું લગાડનાર-અપમાનિત કરનારને માફ કરતાં શીખવું પડશે, જરૂર પડ્યે તમારી જાતને પણ માફ કરવી પડશે. અને અંતે, તમારી જાતને મુક્તિનો એહસાસ કરાવવો હોય તો દરેક દિવસ એવો જીવો કે જાણે એ દિન તમારા જીવનનો છેલ્લો દિવસ હોય. આમ કરવાથી તમે જોશો કે વર્તમાનમાં અસ્તિત્વ ન ધરાવતું હોય તેવું કશું જ તમારી પાસે નથી. આથી તમારી ઈચ્છા મુજબ કેવી રીતે જીવવું તેનું સ્પષ્ટ દર્શન તમને મળશે.

સમાપન :

Toltec ફિલોસોફીનું મૂળભૂત જ્ઞાન આપણને શીખવે છે કે—તમારા ભયનો સામનો કરો, લાગણીઓ ઉપર કાબૂ રાખો, ક્ષમા કરતાં શીખો, કોઈને જજ કરનારાં આપણાં અગાઉનાં મંતવ્યો, કરારોને રદ કરો. તમે તમારી દુનિયાની વાસ્તવિકતા સ્વીકારી છે? અને તમે ઈચ્છો છો કે એને બદલી શકો? એલીનોર રુઝવેલ્ટ કહે છે : ‘ભવિષ્ય તો એમનું જ છે, જેઓ પોતાનાં સ્વપ્નોની સુંદરતા અને સામર્થ્યમાં શ્રદ્ધા ધરાવતા હોય.’ ૧૯૯૮ની એક ફિલ્મ, The Truman Showની એક પંક્તિ છે: ‘આપણે જે દુનિયામાં મૂકાયા છીએ તેની વાસ્તવિકતાને આપણે સ્વીકારીએ છીએ.’ અમારી વાસ્તવિકતા એ સ્વપ્ન છે, જે અમે જીવવાનું પસંદ કર્યું છે. વર્તમાન વાસ્તવને બદલવાની ક્ષમતા અમે ધરાવીએ છીએ...આપણા પોતાના મૂલ્ય-worth મુજબ જીવતાં શીખવે તેવી નક્કર સલાહ અને શાણપણ આ પુસ્તક આપણને આપે છે. વ્યક્તિત્વ વિકાસ અને આધ્યાત્મિક ઉન્નતિનું એક વ્યવહારિક માળખું, વાચકને પોતાની જાતની ઊંડી સમજ કેળવવામાં ઉપયોગી થાય અને અન્યો સાથે તેના સંબંધો સમજવામાં ઉપયોગી બને તેવું માર્ગદર્શન અહીં છે. તમારી સ્વ-જાગૃતિ, અધિકૃતતા, આંતરિક શાંતિ કેળવીને તમે વધુ સંતોષપ્રદ અને અર્થપૂર્ણ જીવન જીવી શકો, એવું આ પુસ્તક આપને વાંચવા માટે મુબારક છે..