ચિત્રદર્શનો/ગુજરાત

From Ekatra Wiki
Revision as of 10:12, 23 May 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <center><big><big>'''૧, ગુજરાત'''{{gap|2em}}</big></big></center> <center><big>{{gap|2.5em}}એક ઐતિહાસિક કાવ્ય</big></center> {{Block center|<poem> {{gap}}ધન્ય હો! ધન્ય જ પુણ્યદેશ! {{gap}}આપણો ગુણિયલ ગુર્જર દેશ; કૃષ્ણચન્દ્રની કૌમુદીઊજળો, {{gap}}કીધ પ્રભુએ ય સ્વદે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧, ગુજરાત
એક ઐતિહાસિક કાવ્ય

ધન્ય હો! ધન્ય જ પુણ્યદેશ!
આપણો ગુણિયલ ગુર્જર દેશ;
કૃષ્ણચન્દ્રની કૌમુદીઊજળો,
કીધ પ્રભુએ ય સ્વદેશઃ

આપણો ગુણિયલ ગુર્જર દેશ. ધન્ય હો! ૧

આર્યનું સાગરતીર્થ પુરાણ,
તપોવન ભૃગુવસિષ્ઠના ભાણ;
ગીતાના ગાનારા મહારાજ
પાર્થના સારથીનાં જ્ય્હાં રાજ્ય :
ગ્રીસરોમથીય જૂનાં,
કુરુપાંડવથીયે પ્રાચીન,
સોમનાથ, ગિરિનગર, દ્વારિકા :
યુગયુગ ધ્યાનવિલીન
ઊભીને કાલસિન્ધુને તીર
બજાવે બંસરી ભવ્ય સુધીર. ધન્ય હો! ૨

સ્થળેસ્થળ નવપલ્લવના પુંજ,
નદી ને તળાવ કેરી કુંજ;
કોમળી કવિતા સમ સુરસાળ
સિન્ધુ જ્ય્હાં દે મોતીના થાળ :
જગજૂનાં નિજ ગીત ગર્જતો
ફરતો સાગર આજ;
કેસર ઉછાળી ઘૂઘવે ગરવો
વનમાં જ્ય્હાં વનરાજ :
ગિરિગિરિ શિખરશિખર સોહન્ત
મન્દિરે ધ્વજ ને સન્ત મહન્ત. ધન્ય હો! ૩

પૂર્વથી પશ્ચિમ વહે પ્રકાશ,
વ્હાણ ભરી વ્હેતી તેમ નિકાસ;
મોહી આંગણ ઊતર્યો જ યુરોપ,
વીણવા વાડીના ફૂલરોપ;
વીણી ન વણસે પુણ્યપાંગરી
અમ રસભૂમિની છાબ;
જગમોહન મુંબઈ નગરી જુવો!
શું પાથર્યો કિનખાબ :
નિત્ય નવફૂલે ખીલે અભિરામ
લક્ષ્મીમ્હોર્યાં લક્ષ્મીનાં ધામ. ધન્ય હો! ૪

ચોળી, ચણિયો, પાટલીનો ઘેર;
સેંથલે સાળુની સોનલ સેર;
છેડલે આચ્છાદી ઉરભાવ
લલિત લજ્જાનો વદન જમાવ.
અંગ આખે યે નિજ અલબેલ
સાળુમાં ઢાંકતી રૂપની વેલ;
રાણકતનયા, ભાવશોભના,
સુંદરતાનો શું છોડ!
આર્ય સુન્દરી! નથી અવનીમાં
તુજ રૂપગુણની જોડ;
ભાલ કુંકુમ, કર કંકણ સાર,
કન્થના સજ્યા તેજશણગાર. ધન્ય હો! ૫

ખેતરો ન્હાનાં, ન્હાની શી પોળ,
નાત જાતે ન્હાનડિયા ઘોળ;
ક્ષત્રીજાયાનાં ન્હાનલ રાજ્ય;
ધર્મના ન્હાનકડા જ સમાજ;
વૃદ્ધ ચાણાક્‌યે વર્ણ્યાં પૂર્વે
ન્હાનાં પ્રજાનાં તન્ત્ર,
એહ પુરાતનના પડછાયા
આ અમ જીવનજન્ત્ર :
એક ફૂલવેલે ફૂલતાં ફૂલ,
અમારાં એક સુગન્ધ અમૂલ. ધન્ય હો! ૬

દેશ નિજ તજી ધર્મ ને કાજ
સાગરે ઝુકાવ્યું સફરી જહાજ;
ધર્મવીર પારસીનો સત્કાર
જગત્‌ઇતિહાસે અનુપ ઉદાર;
ઇસ્લામી યાત્રાળુનું આ
મક્‌કાનું મુખબાર;
હિન્દુ મુસલ્‌મિન પારસીઓને
અહીંયાં તીરથદ્વાર :
પ્રભુ છે એક, ભૂમિ છે એક,–
પિતા છે એક, માત છે એક,–
આપણે એકની પ્રજા અનેક ધન્ય હો! ૭

નથી રમી સમશેરોના દાવ,
નથી ત્યમ ઘણા ઝીલ્યા યે ઘાવ;
શ્રીકૃષ્ણે કુરુક્ષેત્રની મ્હાંય
લીધાં વ્રત, જાણે હજી ય પળાય :
એક ઈડરના વનકેસરીએ,
ભડવીર બાપ્પારાવ,
વિશ્વવન્દ્ય સૂરજકુળ સ્થાપી
ચિતોડ કીધ યશછાંય :
જન્મભૂમિ દયાનન્દમાં ધામ,
ગાંધીનાં ગીતાજીવન નિષ્કામ. ધન્ય હો! ૮

સૂરતના રસિક રંગીલા રાજ,
બુદ્ધિધનભર્યો શ્રીનગરસમાજ;
શૂરવીર સૌરાષ્ટ્રી યશવાન,
કચ્છનાં સાહસિક સન્તાન;
ખંડખંડ વિસ્તરતો હિન્દી
મહાસાગર મહારેલ,
તીરતીર જઈ સ્થાપી ગુર્જરી
સંસ્થાનોની વેલ;
મહાસાગરના પૃથ્વીવિશાળ
સરોવર કીધાં ગુર્જરી બાળ. ધન્ય હો! ૯

વનેવન લીધો ઘટાસોહાગ,
જગતનો દીપે શું અમુલખ બાગ!
સજાવ્યા જૈને રસશણગાર,
લતામંડપ સમ ધર્માગાર;
ભારતીએ કંઈ ફૂલફુવારો
અંજલિમાં શું લીધ!
દિશદિશમાં ફૂલધાર ઉડાવી
દિલનાં પરિમળ દીધ!
હિન્દ માતની લાડિલી બાળ!
ગુર્જરી! જય! જય! તવ ચિરકાળ! ધન્ય હો! ૧૦