નવલરામ પંડ્યા/મન વિચાર

From Ekatra Wiki
Revision as of 05:38, 25 May 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨. મન વિચાર

જ્યારે આનંદ, શોક, ભય, આશ્ચર્ય ઇત્યાદિથી મન છલોછલ ભરાઈ જાય છે, અને આત્મા કેટલાક ક્ષણ લગી તેમાં ડૂબી જઈને કેવળ રસનો જે અનુભવ કરે છે, ત્યારે કાલ્પનિક અને તોલન શક્તિઓ અલોપ થઈ જાય છે. અને માત્ર રસેંદ્રિ તેના વિષય સાથે એકરૂપ થઈ ગયેલી રહે છે. એટલે ભોજ્ય અને ભોક્તાના જુદા ભાવ પણ જણાતા નથી, પણ કેવળ રસમગ્ન અવસ્થા આત્માની થાય છે. એવે પ્રસંગે મોહોડામાંથી માત્ર ‘હાસ! રે! હેં ઓ, હેં, વા!’ ઇત્યાદિ કેવળપ્રયોગી શબ્દો જ નીકળે છે, અને જ્યારે ભોક્તાપણાનું કંઈક ભાન થવા માંડે છે ત્યારે તે વિષય અને તેથી થયેલી અસર સંબંધી વિચાર ટૂંકા સાદા વાક્યરૂપે પ્રગટ થાય છે. “હે! મોહિની, હું તારા રૂપમાં ડૂબી ગયો છું! ઓ! જગતના નાથ, તારી કળા અકળ છે!” ઇત્યાદિ. આવા સમયનો પૂર્ણરસ એવો નિર્મળ અને સ્વસંબંધક છે કે કવિતાથી ચીતરી શકાતો નથી, કેમ કે કવિતામાં રસનું ચિત્ર આપવાનું સામર્થ નથી, પણ તે રસ માણસના હૃદયમાં જામીને વિચાર, વાણી, અને કર્મને દ્વારે નીસરે છે તેનું વર્ણન કરીને મૂળ રસનું ભાન કરાવે છે – પણ ઉપર કહ્યું તે પ્રમાણે પૂર્ણ રસના અનુભવીમાં તો વિચાર, વાણી, અને કર્મ એ ત્રણે નાશ પામે છે, અને ત્રિપુટીથી જીવ મુક્ત થાય છે, ત્યારે કવિથી અથવા કોઈ માણસથી પણ એ રસનું જ્ઞાન બીજાને શી રીતે આપી શકાય? જે કામ કવિતાથી થતું નથી તે કરાવવાને માટે કુદરતે એક અગમ્ય નિયમ રાખી મૂક્યો છે. રૂપ, રાગ, અને વિચાર એ ત્રણે જુદી જુદી વસ્તુ છે. તોપણ તે ઘણે પ્રસંગે માણસના મન ઉપર સરખી અસર કરે છે. માણસનું મન અને કાળા રંગ વચ્ચે સંબંધ તો કાંઈ નથી, પણ તે એકબીજાનું ભાન કરાવે છે. પ્યારીનો પ્રેમ એ નિરાકાર લાગણી છે અને ગુલાબનું ફૂલ એ રૂપધારી વસ્તુ છે, તોપણ તે બંને મનના ઉપર સરખી અસર કરે છે, અને તે જોયાથી જ આનંદ થાય છે એ એક જ પ્રકારનો છે. રંગ એ દૃષ્ટિનો વિષય છે અને સૂર એ શ્રવણેંદ્રિનો વિષય છે. નાના પ્રકારના સૂર પણ રૂપ અને વિચારની સરખી જ મન ઉપર અસર કરે છે. હવે દરેક રસની પૂર્ણ અવસ્થાને અનુકૂળ જુદા જુદા રાગ અથવા સૂરના સમુદાય હોય છે. એવો રાગ સાંભળ્યાથી તે રસનું ભાન થાય છે. કાર્ય ઉપરથી કારણનું મરણ થવું એ એક આપણા આત્માની ચલનશક્તિનો નિયમ છે; અને અગર જો રસરૂપી કાર્ય, બાહ્ય વસ્તુના આકાર, બીજા આત્માની આપણા સંબંધી ગતિથી, અને આપણા જીવના વિચાર એ ત્રણ જુદા પ્રકારના કારણથી ઉત્પન્ન થાય છે. તોપણ તેમાંના એકાદા કારણથી જામેલો સમરસ પેલાં બીજાં બે કારણનું સ્મરણ કરાવે છે (કેમ કે તેની અસર પણ ઘણું કરીને સરખી જ હોય છે) અને તે કારણનું સ્મરણ થયાથી તેના કાર્યની છાયા પણ આપણા મન ઉપર પડે છે. ઊંચામાં ઊંચી કવિતાનો એ ત્રણે કારણોની એકબીજાથી વ્યંજના કરીને કવિશ્વરો કરાવે છે, અને સામાન્ય કવિ એમાંના જે એક કારણનું વર્ણન કરતો હોય છે તેનું જ ચિત્ર આપ્યા કરે છે અને તેથી તે પૂર્ણ રસ જમાવી શકતો નથી. હવે રાગથી પૂર્ણ રસ જામે છે, અને જેનો જીવ બીજા કારણથી ઉત્પન્ન થયેલા રસમાં મગ્ન થઈ ગયો હોય છે તેની આગળ જો તે રસને અનુકૂળ રાગ ગાયો હોય તો તેની તે સમયની વૃત્તિ અને પેલો રાગ એકરૂપ થઈ જાય છે, અને રસનું પાત્ર કંઈ પણ અધૂરું રહી ગયું હોય છે તો તે છલોછલ ઊભરાઈ જાય છે. મૂળ રાગ ઉત્પન્ન થયેલા તે પણ એ જ રીતે. રસના અનુભવથી મસ્ત થયેલો આત્મા બીજા પ્રકારના રસનું સામ્ય શોધી પૂર્ણ રસ જમાવવાને માટે સ્વાભાવિક રીતે કોશિશ કરે છે અથવા એકાંતમાં સ્વચ્છંદ રીતે પ્રાપ્ત થયેલા રસનો પૂર્ણ ઉપભોગ કરતો થકો સમરૂપ રાગને પોતાના મુખદ્વારે સ્વાભાવિક રીતે માર્ગ આપે છે, અને સ્વાભાવિક રીતે એ રાગ નીકળી ગયાથી તે કેવળ રસમય થઈ જાય છે. ઉપર કહ્યા પ્રમાણે અનુભવ બીજાને રાગની મારફતે આપી શકાય છે. રાગમાં રડાવવાનું, હસાવવાનું, કુદાવવાનું, ઇત્યાદિ સામર્થ્ય કહેવાય છે. તેમાં લેશમાત્ર પણ અતિશયોક્તિ નથી. હાલ આપણે રાગને એવાં પરાક્રમ કરતો જોતા નથી તેનું કારણ એ છે કે સુધરેલા દેશોમાં વિવેકબુદ્ધિ ઘણી પ્રફુલ્લિત થયાથી તેની છાયા નીચેથી આપણી સઘળી લાગણીઓ ઘણી કરમાઈ ગઈ છે, અને તેમાં કેવળ ઇંદ્રિદ્વારે નિર્મળ રસ ચાખવાની શક્તિઓે તો ચિદાકાશમાં ઘણી વાર રમણ કીધાથી કટાઈ જ ગઈ છે. અને બીજું કારણ એ કે રાગ જે મૂળ સ્વાભાવિક આવેશ અવસ્થાના હતા તે મૂળ આવેશની ક્ષીણતાની સાથે ઠંડા પડી ગયા છે, અને તેમાં તાલમેલિયું ઘણું વધી ગયું છે. તોપણ હાલ રાગનું પ્રબળ છેક લય પામ્યું હોય એમ કંઈ નથી. હાલ પણ રાગથી દાબી રાખેલું પ્રીતિ દર્દ નેત્રદ્વારે ઊભરાઈ જાય છે. શૃંગારની મસ્તીને પુષ્ટિ મળે છે, ભક્તિનાં દટાઈ ગયેલાં બીજ પાંગરવા માંડે છે, અને પ્રસંગે પ્રસંગે દેશાભિમાનનું શૌર્ય આળસ મરડી આસપાસ બ્હાવરું બ્હાવરું જોવા જેટલું તો જાગૃત થાય છે. પણ આવી અસર હાલ કેવળ રાગથી (એટલે કવિતાની સહાયતા સિવાય) થવી ઘણી અસાધારણ છે. હાલ ઘણી બારીક લાગણીવાળા જ રાગનો પૂર્ણ રસાનુભવ કરી શકે છે –ઘણાખરાને માત્ર મીઠાશ જ લાગે છે. અને કેટલાને તો તેમ પણ થતું નથી. જે પૂર્ણ રસ કવિથી ચિતરાતો નથી તેનો અનુભવ ગવૈયાથી આપણે કરી શકીએે છીએ એમ આપણે ઉપર બતાવ્યું. પણ કેવળ રાગનું જોર જગતમાં સ્થાથી નથી, અને જ્યારે એનું પ્રબળ જગતમાં સંપૂર્ણ હશે ત્યારે પણ એ બીજા રસનું સ્મરણ જ કરાવી શકે છે તેથી બીજા રસનો જેને અનુભવ જ નહિ થયો હોય તેના ઉપર એની કંઈ ઝાઝી અસર નહિ જ થતી હોય. ત્યારે હવે શું કરવું? એવે પ્રસંગે રાગ કવિતાની સહાયતા માંગે છે. અર્થાત્‌ (Lyrical Poetry) ગાયન કવિતા ઉત્પન્ન થાય છે. એમાં પ્રાધાન્ય રાગનું જ હોય છે. આપણે પછાડી કહ્યું છે કે જ્યારે ભોક્તાપણાનું ભાન થવા માંડે છે ત્યારે તે વિષય અને થતી અસર સંબંધી વિચાર ટૂંકા વાક્ય રૂપે મનમાં પ્રગટ થાય છે. એવાં વાક્ય તે ગાયનની કવિતા. એ કવિતાનું સઘળું જોર તો રાગના ઉપર જ આધાર રાખે છે. કવિ એવા પ્રસંગને અનુકૂળ રાગ શોધી કહાડે છે (પોતાના અનુભવના ભંડારમાંથી જ તો) અને તે રાગમાં પેલા સાદા વિચારને સ્વાભાવિક નિયમે ગોઠવે છે. રાગથી મનની વ્યાકુળતા તો શ્રોતાના મનમાં ઊતરી જ રહેલી હોય છે. પણ લાગણી બારીક ન હોવાથી અને તે રસનો અનુભવ ન હોવાથી જે કારણની સૂચના તે રાગ કરે છે તે સમજાતું નહોતું તે હમણાં એમાંની કવિતાથી સમજાય છે. અને એ કારણ જાણ્યા પછી તેનું કાર્ય ઓળખવાની શક્તિ તો આત્મામાં થોડી ઘણી અનુભવ વિના પણ હોય છે. કિશોરાવસ્થામાં બાળક પ્રેમમાં જાતે ન પડ્યું હોય પણ Arabian nightsની લહેજત સમજી શકે છે. જે લોકોને ગાતાં નથી આવડતું તે ગાયન કવિતાના સાદા દસ વીસ શબ્દ વાંચીને કંટાળી જાય છે અને પૂછે છે કે એમાં કવિતા ક્યાં છે? પણ રાગ જે મૂળ તે કવિતાનો જીવ તેને જુદો પાડ્યા પછી તેઓને રસ ન માલમ પડે એમાં શી નવાઈ? એમાંના શબ્દ તો માત્ર તે અવસ્થાનું સ્મરણ કરવાને માટે જ કવિએે મૂક્યા છે, અને એ અવસ્થાનો રસ્તો રાગથી જ બતાવ્યો છે. એ જાતની કવિતાની ખૂબી તે માંહેના વિચારની સાદાઈ અને શબ્દરચનાની સરલતા ઉપર આધાર રાખે છે. શુદ્ધ ગાયન કવિતામાં વિચાર આટલો જ હોવો જોઈએ – વિષય અને તેથી થતી અસર. એ અસરનું લાંબું ચિત્ર નહિ, પણ એક બે શબ્દથી તે અસર સ્પષ્ટ રીતે ઓળખાય એટલું જ. શબ્દોની ગોઠવણ પણ (Logical) નહિ જ જોઈએે. એમાં માર્મિક શબ્દની ચાર પાંચ વાર પુનરુક્તિ કરવી, બે માત્રાના શબ્દને લંબાવીને છ માત્રાનો કરવો, વાક્યને અપૂર્ણ રાખવુંઃ એક જ અર્થનાં ઘણાં વિશેષણો વારાફરતી વાપરવાં, એક જ વિચારને નચાવ્યા કરવો – એ ગાયન કવિતાનાં દૂષણ નથી પણ ઘણાં ઉપયોગી ભૂષણ રૂપ અંગ છે. એમાં સંબોધન પ્લુત, રસમય શબ્દ તાલની જગો ઉપર, અને મૂળ વિચાર બતાવનાર શબ્દને ઘણો જ લંબાવવો – એ ગાયન કવિતામાં તો આવશ્યક છે. પંડિતાઈથી કસીકસીને ભરેલાં વાક્ય વાપરવાં એના જેવી ગાયન કવિતામાં બીજી મૂર્ખાઈ નથી. વિચારમાં કેટલી સાદાઈ જોઈએ એ નિર્માણ કરવું અશક્ય છે પણ એટલું ખરું કે રાગની સમજ કવિમાં અથવા શ્રોતામાં જેમ જેમ ઓછી થતી જાય છે તેમ તેમ તેની ખોટ પૂરી પાડવાને ગાયન કવિતામાં વિચારનું જોર વધારતા જાય છે. પણ એમાં ગાયનનું પ્રાધાન્ય તો રહેવું જ જોઈએ. ગાયન કવિતા તેના પ્રકૃતિ નિયમે જ તૂટક છે – એટલે માયાના ક્ષણે ક્ષણે અને સ્થાને સ્થાને બદલાતા અનંત રૂપમાંનું એક જ કોઈ ક્ષણના અને સ્થાનના રૂપનું દર્શન કરાવે છે. તેના સ્થાયી રૂપનું દર્શન થતું નથી. તે દર્શન વીરરસ કાવ્ય અને નાટકોથી થાય છે. ગાયન કવિતામાં શૃંગાર રસ બહુધા દીઠામાં આવે છે, પણ એ જ રસ આવવો જોઈએ એમ કંઈ નથી. સઘળા રસની ગાયન કવિતા થઈ શકે છે.

તા. ૨ જી મે - ૧૮૬૭