સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાકા કાલેલકર/“એ પુસ્તક આપી શકીશ નહીં!”
ફૂલ-સજાવટની બાબતમાં જાપાન દુનિયામાં સૌથી આગળ પડતો દેશ છે, તે આપણે જાણીએ છીએ. એટલે હું જાપાન ગયો ત્યારે ‘પુષ્પ-સજાવટ’ અંગેની એક ચોપડી ખરીદવાનું મેં નક્કી કરેલું. મારી સાથે એક-બે બહેનો હતાં. અમે ગયાં એક દુકાને અને માગણી કરી કે, “તમારો દેશ ફૂલ-સજાવટમાં બહુ કુશળ છે, તો તે અંગેની એક ઉત્તમ ચોપડી અમને આપો.” દુકાનદારે ચોપડી મગાવી. તરત આવી. મને આપી. મેં જોઈ. ચોપડી સુંદર હતી, પણ તેની બાંધણી જરા ઢીલી હતી, એટલે મેં કહ્યું, “તમારી ચોપડી તો સુંદર છે, પણ તેની બંધામણી જરા ઢીલી છે; એટલે બીજી નકલ હોય તો મને આપશો?” પેલાએ તપાસ કરી. પણ તે જાતનું એ એક જ પુસ્તક બચ્યું હતું, એટલે લાચારી બતાવતાં કહ્યું, “અત્યારે મારી પાસે બીજી નકલ નથી. તમને મંગાવી આપીશ.” પણ મારે એટલો સમય ક્યાં હતો? એટલે મેં કહ્યું, “વારુ, ત્યારે મને આ જ નકલ આપો; હું ચલાવી લઈશ.” તે કહે, “ના જી, હવે તો હું આપને એ પુસ્તક આપી શકીશ નહીં.” મેં કહ્યું, “પણ મને તે પસંદ છે. અને હું રાજીખુશીથી લઈ જાઉં છું.” “મને માફ કરશો? આપને હું એ પુસ્તક આપી શકીશ નહીં. આ પુસ્તક મારા દેશનું પ્રતીક છે. આવી નબળી બંધામણીવાળા પુસ્તકથી હું મારા દેશની પ્રતિષ્ઠાને ઝાંખપ નહીં લાગવા દઉં...” પછી કહે, “આપનું સરનામું મને આપશો? આવતી કાલે બરાબર બાર વાગ્યે મારો માણસ આપને ત્યાં આવીને તે પુસ્તક પહોંચાડશે.” અને ખરેખર, બીજે દિવસે મને પુસ્તક નવેસર બરાબર બંધાઈને મળ્યું હતું.