તખુની વાર્તા/ગૂમડું

From Ekatra Wiki
Revision as of 02:36, 27 May 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૩. ગૂમડું

આવ્યો છું ત્યારથી ઘરમાં કંઈ ગોઠતું નથી. કાં મારું પરિમાણ બદલાઈ ગયું છે કે પછી ઘરનું. આમ તો ચારેક વેકેશનથી આવું થયા કરે છે. ઉંમરનું કારણ હોય. તુવેરશીંગ ફાટે ને દાણો દડી જાય એવું જાણે મારી બાબતમાં થયું છે. એવું ન યે હોય. કેમ કે બાને પૂછ્યું. એણે, એખલો હે’રમાં રેઈ રેઈને એખલગંધરો થેઈ ગીયો છે એવું કહ્યું. એ ય સાચું. પણ હમણાં હમણાંની ઘરમાંથી કંઈ વાસ આવ્યા કરે છે, એટલું તો નક્કી.

ગયા શનિવારનો આવ્યો છું. આજે પૂરા ચાર દા’ડા થયા. ઘરકૂકડીની જેમ ઘરમાં જ અહીં-તહીં ફર્યા કરું છું. ચલાય એમ હોય તો જાઉં ને! આવવા નીકળ્યો તેના બે દહાડા પહેલાં ઘૂંટણે ફોલ્લી દેખાઈ. જોઉં તો બાલતોડો. ઉં ય બૉ આળહુ, તે કંઈ ધ્યાન ના આપ્યું, હવે ખાસ્સું ગૂમડું થયું છે. બા કે’ છે : તખલો બૉ આળહુનો પીર, હૂકી બોયડી તળે રખડી જહે. વાતે સાચી. મને દવાખાને જવાનો બૉ કંટાળો. હવે ગયે જ છૂટકો. આજે ખુમાને કઉં : ચાલ ખુમા! શાહને દવાખાને, નસ્તર ના મૂકવું પડે તો સારું. ઘૂંટણ એવું તો અકળાહી ગિયું છે એવું તો અકળાહી ગિયું છે કે ના પૂછો વાત. ભગવાન હાથ ફેરવીને હારું કરી દેય તો હારુ.

ઘરમાં હોઉં એટલે સાલી ભૂખ બૉ લાગે. ખાઉં ખાઉં ને ભૂખો. પગ વળી વળીને રસોડે વળે. મને જુએ કે બા કે’ : આ લંગરખાનની સવારી આવી પોં’ચી. આગલા ભાવમાં મારો તખલો ભૂખો ને ભૂખો મરી ગેયલો ઓહે. બે ભાઈઓ દિવાળીએ પરણ્યા પછી ઘરમાં હરવું ફરવું અઘરું થઈ ગયું છે. જ્યાં જઈએ ત્યાં લાજ કાઢેલી હોય. રજબૂતોમાં આ બૉ તકલીફ. જેઠ થયા એટલે બ્હાર બેઠે બેઠે આકરા તાપ ખમવાના. હજુ નાનો પરણશે એટલે છેલ્લી બારીના ફટકિયા પણ બંધ થઈ જશે.

હું બાને ઘણી વાર ક’ઉં : બા, આ લાજફાજવાળું જવા દે, મને બૉ અકળામણ થાય છે. સાલું જાં’ જાવ તાં’ કોઈ ને કોઈ બૈરું છતરી હામી ધરીને ઊભુ જ ઓ’ય તો તમે હું કરો? બા ઓહીને કે’ય : તું અજુ એવો ને એવો જ રિ’યો તખલા! તું તો સમાજબા’રો છે, અમને હો સમાજબા’રા કરવા છે!

દાંતણ કરતા કરતા જ બાની ચા માટે બૂમ પડી. બા કે’ છે : તખલા, તારા આ બરાસને પૂળો મે’લ, અંઈ રે તાં’ હુધી દાતણ જ કર. નીં તો બે વરહમાં હાવ બૉખો થેઈ જહે. તે મેં દાતણ લીધું. પણ સાલું બૉ વાગે. મોંમાં જાણે બાવળિયાની શૂળ ફરતી હોય એવું લાગે છે. અવાળા છોલાઈ ગયા છે ને બધું ઝઝરી ઊઠ્યું છે. કોગળા કરી રસોડે ગયો તો સામે જ બન્ને છતરી ભટકાઈ!

રસોડે ભાઈ, બાધર ને ખુમાન બેઠા છે. ચા રકેબીમાં રેડી ભાઈ દાઢીનો વાળ તોડતા તોડતા બોલ્યા : હારુ ખેતીમાં અ’વે કંઈ બરકત ર’ઈ છે નથી. એક પછી એક વરહ બૉ વહમા આવે છે. ઘરનો ખરચો હો નીકળતો નથી. બે પ્રસંગ ઉકેલતા મારી કેડ ભાંગી ગેઈ છે. પછી મારી સામુ જોઈ કે’ : અ’વે તો નોકરીવાળા કંઈ મદદ કરે તો જ પોં’ચાય.

મેં માથું ખંજવાળ્યું, ચા પીવા લાગ્યો. બા, અં’ઈ ચામાં દૂધ લાખવાનો રિવાજ નથી લાગતો. મેં જોયું, ચામાં માખી પડે એવો અણગમો બધાના મોં પર હતો. ખુમા સિવાય. તાં’ એક ઘૂમટો બોલ્યો : હવારે પાન્છેર દૂધ લાવીયે છીએ. પોં’ચી વળાવું જોઈએ ને! મને થયું, લો, મગને હો પગ ફૂટવા માંઈડા છે ને કૈં! બા ચિડાઈને બોલી : એખલગંધરો એખલા દૂધની પી પીને ફાટી ગિયો છે! ભાઈએ રકેબીમાં મોટેથી ફૂંક મારી. બેતણ છાંટા એમના ધોળા પાયજામા પર પડ્યા. બોલ્યા : એવું ઓ’ય તો આ કૂવાવાળું વેચી મારીએ. આ બેને પઈણાઈવા એનું દેવું હો ચૂકવવું તો પડહે જ ને? ભાભી જાળિયામાંથી જોતી હતી એ બાજુ મારું ધ્યાન ગયું. ઝાડીમાંથી રાણીબિલાડી તાકે એમ એની માંજરી આંખો તગતગતી હતી. મારી સાથે આંખ મળતાં તરત જસ્યાને પાંખડુ ખેંચીને, એમાં હું હાંભળવાનું છે – મોટાઓની વાતમાં, એમ બબડતાં બબડતાં નાવણિયા બાજુ તાણી ગઈ. જસ્યાના ઊં ઊં અવાજનો ભૂખરો લીંટો ખેંચાયો. એટલામાં ચટકો લાગ્યો. જોઉં તો ઘૂંટણના ગૂમડે બેતણ માંખો પગથી પક્કડ જમાવી સૂંઢથી પરુવાળો પોપડો ખોતરે – તારી બેન્ની માખી વેચુ! બાધર ઝીણી આંખ કરી આંગળીના કાપા ગણતો હતો : ચાલ તા’રે દુકાને જાઉં! સાડા આઠ થેઈ ગીયા છે. એ ઊભો થયો. ખુમાન અંગૂઠા અને આંગળી વચ્ચે કશુંક મસળતો હતો. એના ડાબા અંગૂઠાના વધારેલા નખમાં કચરું ભરાયું તે અણખત થઈ. એટલે હાથ ખંખેરી એ હો ઊભો થયો : ડૉ. શાહે એપોઈન્ટમેન્ટ આપી છે. જોઉં કંઈ એરેન્જ થાય તો! મેં પૂછ્યું : કંઈ આપશે કે પછી – મને વચ્ચે બોલતો અટકાવી કહે : ઍક્સપીરીયન્સ મળે તોય ઘણું! એ ગયો એટલે ભાઈ ઊઠ્યા : ખેતરે આંટો માર્યાઉં ની તો કેહવો હેઢે બેઠો બેઠો બીડ્યો ફૂંક્યા કરહે! મેં હો ઊઠવા કર્યું. પગ વાળવા જતા ગૂમડાની ચામડી ખેંચાઈને ફાટી તે પરુનો પરપોટો થયો.

બ્હાર ઓટલે આવ્યો. ફતો ખાટલા પર બારમાનું ગણિત સામે રાખી નોટમાં સહી કરવાના મરોડ કાઢતો હતો.

– અગિયારમામાં કેટલા ટકા આવ્યા?

– ફીફટી થ્રી.

– કેમ, ભાઈ તો તેપ્પન કે’તા’તા ને? બા બોલી.

– તને કંઈ હમજણ ની પડે ને? ફતો ચિડાયો.

– હારુ, બરાબર મે’નત કર. એ બીજી બાજુ જોવા લાગ્યો.

– તખા, આને ગણિત હીખવતો ઓ’ય તો?

– બા અ’વે તો ગણિત હો હારુ બદલાઈ ગિયું છે. કંઈ મોંમાથાની હમજણ પડે એમ નથી. માસ્તરોએ પહેલા ધોરણના એકડા હો હીખવવાના અઘરા કરી દીધા છે. કે’ છે : બન્નેવ એકડા અગિયાર નંઈ, દહ એક અગિયાર! હું હક્કરિયા, દહ એક અગિયાર? અમારા જમાનામાં હારુ અતુ, બા બોલી. એટલામાં ફતો કે’ : તખુભાઈ ટી.વી. આણ્યાપો ની. બૉ હારી સીરિયલ આવે છે અમણાં અમણાંની. બાને હો રામાયણ મા’ભારત જોવા માનસિંગ બાવાને તાં’ જવું પડે છે. એનાથી પૈહા છૂટહે તા’રે ને? : બાએ કહ્યું.

– જા સોફ્રામાઈસીનની ટ્યૂબ લઈ આવ, જરા ઘૂંટણે ઘહી દઉં, મેં કહ્યું.

– દાખલો ગણીન જામ! એણે સહીનો મરોડ કાઢતાં કાઢતાં કહ્યું.

– ભાઈએ ક’યું તે હાંભરતો નથી? બા તાડૂકી. એ મઈડાયલા પગલે ઘરમાં ગયો અને ક’યું : નથી મલતી! ને કાને રેડિયો માંડીને મલકાતો લચકાતો બ્હાર આવ્યો.

હું બ્હાર જોવા લાગ્યો. ફળિયામાં છોકરા લખોટી રમતા હતા. ગદી પર રમત ચાલતી હતી. વચ્ચે વચ્ચે ‘અંચી ની ચાલે, અંચી ની ચાલે’ના અવાજો આવતા હતા. કોઈ જોરથી સ્લેટમાં છેકા મારતું હોય એવું મગજમાં થતું હતું. મોટા છોકરા તીર રમતા હતા. ‘અટિયુ લાઈગુ, અટિયુ લાઈગુ’નો શોરબકોર ચાના ઊભરાની જેમ ઊઠી ઊઠીને બેસી જતો હતો. એટલામાં પિન્કી રડતી રડતી આવી : મન રખોટી અલાવો ની! એણે જસ્યા સામે હાથ દેખાડતાં કહ્યું. જસ્યો ત્રાંસી આંખ કરી થાંભલાના ટેકે પહોળા ટાંટિયા કરી, બંને હાથ પાછળ બાંધી વિશ્રામની પોઝીશનમાં ઊભો હતો. તાણીયો જ જોઈ લ્યો! જસુ બેટા, અ’ઈં આવ, બેન્ને એક લખોટી આપ. : એ થોડે છેટે આવીને ઊભો રહી ગયો. એણે બ્હારથી એક હાથે ખાખી ચડ્ડીના ખિસ્સામાંની લખોટી પકડી રાખી હતી. : પિન્કી બેટા! તને હાંજે બજારેથી બૉ બધી લાવ્યાલીશ. પણ પિન્કીનો ભેંકડો મોટો થયો. : જસ્યા, બેન્ને એક આલે છે કે ની? બા તાડૂકી. જસ્યો દોડતો રસોડામાં નાસી ગયો. પોયરા પાહે મૂળમાં જ બે છે, તે કાં’થી આલે? : રસોડેથી અવાજ આવ્યો. બા ઘરમાં ગઈ. થોડી વારે ટ્યૂબ લઈને બહાર આવી : લે! અલાધિયાને હોધતા હો જોર પડે. નથી ઘહવી, કહી મેં ટ્યુબ નીચે મૂકી.

જઈને બાજુની પરસાળમાં સૂતો. થોડી વારમાં રાતુંપીળું અંધારું પથરાઈ ગયું. જોઉં તો પાંચસાત કુરકુરિયા ન્હોરથી ઘરના પોપડા ખણી રહ્યા છે. પોપડા ઊખડી ઊખડીને છૂટા પડવા લાગ્યા. કુરકુરિયા જોરજોરથી ન્હોર મારવા લાગ્યા તે છાપરું હો પોપડાની જેમ ઊખડીને ઊભું પડ્યું. મારી પૂંછડી દબાઈ ગઈ. ખેંચી તો મૂળ સોતી નીકળી ગઈ. બધા ઘૂરકતા ઘૂરકતા પોપડા ચાવવા લાગ્યા. ખાઈ ખાઈને ઓકે. ખાઈ ખાઈને ઓકે. હું જોઈ રહ્યો. હું બધાની આગળપાછળ ફરીફરીને અટકાવવા લાગ્યો. કંઈ ના વળ્યું. એટલે મેં હો એક પોપડો મોઢામાં મૂક્યો. મોઢામાં સળવળ સળવળ થયું. જોઉં તો અળસિયું લટકે. ત્થૂ – ત્થૂ.

– તખા, ખાવાનું કા’ઈડુ! બાનો અવાજ આવ્યો.

હું ઊઠ્યો. વાડામાં જઈ હાથ-મોં ધોઈ રસોડે આવ્યો. ભાઈ, બાધર, ખુમાન ને ફતો બેઠા હતા. ભાભી ખાવાનું કાઢતી હતી. બા પીંજરાને અઢેલી બેઠી હતી. મને લંગડાતો જોઈ ખુમાન બોલ્યો, કેમ લાગે છે? બા કે’ : હેઠની ગાંણે ફોલ્લો થિયો તે પંપાળીને મોટો કઈરો! કહું છું કે દવા લો! નહીંતર આખ્ખો પગ કોહી જશે. થહેં, : મેં થાળી પાસે ખસેડતાં કહ્યું. થાળીમાં જોયું તો ગિલોડાંનું શાક! : આ કાઢી લે! મેં બાને કહ્યું. – ખુમાને, ના ક’ઈતી તો હો એને ભાવે એટલે એ જ લાઈવો.

કેમ નથી ભાવતું? : ભાઈએ પૂછ્યું. કે’વાનું મન થયું કે – ગિલોડા મોંમાં લાખું તા’રે એટલું લીહુ લાગે કે અળસિયાં ચાવતો હોઉં એવું થિયા કરે! મને ઓકારી આવી.

– માનસિંગબાવા મળેલા, વીંઘાના છેલ્લામાં છેલ્લા હાત અ’જાર કે’ છે. ભાઈ બોલ્યા.

બાધર ઝીણી આંખ કરી સામે જોવા લાગ્યો – સાપ દેડકું ગળવા તાક માંડે એમ.

– તારા બાપે પેટે પાટા બાંધીને આટલું બચાઈવું છે, બા બોલી.

– તને ની હમજણ પડે. બાધર બોલ્યો.

– મારે હો દુકાન હમી કરાવવાની છે ને માલ ભરવાનો છે! એણે કોળિયો ભર્યો.

– કેટલાક આવશે? ખુમાને પૂછ્યું.

– કૂવાવાળું માગે છે. એટલે સીત્તેરેક અ’જારનો આસરો ખરો, ભાઈ બોલ્યા. ત્યાં અવાજ થયો. જોઉં તો ભાભીએ દાળના તપેલામાં કડછો પછાડેલો. દાળના છાંટા ઊડ્યા. બા, જસ્યા ને મારા પર પડ્યા. જસ્યો દાઝ્યો તે ભેંકડો તાણવા માંડ્યો. બાના ગાલે હો છાંટો ઊડ્યો. પરુભરેલી ફોલ્લી જેવો.

ખાઈને ઓટલે બેઠો. સામેવાળા કાનજીમામા કોગળા કરવા બ્હાર નીકળ્યા. મને જોઈને કે’ :

– હુ ચાલે છે માસ્તર?

– બસ મજા!

– તમને માસ્તરોને હારી લ્હેર છે! છ મહિના જવાનું ને છ મહિના રજા!

– તમારો ધંધો કેમ ચાલે છે, મામા?

– જાગતો ના મૂતર, મામાએ કહ્યું. પછી કે’ : કલ્લુનો અડ્ડે બેહું છું પણ તમારા જેવું નઈ.

– કેમ?

– કેમ તે તમે તો માસે માસે તર તે માસ્તર. અમારે વાદળાં હામે જોઈને કાયમ નિહાહા લાખવાના!

– ના, ના, એવું હોય કૈં?

– મામાની વાત હાચી છે. તમારે કાં આગળ ઉલાળ કે પાછળ ધરાર છે? ભાઈ બોલ્યા.

– જો માસ્તર, ખોટું ના કો’. અ’મણાં હો પગાર વઈધા છે. ટુશન જુદા, અ’વે ના ઢાંકો એમાં જ માલ છે. અમે હો છાપા વાંચીએ છીએ.

– ગુજરાતીવાળાને હાના ટુશન મલે?

– રોદળા ના રડ! લખમી આવતી ઓહે તોહો ચાલી જહે, બા બોલી.

– હારુ, તો તમારા મરઘે હવાર, બસ. મેં કહ્યું.

– માસ્તર આજે બરાબરના હાપટમાં આઈવા છે. મામા ગેલમાં આવી ગયા. બધા હસવા લાગ્યા.

હું પરસાળમાં જઈ ખાટલામાં આડો પડ્યો. ક્યારે ઊંઘ આવી તે હો ખબર ના પડી. છેક પાંચ વાગ્યે ઊઠ્યો. શરીર જાણે ફૂલીને ઢીમચું થઈ ગયું છે! ઝણઝણાટી થયા કરે છે. આંખ આગળ જાળા ઝૂલ્યા કરે છે. પાકેલા કાનમાં કોઈ સળી નાંખે એમ વિચારો પ્રવેશ્યા કરે છે.

બા ચા લઈને આવી : મોં ધોઈને ચા પી લે!

મોં ધોઈને ચા પીધી. ખુમાન આવ્યો. પેન્ટ-શર્ટની ગડી ના તૂટે એટલે સામે ખાટલાની ધારે બેઠો. એના અણિયાળા બૂટ ચમકે છે. સ્પ્રેની વાસથી બધું મઘમઘવા લાગ્યું. સવારની વાત યાદ આવતાં મેં પૂછ્યું :

– શું કહ્યું ડૉ. શાહે?

– જુનિયર ડૉક્ટરની જગ્યા તો ફીલઅપ થઈ ગઈ છે.

– અ’વે હું કરહે? બા બોલી.

– તખુભાઈ ! તમે થોડીક હેલ્પ નહીં કરો? મોટાભાઈ લુખ્ખા છે ને બાધરભાઈ તો રૂપિયો ય તોડે એવા નથી.

– મારી પાસે પણ અત્તારે તો કશું નથી.

– આઈ નૉ. પણ પી.એફ.માંથી લૉન ના મળે? પાંચ-સાત વરસમાં તો હું જામી જઈશ.

મને કહેવાનું મન થયું : તારા હોમિયોપથી માટેના ડોનેશનની લૉન હમણાં પૂરી

થઈ છે. હું એની સામે તાકી રહ્યો. મને એના સ્પ્રેની ગંધ ગૂંગળાવવા લાગી.

– થોડો વખત પ્રાઈવેટ હૉસ્પિટલમાં જોબ કર. થોડા પૈસા થાય ત્યાં સુધીમાં હું પણ થોડા ભેગા કરું.

બા અકળાઈ : મૂળમાં મે’તો તે એકડે એક કે’તો.

– એમાં તો મારી અડધી લાઈફ પૂરી થઈ જાય. કોઈ ના હેલ્પ કરશે તો બેંકમાંથી લૉન લઈ જાતે ડિસ્પેન્સરી કરીશ : હાથ ઝાટકીને એ ઊઠી ગયો.

હું જોઈ રહ્યો. પગ ઊંચો કરવા ગયો. ચીસ પડાઈ ગઈ. લોહીનું પરુ થતાં ભારે કળતર થતી હતી. મુક્કી મારવાનું મન થયું. પણ હિંમત ના ચાલી. એટલે સોઈ શોધવા લાગ્યો. સોઈ ના મળી પણ જેપીન મળી. ગૂમડાને ખોતરવા બેઠો. ખુમાન પાણી પીને પાછો આવ્યો. મને ખોતરતો જોઈ કહે, જેપીનથી ના ખોતરાય! હવે તો નસ્તર જ મુકાવવું પડશે. ચાલો ડૉ. શાહ પાસે.

મારી નજર સામે ગૂમડાં ગંધાવા માંડ્યાં. બાલતોડાથી થયેલાં ગૂમડાં-કોઈ ફોલ્લી, કોઈ પાકે ચડેલું, કોઈ પાકીને ફદફદી ગયેલું ગૂમડું. ઘર આખામાં ગૂમડાં ગૂમડાં. એક જ લોહીની ફુલક્યારી ધીમે ધીમે પરુનું ગૂમડું બની ગયેલી દેખાઈ. એના પરના રતુંમડાં ફુલો પાકે ચડીને પીળાપચ ગૂમડાં થઈ ગયેલાં. મને બા દેખાઈ. પીંજરાને ટેકે બેઠેલી બાનું ઘૂંટણ ને આ છાપરિયું ઘર! બંને એક જેવા! એના પર વારતહેવારે સ્પ્રે થતાં રહે છે. ખુશ્બૂ અને બદબૂ વચ્ચેની મગજને ચકરાવી દેતી એ વાસ! ઘણા વખતથી ઘરમાં દાખલ થતાં વાસ કેમ આવતી હતી? મેં નાક દાબી દીધું. ખુમો સ્હેજ દૂર ખસી ગયો ને પૂછ્યું : શું થયું?

– ખુમા! અમદાવાદ પેસેન્જરનો શો ટાઇમ છે?

– સાત વીસ! કહેતા એની ભ્રમર પણછની જેમ ખેંચાઈ. એ ડાબા અંગૂઠાના ઉછેરેલા નખ પર આંગળી ફેરવવા લાગ્યો.


એતદ્ : એપ્રિલ-જૂન ૧૯૮૯