કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/હેતુ વિના ન્હોય હેત

From Ekatra Wiki
Revision as of 01:10, 31 May 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૨. હેતુ વિના ન્હોય હેત

હેતુ રે વિનાનાં ન્હોય હેત,
હરિ! અમે જાણ્યાં એ તારાં સમેત,
જગમાં હેતુ રે વિનાનાં ન્હોય હેત.
પાટે બેસાડી એનાં પૂજન થાતાં
જ્યાં લગ દીવી સચેત;
દેહ વિનાનો એનો આતમ આવ્યે
તગડી મૂકે કહી પ્રેત.
જગમાં હેતુ રે વિનાનાં ન્હોય હેત.
પરસેવો પાડે રૂડાં ખાતર પૂરે કાં કે
મોંઘા દિયે છે મોલ ખેત;
કોઈ ન ચાસ એક પાડે એ ભોમમાં,
જ્યાં રણ કેરી ઊડે છે રેત.
જગમાં હેતુ રે વિનાનાં ન્હોય હેત.
ઓ રે દુનિયાના માલિક! તારા ય હેતનો
જાણી લીધો છે અમે ભેદ;
તારી લીલાને કાજે સૃષ્ટિ બનાવી તેં તો,
શાખ પૂરે છે તારા વેદ.
જગમાં હેતુ રે વિનાનાં ન્હોય હેત.

(રામરસ, પૃ. ૩૬)