કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/મારી ગઝલમાં

Revision as of 02:48, 31 May 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <br> <center><big><big>'''૩૯. મારી ગઝલમાં'''</big></big></center> {{Block center|<poem> અસલના ઉતારા છે મારી ગઝલમાં, કે મોઘમ ઇશારા છે મારી ગઝલમાં. રૂપાળા તિખારા છે મારી ગઝલમાં, સળગતા સિતારા છે મારી ગઝલમાં. સહારે સહારા છે મ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૩૯. મારી ગઝલમાં


અસલના ઉતારા છે મારી ગઝલમાં,
કે મોઘમ ઇશારા છે મારી ગઝલમાં.

રૂપાળા તિખારા છે મારી ગઝલમાં,
સળગતા સિતારા છે મારી ગઝલમાં.

સહારે સહારા છે મારી ગઝલમાં,
કિનારે કિનારા છે મારી ગઝલમાં.

નથી હોતું ઓસડ કહ્યું કોણે મીઠું?
ઘણા બોલ પ્યારા છે મારી ગઝલમાં.

નથી દર્શ એનાં થયાં જિંદગીને,
પ્રસંગો કુંવારા છે મારી ગઝલમાં.

જીવનમાં હલાહલ ભળ્યું છે પરંતુ,
અમીના ફુવારા છે મારી ગઝલમાં.

વિસંવાદ તારો નથી એમાં, દુનિયા!
ફકત ભાઈચારા છે મારી ગઝલમાં.

જગતને કરી દે ગમે ત્યારે જાગ્રત,
કલંદરના નારા છે મારી ગઝલમાં.

રહ્યો છું ભલે ઘૂમી બેહોશ ‘ગાફિલ’,
છૂપા હોશ મારા છે મારી ગઝલમાં.

(બંદગી, પૃ. ૧૪-૧૫)