સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાકા કાલેલકર/સાધુવેશ વિનાના સંન્યાસી
૧૯૦૯માં હું મુંબઈમાં ‘રાષ્ટ્રમત’ દૈનિકના તંત્રીમંડળમાં કામ કરતો હતો. એ મરાઠી દૈનિક રાષ્ટ્રીય વિચારોનો પ્રચાર કરવા શરૂ થયેલું. ‘રાષ્ટ્રમત’ પ્રેસ ગોઠવવાની તૈયારી ચાલતી હતી તે જ વખતે સરકારે લોકમાન્ય તિલકને બંગાળની અરાજક હિલચાલ સાથે સહાનુભૂતિ બતાવવાના આરોપસર છ વરસની સજા કરી બ્રહ્મદેશમાં મોકલી દીધા. મહારાષ્ટ્રમાં રાષ્ટ્રીય હિલચાલ આ કારણથી અસ્તવ્યસ્ત થઈ ગઈ ને બગડેલું વાતાવરણ ઠેકાણે લાવવાનો પ્રયાસ ‘રાષ્ટ્રમતે’ શરૂ કર્યો. ‘રાષ્ટ્રમત’ લોકપ્રિય નીવડયું પણ ફતેહમંદ નીવડયું નહિ. તેના પર કરજનો ભારે બોજો આવી પડ્યો. બેલગામના શ્રી ગંગાધરરાવ દેશપાંડેએ છાપું પોતાના હાથમાં લીધું અને પગારદાર નોકરોને બદલે સ્વયંસેવકોની મારફત પત્ર ચલાવવાનું શરૂ કરી દીધું. વરાડ-નાગપુરથી માંડી કર્ણાટક સુધીના સ્વયંસેવકો કામ કરવા ભેગા થઈ ગયા હતા. બે વખત ખાય અને આખો દિવસ કામ કરે. બધા સરખી રીતે રહે એવી ત્યાંની વ્યવસ્થા હતી. ઘણા લોકો પાસે ખાનગી કપડાં પણ ન હતાં. જે ધોતિયું જેના હાથમાં આવે તે એ પહેરી લે અને બધાં ધોતિયાં એકસામટાં ધોઈ નાખવામાં આવે, એવી ગોઠવણ હતી. જેને જે સૂઝે તે કામ તે કરે. તે વખતે અમારી સંસ્થામાં એક પાણીદાર દૃષ્ટિવાળો જુવાન — અથવા બાળક કહું તો ચાલે — આવી ચડયો. આવ્યો કે તરત જ એણે બધા સાથે દોસ્તી બાંધી. સાંજે અગાસીમાં બેસી અમે તંત્રીપદને છાજે એ રીતે દુનિયાના એકેએક વિષય પર ચર્ચા કરતા, તેમાં આ છોકરો પણ છૂટથી ભાગ લેતો. એની ધૃષ્ટતા જોઈ મને મારા સ્વભાવ પ્રમાણે રીસ ચડવી જોઈતી હતી. પણ તે છોકરો એટલી નિર્વ્યાજ વૃત્તિથી બોલતો કે રીસને બદલે મને એને વિષે કૌતુક લાગ્યું. એ પોતાને સ્વામી આનંદાનંદને નામે ઓળખાવતો હતો. આ સ્વામી ક્યાંના છે, ક્યાંથી આવ્યા છે, એમની યોગ્યતા શી છે, એમાંનું હું કશું જાણતો નહોતો. એક દિવસ મેં આ બાળ સ્વામીજીને પૂછ્યું : “સ્વામીજી, આપે ધાર્મિક ગ્રંથો તો ખૂબ વાંચ્યા હશે?” સ્વામીજી ઉદ્દામ બેદરકારીથી બોલ્યા : “હું એક સ્વદેશને ઓળખું છું. રાજકારણ એ જ મારો ધર્મ છે.” મેં કહ્યું : “ત્યારે તમે સંન્યાસી શાના?” સ્વામીજી કહે : “અમે તો એવા સંન્યાસી.” મેં કહ્યું : “ધર્મથી આપ આટલા ભડકો છો શા માટે? ધર્મ કંઈ રાજકારણની આડે નથી આવતો. ઊલટું રાજકારણમાં જે બળ જોઈએ છે તે ધર્મમાં જ મળી શકે છે.” “એમ હોય તો ધર્મ સામે અમારો વાંધો નથી. પણ અત્યાર સુધી મેં ધર્મમાં એવું કશું જોયું નથી.” “તમે ધર્મના જૂના ગ્રંથ જોયા હશે. તમે વિવેકાનંદ વાંચ્યો છે? વિવેકાનંદ વાંચો એટલે ધર્મ દ્વારા દેશભક્તિ કેવી સરસ કેળવાય છે એનો તમને ખ્યાલ આવશે.” આ બધું સંભાષણ શુદ્ધ મરાઠીમાં ચાલતું હતું; વચમાં કેટલાક અંગ્રેજી શબ્દો આવતા એટલું જ. આ બાલ સ્વામી મહારાષ્ટ્રી નથી, એવી મને શંકા સરખી ન આવી. સ્વામી આનંદાનંદ એ મૂળ કાઠિયાવાડના. બાળપણમાં મુંબઈમાં જ રહેલા. નિશાળની અને તેમની ઓળખાણ બહુ જૂજ હતી; પછી બે વચ્ચે સ્નેહ તો શાનો હોય? નાનપણમાં માબાપે દીકરાને પરણાવવાનો વિચાર કર્યો. દીકરાના મનમાં વસી ગયું હતું કે પરણવામાં શ્રેય નથી. ત્યાર પછી ઝાઝા દિવસ સુધી ઘેર રહેવું અશક્ય હતું. તેઓ યાત્રાએ નીકળ્યા. સંન્યાસની દીક્ષા લીધી અને તિલકના દૌરામાં ભળી વરાડમાં ગયા. ત્યાંના અવિશ્રાંત કાર્યકર્તા વીર વામનરાવના કુટુંબમાં ભળી ગયા. હજારો લોકોની મોટીમોટી સભાઓમાં વ્યાખ્યાનો દેવા લાગ્યા. ‘તરુણ હિંદ’ નામનું મરાઠી છાપું તેમણે શરૂ કર્યું. પોલીસે તેમને જેલમાં બેસાડી મૂક્યા. વરાડ પ્રાંતમાં એવું એક પણ ગામડું નહીં હોય કે જ્યાં સ્વામીની વીર હાકલ ન પહોંચી હોય. થોડા જ દિવસમાં ‘સો સભાનો વીર’ એવું નામ તેમને મળ્યું. ‘તરુણ હિંદ’માં બહુ સારા લેખો આવતા. તેની અંદર દાવપેચવાળું રાજકારણ નહોતું; રાષ્ટ્રીય પક્ષનાં સીધાં અને તેજસ્વી તત્ત્વો જ. લેખનશૈલીમાં અપરિપક્વતા જરૂર જણાતી, છતાં કલકત્તાના ‘વંદેમાતરમ્’ની છાપ તેમાં સહેજે દેખાઈ આવતી. ‘રાષ્ટ્રમત’ બંધ પડ્યા પછી સ્વામીએ થોડો વખત રાષ્ટ્રીય અને ધાર્મિક સાહિત્ય વાંચવામાં ગાળ્યો. ગુજરાતી સાહિત્ય તો તેમણે નાનપણમાં જ પૂરું કર્યું હતું. ‘સરસ્વતીચંદ્ર’ અને ‘કલાપી’ એ તો તે જમાનાના ગુજરાતના નવયુવકોમાં ‘મહાભારત’ ને ‘ભગવદ્ગીતા’ સમાન હતાં. સ્વામી મને ‘કલાપી’નાં કેટલાંયે સરસ સરસ કાવ્યો વાંચી સંભળાવતા. મૂળદાસની વાર્તા અને વ્હાલી બાબાનું કરેલુ સાંત્વન, ઘાયલ પંખીને ઉદ્દેશીને લખેલી કવિતા અને વૃદ્ધ ટેલિયાનું શબ્દચિત્ર એમની પાસે હું સાંભળતો. ગુજરાતી ભાષા મને આવડે નહિ, પણ કલાપીના કરુણરસપૂર્ણ વિચારોથી હું વાકેફ થયો. અશ્રુ, મૃત્યુ ને રુદનથી ભરપૂર એ સાહિત્ય તરફ આ જુવાન અને હિંમતવાન સ્વામીનું મન કેમ આકર્ષાયું, એનું મને આશ્ચર્ય થતું. ‘સરસ્વતીચંદ્ર’ અને ‘કલાપી’ની અભિરુચિ વિદગ્ધ અને સંસ્કારી છે એમાં શક નથી, પણ બંનેમાં હૃદયદૌર્બલ્ય પૂરેપૂરું છે; અને યુવાવસ્થામાં એવા સાહિત્યના પાનથી એક જાતની ક્ષીણવીર્ય ઉન્મત્તતા આવી જાય છે એમ હું માનતો. પણ સ્વામી ઉપર તેની અસર મેં જોઈ નહિ. મને લાગે છે કે એનું કારણ એ જ હશે કે જેટલા રસથી તેમણે ‘કલાપી’ ને ‘સરસ્વતીચંદ્ર’નું અધ્યયન કર્યું હતું તેટલા જ રસપૂર્વક કાઠિયાવાડનું પ્રાણવાન લોકસાહિત્ય તેમણે સાંભળ્યું હતું. એવી ભૂમિકા ઉપર રાષ્ટ્રીય પક્ષના વિચારોનું વાવેતર સરસ થવું જ જોઈએ. મહારાષ્ટ્રમાં આવ્યા પછી સ્વામીએ મરાઠી સાહિત્ય પર હુમલો શરૂ કર્યો. ‘કેસરી’નાં લખાણો ને પરાંજપેનાં વાગ્બાણ, સાવરકરના તેજાબ જેવા લેખ ને પાંગારકરનાં ભક્તિરસપૂર્ણ પ્રવચનો, આપટેની નવલકથાઓ અને તિલકની કવિતા — દરેક વસ્તુ સાથે એમનો સારો પરિચય થયો. નાનપણથી જ સેવાવૃત્તિની મોહિની એમની પાસે હોવાથી તેઓ આત્મોન્નતિના અનેક પ્રસંગો સહેજે મેળવતા, ને દરેક પ્રસંગનો પૂરેપૂરો લાભ મેળવવાની આવડત તેમનામાં હતી. બીજાનું દુઃખ જોઈ જેનું હૃદય સહેજે પીગળી જાય છે તેના જીવનમાં બહુ જલદીથી ક્રાંતિ થઈ જાય છે. રાજકારણનું રૂપાંતર ધાર્મિકતામાં થયું અને મિત્રપ્રેમનો વિકાસ થઈ તેનું રૂપાંતર ગરીબોની દાઝમાં થઈ ગયું. સ્વામીને લાગ્યું કે આપણે કંઈ પણ ધાર્મિક સાધના કરવી જોઈએ. તેઓ હિમાલયમાં ગયા અને ત્યાં ગાયત્રીનું પુરશ્ચરણ શરૂ કર્યું. સ્વામી વિવેકાનંદના માયાવતી મઠનું દર્શન કરીને તેઓ આલ્મોડામાં આવ્યા. પુરશ્ચરણ દરમિયાન માનસરોવર ને કૈલાસનાં દર્શન કરવાનો સંકલ્પ તેમણે મનમાં બાંધ્યો. આમ નિવૃત્તિમાર્ગ તો સ્વીકાર્યો, પણ પ્રવૃત્તિની કંબલ બાબાકો છોડે તેવી નહોતી. આલ્મોડામાં ‘હિલ બોય્ઝ સ્કૂલ’ કરીને એક નિશાળ હતી, તેમાં ભણાવવાનું કામ કરવાનું સ્વામીને સૂઝ્યું અને ઘણા પહાડી વિદ્યાર્થીઓ તેમની આસપાસ વીંટળાઈ વળ્યા. હિમાલયમાં બેઠાંબેઠાં તેમણે ધાર્મિક સાહિત્યનું અધ્યયન સારી રીતે ચલાવ્યું હતું. ‘ગીતા’ અને ‘ઉપનિષદ્’નો થોડો થોડો આસ્વાદ લેતાં, બંકિમચંદ્રના ‘ધર્મતત્ત્વ’માં અવગાહન કરતાં, એમર્સન અને વોલ્ટ વ્હિટમન સાથે પરિચય કરતાં તેમનો વખત જતો. બિપિનચંદ્ર પાલ ને અરવિંદ ઘોષ, લાજપતરાય ને હરદયાળ વગેરેના સિદ્ધાંતોનું તેમણે ધ્યાનપૂર્વક અધ્યયન કર્યું, કુમારસ્વામી અને ભગિની નિવેદિતાના ઉચ્ચ સંસ્કારવાળા સાહિત્યનું મનન કર્યું, વિવેકાનંદ ને રામતીર્થનું અનેક વાર પારાયણ કર્યું, મેક્સ મૂલર ને ડોયસન શું કહે છે તે જાણી લીધું, બંગાળી અને હિંદી સાહિત્ય સાથે થોડો થોડો પરિચય કર્યો અને પુરશ્ચરણ પૂરું કરી યાત્રા આરંભી. હિમાલયની પોતાની યાત્રાનું વર્ણન તેમણે ‘લોકશિક્ષણ’ નામના મરાઠી માસિકમાં કંઈક અંશે આપેલું છે. મરાઠી ભાષા પરનું તેમનું પ્રભુત્વ જોઈ મોટા સાક્ષરો પણ વિસ્મિત થતા. ઉત્તરાખંડની યાત્રા પૂરી કરી તેઓ કૈલાસ માનસરોવર તરફ ગયા. કૈલાસ તરફ જવાના બે-ત્રણ રસ્તાઓ છે, પણ આપણા સ્વામીને સહેલો રસ્તો તો કોઈ કાળે સૂઝે જ નહિ. તેમણે જતી વખતે અઘરામાં અઘરો રસ્તો — ઊંટધુરાની ઘાટીનો પસંદ કર્યો. આ મુસાફરીમાં તેમણે રોજના ૪૦-૪૪ માઈલ પ્રવાસ કર્યો. છેલ્લા બે દિવસ તો કશું ખાવાનું પણ ન મળે, છતાં તેમણે નિર્વિઘ્ઘ્નપણે કૈલાસની પ્રદક્ષિણા કરી માનસસરોવરનું સ્નાન-પાન પણ કર્યું, નેપાળ તરફના ખોજરનાથનાં દર્શન કર્યાં અને લેપુ ઘાટીને રસ્તે પાછા આવ્યા. પછી નેપાળની યાત્રાએ નીકળ્યા. નેપાળથી પાછા આવી એમણે કાશ્મીરની યાત્રા કરી. ફક્ત એક લંગોટી પહેરી અમરનાથ સુધી જઈ આવ્યા. કાશીમાં પણ ધર્મ અને ઇતિહાસનું થોડુંઘણું અધ્યયન કર્યું અને પાછા ગુજરાત-મહારાષ્ટ્રમાં કામ કરવા આવી ગયા. હિમાલયમાંથી પાછા આવ્યા ત્યારે સ્વામી એક જુદા જ માણસ બન્યા. તેમણે જોઈ લીધું કે માણસમાં સાધુતા હોય, છતાં સાધુનો વેશ હોવો ન જોઈએ. માણસ અપરિગ્રહ વ્રતનું પાલન કરે, પણ ભિક્ષા માગતો ઉપદેશ કરતો ન ફરે. દુનિયામાં રહે, છતાં નઃસ્પૃહતા કેળવે. અમર્યાદ પ્રવૃત્તિમાં પડે, છતાં અનાસક્ત રહે. તો જ માણસ આજે દેશની કંઈક સેવા કરી શકે. લોકો આપણને સાધુ તરીકે ઓળખે, એટલે આપણે મૂઆ પડ્યા. લોકો જોડે દુનિયાદારી માણસ જેવા જ રહીએ, તેમની જ ભાષા બોલીએ, તેમના જેવી જ પ્રવૃત્તિ આદરીએ, અને છતાં તેની અંદર મોહમમતા ન રાખીએ તો જ સંન્યાસીનું કર્તવ્ય પાર પાડયું ગણાય. સ્વામીએ પોતાની લાંબી જટા ને દાઢી ઊતરાવી નાખી, કફની ને દંડને રજા આપી ને મુંબઈગરા જેવો સામાન્ય પોશાક ચડાવ્યો. મુંબઈમાં રહી તેમણે સામાન્ય માણસ પૈસા કમાવાના જે સામાન્ય ઉદ્યોગો કરે છે તેવા ઉદ્યોગો કેટલાક દિવસ સુધી કર્યા. છાપાંઓના ખબરપત્રી, જુવાનિયાઓના ટયૂટર, હિંદી સાહિત્ય સંમેલનના ઉપ-મંત્રી વગેરે કામો તેઓ કરતા. સાધુસંન્યાસીમાં પણ દરેક જાતની વ્યવહારકુશળતા હોઈ શકે છે એનો તેમણે અનુભવ કરાવ્યો. લોકમાન્ય તિલક એ તો સ્વામીની ધ્યાનમૂર્તિ. તેમનું ‘ગીતા-રહસ્ય’ બહાર પડ્યું ત્યારે ઉત્સાહથી અને નિષ્કામ વૃત્તિથી સ્વામીએ તેનું આખું ભાષાંતર કરી રાખ્યું. હું એટલું કહી શકું કે હાલમાં જે ‘ગીતારહસ્ય’નું ગુજરાતી ભાષાંતર બહાર પડ્યું છે તેના કરતાં સ્વામીનું ભાષાંતર અનેક દરજ્જે ચડિયાતું છે. વચમાં થોડા દિવસ વડોદરામાં રહી સ્વામીએ ત્યાંની સેન્ટ્રલ લાઇબ્રેરીનો સારો ઉપયોગ કર્યો અને નવરાશનો વખત જાતજાતની યોજનાઓ ઘડવામાં ગાળ્યો. રાષ્ટ્રમાં જે નવું જીવન આવવા લાગ્યું હતું તેના બધા સિદ્ધાંતોનું વિવેચન કરવા માટે ‘સાધના’ નામનું એક માસિક ચલાવવાનો સ્વામીનો વિચાર હતો. તેની કાંઈક કલ્પના તેમણે ‘નવજીવન અને સત્ય’ માસિકમાં ૐ એવી સહીથી આપી હતી. ગુજરાતી સાહિત્યમાં ભાષાની શુદ્ધિનો આદર્શ સચવાતો નથી, ઉચ્ચ અભિરુચિનું ઘણી વાર ખૂન થાય છે, તેને કંઈક દિશા બતાવવા ને અધર્મ સાહિત્ય ઉપર અંકુશ મૂકવા સારાસારા સાક્ષરો ને લેખકોને આમંત્રણ આપી એક સાહિત્યનો ‘પહેરેગીર’ મહિનામાં બે વાર સાહિત્યની ચોકી કરે એવી પણ તેમની એક યોજના હતી. સરસ સરસ પુસ્તકો સુંદર રૂપમાં ગુજરાતના હાથમાં હોય, ગ્રંથકારોને કંઈક સારું મહેનતાણું મળે અને પ્રકાશકોની નફાખોરી અટકે એટલા માટે એક પ્રકાશન મંદિર ખોલવાની પણ સ્વામીએ તૈયારી કરી હતી, જેની અંદર નફો લીધા વગર ઉત્તમોત્તમ અને શોભીતાં પુસ્તકો બહાર પાડી તેનો બધો નફો ગ્રંથકારને મળે એવી ગોઠવણ હતી. એટલામાં સ્વામી મહાત્માજીના પ્રસંગમાં આવ્યા. ધીમે ધીમે તેમની તરફ આકર્ષાતા ગયા, તેમની મોહિનીમાં સપડાયા, અને બધી પ્રવૃત્તિઓ છોડી તેમણે ‘નવજીવન’ અઠવાડિક હાથમાં લીધું. નિંદા અને સ્તુતિને વશ થયા વગર, જાહેરમાં આવવાની કશી લાલસા રાખ્યા વગર, પોતાની સામ્યાવસ્થા જાળવી ચોવીસે કલાક કામમાં પરોવાઈ જવાની પોતાની વૃત્તિને સાથે લઈ તેમણે ‘નવજીવન’માં પ્રવેશ કર્યો. પ્રથમ ‘નવજીવન’ની વ્યવસ્થામાં, ત્યાર પછી નવજીવન મુદ્રણાલયમાં અને ‘નવજીવન’ના તંત્રમાં તેમણે પોતાની પ્રવૃત્તિ વધારી. તેમની કારકિર્દીમાં ‘નવજીવન’ વધ્યું ને એની સાથે સ્વામીના માથા પરનો બોજો પણ વધ્યો. અઢી વરસની સખત મહેનત પછી તે બોજ ઉતારી હકની રજા મળવાની (સરકારની કૃપાથી જેલની) તક તેમને હાથ આવી. જેમના ઉપર હું નાનપણથી જ વહાલ કરતો આવ્યો છું તે આખા ગુજરાતનો વહાલો થઈ પડેલો છે એ જોઈ મને મગરૂરી થાય છે અને વહાલના આ ભાગીદારોની ઈર્ષા પણ આવે છે. [‘નવજીવન’ અઠવાડિક : ૧૯૨૨]