કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/મધ્ય યુગ

From Ekatra Wiki
Revision as of 02:37, 1 June 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૪. મધ્ય યુગ

જીર્ણ નગરના કોટકાંગરે કેસરિયો અવકાશ,
ખંડિત મૂરતિની આંખોથી કહેતો કંઈક ઉજાસ.
મહાકાળના ઓછાયામાં શમી ગયેલાં નગર,
ખંડિયેરની ઈંટ નીચે અટવાય મુલાયમ સ્વર.
એ સ્વર યુગની મદિર આંખના અંધકારમાં ભળતો,
ધીરે ધીરે સમયપાત્રમાં રેત બનીને સરતો.
મૃદંગના દ્રુત તાલ સાથ સહુ પાયલ તીવ્ર રણકતી,
દર્પણ સામે શાન્ત કંપતી કૈંક શિખાઓ બળતી.
મંદ રોશની, રંગ ફુવારા, અત્તર ઝોલાં ખાય,
ઝુમ્મર વચ્ચે બદ્ધ વેદના હવા બની સુસવાય.
દીર્ઘ નૅણમાં બળતા યૌવન ફરતે કાજળ ચમકે,
નેપથ્યે પરદાનશીન શાંતિમાં કંકણ રણકે.
દૂર સીમની ઢળતી રાતે અહાલેક કો જાગે,
ખાલી રુદિયાનાં સપનાંમાં એ જ પસરતો લાગે.
કોક ચોતરે ચારણ થઈને ગાથા સમય સુણાવે,
આંખ કસુંબી તાકેઃ તણખા અંધારું ચમકાવે.
શૈશવ શોધે રાજકુમારી, પંથ ભૂલ્યો અસવાર,
મહાલયોનાં પ્રાંગણ મૂકી જાય વિગતને દ્વાર.
બખ્તરના પડછાયા નીચે આજે ખાલી મ્યાન,
વિજયલેખના અક્ષરમાંથી ખરી રહ્યું યશગાન.
૧૯૬૫

(તમસા, પૃ. ૧૭)