હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/વીતે ન એક ઘડીથી ઘડી એક ક્ષણથી ક્ષણ

From Ekatra Wiki
Revision as of 10:58, 2 June 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વીતે ન એક ઘડીથી ઘડી એક ક્ષણથી ક્ષણ


વીતે ન એક ઘડીથી ઘડી એક ક્ષણથી ક્ષણ
હું ઓગળી ન જાઉં અને રાત પણ કઠણ.

સુક્કાં અધર ઉપર ન કોઈ શબ્દ કલરવે
ઊડી ન જાય ખુલ્લાં નયનથી કોઈ વલણ.

પથરાળ ટેરવામાં કોઈ સ્પર્શ ના વહે
ને વિસ્તરે ઉદાસ હથેળીમાં રણનાં રણ.

અંતર કદી રુવાંથી રુવાંનું તૂટે નહીં
લીરા કરી ત્વચાના ઊડાવે ન કોઈ વ્રણ

ટપકે ન આંખથી કે એ છલકે ન લિંગથી
અવગત રુધિરને ન મળે કોઈ ઘાવ પણ.