હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/પતંગિયું
પૂરેપૂરી ખાતરી હતી એને
અદ્દલોઅદ્દલ એવું તો પતંગિયું એ ચીતરશે
એવો તો એના પતંગિયાંમાં પ્રાણ એ ફૂંકશે
એવો તો એના પતંગિયામાં જીવ એ ભરશે
પૂરેપૂરું થતાં થતાંમાં તો એનું પતંગિયું કાગળ પરથી ઊડશે
ઊડી ઊડીને આખું આભ પીરોજી પીરોજી કરી મૂકશે
કરી જ મૂકશે સોનચંપો પીળો પીળોપચરક
પતંગિયાંની સાખે સાખે થતી થતી થશે ચણોઠી રાતોડી
રાખ રાખોડી
પતંગિયાંની ઉઘાડબંધઉઘાડ થતી ફરફરતી પાંખ
ફરફર ફરફરી કલકલિયાને રંગબેરંગી કરશે કરાવશે
દુકૂલ પર સળ જેવી એની દેહસળી
હવાને લહેરખી જેવા રેશમી રેશમી સ્પર્શ કરશે
પૂરેપૂરું થવા આવ્યું હતું એનું પતંગિયું
ધીમે રહીને એણે બાજુમાં જોયું
પોતાનું પતંગિયું ચીતરતો હતો બાજુવાળો પણ પોતાના કાગળ પર
ધીમે ધીમે રહી રહીને આજુબાજુ જોયું એણે
આજુબાજુવાળા પણ પોતપોતાના પતંગિયાં ચીતરતા હતા પોતપોતાના કાગળ પર
થતાં થતાં પૂરેપૂરું થયેલું એનું પતંગિયું
પડેલા ડાઘા જેમ પડેલું હતું કાગળ પર
પડી રહ્યું હતું એમનું એમ કાગળ પર
ન હલતું ન ચલતું
ન ઊડતું ન ઊડાઊડતું
સ્થિર
કાગળ હલાવ્યો એણે, ફડફડાવ્યો
ફરફરાવ્યો, એક ખૂણેથી પકડીને, હવામાં
ફૂંક મારી પતંગિયાને
માર્યો તર્જનીના ટેરવાંથી આછેરો હડસેલો
થોડાઘણા અવાજ પણ કરી જોયા નાનામોટા
પતંગિયું તો એમનું એમ
જેમનું તેમ કાગળ પર
પડી રહ્યું
સ્થિર
કંટાળીને, થાકીને, હારીને છેલ્લેવેલ્લે
કાગળ ફાડી નાખ્યો
એણે
ફેંક્યા કાગળના ટુકડા
હવામાં કઢંગુ હાલકતા ડોલકતા ટુકડા
પડતા પડતા પડ્યા જમીન પર
પડી રહ્યા
સ્થિર
એવામાં વળી એક ટુકડો એકાદ આંગળવા અધ્ધર ઊંચકાયો
ઊંચકાઈને વહેંતેક આગળ વધ્યો
વધીને પડ્યો પાછો જમીન પર
પડી રહ્યો
સ્થિર