ગ્રંથ અને ગ્રંથકાર/પ્રભુલાલ દયારામ દ્વિવેદી

Revision as of 12:28, 9 June 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

પ્રભુલાલ દયારામ દ્વિવેદી

[૧૫-૧૧-૧૮૯૨થી ૩૧-૧-૧૯૬૨]

પ્રસિદ્ધ નાટ્યકાર પ્રભુલાલ દયારામ દ્વિવેદીનો જન્મ સૌરાષ્ટ્રમાં ગોંડલ પાસે વીરપુર ગામે ૧૮૯૨ની સાલમાં ૧૫મી નવેંબરે થયો હતો. એમની માતાનું નામ ફૂલબાઈ અને પિતાનું નામ દયારામ પ્રેમજી દ્વિવેદી. જ્ઞાતિએ તેઓ ઔદિચ્ય બ્રાહ્મણ હતા. એમનાં લગ્ન ૧૯૨૭માં શ્રી દમયંતીબહેન સાથે થયેલ. શ્રી પ્રભુલાલે જેતપુરની શાળામાં માત્ર અંગ્રેજી ચોથા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હતો. પ્રભુલાલને બચપણથી જ નાટ્યસૃષ્ટિ તરફ રુચિ હતી. શાળા છોડ્યા પછી શરૂઆતમાં ૧૯૦૯થી ૧૯૧૫ સુધી કરાંચી ડૉક વર્કશોપમાં કામ કર્યું. ૧૯૧૬માં કરાંચીમાં જ શ્રી આર્ય નાટક સમાજે 'વત્સલા' નાટક ભજવ્યું તે એમનું પ્રથમ નાટક. છેક ૧૯૧૬થી માંડી ૧૯૬૨ સુધી એમનાં નાટકો લગભગ સતત રજૂ થયાં કર્યાં છે. ‘વત્સલા'થી 'વિદ્યાવારસ' સુધીનાં એમનાં નાટકોની કુલ સંખ્યા થાય છે ૬૦. એમાંથી મુખ્ય તેમ જ પ્રસિદ્ધ નાટકોનાં નામ આ પ્રમાણે છે : શંકરાચાર્ય ૧૯૧૮ શ્રી લક્ષ્મીકાન્ત નાટક સમાજ અરુણોદય ૧૯૨૦ શ્રી લક્ષ્મીકાન્ત નાટક સમાજ માલવપતિ ૧૯૨૪ શ્રી લક્ષ્મીકાન્ત નાટક સમાજ પૃથ્વીરાજ ૧૯૨૫- શ્રી લક્ષ્મીકાન્ત નાટક સમાજ સિરાજુદ્દૌલા ૧૯૨૫- શ્રી લક્ષ્મીકાન્ત નાટક સમાજ શાલિવાહન ૧૯૨૭- શ્રી લક્ષ્મીકાન્ત નાટક સમાજ એક અબળા ૧૯૨૭- શ્રી લક્ષ્મીકાન્ત નાટક સમાજ સમરકેસરી ૧૯૩૩- શ્રી લક્ષ્મીકાન્ત નાટક સમાજ સજ્જન કોણ ૧૯૩૬- શ્રી લક્ષ્મીકાન્ત નાટક સમાજ વડીલોના વાંકે ૧૯૩૮ શ્રી દેશી નાટક સમાજ

સંપત્તિ માટે ૧૯૪૧ શ્રી દેશી નાટક સમાજ સંતાનેાના વાંકે ૧૯૩૮- શ્રી દેશી નાટક સમાજ સમય સાથે ૧૯૪૫- શ્રી દેશી નાટક સમાજ ગાડાનો બેલ ૧૯૪૬- શ્રી દેશી નાટક સમાજ શંભુમેળો ૧૯૪૭- શ્રી દેશી નાટક સમાજ સામે પાર ૧૯૪૭- શ્રી દેશી નાટક સમાજ સોનાનો સૂરજ ૧૯૫૦- શ્રી દેશી નાટક સમાજ વૈભવના મોહ ૧૯૫૧ - શ્રી દેશી નાટક સમાજ શ્રવણકુમાર ૧૯૫૮- શ્રી દેશી નાટક સમાજ સુખના સાથી ૧૯૬૦- શ્રી દેશી નાટક સમાજ વિદ્યાવારસ ૧૯૬૨- શ્રી દેશી નાટક સમાજ આ ઉપરાંત પ્રભુલાલભાઈએ ૨૧ જેટલી ‘ફિલ્મ સ્ટોરી' આપી છે. એમાંની કેટલીકનાં નામ છે: વિક્રમાદિત્ય, બિંદિયા, ગૃહસ્થી, ગુમાસ્તા, તુલસીદાસ, ગરીબી, બહુરાની. શ્રી પ્રભુલાલભાઈને ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષાઓ આવડતી હતી, જોકે એમણે નાટકો માત્ર ગુજરાતીમાં લખ્યાં છે. એમનાં નાટકોના અનુવાદ અન્ય ભાષાઓમાં પણ બીજા લેખકોને હાથે થયા છે. એમણે પૌરાણિક, ઐતિહાસિક અને સામાજિક નાટકો લખ્યા છે. બાળક પ્રભુદાસને પિતાએ અઢળક વાર્તાઓ સંભળાવેલી. એમાંથી પ્રેરણા મેળવીને એમણે અનેક નાટકોનાં વસ્તુવિધાન યોજ્યાં. જીવનના છેલ્લા બે દાયકા એમની આંખો સાવ જતી રહી એટલે વર્તમાન સાહિત્યના સંપર્કથી થોડા દૂર રહેવું પડેલું. ૨૮મી ફેબ્રુઆરી, ૧૯૬૧ને દિવસે રાષ્ટ્રપતિને વરદ હસ્તે પ્રભુલાલભાઈને સંગીતનાટ્ય અકાદમી તરફથી શ્રેષ્ટ નાટ્યકાર તરીકેનો એવોર્ડ અને સતદ પ્રાપ્ત થયાં ત્યારે એ પ્રજ્ઞાચક્ષુ નાટ્યકારને કેટલો બધો આનંદ થયો હશે! ત્યાર પછી ૧૧ મહિને, ૩૧મી જાન્યુઆરી, ૧૯૬૨ના રોજ, તેમણે સ્વર્ગવાસ કર્યો ગરવી ગુજરાતની ધંધાદારી રંગભૂમિના નાટ્યસમ્રાટ પ્રભુદાસભાઈના નાટક 'વડીલોના વાંકે'એ અનેક વિક્રમો સ્થાપ્યા છે. ‘વડીલોના વાંકે’ રેડિયો પરથી નેશનલ પ્રોગ્રામમાં એક સાથે ૧૩ ભાષાઓમાં રજૂ થયું હતું અને એનું ચલચિત્ર પણ બન્યુ હતું. એમની છપાયેલી કૃતિઓમાં નાટકો ‘વિદ્યાવારિધિ' અને 'સામે પાર' નોંધપાત્ર છે. ‘વિદ્યાવારિધિ' મહાકવિ ભારવિના જીવન પર લખાયેલ નાટક છે, જ્યારે 'સામે પાર' ભાગવતમાં આવતી જડભરતની કથા ઉપરથી લખાયેલ નાટક છે. ‘રંગદેવતાને ચરણે' નામક પુસ્તકમાં સ્વ. રતિલાલ ત્રિવેદીએ પ્રભુદાસભાઈના જીવનનાં રસમય સંસ્મરણો આલેખ્યાં છે. પ્રભુદાસભાઈ માનતા કે પોતાનું 'નાટક' જોઈને જનાર થોડાક સારા આદર્શોની સુંદર છાપ મન પર લઈને પ્રેક્ષકગૃહ છોડે તો બસ. રંગભૂમિના ઇતિહાસમાં પ્રભુદાસ દ્વિવેદીનું નામ અમર રહેશે.

કૃતિઓ
૧. વિદ્યાવારિધિ : મૌલિક, દ્વિઅંકી નાટક; પ્ર. સાલ ૧૯૫૧.
પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ., મુંબઈ.
૨. સામે પાર : મૌલિક, દ્વિઅંકી નાટક; પ્ર. સાલ ૧૯૫૬.
પ્રકાશક : ગુજરાતી નાટ્યમંડળ, સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ.

સરનામું : ભાંગવાડી, ૨૭ એફ બ્લોક, કાલબાદેવી રોડ, મુંબઈ-૨.