ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/રમણીકલાલ બળદેવદાસ અરાલવાળા

Revision as of 03:14, 10 June 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

રમણીકલાલ બળદેવદાસ અરાલવાળા

[૧૦-૯-૧૯૧૫]

પોતાના સર્જનકાળના આરંભે 'અલ્પશિક્ષિત' તેમ 'શ્રમીણ' કવિ તરીકે ઓળખાયેલા કવિ શ્રી અરાલવાળાનો જન્મ તા. ૧૦-૯-૧૯૧૫ના રોજ ખેડા જિલ્લામાં વાત્રકકાંઠે અરાલ ગામે થયો હતો. જ્ઞાતિએ ખડાયતા વૈષ્ણવ વાણિયા. પિતાનું નામ શ્રી બળદેવદાસ ભાઈચંદ શાહ. પ્રાથમિક શિક્ષણ, પોતાના ગામમાં તો એક પણ શાળા નહોતી, એટલે પાસેના છીપડી ગામની પ્રાથમિક શાળામાં લીધેલું. ત્યાં સાત ધોરણ સુધી ભણ્યા. પિતાનો ધંધો ધીરધારનો અને ખેતીને આવકેય ઓછી એટલે પુત્રને શહેરમાં મોકલી અંગ્રેજી કેળવણી આપી શકાય એવી આર્થિક સ્થિતિ નહિ. પરિણામે થોડો વખત ઘેર રહી ૧૭ વર્ષની ઉંમર ધંધામાં જ વિતાવી. ૧૯૩૦-૩૧માં શ્રી અરાલવાળા અમદાવાદ આવ્યા ત્યારથી અત્યાર સુધી અમદાવાદમાં જ સ્થાયી રહ્યા છે. ૧૯૩૨થી ૧૯૪૦ સુધી અમદાવાદની જુદી જુદી મિલોમાં 'ફેન્સી જોબર' તરીકે કાર્ય કર્યું. નાનપણથી જ કવિતા તરફ પ્રીતિ. અમદાવાદમાં આવ્યા ત્યારથી ‘કુમાર’ની કવિતા બેઠકમાં નિયમિત જતા. શ્રી બચુભાઈ રાવતનો સંપર્ક પ્રેરણાદાયી નીવડ્યો. સર્વેથી સુંદરમ્, ઉમાશંકર અને રામપ્રસાદ શુક્લનો સંગ આ બેઠકમાં થયો. કવિસભાના સતત સંપર્ક એમની કવિતા, મિલજીવનકાળમાં જ પાંગરી અને પ્રફુલ્લી. એ પછી જ્ઞાતિના આગેવાનોનું મિલમાં કામ કરતા વિકાસશીલ આ યુવાન-કવિ તરફ ધ્યાન ગયું. કવિની ઝંખના પણ અંગ્રેજી શિક્ષણ લેવાની હતી જ. ૧૯૪૧ના જાન્યુઆરીની પહેલી તારીખે નવેસરથી ‘એબીસીડી'ની શરૂઆત કરી. એ પૂર્વે કવિ તરીકેની એમની ખ્યાતિ પ્રસરી ચૂકી હતી. ૧૯૩૭ના મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી ભાષાના ગદ્યપદ્યસંગ્રહમાં એમનું ‘તલસાટ' નામનું કાવ્ય પસંદગી પામેલું. ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલમાંથી ૧૯૪૪માં એમણે મેટ્રિકની પરીક્ષા પસાર કરી. એ વખતે શ્રી રતિલાલ મો. ત્રિવેદી, શ્રી હરિહર ભટ્ટ અને શ્રી મધુસૂદન મોદી જેવા ઉત્તમ શિક્ષકોનો એમને લાભ મળેલો. ૧૯૪૪ના જૂનમાં તેઓ ગુજરાત કૉલેજમાં દાખલ થયા અને ૧૯૪૮માં ગુજરાતી મુખ્ય અને સંસ્કૃત ગૌણ વિષયો સાથે બી. એ. ની પરીક્ષા બીજા વર્ગમાં ઉત્તીણ કરી. દરમ્યાન ગુજરાતી વકતૃત્વસ્પર્ધામાં એમણે અનેક ઇનામો મેળવેલાં. બી. એ. થયા પછી 'ગુજરાત સમાચાર' અને 'પ્રજાબંધુ' માં શ્રી ચુનીલાલ વ. શાહની દોરવણી નીચે કાર્ય કરતાં કરતાં એમ. એ. માટે પણ અભ્યાસ કરતા રહ્યા. ‘પ્રજાબંધુ'ના તેઓ સહતંત્રી હતા. ભો. જે. વિદ્યાભવનમાંથી ૧૯૫૧માં એમણે એમ. એ. ની પરીક્ષા આપી અને એમાં ઉત્તીર્ણ થયા. લગભગ ૧૫ વર્ષ પછી 'ગુજરાત સમાચાર' છોડી તેમણે ૧૯૫૨થી શિક્ષકજીવન આરંભ્યું. ૧૯૫૪માં બી. એડ. ની પરીક્ષા એમણે એ. જી. ટીચર્સ કૉલેજમાંથી પસાર કરી અને એ પછી પણ ૧૯૬૦ સુધી માધ્યમિક શાળામાં કાર્ય કર્યું. ૧૯૬૦થી મોડાસાની આર્ટ્સ-સાયન્સ કૉલેજમાં બે વર્ષ સુધી ગુજરાતીના અધ્યાપક તરીકેની કામગીરી બજાવી. કપડવંજ કૉલેજ અને અમદાવાદની પ્રભુદાસ ઠક્કરે કૉલેજમાં પણ એમણે અધ્યાપન કાર્ય કર્યું છે. શ્રી અરાલવાળાના મિલજીવન સાથે સાહિત્યિક પ્રવૃત્તિને આરંભ થયો. જ્યારે એમને માધ્યમિક શાળાનો પણ લાભ નહોતો મળ્યો ત્યારે માત્ર પોતાના ગામ અરાલની મૂડી જ પ્રેરણાના કેન્દ્રમાં હતી. એ જ એમની સાહિત્યપ્રવૃત્તિનો મધ્યાહ્ન, એમણે પ્રસંગચિત્રો, સાહસકથાઓ, બાળકાવ્યો, અનુવાદો, નિબંધો, સાહિત્ય-લેખો અને કાવ્યો લખ્યાં છે. કેળવણીના ક્ષેત્રમાં પ્રવેશ્યા પછી એમની સાહિત્યિક પ્રવૃત્તિ ઓસરતી રહી છે. શાળા કે કૉલેજના અભ્યાસથી એમના સર્જનને વિશેષ લાભ થયો નથી. એમનાં બાલકાવ્યોને (‘રસપોળી') મુંબઈ સરકારનું એક હજાર રૂપિયાનું પારિતોષિક મળ્યું હતું. કિશોરો-બાળકો માટેનાં એમનાં કાવ્યપુસ્તકો અત્યંત પ્રીતિપાત્ર બન્યાં છે. કવિ અરાલવાળાનાં કાવ્યોમાં પ્રકૃતિનાં ચારુમનોહર વર્ણનો અત્યંત હૃદયંગમ છે. આરઝુપૂર્વક ગંભીર પદાવલિમાં હૃદયભાવ રેલાવતાં એમનાં ગીતો, સુગ્રથિત સૉનેટો, કૌટુમ્બિક ભાવનાનું મધુર નિરૂપણ કરતાં, વાત્રકનો- વતનનો તલસાટ આલેખતાં અને નવા યૌવનના મૌગ્ધ્યની ઝાંખી કરાવતાં એમનાં કાવ્યો 'પ્રતીક્ષા'માં સંગ્રહાયાં છે. છંદોબદ્ધ રચનાઓમાં કે ગેય રચનાઓમાં કવિની કલમ સહજતાથી વિહરે છે. કવિની શૈલી-પ્રૌઢિ સવિશેષ ધ્યાન ખેંચે છે. શ્રી અરાલવાળાની કવિતામાં એ સમયના વિવિધ વિષયો આલેખાયેલા છે. એમનો કલ્પનાવૈભવ એમનાં પ્રકૃતિકાવ્યોમાં જોવા મળે છે. નીચલા થરના માનવીઓના જીવનને નિરૂપતાં એમનાં કાવ્યોમાં નર્મમર્મને ઠીક અવકાશ મળ્યો છે. પણ એમની સિદ્ધિ એમના વર્ણનસામર્થ્યમાં જોવા મળે છે, અને એમાં કવિકલ્પનાનું મનોહર દર્શન થાય છે. અત્યારે કવિની સર્જનપ્રવૃત્તિ અતિ મંદ છે, પણ કવિતા અને સાહિત્ય પરત્વેનો એમનો રસ સહેજે ઓછો થયો નથી.

કૃતિઓ
૧. નગીનાવાડી : મૌલિક, બાલકાવ્યો: પ્ર. સાલ ૧૯૪૧.
પ્રકાશક : બાલવિનોદ કાર્યાલય, વડોદરા.
૨. પ્રતીક્ષા : મૌલિક, કાવ્યસંગ્રહ: પ્ર. સાલ ૧૯૪૧.
પ્રકાશક : ચોકસી બ્રધર્સ, અમદાવાદ.
3. સાંદીપનિનાં રેખાચિત્રો : મૌલિક, વ્યક્તિ-પ્રસંગચિત્રો; પ્ર. સાલ ૧૯૪૫.
પ્રકાશક : ભારતી સાહિત્ય સંઘ, અમદાવાદ.
૪. રસપોળી : મૌલિક, બાલકાવ્યો; પ્ર. સાલ ૧૯૪૫.
પ્રકાશક : ભારતી સાહિત્ય સંઘ, અમદાવાદ.
૫. સાહસકથાઓ : અનુવાદ (અંગ્રેજી પરથી); પ્ર. સાલ ૧૯૪૬.
પ્રકાશક : સરસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, અમદાવાદ.
૬. રસપોળી : મૌલિક, બાલકાવ્યો (નવી આવૃત્તિ); પ્ર. ૧૯૪૬.
પ્રકાશક : સરસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, અમદાવાદ.
૭. સાચી જાત્રા : અનુવાદ (ટૉલ્સ્ટૉયની વાર્તાઓનો અનુવાદ); પ્ર. સાલ ૧૯૬૦.
પ્રકાશક : ભારતી સાહિત્ય સંઘ, અમદાવાદ.
ઉપરાંત ગ્રંથસ્થ ન થયેલા નિબંધો, સાહિત્યિક લેખો વગેરે
અભ્યાસ-સામગ્રી :
૧. ‘પ્રતીક્ષા' માટે શ્રી ઉમાશંકર જોશીનો પ્રવેશક. (નિરીક્ષા)
૨. ગુજરાત સાહિત્ય સભાની કાર્યવહી ૧૯૪૧-૪૨, ૪૨-૪૩.
૩. ‘આધુનિક કવિતા પ્રવાહ' (ડો. જયંત પાઠક).
૪. ‘કલમ અને કિતાબ' માં 'પ્રતીક્ષા'નું અવલોકન.
૫. ‘સાદીપનિનાં રેખાચિત્રો' માટે 'સોપાન'નો પ્રવેશક.

સરનામું : કોઠારી પોળ, ગાંધીમાર્ગ, અમદાવાદ-૧.