ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/ભોગીલાલ ચુનીલાલ ગાંધી

From Ekatra Wiki
Revision as of 01:42, 14 June 2024 by Meghdhanu (talk | contribs) (Corrected Inverted Comas)
Jump to navigation Jump to search

ભોગીલાલ ચુનીલાલ ગાંધી ‘ઉપવાસી’

[૨૬-૧-૧૯૧૧]

એમનો જન્મ ઈ.સ. ૧૯૧૧ના જાન્યુઆરીની ૨૬મી તારીખે સાબરકાંઠા જિલ્લાના મોડાસા ગામે થયો હતો. એમનાં માતાનું નામ ચંચળબેન અને પિતાનું નામ ચુનીલાલ, ભોગીલાલભાઈ ઈ.સ. ૧૯૩૦માં ગુજરાત વિદ્યાપીઠના સ્નાતક થયા. વિદ્યાપીઠમાં અભ્યાસ દરમ્યાન આચાર્ય કૃપાલાની અને કાકાસાહેબ કાલેલકરના નિકટના પરિચયમાં આવવાનું સદ્ભાગ્ય સાંપડેલું. ત્યારપછી સાહિત્ય તેમ જ રાજકારણમાં એક પ્રગતિશીલ વિચારક તરીકે તેઓ આગળ આવ્યા. ૧૯૩૫માં એમણે ગુજરાત પ્રગતિશીલ લેખકમંડળની સ્થાપના કરી અને તેના સંચાલનમાં મુખ્ય કામગીરી કરી: કૉંગ્રેસ, સમાજવાદી તેમ જ સામ્યવાદી પક્ષના રાજકારણમાં એમણે વર્ષોં સુધી સક્રિયપણે ઝંપલાવેલું. ૧૯૫૬થી પક્ષીય રાજકારણમાંથી તેમણે નિવૃત્તિ લીધી. ૧૯૨૮થી ૧૯૫૧ સુધીમાં તેમણે સાતેક વર્ષ જેટલો સમય કારાવાસમાં ગાળેલો. એકાદ વર્ષ ભૂગર્ભમાં પણ ગયેલા. અત્યારે તેઓ ‘વિશ્વમાનવ' નામના દ્વૈમાસિકનું સંપાદન કરે છે. આપણા સાહિત્યમાં એક અઠંગ અભ્યાસી તરીકે અને બંગાળીમાંથી શરદબાબુ અને રવિબાબુ જેવાની કૃતિઓના સમર્થ અનુવાદક તરીકે તેઓ પ્રસિદ્ધ છે. ત્રીશીના તેઓ નોંધપાત્ર કવિ છે અને ‘ઉપવાસી' ઉપનામથી તેમણે કાવ્યો રચ્યાં છે. એમનાં કાવ્યોમાં સામ્યવાદ પ્રત્યેની ભક્તિનાં દર્શન થાય છે, પણ એના કેન્દ્રમાં માનવપ્રેમ છે. તેઓ આંતરરાષ્ટ્રીય સાહિત્યના સારા અભ્યાસી છે. ‘ડૉ. ઝિવાગો' જેવી કૃતિઓના અત્યંત કાળજીભર્યાં સંક્ષેપો એમણે આપ્યા છે. સ્તાલિનના જીવનના વિવિધ તબક્કાઓના નિરૂપણમાં, માર્કસવાદી દૃષ્ટિનો સરલ સંક્ષેપ આપવામાં, વિનોબાજીની જીવનદૃષ્ટિને સમજવામાં ઉપકારક થાય એવા સંચય પ્રગટ કરવામાં, રવીન્દ્રનાથનું ‘દર્શન' કરાવવાના એમના સંપાદન-પ્રયત્નમાં તેમ રોમાં રોલાં જેવાનો સંતોષપ્રદ પરિચય આપવામાં શ્રી ગાંધીની વ્યાપક અને મર્મગામી દૃષ્ટિનો આ૫ણને પરિચય થાય છે. એમની આલોચનાઓ પણ કૃતિના મર્મને પ્રગટ કરનારી-મૂલગામી હોય છે. સંપાદનક્ષેત્રે એમણે કરેલી કામગીરી પ્રશસ્ય છે. એમની કૃતિઓની નોંધ આ પ્રમાણે છે.

કૃતિઓ
૧. સાધના : કાવ્યસંગ્રહ; પ્ર. સાલ ૧૯૪૩.
२. પરાજિત પ્રેમ : નવલિકા: પ્ર. સાલ ૧૯૪૫.
૩. પ્રણયસૃષ્ટિનાં પાત્રો : સામાજિક નવલકથા; પ્ર. સાલ ૧૯૪૬.
૪. સોવિયેત રશિયા : પરિચય; પ્ર. સાલ ૧૯૪૬.
૫. રશિયાની કાયાપલટ : પરિચય; પ્ર. સાલ ૧૯૪૮,
૬. સામ્યવાદ : સિદ્ધાંત; પ્ર. સાલ ૧૯૪૫. (ત્રણ આવૃત્તિ)
૭. મહામાનવ રોમાં રોલાં : વિશ્લેષણ; પ્ર. સાલ ૧૯૫૮...
૮. નહેરુ-એક મૂલ્યાંકન : વિશ્લેષણ; પ્ર. સાલ ૧૯૬૦.
૯. રાષ્ટ્રીય એકાત્મતા : વિશ્લેષણ પ્ર. સાલ ૧૯૬૨.
૧૦. ભારત પર ચીની આક્રમણ : વિશ્લેષણ; પ્ર. સાલ ૧૯૬૨.
૧૧. રશિયા-ચીન સંઘર્ષ : વિશ્લેષણ; પ્ર. સાલ ૧૯૬૩.
અનુવાદો : બંગાળી ઉપરથી (૧૯૩૨થી ૧૯૬૨નાં વર્ષોમાં)
શરદબાબુકૃત : દેવદાસ, ગૃહદાહ, ચરિત્રહીન, દત્તા, બામણની દીકરી.
ટાગોરકૃત : નષ્ટ નીડ, કાવ્યો અને નિબંધ.
નિરૂપમાદેવીકૃત : શ્યામલી.
અંગ્રેજી ઉપરથી (૧૯૩૬થી ૧૯૬૪નાં વર્ષોમાં)
અન્ના કરિનિના (ટૉલ્સ્ટૉય)
લીઝા (તુર્ગનેવ)
કાળું સોનું (શોમ્યુસ્કીન)
વિશ્વસાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓ
ઉદ્ધ્વસ્ત આકાશ (પાસ્તરનાક કૃત ડૉ. ઝિવાગોનો સંક્ષેપ) પ્ર. સાલ ૧૯૫૯.
ભારત-ઇતિહાસ-નોંધ (કાર્લ માર્ક્સ)
લોકશાહી, સમાજવાદ અને સ્વતંત્રતા (રાજાજી)
રૂપાંતરો (૧૯૩૬થી ૧૯૩૯નાં વર્ષોમાં)
અમ્મા (મેક્સિમ ગોર્કીની ‘Mother' ઉપરથી)
અનોખી પ્રીત (જર્મન વાર્તા)
સંપાદન-સંકલન ગ્રંથો :
સાહિત્ય અને પ્રગતિ ભા. ૧ : (સુંદરમ્ વગેરે સાથે) પ્ર. સાલ ૧૯૪૦
સાહિત્ય અને પ્રગતિ ભા. ૨ : (બ્રોકર વગેરે સાથે) પ્ર. સાલ ૧૯૪૪.
સાહિત્ય અને સર્જન : (‘સ્વપ્નસ્થ' સાથે) પ્ર. સાલ ૧૯૪૫.
રવીન્દ્રદર્શન : (મૂળ કૃતિઓના અનુવાદો તથા અભ્યાસનિબંધો) પ્ર. સાલ ૧૯૬૧.
ગુજરાતદર્શન : (પરિચય, આકર ગ્રંથ) પ્ર. સાલ ૧૯૬૨.
અદ્યતન રશિયન સાહિત્ય : (અનુવાદો તથા અભ્યાસ) પ્ર. સાલ ૧૯૬૩.
સામયિકો :
૧. આઝાદ હિંદ : રાજકીય સાપ્તાહિક-દિનકર મહેતા સાથે, ૧૯૩૯.
२. લોકયુદ્ધ : રાજકીય સાપ્તાહિક, ૧૯૪૨.
3. જનયુગ : રાજકીય સાપ્તાહિક. ૧૯૪૬.
૪. સંસ્કાર : માસિક, ૧૯૪૭, ‘સ્વપ્નસ્થ'ના સહકારમાં.
૫. વિશ્વમાનવ : માસિક, ૧૯૫૮થી ૧૯૬૦ સુધી, દ્વૈમાસિક ૧૯૬૧ થી.
અભ્યાસ-સામગ્રી :
ગુજરાત સાહિત્ય સભાની કાર્યવહી ૧૯૫૩ (યુગપુરુષ સ્તાલિન, ‘સામ્યવાદ', ‘મંઝિલ' માટે); ૧૯૫૬ (‘રોમાં રોલા' માટે); ૧૯૫૮ (‘અનેખી પ્રીત', 'સર્વોદય વિજ્ઞાન’ માટે); ૧૯૫૯ (‘ઉદ્ધ્વસ્ત આકાશ' માટે); ૧૯૬૧ (‘રવીન્દ્રદર્શન' માટે); આધુનિક કવિતાપ્રવાહ (ડૉ. પાઠક).

સરનામું : વિશ્વમાનવ, રામજી મંદિર પોળ, વડોદરા.