ગ્રંથ અને ગ્રંથકાર/મોહનલાલ દલસુખરામ ભટ્ટ ‘મેહિનીચન્દ્ર’

From Ekatra Wiki
Revision as of 01:55, 14 June 2024 by Meghdhanu (talk | contribs) (Corrected Inverted Comas)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

મોહનલાલ દલસુખરામ ભટ્ટ ‘મોહિનીચંદ્ર'

[૨૨-૬-૧૯૦૧થી ૬-૮-૧૯૬૨]

શ્રી મોહનલાલ ભટ્ટનો જન્મ ૨૨ મી જૂન ૧૯૦૧માં વડાલી ગામે થયો હતો. એમનું વતન કપડવણજ. તેઓ જ્ઞાતિએ મોઢ ચાતુર્વેદી બ્રાહ્મણ હતા. માતાનું નામ મહાલક્ષ્મીબેન અને પિતાનું દલસુખરામ હરગોવિંદદાસ ભટ્ટ. શ્રી મોહનભાઈએ ઈ.સ. ૧૯૪૧માં શ્રી પ્રેમિલાબેન સાથે લગ્ન કર્યું હતું. એમણે પ્રાથમિક શિક્ષણ કપડવણજ ખાતે લીધું હતું. અંગ્રેજી પહેલી યાંને પાંચમી ચોપડી પણ ત્યાં જ કરેલી અને ત્યાર પછી અંગ્રેજી બીજીથી મેટ્રિક સુધીનો અભ્યાસ અમદાવાદની પ્રોપ્રાયટરી હાઈસ્કૂલમાં કરેલ. એમનો મુખ્ય વ્યવસાય પત્રકારત્વ અને પ્રૂફરીડિંગનો હતો. ‘પ્રજાબંધુ', ‘ગુજરાત સમાચાર’, ‘જ્યોતિર્ધર' અને ‘સસ્તું સાહિત્ય વર્ધક' કાર્યાલયમાં અનુક્રમે એમણે પોતાની સેવાઓ આપેલ. લેખનપ્રવૃત્તિને અનુકૂળ એમનો વ્યવસાય હતો. તેઓ આજીવન શાંત અને મૂંગા સાહિત્યકાર બની રહ્યા હતા. ગાંધીજી અને ટૉલ્સ્ટૉયની ઊંડી અસર નીચે તેઓ આવ્યા હતા. એમણે રવીન્દ્રનાથનાં ‘ગીતાંજલિ', ‘સાધના', ‘નૈવેદ્ય', ‘ઉત્સર્ગ’, ‘સાહિત્ય' વગેરે એકથી વધુ વખત વાંચેલ, વિચારેલ. શ્રી નરસિંહભાઈ ઈશ્વરભાઈ કૃત ‘ઈશ્વરને ઈન્કાર' પણ હૃદય અને મન પર સારી છાપ પાડી ગયેલ. શ્રી મોહિનીચંદ્ર ૧૯૨૦માં મેટ્રિકમાં નપાસ થયા ત્યારે ખૂબ આઘાત લાગેલ અને તેમાંથી કવિતા-ઉદ્ગાર સ્ફુર્યા અને કવિતાનું વહેણ શરૂ થયું. ટાગોરનું ‘ગીતાંજલિ' એમનું આત્મીયજન જેવું પુસ્તક હતું. ગીતાંજલિ વાંચતાં વાંચતાં તેઓ વિચલિત થઈ જતા. એમનો પ્રિય સાહિત્યપ્રકાર કાવ્ય હતો. એમની સૌથી પ્રથમ પ્રગટ થયેલી કૃતિ તે વાર્તાસંગ્રહ ‘દિગંત'. ત્યાર પછી એમણે કાવ્યો, બાલગીતો, ગદ્યાત્મક ભાવનાઓ આદિ લખાણ પ્રગટ કર્યું. હૃદયરોગથી તા. ૬-૮-૧૯૬૨ના દિવસે એમનું અવસાન થયું. ‘દિગંત'માં એમની દશ વાર્તાઓ સંગ્રહાઈ છે. અને એમાં સમાજની રૂઢિઓથી હેરાન થતાં માનવોની કથા આલેખી છે. ત્રીશીના આ કવિની ભાષા અને છંદ પર સારી પકડ વરતાય છે. એમનાં બાલગીતો પણ મધુર અને સરલ છે. ‘પારસનાં ફૂલ'માં એમણે ૧૦૯ ગદ્ય કંડિકાઓમાં વિભુ તરફના વિવિધ ભાવોન્મેષો વ્યક્ત કર્યા છે, અને એમાં પ્રભુને પામવાની તાલાવેલી જાણે કે કેન્દ્રસ્થાને રહી છે. ‘અચ્યુતપુરનો પંથ'માં શ્રી સીતારામ મહારાજની સાયંકથાના શ્રવણથી પોતામાં અધ્યાત્મવૃત્તિ કેવી રીતે વિકસતી ગઈ એનું કથાત્મક નિરૂપણ કર્યું છે. છેલ્લાં વરસોમાં એમનું વલણ ભક્તિ તરફ ઢળેલું હતું અને એ જ વિષયની રચનાઓ તેઓ કરતા હતા. મૃત્યુ અગાઉ ચાર-પાંચ માસથી હૃદયરોગના હુમલાને કારણે કશું લખી શકતા નહિ. એમની કેટલીક કૃતિઓ હજી સુધી અપ્રકટ છે. ગુજરાત સરકાર તરફથી એમના બાલગીતોના સંગ્રહ ‘મોતીનો દાણો' માટે એમને ઈ. ૧૯૬૦-૬૧ માં પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું હતું.

કૃતિઓ
૧. દિગંત: મૌલિક, વાર્તાસંગ્રહ; પ્ર. સાલ ૧૯૩૮,
પ્રકાશક : નવચેતન સાહિત્ય મંદિર, અમદાવાદ.
૨. મંજૂષા : મૌલિક, કાવ્યસંગ્રહ: પ્ર. સાલ ૧૯૪૨.
પ્રકાશક : પોતે.
૩. સૂરજ બોલાવે : મૌલિક, બાળગીતો: પ્ર. સાલ ૧૯૫૪.
પ્રકાશક : અનડા બુક ડીપો, અમદાવાદ.
૪. પારસનાં ફૂલ : મૌલિક, ગદ્યાત્મક ભાવનાઓ; પ્ર. સાલ ૧૯૫૪.
પ્રકાશક : નવચેતન સાહિત્ય મંદિર, અમદાવાદ
૫. અચ્યુતપુરનો પંથ : મૌલિક, પદ્ય; પ્ર. સાલ ૧૯૫૬.
પ્રકાશક : સીતારામ સત્સંગમંડળ વતી એમ. એમ. ખંભાતવાળા અમદાવાદ.
૬. મોતીનો દાણો : મૌલિક, બાળગીતો; પ્ર. સાલ ૧૯૬૧.
પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, અમદાવાદ.
અપ્રગટ કૃતિઓ :
૧. સોનાનો કટકો (બાલગીતસંગ્રહ)
૨. એક દિવસ (૧૨૦ ઋતુપ્રધાન ગીતો-ચાર મહિના)
૩. વિશ્વજનની (૫૬૦ પંક્તિઓનું સળંગ કાવ્ય)
૪. કેટલા વાગ્યા? (એક નવતર કાવ્યપ્રવાહ-૫૧૪ પંક્તિઓ)
૫. બોલેની બોલબાલા (૮૯૮ પંક્તિઓ) New Vision in Poetry.
૬. હું નાનો યાને લઘુ માહાત્મ્ય (મોટેરાં માટે)
૭. હું નાનો યાને લઘુ માહાત્મ્ય (બાળકો માટે)
અભ્યાસ-સામગ્રી :
ગુજરાત સાહિત્ય સભાની કાર્યવહી, ૧૯૩૮, ૧૯૫૬.
ગુજરાત સમાચાર, તા. ૩૧-૭-૧૯૫૫.

સરનામું : ૨૩૧૪, મહાલક્ષ્મીની પોળ, રાયપુર, અમદાવાદ-૧.