સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - જયન્ત કોઠારી/આ સંપાદન વિશે–

From Ekatra Wiki
Revision as of 02:29, 17 June 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


આ સંપાદન વિશે–


ગુજરાતીના મહત્ત્વના વિવેચકોના સમગ્ર વિવેચનકાર્યમાંથી ઉત્તમ લખાણોનું ચયન આપતી આ શ્રેણી-અંતર્ગત, ગુજરાતીના એક પ્રમુખ વિવેચક જયંત કોઠારીનાં વિવેચનાત્મક લખાણોમાંથી પ્રતિનિધિરૂપ પણ વિશેષ મહત્ત્વનાં લખાણો પસંદ કર્યાં છે. એ લેખોને ૪ વિભાગોમાં રજૂ કર્યા છે : જયંતભાઈએ પશ્ચિમના અને સંસ્કૃતના કાવ્યશાસ્ત્ર વિશે તથા ગુજરાતી વિવેચન વિશે ચિકિત્સક અને વિમર્શાત્મક પણ સ્પષ્ટ અને વિશદ ચર્ચા કરેલી છે. એવા વિવેચનમાંથી પ્રતિનિધિરૂપ લેખો/લેખાંશો તારવીને સાહિત્યવિચાર વિભાગમાં મૂક્યા છે; સંશોધન વિશે એમણે લેખો તેમજ પુસ્તક પણ કર્યાં છે. એમાંથી પસંદ કરેલા લેખો સંશોધનવિચાર હેઠળ મૂક્યા છે. ત્રીજો વિભાગ એમના મધ્યકાલીન સાહિત્ય વિશેનાં લખાણોમાંથી તારવેલાલેખો/અંશોનો છે અને એમણે કરેલાં ગ્રંથવિવેચનો તેમજ કૃતિ-આસ્વાદ-વિવરણોને સમાવતા લેખો ગ્રંથસમીક્ષા,આસ્વાદ નામના ચોથા વિભાગમાં મૂક્યા છે. એ રીતે જયંત કોઠારીની સ્પષ્ટ વિવેચક-મુદ્રા ઊપસી રહે એવું ચયન આપવાનો પ્રયત્ન રહ્યો છે. દરેક લેખને છેડે, એ લેખો જે સામયિકો, પુસ્તકોમાંથી લીધા છે એ સ્રોતોના નિર્દેશો કર્યા છે. લેખોના લેખશીર્ષકો વગેરેમાં જ્યાં અનિવાર્યપણેજરૂરી લાગ્યું ત્યાં શાબ્દિક ઉમેરણો કર્યાં છે ને એવાં સંપાદકીય ઉમેરણો ચોરસ કૌંસ[ ]માં મૂક્યાંં છે. છેલ્લે, જયંત કોઠારીના વિવેેચનનો વધુ પરિચય ઇચ્છતા જિજ્ઞાસુઓ માટે એમના સર્વ વિવેચન-ગ્રંથોની સમયાનુક્રમી સૂચિ તેમ જ એમના વિવેચન વિશે એક નાની સંદર્ભગ્રંથસૂચિ પણ મૂક્યાં છે.

વડોદરા; ૨૦મી મે, ૨૦૨૪
– રમણ સોની