સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - જયન્ત કોઠારી/૧.૩ એકાંકી : આજના કેટલાક સંદર્ભો

From Ekatra Wiki
Revision as of 07:25, 17 June 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <big>{{center|'''૧.૩'''<br>'''એકાંકી : આજના કેટલાક સંદર્ભો'''</big>}} {{Poem2Open}} '''એકાંકી કે લઘુ નાટક?''' આપણે ત્યાં એકાંકી અને નાટક એટલે કે અનેકાંકી કે લાંબા નાટક વચ્ચેનો ભેદ વીગતે ચર્ચાયેલો મળશે, પણ એ ચર્ચા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૧.૩
એકાંકી : આજના કેટલાક સંદર્ભો

એકાંકી કે લઘુ નાટક? આપણે ત્યાં એકાંકી અને નાટક એટલે કે અનેકાંકી કે લાંબા નાટક વચ્ચેનો ભેદ વીગતે ચર્ચાયેલો મળશે, પણ એ ચર્ચા વાંચતી વેળા એક સંદર્ભ કદાચ લક્ષ બહાર રહેવા સંભવ છે કે અનેકાંકી નાટકોની દુનિયામાં પણ પંચાંકી કે સપ્તાંકી નાટકોનો યુગ આથમી ગયો છે. લાંબું નાટક પણ આજે સામાન્યતઃ ત્રણ અંક – ક્વચિત્‌ બે પણ ખરા અને ક્વચિત્‌ ચાર – ધરાવતું થયું છે. અક્ષરજ્ઞાનનો પ્રસાર, છાપખાનાની શોધ, અગાઉનાં પાંચ સાત કે એથીયે વધારે અંકવાળા લાંબા નાટકના વિષયવસ્તુને વધારે કાર્યક્ષમતાથી આવરી લઈ શકે એવા નવલકથાના સાહિત્યપ્રકારનો ઉદય, આધુનિક નગરજીવનનાં સમયનાં દબાણો, બે-અઢી કલાકમાં પોતાની લીલા સમેટી લેતી સર્વરંજક કલા સિનેમાની સ્પર્ધા – આવાં અનેક કારણોએ કદાચ નાટકને પોતાની મર્યાદા નક્કી કરવાની ફરજ પાડી છે. એટલે જેટલું અંતર નવલકથા અને ટૂંકી વાર્તા વચ્ચે સામાન્ય રીતે જોવા મળે છે એનાથી ઘણું ઓછું અંતર આજના અનેકાંકી અને એકાંકી વચ્ચે રહ્યું છે. ટૂંકી વાર્તાની સરેરાશ લંબાઈ ૧૫ પાનથી વધારે નીકળવા સંભવ નથી ત્યારે નવલકથાની સરેરાશ લંબાઈ ૨૫૦ પાનથી ઓછી નીકળવા સંભવ નથી. બીજી બાજુથી એકાંકીની ૩૦ મિનિટની સરેરાશ સામે અનેકાંકીની બે-અઢી કલાકની સરેરાશ મૂકવી પડે. એકાંકી જરા લંબાય અને અનેકાંકી જરા ટૂંકું થાય તો એ બન્ને વચ્ચેનું અંતર સાવ લુપ્ત થઈ જાય. લાંબી ટૂંકી વાર્તા અને લઘુનવલ જેવી ચીજો છે એ હું જાણું છું, છતાં લાગે છે કે ટૂંકી વાર્તા અને નવલકથા વચ્ચેની ભેદરેખા ટકી રહેવાના જેટલા ઊજળા સંજોગો છે એટલા કદાચ એકાંકી અને નાટક વચ્ચેની ભેદરેખા ટકી રહેવાના નથી. સમય કે પાનાંની દૃષ્ટિએ વિચારવાની રીત ઘણી સ્થૂળ લાગવા સંભવ છે. એ ખરું છે કે કેવળ લંબાઈ કોઈ સાહિત્યસ્વરૂપ માટે નિર્ણાયક ન હોઈ શકે, પણ લંબાઈ નિષ્પરિણામ હોય છે એવું પણ નથી, લંબાઈ પોતાની સાથે બીજું કેટલુંક લાવે છે. દા. ત. નિરૂપણની મોકળાશ. લંબાઈ ઘટે એટલે નિરૂપણની મોકળાશ પણ ઘટે. ઉમાશંકર કહે છે કે “એકાંકીકાર પાત્રોના જીવનના સો સુધીની વાત કહેવી હોય તો સાદીસીધી રીતે એકથી સો સુધી નહીં કહે. ઘણી વાર તો સત્તાણું કે અઠ્ઠાણુંથી વાત શરૂ કરવામાં આવે છે અને ત્યાંથી સો સુધી પહોંચતાં પાછલી સત્તાણું કે અઠ્ઠાણું સુધીની વાત સ્પષ્ટ ઇતિહાસકથન, પ્રાસંગિક સૂચન અને અનેક ઇંગિત, ધ્વનિ દ્વારા કહેવાય છે.”૧ [1] ઉમાશંકર અહીં એકાંકી અને અનેકાંકીની રચનારીતિને વિરોધાવે છે એમ માનવામાં બાધ નથી. સામાન્ય રીતે અનેકાંકી લગભગ એકડેએકથી કે વીસ-પચીસ-પચાસથી શરૂ કરે. એકાંકી સત્તાણું-અઠ્ઠાણુંથી શરૂ કરે. એટલે કે એકાંકીની રચના અનેકાંકી કરતાં વધારે સઘન હોય. પણ ઉમાશંકરના લક્ષ બહાર એ હકીકત નથી કે આ ઇબ્સન પછીની નાટ્યરીતિ છે, અનેકાંકીની પણ. ઇબ્સન પણ કટોકટીની ક્ષણની નજીકથી પોતાનાં નાટક આરંભે છે અને નાટ્યવસ્તુસમયની એક પ્રકારની ઘનતા સિદ્ધ કરે છે. ત્રણચાર અંકમાં વિસ્તરેલાં એનાં નાટકોનો સમય તો કેટલીક વાર એકબે દિવસનો જ હોય છે. અહીં ગ્રીક નાટકો – ટ્રેજેડીઓને પણ યાદ કરી શકાય. એમાં પણ વસ્તુ અને સમયની ઘનતા અપેક્ષિત હતી, એ ઘણી જાણીતી વાત છે. ડ્રાઇડન કહે છે તેમ આ પ્રાચીનો આપણને રેઇસ જ્યાં પૂરી થવાની હોય એ થાંભલા આગળ બેસાડે છે અને આખી દોડના કંટાળાભર્યા સાક્ષી થવામાંથી મુક્ત કરે છે.૨ [2] કોઈએ આ વાત એમ કહીને સમજાવી છે કે ક્લૅસિકલ નાટકમાં પ્રહાર કરનાર કાંડું જ આપણને દેખાય છે, આખો હાથ કે વ્યક્તિ નહીં. આમ હોવાથી, બુચરને ગ્રીક ટ્રેજેડીઓ અર્વાચીન નાટકના નિર્વહણના અંકો જેવી લાગી૩ [3] એમાં કંઈ નવાઈ નથી. તાત્પર્ય કે લંબાઈની દૃષ્ટિએ ઓછું અંતર ધરાવતાં થયેલાં એકાંકી અને નાટક જ્યારે સમાન રચનારીતિ અપનાવે, સમયના નાનકડા બિન્દુ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે ત્યારે એમની વચ્ચેનું અંતર ઓર ઓછું થાય છે. અંતર ઓછું કરનાર એક ત્રીજી બાબત પણ છે. ઇબ્સને પોતાનાં નાટકોમાં જેમ સમયનું એક બિન્દુ સ્વીકારેલું, તેમ ઘટનાસ્થળ પણ એક જ રાખેલું. એક જ સેટ પર આખું નાટક ભજવાય અને અંકો છતાં દૃશ્ય એક જ. ભજવણીના સમયમાં કરકસર થાય એ ગણતરીથી કે વાસ્તવદર્શી સુસજજ સેટ ઘણા ખર્ચાળ બનવાથી કે વિશિષ્ટ નાટ્યાત્મક અસર ઊભી કરવા આધુનિક નાટક ઇબ્સનની એક સેટની આ પદ્ધતિને ઘણી વાર પસંદ કરે છે. તો બીજી બાજુથી એક અંક – એક દૃશ્યના વિશિષ્ટ નાટ્યપ્રકાર તરીકે ઉદ્‌ભવેલું અને પ્રતિષ્ઠિત થયેલું એકાંકી આજે એ નિયંત્રણમાંથી બહાર નીકળી રહ્યું છે. બ્લૅક આઉટ, ફેઇડ-ઇન વગેરે અનેક પ્રકારની ફિલ્મી ટેક્‌નિકે એકાંકીને અણધારી અનુનેયતા અને ઝડપ આપી છે. ટૂંકા સમયપટમાં ઝડપથી અનેક દૃશ્યો રજૂ કરવાની સગવડ કરી આપીને એક દૃશ્યના બંધનમાંથી એકાંકીને મુક્ત કર્યું છે ને ચિત્રપટની પ્રવાહિતા સંપડાવી છે. આથી વસ્તુરચના અને પાત્રવિધાન પરત્વેનાં કેટલાંક વિકાસરોધક નિયંત્રણોમાંથી પણ એકાંકીનો છુટકારો થાય છે અને કેટલાક જટિલ કોયડાઓનો મુકાબલો કરવા એ સશક્ત બને છે. નૂતન નાટ્યઉત્તેજના સિદ્ધ કરવાનું પણ એનાથી બને છે.૪ [4] એકાંકીના સ્વરૂપને સાંપડેલી અનુનેયતાને કારણે ‘લાંબા’ એકાંકીના ખેડાણની દિશા પણ સહજ રીતે ઊઘડે છે. પશ્ચિમમાં આના દાખલાઓ ‘વેઇટિંગ ફોર લેફ્ટી’, ‘બરી ધ ડેડ’ વગેરે ઘણા જૂના છે. ‘ધ બિસ્પોક ઓવરકોટ’ ૧૬ દૃશ્યોમાં વહેંચાયેલું એક ઉત્તમ એકાંકી છે! બ્લૅન્કફર્ટનું લાંબું એકાંકી ‘ધ ક્રાઇમ’ પણ જાણીતું છે અને કોઝલેન્કો લાંબા એકાંકીના પુરસ્કર્તા તરીકે જાણીતા છે. એકથી વધુ અંકોમાં પથરાયેલાં અને છતાં ઓછો સમય લેતાં ‘ટિલ ધ ડે આઇ ડાઈ’ જેવાં નાટકોની પરંપરા પણ ઠીકઠીક જૂની છે. માયોર્ગાએ પોતાના વાર્ષિક સંચયોને ‘એકાંકી’ને બદલે ‘લઘુ નાટકો’ના સંચયો તરીકે ઓળખાવવાનું શરૂ કર્યા ને પણ કેટલાંક વર્ષો થયાં. હા, તો ‘એકાંકી’ નહીં પણ ‘લઘુ નાટક’. એકાંકી પોતાની રૂઢ સીમાઓને વટી ગયું હોય, એકાંકીને નાટકનું રચનાવિધાન હાથવગું થયું હોય, તો એને ‘એકાંકી’ કહેવું એ ખોટું નામાભિધાન છે. એનો પટ નાટકથી નાનો, માટે એ લઘુ નાટક. ટૂંકમાં, નાટકથી એનો સ્વરૂપગત કોઈ પાયાનો ફરક નહીં. આમ કહીએ એટલે તરત એકાંકીની ‘એકતા’ના ખ્યાલને કોઈ આપણી સામે ધરવા તત્પર થશે જ. એકાંકીમાં તો એક વિષય હોય, એક મુખ્ય પરિસ્થિતિ હોય, એક મુખ્ય પાત્ર હોય, પાત્રનું એકલક્ષી નિરૂપણ હોય, એક જ પ્રભાવ હોય. નાટકમાં આ બધી બાબતોમાં અનેકતાના નિરૂપણને અવકાશ હોય છે. જેમકે મુખ્ય પરિસ્થિતિ સાથે કોઈ ગૌણ પરિસ્થિતિ ગૂંથાય. એકથી વધુ પાત્રો તરફ લક્ષ અપાય, વગેરે. પણ આ ધોરણો બહુ ચોક્કસપણે એકાંકી અને નાટકને જુદાં પાડનારાં છે ખરાં? અવકાશની વાત જવા દઈએ; હકીકતમાં, આજનું લાંબું નાટક પણ ‘એકતા’નો વધારે લાભ ઉઠાવતું નથી થયું? રઘુવીરનું ‘સિકંદર સાની’ સ્પષ્ટ રીતે એકથી વધુ તાંતણાવાળું ત્રિઅંકી દીર્ઘ નાટક છે – લગભગ બે કલાક ચાલે તેવું. લાભશંકરનું ‘મનસુખલાલ મજીઠિયા’ પણ એટલો સમય લે તેવડું છે. દૃશ્યો છએક છે, પણ એમાં છે એક વિષય, એક જ પરિસ્થિતિ, એક જ મુખ્ય પાત્ર, એક જ પ્રભાવ! એને કયા વર્ગમાં મૂકીશું – એકાંકી કે નાટક? એ નોંધપાત્ર છે કે નવલકથા સાથે સરખામણી કરતી વેળા હંમેશાં નાટકમાં એકલક્ષી વસ્તુપ્રવાહની, એક મુખ્ય રસની, એક કેન્દ્રવર્તી પાત્રની અપેક્ષા રાખવામાં આવે છે! નવલકથાને જે મોકળાશ છે તે નાટકને નથી – આજના નાટકને તો નહીં જ. એટલે ‘એકતા’ના ધોરણથી આજે એકાંકી અને નાટકને જુદાં પાડવામાં ઘણી મુશ્કેલી છે. ભૌતિક વિસ્તાર કે ભજવણીના સમયને આપણે લક્ષમાં લેવાનો રહેશે જ. એમ કરીએ ત્યારે ‘નાટક’ અને ‘લઘુ નાટક’ કદાચ વધારે અન્વર્થક સંજ્ઞાઓ લાગે. વિષયવસ્તુની એકતા નહીં પણ નિરૂપણની ચુસ્તતાને એકાંકી અને નાટકનું વ્યાવર્તક લક્ષણ ગણી શકાય? પર્સિવલ વાઇલ્ડ એકાંકીમાં ચડિયાતી એકતા અને કરકસરની અપેક્ષા રાખે છે૫ [5] ત્યારે એ નિરૂપણની ચુસ્તતા પર ભાર મૂકી રહ્યા હોય છે. પણ આમાં બે મુશ્કેલીઓ છે. એક તો, આ એક સાપેક્ષ ધોરણ છે અને એમાં આત્મલક્ષિતાને પૂરેપૂરો અવકાશ છે. બીજું, એથી ‘એકાંકી’ એ સંજ્ઞા વર્ણનાત્મક નહીં, મૂલ્યબોધક બની જવા સંભવ છે. આપણે ત્યાં જયંતી દલાલની એકાંકીવિચારણામાં૬ [6] આવું બનેલું દેખાય છે. ઉમાશંકરનાં ‘ઢેઢના ઢેઢ ભંગી’ તેમ ‘શહીદ’ને એ ‘એકાંકી’ને બદલે ‘લઘુ નાટક’ના વર્ગમાં મૂકે છે અને એમની દૃષ્ટિએ એકાંકી અને લઘુ નાટક વચ્ચે મુખ્ય ભેદ ચુસ્તતાનો છે. લઘુ નાટકમાં દોર એકસરખો ખેંચેલો હોય નહીં. ‘નૅરેશન’(કથાકથન)ને અવકાશ હોય, નાટ્યોચિત સંઘર્ષનો અભાવ હોય, પોત ફિસ્સું હોય – એવું બધું એ સૂચવે છે તેમાં આ વાત સ્પષ્ટ જણાઈ આવે છે. એનો અર્થ એવો થયો કે નબળું એકાંકી તે લઘુ નાટક. આ જાતનું વર્ગીકરણ ભાગ્યે જ સ્વીકાર્ય બની શકે. અને હવે જુઓ : ‘ઢેઢના ઢેઢ ભંગી’ અને ‘શહીદ’ના લખનાર ઉમાશંકર સ્થળ-કાળ-કૃતિની એકતા અને એક અંકવાળા ગ્રીક નાટકને આજના અર્થમાં એકાંકી ગણવા તૈયાર નથી – એનાં વૃંદગાન, બૃહત્તર ફલક વગેરેને લઈને;૭ [7] ત્યારે એકાંકીમાં ભારે ચુસ્તતાનો આગ્રહ રાખનાર દલાલને ગ્રીક નાટકમાં આજના એકાંકીનું અતિ ભાવવાહી અને સુંદર પ્રાગટ્ય નજરે પડે છે!૮ [8] ચુસ્તતાનો ખ્યાલ કેટલો તો આત્મલક્ષી છે અને કેટલો અસ્થિર છે એ આ પરથી જણાશે. કોઝલેન્કો જેવા આ પ્રાચીન ગ્રીક નાટકોને “એક યા બીજા પ્રકારનાં એકાંકી” તરીકે ઓળખાવે છે તે, આથી, વધારે યોગ્ય લાગે છે. એટલે કે એમની દૃષ્ટિએ ગ્રીક નાટકો આજના જેવાં એકાંકી તો નથી, પણ એથી એમને એકાંકી ન કહેવાય એવું પણ નથી. એમનો એકાંકીનો વર્ગ વિશાળ છે. એમાં વિવિધ જાતની કૃતિઓને સમાવેશ છે. આમ છતાં, પોણો-કલાક-કલાકની અને બે-અઢી કલાકની નાટયકૃતિઓમાં આ સમયભેદને અંગે સહજપણે વિષયવ્યાપ, નિરૂપણપદ્ધતિ કે મોકળાશ પરત્વે પણ કેટલોક ભેદ અવારનવાર પ્રગટ થવાનો તથા એકાંકી અને લાંબા નાટકને સામાન્ય રીતે આપણે સહજ સૂઝથી જ જુદાં પાડી આપવાનાં. એટલે અહીં, આ બે નાટ્યપ્રકારોનાં વારંવાર બતાવવામાં આવતાં ભેદક લક્ષણોનો કેવળ પરિહાર કરવાનો કોઈ ઉદ્દેશ નથી; પ્રતિપાદન તો એટલું જ છે કે આ બે નાટ્યપ્રકારો વચ્ચે માનવામાં આવે છે એટલો ભેદ નથી, બન્ને વચ્ચેનું અંતર ઘણી દૃષ્ટિએ સાંકડું થયું છે. તેથી ભેળસેળની શક્યતા ઘણી છે અને બન્નેને અલગ સાહિત્યજાતિઓ ગણવાનું યોગ્ય છે કે કેમ તે વિચારવા જેવું છે. ‘એકાંકી’ને આપણે વર્ણનાત્મક સંજ્ઞા તરીકે ટકાવવા માગીએ છીએ કે મૂલ્યબોધક સંજ્ઞા તરીકે અને જો આપણને વર્ણનાત્મક સંજ્ઞા જ જોઈતી હોય તો ‘લઘુ નાટક’ વધારે યોગ્ય ગણાય કે કેમ તે પણ વિચારવું જોઈએ.[9] એકાંકીની ક્ષમતા વધી છે તેનો અર્થ એવો પણ નથી કે એકાંકીનું ચુસ્ત રૂપ નકામું છે. અદ્યતન ફિલ્મી ટેક્‌નિકના આશ્રય વિનાનું એક જ દૃશ્યની સીમાને વશ વર્તતું એકાંકી હંમેશાં ઉત્તમ કલાકારને આહ્‌વાન આપતું રહેશે અને કલાના એક નમૂના તરીકે ટકી રહેશે. પણ એથી એકાંકીએ પોતાનો જે ક્ષેત્રવિસ્તાર કર્યો છે તેની અવગણના ન થઈ શકે. આજે પાંચ-દશ મિનિટથી માંડીને કલાક સુધીની જે વિવિધ પ્રકારની રચનાઓને એકાંકી તરીકે ઓળખાવવામાં આવે છે તે બતાવે છે કે ‘એકાંકી’ની વિભાવના કેવી વિસ્તારી-સંકોચી શકાય એવી બની ગઈ છે. એકાંકી અને ટેલિવિઝન૧૦ [10] એકાંકીના બે રૂપવિશેષો તો આપણે ત્યાં પણ ખૂબ જાણીતા છે – રંગભૂમિ માટેનું એકાંકી અને રેડિયો માટેનું એકાંકી. રેડિયોએકાંકીની આગવી જરૂરિયાતો અને ક્ષમતાઓ વિશે પણ આપણે ત્યાં ઠીકઠીક વિચારાયું છે. પણ એકાંકીનો એક ત્રીજો સ્વરૂપવિશેષ – ટેલિવિઝન-એકાંકી – એના વિશે આપણે ત્યાં ખાસ વિચાર થયો નથી. હવે આપણે ત્યાં ટેલિવિઝન આવી પહોંચ્યું છે એટલે ટેલિવિઝન અને એકાંકીના સંબંધ અંગેની વિચારણા જરૂરી અને ઉપયોગી ગણાય. એમ કહી શકાય કે ટેલિવિઝનના નાટ્ય-કાર્યક્રમો માટે એકાંકી આશીર્વાદરૂપ નીવડ્યું છે. ટેલિવિઝનની પોતાની કેટલીક મુશ્કેલીઓ અને મર્યાદાઓ છે. એક તો, એનું સ્ટેજ રંગભૂમિ કરતાં ઘણું નાનું હોય છે. ઘરોનાં ટેલિવિઝનના પડદાઓ તો સામાન્ય રીતે નાના જ હોવાના. એના પર મોટા ભર્યાભર્યા સ્ટેજનું દૃશ્ય રજૂ થાય તો વીગતો એટલી ઝીણી દેખાય કે એનો કંઈ અર્થ ન રહે. આથી જ, ટેલિવિઝનને તો સામાન્ય રીતે આખોયે ઓરડો બતાવવાને બદલે બારી, બારણું કે બેઠકના ભાગો જુદાં બતાવવાનું કરવું પડે છે. જંગલને છ ફૂટના ક્લોઝ-અપથી લીધેલા દૃશ્ય વડે રજૂ કરવાનું રહે અને સ્ટીમરના ડેકને રેલિંગ પાસે પડેલી બે ખુરશીઓ વડે. ટેલિવિઝનને સ્ટેજ નાનું રાખવાનું અનુકૂળતાભર્યું પણ છે, કેમકે એક પછી એક કાર્યક્રમો ઝડપથી રજૂ કરવાના હોઈ તેમાં દૃશ્ય પહેલેથી તૈયાર રાખવું પડે અને નાનું સ્ટેજ ઝડપથી તૈયાર કરી શકાય. ટેલિવિઝનને ખર્ચનો પણ પ્રશ્ન હોય છે. સિનેમાફિલ્મના અનેક શો થવાના, રંગભૂમિ-નાટકના પણ એકથી વધારે શો થઈ શકે. ત્યારે ટેલિવિઝન નાટકનું પુનરાવર્તન ઘણું ઓછું થવાનું. એટલે સિનેમા જેટલા ઉડાઉ થવું તો એને પાલવે જ નહીં, કદાચ રંગભૂમિ-નાટકનું ખર્ચ પણ એને વધારે પડે. જોકે વિડિયો ટેપના ઉપયોગથી સ્ટેજના આ પ્રશ્નો હવે હળવા થઈ ગયા છે. પણ નાનું કરકસરભર્યું સ્ટેજ એકાંકી જ આપી શકે અને અત્યંત સ્વાભાવિકપણે આપી શકે. એકાંકીમાં સેટ તો એક જ હોવાનો અને એમાં પણ પ્રયોગશીલ એકાંકી હોય તો પ્રૉપર્ટીનો પણ ઓછો ઉપયોગ હોવાનો. પ્રયોગશીલ એકાંકી વાસ્તવસાદૃશ્યને ઘણી વાર ટાળે છે એટલે એ માટેની દૃશ્યરચના એને આવશ્યક નથી હોતી. ટેલિવિઝનની બીજી મુશ્કેલી એ છે કે એના કૅમેરાનું કાર્યક્ષેત્ર પણ મર્યાદિત હોય છે. ત્રણેક કૅમેરાથી સંકુલ પરિસ્થિતિને ચિત્રિત કરવામાં મુશ્કેલી પડે. એટલે ઓછાં પાત્રો હોય એ વધુ સારું. આમેય સ્ટેજ નાનું હોવાને કારણે વધુ પાત્રોની ભીડ ઇષ્ટ ન કહેવાય. ચિત્રો ઓળખાય એવાં રહેવાં જોઈએ અને ચહેરાના ભાવો તો ક્લોઝ-અપમાં જ અસરકારક રીતે આવી શકે. આ બધું ઓછાં પાત્રો હોય ત્યાં શક્ય બને. એકાંકી બહુધા ઓછાં પાત્રોવાળાં જોવા મળે છે. એટલે એકાંકી-ટેલિવિઝન માટે આ દૃષ્ટિએ પણ અનુકૂળ નાટ્યપ્રકાર બની રહે છે. જોકે આજનું એકાંકી ઘણી વાર માનવસમૂહને રજૂ કરવા તાકે છે અને એ વિષય સામાન્ય રીતે ટેલિવિઝનની પહોંચ બહાર રહે. ટેલિવિઝન-નાટક બહુધા એક જ વખત રજૂ થતું હોઈ અભિનેતાઓને એક જ વખત પૈસા મળે અને તેથી એમને વધારે પૈસા આપવા પડે. પણ જો પાત્રો ઓછાં હોય તો આ ખર્ચમાં પણ કરકસર થાય. આમ, ટેક્‌નિક અને ખર્ચ બન્નેની દૃષ્ટિએ એકાંકીની પસંદગી ટેલિવિઝન માટે ઘણી લાભદાયક છે. ઉપરાંત, એકાંકીની સમયમર્યાદા તે ટેલિવિઝનની પણ સમયમર્યાદા છે. એટલે એકાંકી બહુ અજબ રીતે ટેલિવિઝનની જરૂરિયાતમાં બંધ બેસી જાય છે. અલબત્ત, ટેલિવિઝન માટે લાંબા નાટકને ટૂંકાવી શકાય અને ટૂંકી વાર્તાનું રૂપાંતર કરી શકાય. પણ ટૂંકાવેલ નાટક કરતાં આપમેળે જ સમયમર્યાદાને વશ વર્તતું એકાંકી વધારે અસરકારક રહેવાનું; એમાં સંક્ષેપની, કાપકૂપની ગંધ નહીં હોવાની. એ જ રીતે, ટૂંકી વાર્તાના વર્ણનાત્મક ખંડોને સંવાદમાં ઢાળવાના રહે, એના પર પ્રક્રિયા કરવી પડે; ત્યારે એકાંકી તો બોલાતા નાટક તરીકે જ સર્જકચિત્તમાં વિચારાયું હોય છે. એટલે એની નાટ્યાત્મકતા વધારે સજીવ અને સાહજિક હોવાની. ટૂંકાવેલા નાટક કે રૂપાંતરિત વાર્તાને મુકાબલે એકાંકીના પોતાના દેખીતા લાભ છે. રંગભૂમિ કરતાં ટેલિવિઝનના માધ્યમની કેટલીક વિશેષ ક્ષમતા છે અને એનો લાભ ટેલિવિઝન પર રજૂ થતા એકાંકીને મળી શકે છે. બહારથી કોઈ દરવાજા ખટખટાવતું હોય તો એને ટેલિવિઝન બતાવી શકે, ટેલિફોન કરવામાં આવે ત્યારે રિસીવ કરનારને પણ એ બતાવી શકે. ટેલિવિઝન-એકાંકીમાં કાગળ વાંચવાની જરૂર નહીં. કાગળ પડદા પર બતાવી શકાય. ટેલિવિઝનની પહોંચ આવી સ્થૂળ બાબતો પૂરતી મર્યાદિત નથી. એમાંનું કેટલુંક તો આજની રંગભૂમિ પણ, ભલે એટલી સહજ રીતે નહીં પણ, કરી તો શકે. ટેલિવિઝનની ગતિ માનવમનના કેટલાક સૂક્ષ્મ આવિષ્કારોને મૂર્ત કરવા સુધીની છે. પડદાના વિભાગો કરીને એ લાગણીઓનાં ચિત્રો, સ્વપ્નો રજૂ કરી શકે, એક ઉપર બીજું ચિત્ર પાડીને એ ભૂતને રજૂ કરી શકે, આઉટ-ઑફ-ફોક્સ ચિત્રથી ગૂંચવાયેલી ચિત્તસ્થિતિને નિરૂપી શકે. આ બધી પ્રયુક્તિઓનો સદુપયોગ કે દુરુપયોગ થઈ શકે, પણ અગત્યની વાત એ છે કે એમની મદદથી નાટ્યકારને માટે દુર્ભેદ્ય ગણાતી સમસ્યાઓને ટેલિવિઝન અકલ્પ્ય સરળતાથી ઉકેલી શકે છે. ક્લોઝ-અપ છબી પણ ટેલિવિઝનનું એક વિશિષ્ટ ક્ષમતાભર્યું સાધન છે. જોકે એનો અતિપ્રયોગ થવાનું જોખમ હોય છે. જેમ કે વૃદ્ધ માણસને ખૂબ નજીકથી જોવાનું રમણીય નથી હોતું. જરૂર વિના એવો ક્લોઝ-અપ રજૂ ન કરવો જોઈએ. ટેલિવિઝન પાસે એક બીજી પણ ઘણી મહત્ત્વની સગવડ છે, ચલચિત્રની જેમ એ પ્રેક્ષકના ધ્યાનને નિયંત્રિત કરી શકે છે અને યોગ્ય જગ્યાએ વાળી શકે છે. રંગભૂમિ ઉપર તો પ્રેક્ષકનું ધ્યાન ગમે ત્યાં કેન્દ્રિત થાય. કોઈ રૂપાળી છોકરી પર નજર ચોંટી રહે કે રંગભૂમિ પર આંટા મારતી બિલાડી તરફ ધ્યાન ખેંચાયા કરે અને જોવાની જે વસ્તુ હોય એની ઉપેક્ષા થાય. ટેલિવિઝન આ આપત્તિને ટાળી શકે છે, કેમકે જેના તરફ પ્રેક્ષકનું ધ્યાન એ દોરવા માગતું હોય એને જ પડદા ઉપર એ રજૂ કરે. પ્રેક્ષકને જોવાની વસ્તુની પસંદગી કરવાની તક ન રહે. ટેલિવિઝનને માટે એકાંકીનું નાટ્યસ્વરૂપ ઘણું અનુકૂળ છે અને ટેલિવિઝન પર રજૂ થતા એકાંકીને એની વિશિષ્ટ શક્તિનો લાભ મળે છે. પણ ટેલિવિઝનની થોડીક આગવી પરિસ્થિતિ છે, જેનો વિચાર ટેલિવિઝનને માટેના એકાંકીની પસંદગી કરતી વખતે ખાસ કરવાનો રહેશે. રંગભૂમિના એકાંકીની શરૂઆતમાં જ રસ ન પડે તોપણ પ્રેક્ષક ચુમાઈને થોડી વાર બેસી રહેશે, પણ ટેલિવિઝનમાં તો પ્રેક્ષક સ્વિચ ફેરવીને બીજું સ્ટેશન પકડે કે બંધ કરી દે એવી પૂરી શક્યતા છે. એટલે એકાંકી આરંભથી જ પકડ જમાવે એવું હોય એ ટેલિવિઝન માટે અત્યંત આવશ્યક છે. જે એકાંકીઓનો આરંભ મંદ હોય તેમને ટેલિવિઝન પર એ રીતે રજૂ કરવાં તે યોગ્ય ન ગણાય. રેડિયો-એકાંકી કરતાં ટેલિવિઝન-એકાંકીની કેટલીક વિશેષતા છે તે લક્ષમાં લેવી જોઈએ. ટેલિવિઝન વસ્તુઓને તરત બતાવી શકે છે અને વસ્તુઓને બતાવવાથી નાટ્યક્રિયા આપોઆપ સમજાઈ જાય છે, અસરકારક બને છે; તેથી રેડિયો કરતાં ટેલિવિઝનના નાટ્યકાર્યક્રમે, પુનરાવર્તન અને નીરસતાને અવકાશ ન રહે એ રીતે, ઝડપથી ચાલવું પડે. ટેલિવિઝન-એકાંકીમાં રેડિયો-એકાંકી જેવો નહીં, પણ રંગભૂમિ પર ભજવાતા એકાંકી જેવો કાર્યવેગ જોઈએ. ટેલિવિઝન રેડિયો કરતાં પાંચગણી ધ્યાનની એકાગ્રતા માગે. અહીં અવાજમાં માત્ર દૃશ્યતા જ ઉમેરાતી નથી. ગતિ પણ ઉમેરાય છે. જૂના ચલચિત્રમાં દૃશ્યતામાં અવાજ ઉમેરાયેલો તેના કરતાં આ જુદો જ અનુભવ છે. ચલચિત્ર તો સિનેમાગૃહમાં બેસીને જોવાનું હોય છે. ત્યાં બીજે કશે ધ્યાન ખેંચાવાની શક્યતા નથી હોતી; રેડિયો-ટેલિવિઝન તો ઘરે બેસીને સાંભળવા જોવાનાં હોય છે. કંઈકંઈ બીજું કામ કરતાં-કરતાં પણ માણસ રેડિયો-ટેલિવિઝનનો કાર્યક્રમ સાંભળે-જુએ એ બનવાજોગ છે. એટલે ધ્યાનચૂક થવાની શક્યતા હોય છે. ઘરમાં નવાનવા દાખલ થતા ટેલિવઝન પ્રત્યે શરૂઆતમાં ધ્યાન વધારે એકાગ્ર રહે, પણ કાયમ એવું રહે તેમ કહી શકાશે નહીં. પણ જો ધ્યાન એકાગ્ર હોય તો રેડિયો કરતાં ટેલિવિઝન ચિત્તમાં ઘણી વધારે છાપ ઉઠાવે એમાં શંકા નથી. ટેલિવિઝનની નવીનવી ટેક્‌નિકો રેડિયો અને ચલચિત્રના પ્રભાવ હેઠળ ઘડાતી આવવાની, તેથી ટેલિવિઝન માટે એકાંકી લખનાર કે કોઈ કૃતિને એકાંકી રૂપ આપનાર લેખકે એ બન્ને કળાઓનો અભ્યાસ કરવાનો રહેશે. ટેલિવિઝન-એકાંકીમાં વાણી અને ક્રિયા પરસ્પર સંવાદી જોઈએ. વાણી દ્વારા જ ભાવાવેગ વ્યક્ત થાય એવી ક્ષણ એમાં આવતી હોય છે, પણ ત્યાં ક્રિયા અટકી ન જઈ શકે. ટેલિવિઝન માટે તો એવા લેખકો જોઈશે જેઓ વાણી અને ક્રિયાનો ખરો સંબંધ પામી શકે, જેઓ અત્યંત અર્થપૂર્ણ શબ્દો ઉચ્ચારાતા હોય ત્યારે સંભવી શકે પણ બહુ ધ્યાન ન ખેંચે એવો ક્રિયાકલાપ યોજી શકે અને એકદમ ચોક્કસ અર્થવાળી ક્રિયા યોજાયેલી હોય ત્યારે શબ્દોને એમનાથી ગૌણ સ્થાને રાખવાની જરૂરિયાતને પણ વશ વર્તી શકે. આ બાબતમાં એકાંકી-લેખકો વધારે સફળ થવા સંભવ છે, કેમ કે એમણે એવા માધ્યમ સાથે કામ પાડ્યું હોય છે, જેમાં સગવડ કરતાં વધારે તો અગવડો હોય છે. એ અનુભવ એમને ટેલિવિઝનના પડકારો ઝીલી લેવા સમર્થ બનાવે. એકાંકીને ટેલિવિઝન પર નવું ક્ષેત્ર મળ્યું છે, પણ ત્યાં એને કેવું સ્થાન મળી રહેશે અને એને કેટલો વેગ મળશે એ કહી શકાય તેવું નથી. ટેલિવિઝનને ત્રણ પ્રકારના કાર્યક્રમો આપવાના હોય છે. એક, બનતા બનાવોનું સીધું પ્રસારણ – ઉદ્‌ઘાટન, મૅચ વગેરે; બે, ચલચિત્ર; ત્રણ, સ્ટુડિયોમાં તૈયાર થયેલ કાર્યક્રમ – શૈક્ષણિક પાઠો, ખેતીનું દિગ્દર્શન, સંગીત, નૃત્ય, નાટક વગેરે. આમાં એકાંકીને કેટલો સમય મળે? પણ આશ્વાસન એટલું કે રેડિયોની જેમ ટેલિવિઝન પોતાની સામગ્રી ઝડપથી વાપર્યા કરશે એટલે એને નવીનવી સામગ્રીની જરૂર પડ્યા કરશે. આમ છતાં, ટેલિવિઝન ઉત્તમ એકાંકીઓના સર્જનમાં કેટલો ફાળો આપશે એ કહેવું મુશ્કેલ છે. રેડિયોએ એવો ખાસ ફાળો આપ્યો નથી. રેડિયોનાં ઉત્તમ એકાંકીઓ ઘણી વાર રૂપાંતરો જ હોય છે. પણ રેડિયોની કેવળ શ્રાવ્ય સૃષ્ટિ ત્યારે ટેલિવિઝનની શ્રાવ્ય તેમ જ દૃશ્ય સૃષ્ટિ છે. અને નાટક પણ દૃશ્ય શ્રાવ્ય પ્રકાર છે એટલે ટેલિવિઝન નિમિત્તે ઉત્તમ નાટક મળવાની શક્યતા વધારે છે એમ કહી શકાય. તો બીજી બાજુથી, ટેલિવિઝન રેડિયોની જેમ વિશાળ સમૂહને લક્ષમાં રાખીને ચાલતું માધ્યમ છે. એને અનુરૂપ એના કાર્યક્રમોના હેતુઓ પણ હોવાના. ઉત્તમ કૃતિઓના નિર્માણમાં એ સ્થિતિ ઉપકારક થાય છે કે અવરોધરૂપ એ જોવાનું રહે છે. એકાંકીની આવશ્યકતા ધંધાદારી રંગભૂમિ પર એકાંકીને સ્થાન નથી એ ફરિયાદ હવે બહુ જૂની થઈ ગઈ છે. ગુજરાતમાં તો રંગભૂમિ જ ન-જેવી છે, પણ જ્યાં વ્યવસ્થિત રંગભૂમિ છે ત્યાં આના સંકેતો ઠીકઠીક ગંભીર હોય છે. રંગભૂમિ ઉપર સ્થાન ન પામે એટલે ઉત્તમ અભિનેતાઓનો સ્પર્શ ન પામે, ધન અને કીર્તિ પણ ન કમાવી આપે. લાંબા નાટકને મુકાબલે એકાંકી પ્રત્યે તુચ્છતાનો ભાવ થાય. ઉત્તમ લેખકો પણ એકાંકી પર કલમ ચલાવવા બહુ ન લલચાય. ધંધાદારી નિર્માતાઓ એકાંકી કે લઘુ નાટ્યકૃતિઓનું નિર્માણ કરવા ન આકર્ષાતા હોય તો એનાં પણ કારણો હોય જ. અભિનેતાઓને પોતાની શક્તિને અનુરૂપ એ કામ ન લાગતું હોય. અત્યારે જે લોકરુચિ અસ્તિત્વ ધરાવે છે એને એનાથી પૂરતો સંતોષ ન થતો હોય, ખર્ચેલા પૈસાનું પૂરું વળતર મળ્યાનો ભાવ ન થતો હોય. ગમે તે હોય, પણ આ પરિસ્થિતિ લઘુ નાટ્યકૃતિઓના અસ્તિત્વને જોખમાવી દે એમ ન બને? બંગાળી લેખકોને એકાંકી માટે ખાસ આકર્ષણ નથી એમ શિવકુમારે એક વખત નોંધ્યું છે૧૧ [11] અને ઇંગ્લંડ-અમેરિકાની એકાંકીની સ્થિતિ વિશે પણ અસંતોષ અને સંદેહ પ્રગટ થતા જોવા મળે છે. એમ લાગે છે કે આ વિષમ પરિસ્થિતિમાં પણ એકાંકી અથવા તો કોઈ ને કોઈ પ્રકારનાં લઘુ નાટ્યરૂપો ટકી જશે. ધંધાદારી રંગભૂમિ પર રજૂઆત એ જ કંઈ નાટ્યકૃતિની ચરમ સાર્થકતા હોય એવી સ્થિતિ આજે રહી નથી અને લઘુ નાટ્યરૂપો એટલી વિવિધ પ્રકારની કામગીરી બજાવે છે કે એમના વિના ચલાવી લેવું અશક્ય બની ગયું છે. સંભવ છે કે લઘુ નાટ્યનો અણધારી દિશાઓમાં વિકાસ થાય. લઘુ નાટ્ય શા માટે અને કેવી રીતે ટકશે અને વિકસશે તે થોડુંક વિચારીએ. એકાંકી કે કોઈ પણ નાટ્યરૂપ એક સ્વતંત્ર સ્વાયત્ત સાહિત્યપ્રકાર છે અને એ રીતે ટકી શકે એમ હું માનું છું. ગુજરાતીમાં ભજવણીનું પીઠબળ ઘણું ઓછું મળવા છતાં નાટકો અને એકાંકીઓ લખાતાં જ રહ્યાં છે. એની પાછળ કેવળ સાહિત્યસર્જનનો આવેશ હોય છે એમ આપણે માનવાનું રહે. અને સાહિત્યપ્રકારોમાં લઘુ રૂપનું એક વિશિષ્ટ આકર્ષણ હોય છે. એમાં કેટલીક સરળતા-અનુકૂળતા હશે. તો કેટલાંક પડકારો અને શક્યતાઓ પણ છે, જેનો લાભ લેવાનું ટાળવાનું સર્જકોને ભાગ્યે જ પરવડે. સમગ્ર સાહિત્યિક સમાજની દૃષ્ટિએ પણ લઘુ સાહિત્યરૂપની કેટલીક ઉપયોગિતા છે. ગુજરાતી પ્રજામાં તો વિશેષે લઘુ રૂપો જ સાહિત્યિક સત્ત્વશીલતાના ધારક બન્યાં છે. એટલે જેમ નવલકથાની સાથે ટૂંકી વાર્તાનું, તેમ નાટકની સાથે એકાંકીનું, સાહિત્યકલાના એક વિશિષ્ટ રૂપ તરીકે ખેડાણ થતું રહેશે એમ માનવામાં કોઈ બાધ નથી. ધંધાદારી રંગભૂમિ ઉપર સ્થાન ન મળે તેથી એકાંકી કે લઘુ નાટ્યરૂપો રંગભૂમિથી વંચિત રહે એવું પણ નથી જ. આપણે જાણીએ છીએ કે એકાંકીને એની નાનકડી અવૈતનિક રંગભૂમિ મળી જ રહી છે, અને અવેતન કલાકારો માટે એકાંકી જ અનુકૂળ નાટ્યરૂપ બની રહ્યું છે. ઓછાં પાત્રો, નાની ભૂમિકાઓ, એક સેટ, સરળ દૃશ્યવિધાન, રિહર્સલનો ઓછો શ્રમ અને ઓછો ખર્ચ – એકાંકીના આ લાભોએ અવેતન નાટ્યપ્રવૃત્તિને વિસ્તારવામાં કેટલો બધો ફાળો આપ્યો છે! નવીનવી પ્રતિભાઓને એકાંકી અને અવેતન રંગભૂમિ જ તક આપી શકે અને નવા પ્રયોગોનું જોખમ પણ એ જ ખેડી શકે. લાંબું નાટક સફળ થાય તો એનું વળતર ઘણું મોટું હોય, તો સાથેસાથે એ નિષ્ફળ જાય તો એનો ધક્કો પણ ઘણો મોટો હોય. નાનું નાટક નિષ્ફળ જાય તો લેખક કે નટો કે નિર્માતાને બહુ ઝાઝું ગુમાવવાનું નથી હોતું. એ જ રીતે, પ્રેક્ષક પાસે પણ એકાંકી માત્ર ૪૦ મિનિટ માગે છે; એકાંકીની ગમેતેવી સફળતા-નિષ્ફળતા હોય, પ્રેક્ષક ઉદારતાથી એટલો સમય આપી શકે. લાંબું નાટક પૂરા ત્રણ કલાક માગે અને એટલો સમય નકામો બગાડવા પ્રેક્ષક તૈયાર ન હોય. એકાંકીને આ રીતે રંગભૂમિ ઉપર પણ કેટલીક વિશેષ તકો છે. નાટ્યપ્રવૃત્તિનાં કે અન્ય નવાં આંદોલનો સાથે ઘણી વાર એકાંકી જ સંકળાયેલું જોવા મળે છે. એકાંકીના ક્ષેત્રે અને અવેતન રંગભૂમિ ઉપર જે પ્રયોગો સફળ થાય એનો પ્રભાવ ધંધાદારી રંગભૂમિ ઝીલતી હોય છે. એટલે ધંધાદારી રંગભૂમિની તાજગી અને જીવંતતા માટે અવેતન રંગભૂમિની અને એકાંકીની પ્રવૃત્તિ ઘણી આવશ્યક બની રહે છે. અમેરિકામાં તો, પર્સિવલ વાઇલ્ડ નોંધે છે કે, લઘુ નાટકનું સ્થાન ઘણી વાર ટ્રાયલ બલૂન જેવું છે. લેખક જુએ કે પોતાના નવા અખતરાને લોકો કેવી રીતે ઝીલે છે, પછી એ જ વસ્તુને લાંબા નાટક રૂપે રજૂ કરે છે!૧૨ [12] નાટ્યશિક્ષણ માટે પણ એકાંકી જ વધુ અનુકૂળ નાટ્યરૂપ છે. કૉલેજો અને યુનિવર્સિટીઓનાં થિયેટર, આથી, એકાંકીનો જ આશ્રય લે છે. વિદ્યાર્થીઓને નાટ્યલેખન તરફ વાળવામાં પણ એકાંકીનો ઉપયોગ થઈ શકે. છતાં કૉલેજોની રંગભૂમિ એકાંકી-સર્જકો આપી જ શકે એમ ન કહેવાય, પણ એ નીવડેલા દિગ્દર્શકો તો અવશ્ય આપે છે. આમ લેખક, નટ, દિગ્દર્શક સૌને માટે એકાંકી એક સરસ તાલીમભૂમિની ગરજ સારે છે. એ કોઈ ખરાબ કે ઊતરતો હેતુ છે એવું નથી, પણ એકાંકીનું આટલા પૂરતું જ અસ્તિત્વ આપણે સ્વીકારવાનું છે એવું નથી. એકાંકીનું એક સ્વતંત્ર, પ્રૌઢ, પરિપક્વ કલાસ્વરૂપ તરીકે પણ સ્થાન છે. અમેરિકામાં એકાંકી એક ઉપપેદાશ બની ગયું છે એમ કહી વાઇલ્ડ એકાંકીના જે ત્રણ વર્ગો બતાવે છે૧૩ [13]તેમાંથી બે – ટ્રાયલ બલૂન તરીકે લખાતાં એકાંકીઓ અને લાંબા નાટકની વધીઘટી સામગ્રીનો ઉપયોગ કરી લખાતાં એકાંકીઓ – એ અભિપ્રાયનું સમર્થન કરે છે, પણ ત્રીજો વર્ગ તો સામગ્રીને વશ વર્તીને કોઈ આંતરિક જરૂરિયાતથી લખાતાં એકાંકીઓનો છે, જે બતાવે છે કે એકાંકીને પોતાનું આગવું અસ્તિત્વ છે. એકાંકીની રંગભૂમિ કેવળ શિખાઉ લોકોની રંગભૂમિ છે એવું પણ નથી. શોખથી, ખરા નાટ્યરસથી અને આ નાનકડા નાટ્યરૂપની નિગૂઢ શક્યતાઓથી આકર્ષાઈને નાનકડી રંગભૂમિને વળગી રહેલા સિદ્ધહસ્ત કલાકારો અને નિર્માતાઓ પણ જોવા મળે છે અને ઉત્તમ નાટ્યનિર્માણનાં દૃષ્ટાંતો ત્યાં પણ મળી આવે છે. ઉત્તમ કલાત્મક એકાંકીનો પોતાનો એક આસ્વાદ હોય છે, જે ચુનંદા લોકો જ માણી શકે છે. પણ એ જ તો એકાંકીને ટકી રહેવાની એક દૃઢ ભૂમિકા પૂરી પાડે છે. ટૂંકમાં, તાલીમભૂમિ અને પ્રયોગભૂમિ ઉપરાંત એકાંકી અને એની રંગભૂમિનું સ્વતંત્ર અસ્તિત્વ ઓછુંવત્તું રહ્યું છે અને રહેશે એમાં શંકા કરવા જેવું નથી. કોઝલેન્કો તો માને છે કે એકાંકી ધંધાદારી રંગભૂમિની મુખ્ય સામગ્રી તરીકે આવે એ દિવસ પણ દૂર નથી.૧૪ [14] યુવકમંડળો, જ્ઞાતિમંડળો, શાળાઓ, સામાજિક-ધાર્મિક સંસ્થાઓ, કામદાર-મંડળોની નાટ્યપ્રવૃત્તિ પણ અવૈતનિક રંગભૂમિની પ્રવૃત્તિ ગણાય અને ત્યાં લઘુ નાટ્યરૂપોનું જ પ્રવર્તન હોય છે. આમાંથી ખરેખર સત્ત્વશીલ ભલે ઓછું નીપજી આવતું હોય. લઘુ નાટ્યને સમાજજીવનનાં કેવાંકેવાં અંગો સાથે સાંકળી શકાય છે, એની કેટલી વ્યાપકતા અને પહોંચ છે એનો ખ્યાલ એના પરથી આવે છે. સ્થાનિક મંડળો કેટલીક વાર તળપદી સામગ્રીની શક્યતાઓને બહાર લાવવાનું કામ પણ કરી શકે. ઉપરાંત, એકાંકીની રંગભૂમિ સહેલાઈથી એક સ્થાનેથી બીજે સ્થાને ખસેડી શકાય એવી હોય છે. એટલે લોકશિક્ષણના અસરકારક માધ્યમ તરીકે પણ એ સરળતાથી વિકસી શકે. સમાજને આ પ્રકારના લઘુ નાટ્યરૂપ વિના ચાલી શકશે ખરું? રેડિયો અને ટેલિવિઝન એકાંકીને ઊંચકી લેનાર છેલ્લાં બે માધ્યમો છે. રેડિયોએ ભલે ઉત્તમ એકાંકીઓ ઓછાં આપ્યાં હોય, એણે એકાંકીને એક નવું પરિમાણ આપ્યું અને અવાજની શક્યતાઓને પૂરેપૂરી ઉપયોગમાં લેવાની દિશા સુઝાડી. ફીચર-કાર્યક્રમોની લોકોપયોગિતા પણ વીસરી ન શકાય. ટેલિવિઝન એકાંકીને કદાચ વધારે કાર્યક્ષમ મોડ આપે એવી શક્યતા છે, પણ એને માટે રાહ જોવાની રહેશે; ઓછામાં ઓછું, એકાંકીને ટકી રહેવા માટેની એક નવી ભૂમિકા ઊભી થઈ છે એમાં શંકા નથી. એકાંકી કે લઘુ નાટ્યરૂપ માટે એક નવી દિશા ખૂલવાની પણ એક ઝાંખી-ઝાંખી શક્યતા છે. કોઝલેન્કો, અલબત્ત, કહે છે કે બધી ફિલ્મો એકાંકી નાટકો જ છે.૧૫ [15]પણ કોઝલેન્કોના મનમાં એકાંકીનું જરા વિશાળ રૂપ લાગે છે. ફિલ્મો સામાન્ય રીતે એકાંકીની ચુસ્તીથી ચાલતી નથી અને એ બે કલાક જેટલો લાંબો સમય પણ લે છે; વળી ફિલ્મોનો પ્રેક્ષકગણ, કહેવાય છે તેમ, તેર વર્ષની ઉંમરની કક્ષાનો હોય છે. પણ આઇઝક ગોલ્ડબર્ગ જેવા માને છે કે ચલચિત્ર જોનારાંઓમાં બધા વર્ગનાં માણસો હોય છે અને એમાં કેટલાકે તેર વર્ષની ઉંમરની કક્ષા છોડી દીધી હોય છે, તેથી ચલચિત્રમાં રજૂ થતા નાના કાર્યક્રમોમાં સુધારાને અવકાશ છે અને રૂપેરી પડદા પર એકાંકીઓ છૂટક કે સમૂહમાં રજૂ થાય એવા દિવસની પણ રાહ જોઈ શકાય. ગોલ્ડબર્ગનો આ આશાવાદ આપણને માન્ય હોય કે ન હોય, એમની એ વાત તો સાવ સાચી છે કે સિનેમા પાસે આંતરદર્શનની આત્મલક્ષી, સૂક્ષ્મ સામગ્રીનું નિરૂપણ કરવાની પોતાની રીત છે. આજના ઘણા લખાણમાં ક્ષોભપૂર્ણ કાર્યવેગ અને આત્મલક્ષી દ્રવ્ય હોય છે. પડદો એમને માટેનું ખાસ માધ્યમ બની શકે; બહુદૃશ્ય લઘુ નાટકોમાંનાં ઘણાં ચલચિત્ર તરીકે વધારે પ્રભાવક નીવડે. ગોલ્ડબર્ગ એવું ઇચ્છતા નથી કે સિનેમાના પડદા પર મોટીમોટી જાહેરખબરો અને ટોળટપ્પાંનું મનોરંજન આવતું હોય છે એના ભાગ રૂપે એકાંકી હોય; એ સિનેમાના પડદા પર માગે છે ચલચિત્રની આંતરસૂઝથી નાટ્યકારે રચેલી એક નાટ્યકથા.૧૬ [16] આ બને ત્યારે ખરુંં, પણ જ્યારે બનશે ત્યારે એકાંકીને વળી એક ઓર નવું પરિમાણ મળશે એમાં શંકા નથી. અત્યારે તો લોકપ્રિય ન બની શકે તેવી પ્રયોગશીલ ટૂંકી ફિલ્મો એકાંકીની દિશામાં પગરણ છે એમ માનીને આપણે ચાલી શકીએ.

સંદર્ભનોંધો :

  1. ૧. ‘શૈલી અને સ્વરૂપ’, પૃ. ૯૬.
  2. ૨. બુચર, ‘ઍરિસ્ટૉટલ્સ થિઅરી ઓવ્‌ પોએટ્રી ઍન્ડ ફાઇન આર્ટ’, પૃ. ૨૮૩ પર ઉદ્‌ધૃત.
  3. ૩. એજન, પૃ. ૨૮૩.
  4. ૪. કોઝલેન્કો, ‘ધ વન-ઍક્ટ પ્લે ટુ-ડે’, પૃ. ૬.
  5. ૫. ‘ધ ક્રાફ્ટમનશિપ ઑવ વન-એક્ટ પ્લે’, પૃ. ૩૪.
  6. ૬. ‘નાટક વિશે’, પૃ. ૬૪, ૧૫૧-૫૨.
  7. ૭. ‘શૈલી અને સ્વરૂપ’, પૃ. ૮૬.
  8. ૮. ‘કાયા લાકડાની, માયા લુગડાની’, પૃ. ૧૭૧.
  9. ૯. ‘ધ વન-ઍક્ટ પ્લે ટુ-ડે’, પૃ. ૮.
  10. ૧૦. અહીં મુખ્યત્વે પર્સિવલ વાઇલ્ડના ‘ધ ક્રાફ્ટમનશિપ ઑવ્‌ વન-ઍક્ટ પ્લે’ની ૧૯૫૧ની આવૃત્તિમાં ટૉમસ હચિન્સનના સહકર્તૃત્વમાં લખાયેલ ‘ટેલિવિઝન ઍન્ડ વન ઍક્ટ ટેક્‌નિક’ એ પ્રકરણ તથા કોઝલેન્કો-સંપાદિત ‘ધ વન-ઍક્ટ પ્લે ટુ-ડે’માંના ગિલ્બર્ટ સેન્ડિઝના લેખ ‘ધ વન-એક્ટ પ્લે ઍન્ડ ટેલિવિઝન’નું તારણ કર્યું છે.
  11. ૧૧. ‘ગુજરાતી નાટ્ય’, ઑક્ટો.-નવે. ૧૯૫૩, ‘બંગાળી એકાંકી’ એ લેખ.
  12. ૧૨. ‘ધ ક્રાફ્ટમનશિપ ઓવ્‌ વન-એક્ટ પ્લે’, પૃ. ૩૬૬.
  13. ૧૩. એજન, પૃ. ૨૬૬-૨૭,
  14. ૧૪. ‘ધ વન-ઍક્ટ પ્લે ટુડે’, પૃ. ૯
  15. ૧૫. એજન, પૃ. ૭.
  16. ૧૬. જુઓ કોઝલેન્કો-સંપાદિત ‘ધ વન-એક્ટ પ્લે ટુ-ડે’માં ‘ધ વન-એક્ટ પ્લે ઍન્ડ ધ ફિલ્મ્સ’ એ લેખ.

[‘એકાંકી અને ગુજરાતી એકાંકી’, સંપા. જયંત કોઠારી(૧૯૮૦)માં પ્રારંભે મુકાયેલો લેખ; પુનઃ ‘વ્યાસંગ’૧૯૮૪]

*