સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/લેખકીય

From Ekatra Wiki
Revision as of 02:36, 3 July 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{center|<big>'''લેખકીય'''</big>}} {{Poem2Open}} ૧૯૯૨ના સપ્ટેમ્બર આસપાસ નીતિનભાઈએ ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા માટે મારું નામ સૂચવવાની ઇચ્છા દર્શાવી અને એ માટે મારી સંમતિ માગી ત્યારે હું મારી મ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


લેખકીય

૧૯૯૨ના સપ્ટેમ્બર આસપાસ નીતિનભાઈએ ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા માટે મારું નામ સૂચવવાની ઇચ્છા દર્શાવી અને એ માટે મારી સંમતિ માગી ત્યારે હું મારી મોટી ને ગંભીર માંદગીમાંથી થોડો બહાર નીકળી રહ્યો હતો, પરંતુ હું ક્યારે ને કેટલું કામ કરતો થઈશ એ વિશે કશું ખાતરીપૂર્વક કહેવાય એવું નહોતું. પણ નીતિનભાઈએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે હું જરૂર સારો થઈ જઈશ અને આ વ્યાખ્યાનો આપવા સક્ષમ પણ બની જઈશ. નીતિનભાઈની શુભેચ્છાને મેં માથે ચડાવી. હું વ્યાખ્યાનો આપી શક્યો એમાં નીતિનભાઈની – અને બીજા અનેક સ્નેહીઓની – શુભેચ્છાઓ ફળેલી અનુભવું છું અને ભાવાર્દ્ર થાઉ છું. વ્યાખ્યાનોનો આ વિષય કવિમિત્ર લાભશંકર ઠાકરે સૂચવેલો. મેં બીજા થોડા વિષયો પણ વિચાર્યા હતા, પરંતુ નીતિનભાઈ વગેરે ને મિત્રોની પસંદગી પણ આ વિષય પર જ ઢળી. મેં એ વિષય સ્વીકારી લીધો. હું મહત્ત્વાકાંક્ષી થઈ શકું એમ નહોતો – મારી શ્રમ કરવાની મર્યાદા હતી (અને છે) – એટલે મેં મારા વિષયનો સાદો નકશો વિચાર્યો : પહેલાં બે વ્યાખ્યાનમાં આજે આપણા કૃતિવિવેચન-વિશ્લેષણમાં સંસ્કૃત કાવ્યશાસ્ત્રનાં જે સિદ્ધાંતો અને ઓજારો પ્રસ્તુત બની શકે એવાં હોય તેનો પરિચય કરાવવો અને બાકીનાં ત્રણ વ્યાખ્યાનોમાં ત્રણ આધુનિક ગુજરાતી કૃતિઓ – એક કવિતા, એક ટૂંકી વાર્તા અને એક એકાંકી – લઈ એનું સંસ્કૃત કાવ્યશાસ્ત્રનાં સિદ્ધાંતો ને ઓજારોથી વિવરણ – વિશ્લેષણ કરી બતાવવું. આ માટે મુખ્યત્વે ધ્વનિવિચાર, રસવિચાર અને વક્રોક્તિવિચારને લક્ષમાં લેવા અને એના મૂલ ગ્રંથો – આનંદવર્ધનનો ‘ધ્વન્યાલોક’ અને તેના પરની અભિનવગુપ્તની ‘લોચન’ ટીકા, ભરતના ‘નાટ્યશાસ્ત્ર’નું રસપ્રકરણ અને તે પરની અભિનવગુપ્તની ‘અભિનવભારતી’ ટીકા તથા કુંતકનો ‘વક્રોક્તિજીવિત’ – નો આશ્રય લેવો, આ વિચારપરંપરાઓ વિશે લખાયેલા અર્વાચીન સમીક્ષાસાહિત્યમાં બને ત્યાં સુધી જવું નહીં ને સૈદ્ધાન્તિક ચર્ચા ટાળવી, પ્રત્યક્ષ વિવેચનમાં ઉપકારકતાના મુદ્દાને જ નજર સામે રાખવો એમ પણ વિચાર્યું. મૂલ ગ્રંથો જોઈ જઈ, વિસ્તૃત નોંધો કરી મેં વ્યાખ્યાનો લખવાનો આરંભ કર્યો ત્યારે મેં જોયું કે સંસ્કૃત કાવ્યશાસ્ત્રીય વિચારોનો જે નકરો પરિચય આપવાનું મારા મનમાં હતું તે શક્ય ન હતું. પ્રસ્તુતતાનો મુદ્દો મારે ઉપસાવવો જરૂરી હતો અને એને આધુનિક સાહિત્યમાંથી ઉદાહરણો લઈ સ્થાપિત કરવો પણ જરૂરી હતો. પરિચય અને વિનિયોગ – બેની અલગતા અસ્વાભાવિક હતી. મારાં વ્યાખ્યાનોનો ઘાટ આપોઆપ જ બદલાઈ ગયો. પ્રસ્તુતતાની સ્થાપનાપૂર્વક કાવ્યશાસ્ત્રીય સિદ્ધાંતો ને ઓજારોના નિરૂપણે પાંચ વ્યાખ્યાનોની જગા રોકી લીધી અને ત્રણ કૃતિઓના અલાયદા વિવરણ-વિશ્લેષણ માટે અવકાશ રહ્યો નહીં. અલાયદું સંપૂર્ણ કૃતિવિવેચન એ જુદી ચીજ છે એ હું બરાબર સમજું છું પણ હું માનું છું કે મેં અનેક કાવ્યશાસ્ત્રીય વિભાવનાઓ લઈને ગુજરાતી સાહિત્યનાં એટલાંબધાં ઉદાહરણોનું વિશ્લેષણ કરી બતાવ્યું છે કે જિજ્ઞાસુઓને ઝાઝો અસંતોષ નહીં રહે. આમ છતાં, પરિશિષ્ટ રૂપે સંસ્કૃત કાવ્યશાસ્ત્રીય દૃષ્ટિથી મેં અગાઉ કરેલાં ત્રણ કૃતિવિવેચનો જોડ્યાં છે તે, આશા છે કે, વ્યાખ્યાનોની થોડીક આવશ્યક પૂર્તિ કરશે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રને લગતા અર્વાચીન સમીક્ષાસાહિત્યમાં જવાનું મેં ઇચ્છ્યું નહોતું, પરંતુ મારી સમજ ચોખ્ખી કરવા, કે પૂરક માહિતી માટે, કે કોઈ કૂટ મુદ્દા પરત્વે એ પ્રકારની હાથવગી સાહિત્યસામગ્રીનો જરૂર પૂરતો લાભ લીધો છે. ઇચ્છ્યું નહોતું કે સૈદ્ધાંતિક ચર્ચા કરવી, પરંતુ કોઈ વિભાવના પરત્વે એવી ચર્ચા કરવાનું આવશ્યક બન્યું છે, જે ચર્ચા શક્ય તેટલા સંક્ષેપમાં કરી છે. પણ મને દેખાયું છે કે શાંતરસ, રસાભાસ વગેરે કેટલાક મુદ્દાઓ હજુ નવો સ્વાધ્યાયશ્રમ ઝીલી શકે એવા છે. આ વ્યાખ્યાનો લખતી વખતે મારી સામે પંડિતો નહીં, પણ કાવ્યરસિકો અને કવિઓ રહ્યા છે. હું માનું છું કે સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં-ખાસ કરીને ધ્વનિવિચાર, રસવિચાર અને વક્રોક્તિવિચારમાં – કવિકર્મનું અનેરું ઉદ્ઘાટન છે. કાવ્યરસિકોના કાવ્યાસ્વાદને એ તીક્ષ્ણ બનાવી શકે, કવિઓના કાવ્ય-રચનાકૌશલને નવી-તાજી ધાર અર્પી શકે. આથી જ અભિવ્યક્તિ શક્ય તેટલી પરિભાષાના ભાર વિનાની ને સીધી-સાદી રાખવા કોશિશ કરી છે. મુંબઈ યુનિવર્સિટીમાં આ વ્યાખ્યાનો અપાયાં ત્યારે હું ધારી શકું એનાથી ઘણી મોટી સંખ્યામાં અભ્યાસીઓ, કાવ્યરસિકો અને કવિઓ પણ હાજર રહ્યા. હાજર રહ્યા એટલું જ નહીં, એમને વ્યાખ્યાનોમાં રસ પડ્યો એવી પણ મારા પર છાપ પડી. આ એક ધન્યતાપ્રેરક અનુભવ હતો. પણ હું જાણું છું કે આ વિષયમાં મારો આ પ્રયત્ન તો પહેલું પગરણ માત્ર છે. હજુ ઘણુંઘણું કરવાનું રહે છે અને એ બધું હું કરી શકું એવું પણ નથી. આ વિષયને અભ્યાસીઓની ખોટ ન પડો અને એ પૂર્ણતયા ઊઘડી રહો. ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા એ આપણી એક ઘણી મોટી પ્રતિષ્ઠા ધરાવતી વ્યાખ્યાનમાળા છે. એ વ્યાખ્યાનો આપનારાઓમાં નરસિંહરાવ દીવેટિયા, રામનારાયણ પાઠક, ઝવેરચંદ મેઘાણી, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, ઉમાશંકર જોશી, હરિવલ્લભ ભાયાણી આદિ આપણા મૂર્ધન્ય સાક્ષરોની નામાવલી છે. આ વ્યાખ્યાનો આપવા નિમંત્રી મને ગૌરવાન્વિત કરવા માટે મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ શ્રી નીતિન મહેતાનો હું અત્યંત ઋણી છું. એમણે મને અભ્યાસની, અને વિચારની પણ, એક મોટી તક પૂરી પાડી છે, જે તક આ સિવાય હું લઈ ન શક્યો હોત એની મને ખાતરી છે. ગુજરાતી વિભાગે વળી, વ્યાખ્યાનોના પ્રકાશનની ગોઠવણ કરી મને વિશેષ આભારવશ કર્યો છે. મુંબઈમાં આ વ્યાખ્યાનો આપ્યાં તે પૂર્વે એ (પૂરાં કે એનાં મહત્ત્વનાં પ્રકરણો) કેટલાક અભ્યાસીઓ – સર્વશ્રી કનુભાઈ જાની, નીતિન દેસાઈ, મકરન્દ બ્રહ્મા, જયંત ગાડીત, નરેશ વેદ, મણિલાલ પટેલ, ભગીરથ બ્રહ્મભટ્ટ, પરમ પાઠક, કાંતિભાઈ શાહ, કીર્તિદા જોશી–પાસે વાંચવા-વંચાવવાનો, એમનાં પ્રતિભાવો ને ટીકાટિપ્પણો મેળવવાનો લાભ મેં લીધો હતો. એમનો હું ઉપકૃત છું. વ્યાખ્યાનોના જુદાજુદા ભાગો ‘ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક’, ‘એતદ્’ અને ‘બુદ્ધિપ્રકાશ’માં છપાઈ ચૂક્યા છે. (અહીં એનું અહીંતહીં સંમાર્જિત ને સંવર્ધિત રૂપ છે.) એ રસ બતાવવા માટે એ સામયિકોના સંપાદકોનો અને મુંબઈના મારા શ્રોતાઓનો આભાર માની વિરમું છું.

૨ સપ્ટેમ્બર ૧૯૯૮
જયંત કોઠારી
અધ્યક્ષ
અમદાવાદ ૩૮૦૦૧૫