સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/રસ – કૃતિનિષ્ઠ વસ્તુલક્ષી સિદ્ધાંત

From Ekatra Wiki
Revision as of 15:32, 4 July 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

રસ – કૃતિનિષ્ઠ વસ્તુલક્ષી સિદ્ધાંત

રસ વિશે એવો પ્રશ્ન ઘણી વાર ઊભો થાય છે કે એ વસ્તુલક્ષી સિદ્ધાંત છે કે આત્મલક્ષી અનુભવ છે? એ કૃતિનિષ્ઠ છે કે ભાવકનિષ્ઠ? એ તો દેખીતું છે કે કૃતિનિષ્ઠ વસ્તુલક્ષી સિદ્ધાંત જ આપણને પ્રત્યક્ષ કાવ્યવિવેચનના નક્કર વ્યવહારક્ષમ ધોરણો આપી શકે. ભાવકનો અનુભવ તો આપણને પ્રભાવલક્ષી વિવેચનના ક્ષેત્રમાં લઈ જાય. રસસિદ્ધાંતનું આપણા મનમાં અનન્ય મહત્ત્વ છે પણ તે એમાં ભાવકના કાવ્યાનુભવનું જે સૂક્ષ્મ, પ્રમાણભૂતતાની ઊંચી કોટિ ધરાવતું વર્ણન મળે છે તે કારણે રસનિષ્પત્તિવિષયક વિભિન્ન મતોનો અભ્યાસ આપણું વધારે ધ્યાન રોકે છે – આપણા પાઠ્યક્રમોમાં એ અભ્યાસ પર આપણે વધારે ભાર મૂકીએ છીએ અને અભિનવગુપ્તની જ જ્વલંત વિચારણા આપણો કબજો લઈ લે છે. વસ્તુતઃ આ રસબોધ કે સૌંદર્યબોધનું તત્ત્વજ્ઞાન (ઇસ્થેટિક્સ કે ફિલૉસફી ઑફ બ્યૂટી) છે. એને જ લક્ષમાં રાખવાથી સિદ્ધાંત આત્મલક્ષી હોવાનો ખ્યાલ પોષાય છે. કાવ્યશાસ્ત્રના કેટલાક આધુનિક અભ્યાસીઓ આવો ખ્યાલ ધરાવતા દેખાયા છે. [1] એમ લાગે છે કે અભિનવગુપ્તના પ્રભાવે કેટલીક હકીકતો આપણાથી ઓઝલ કરી દીધી છે. ભરતનો રસવિચાર તો નાટ્યસર્જનને અનુલક્ષતો હતો, રસ એ જ એમને મન નાટ્યાર્થ હતો. રસનિષ્પત્તિને અર્થે નાટકમાં કઈ કઈ સામગ્રી જોઈએ અને તેનું કેવું આયોજન થવું જોઈએ એ એ વર્ણવે છે. રસ એ એમની દૃષ્ટિએ નાટકમાં સિદ્ધ થતો પદાર્થ છે અને ભાવકને થતો રસનો આસ્વાદ રસની નિષ્પત્તિથી જુદી ચીજ છે. [2]કુંતકની દૃષ્ટિએ પણ રસ કાવ્યકૃતિમાં રહેલો છે અને ભાવકના અનુભવને તો એ ‘આહ્લાદ’ તરીકે ઓળખાવે છે. રસનિષ્પત્તિ વિશેના લોલ્લટાદિના જે વિવિધ મતો આપણને મળે છે તેમાંથી લોલ્લટ અને શંકુક એ પૂર્વાચાર્યો રસને બહુધા રંગભૂમિ પર ઘટતી ઘટના તરીકે જુએ છે, એને ભાવકલક્ષી પરિમાણ ભટ્ટ નાયક અને અભિનવગુપ્તમાં મળે છે. પોતાના કાશ્મીરી શૈવ પ્રત્યભિજ્ઞાદર્શનને અનુસરીને અભિનવગુપ્ત અભિવ્યક્તિ અને અનુભૂતિને એકરૂપ કરી નાખે છે, અને રસાનુભૂતિનું એ એવું પ્રભાવક વર્ણનવિશ્લેષણ કરે છે કે અભિવ્યક્તિપાસું જાણે કે તિરોહિત થઈ જાય છે. પણ ભરતના નાટ્યશાસ્ત્ર ઉપર ટીકા લખનાર અભિનવગુપ્ત ભરતે વિસ્તારથી વર્ણવેલી રસનિષ્પત્તિની પ્રક્રિયાની ને એ માટે આવશ્યક નાટ્યસામગ્રી કે કાવ્યસામગ્રીની સમીક્ષા કરવાનું ટાળી ન શકે. એ કામ એમણે કર્યું જ છે. એટલે કે રસનો અભિવ્યક્તિપક્ષ એમના બરાબર લક્ષમાં છે અને રસબોધ માટેની કાવ્યસામગ્રીનું મૂલ્ય એમના મનમાં જરાયે ઓછું નથી. સવાલ આપણે આખી વસ્તુને કઈ રીતે જોઈએ છીએ એનો જ છે. એ નોંધપાત્ર છે કે આનંદવર્ધને રસાનુભૂતિના તત્ત્વવિચારને સ્પર્શ સુધ્ધાં નથી કર્યો – એ અંગેના લોલ્લટાદિના કોઈ મતનો ઉલ્લેખ પણ નથી કર્યો, એ તો ધ્વનિના સર્વાધિક મહત્ત્વના પ્રભેદ તરીકે રસની વાત કરે છે અને એમનો ધ્વનિવિચાર કવિકર્મલક્ષી ને કૃતિનિષ્ઠ કાવ્યવિચાર છે તેથી રસવિચાર પણ એ કોટિમાં જ આવે છે. આનંદવર્ધન રસને ધ્વનિના એક પ્રભેદ તરીકે રજૂ કરે છે પણ અન્ય ધ્વનિભેદોથી એની વિલક્ષણતા બતાવે છે. અન્ય ધ્વનિભેદો એટલે વસ્તુધ્વનિ અને અલંકારધ્વનિ. વસ્તુ અને અલંકાર વ્યંગ્ય રૂપે પ્રસ્તુત થયાં હોય તોયે એમને વાચ્ય રૂપે મૂકી શકાય છે – એનું કથન કરી શકાય છે. રસ વાચ્ય નથી – એને શબ્દમાં મૂકી શકાતો નથી. ‘શૃંગાર’ શબ્દથી શૃંગારની અભિવ્યક્તિ થતી નથી, એ ચોક્કસ પ્રકારની કાવ્યસામગ્રીથી –વિભાવાદિથી – અભિવ્યક્ત થાય છે. એ રીતે એ સાક્ષાત્ શબ્દવ્યાપારનો વિષય નથી પણ કાવ્યવ્યાપારનો વિષય છે. આનંદવર્ધનમાં, આ રીતે, રસની કાવ્યનિષ્ઠતા સ્પષ્ટ છે – રસની ભૂમિકા કાવ્યસૃષ્ટિમાં જ છે.


  1. ૧૯. જુઓ : “સંસ્કૃત કાવ્યશાસ્ત્રનો અભિગમ બહુધા વસ્તુલક્ષી પણ રસસિદ્ધાંત ભાવકલક્ષી છે.” (હરિવલ્લભ ભાયાણી, રચના અને સંરચના, પૃ. રર)
    “કાવ્યનું કાવ્યત્વ ભાવકસાપેક્ષક છે એવા અભિગમવાળા કાવ્યવિચારકો... ઘણા છે – ભુક્તિવાદી ભટ્ટનાયક, ધ્વનિવાદી આનંદવર્ધન, રસવાદી અભિનવ – મમ્મટ-વિશ્વનાથ વગેરે.” (રાજેન્દ્ર નાણાવટી, સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં વક્રોક્તિવિચાર, પૃ.૧)
  2. યથા હિ નાના વ્યઞ્જનૌષધિદ્રવ્યસંયોગાદ્રરસનિષ્પત્તિઃ તથા નાનાભાવોપગમાદ્રસ- નિષ્પત્તિઃ । યથા હિ ગુડાદિર્દ્રવૈવ્યંજનૈરૌષધિભિશ્વ ષાડવાદયા: રસા: નિર્વર્ત્યન્તે તથા નાનાભાવોપગતા અપિ સ્થાયિનો ભાવા રસત્વમાપ્નુવન્તિ । યથા હિ નાનાવ્યઞ્જનસંસ્કૃતમન્નં ભુંજાના રસાનાસ્વાદયન્તિ હર્ષાદીંશ્ચાધિગચ્છન્તીતિ ‘સુમનસ:’ પુરુષા ઇત્યભિવ્યાખ્યાતા: । તથા નાનાભાવાભિનયવ્યંજિતાન્ વાગડ્ગસત્ત્વોપેતાન્ સ્થાયિભાવાનાસ્વાદયન્તિ હર્ષાદીંશ્ચાધિગચ્છન્તીતિ ‘સુમનસ:’ પુરુષા ઇત્યભિવ્યાખ્યાતા:। તથા નાનાભાવાભિનયવ્યંજિતાન્ વાહઙ્ગસત્ત્વોપેતાન્ સ્થાયિભાવાનાસ્વાદયન્તિ હર્ષાદીંશ્ચાધિગચ્છન્નીતિ પ્રેક્ષકા: ‘સુમનસ’ ઇત્યભિવ્યાખ્યાતા: । (નાટ્યશાસ્ત્ર, ૬.૩૧ પછી)
    ઉપરાંત જુઓ સુરેન્દ્ર બારલિંગે, સૌંદર્યતત્ત્વ ઔર કાવ્યસિદ્ધાંત, પૃ.૭૪ ઇત્યાદિ.