અર્વાચીન કવિતા/આચાર્ય વલ્લભજી હરિદત્ત
પ્રબોધચંદ્રોદય (૧૮૭૭), સાવિત્રી આખ્યાનનાં ઢાળિયાં (૧૮૮૬), ચંડીઆખ્યાન (૧૮૯૨), સૈરિન્ધ્રીચંપૂ (૧૯૦૭), કીર્તિકૌમુદી (૧૯૦૮). આચાર્ય વલ્લભજી હરિદત્ત જૂનાગઢવાળા પણ એ વખતના એક જાણીતા લેખક છે. લેખક કવિતાની બાબતમાં બહુ પ્રવૃત્તિશીલ હતા. તેમણે ઘણું લખેલું છે. તેમનું મૌલિક લખાણ બહુ પ્રસિદ્ધ થયેલું મળી આવતું નથી. ‘ચંડીઆખ્યાન’ ‘ચંડીપાઠ’નું કડવા રૂપે સારું ભાષાંતર છે. લેખકનું ‘સૈરિન્ધ્રીચંપૂ’ ધ્યાન ખેંચે તેવું છે. સંસ્કૃત રીતની ચંપૂરચના કરવાની કલ્પના આ લેખકે જ પ્રથમ વાર કરી છે. કાવ્ય નાનકડું છે. પદબંધ સાધારણ છે, ક્યાંક અતિ પ્રાકૃત થઈ જાય છે તો ય આખું કાવ્ય સમગ્રતાથી જોતાં બળભરી છાપ મૂકી જાય છે. એ લેખકની રચનાશક્તિ સૌથી વધુ સોમેશ્વરદેવકૃત સંસ્કૃત મહાકાવ્ય ‘કીર્તિકૌમુદી’ના તેમણે કરેલા ગુજરાતી અનુવાદમાં મળી આવે છે. નવ સર્ગના લગભગ પાંચસો-છસો શ્લોકોમાં લેખકનું છંદ અને ભાષા ઉપરનું પ્રભુત્વ સારી રીતે દેખાઈ આવે છે. સંસ્કૃત ભાષાના શ્લેષાદિક અલંકારો તેમણે ઘણી સફળતાથી ગુજરાતીમાં ઉતાર્યા છે. એ અલંકારોને યથોચિત રૂપે ઉતારતાં ભાષા ક્લિષ્ટ બની છે. છતાં મૂળની અર્થપ્રૌઢિ ઘણી સરસતાથી જળવાઈ છે. આ અનુવાદની ટીકામાં તથા ઉપોદ્ઘાતમાં લેખકના સંસ્કૃતનું ઊંડું જ્ઞાન તથા ઇતિહાસનો અભ્યાસ દેખાઈ આવે છે. લેખકની સૌથી પહેલી મળી આવતી કૃતિ સંસ્કૃત નાટક ‘પ્રબોધચંદ્રોદય’નો અનુવાદ ગુજરાતી ભાષામાં ઊતરવા માંડેલાં સંસ્કૃત નાટકોમાંનો એક અગત્યનો અનુવાદ છે. એના શ્લોકોનું ભાષાંતર દલપતરીતિના પદ્યની કોટિનું છે, છતાં તે ખાસ નોંધપાત્ર છે.