આંગણે ટહુકે કોયલ/નીલેશ પંડ્યા – કંઠ અને કલમ બન્ને બુલંદ!

From Ekatra Wiki
Revision as of 02:03, 20 July 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


નીલેશ પંડ્યા – કંઠ અને કલમ બન્ને બુલંદ!

Nilesh Pandya.jpg

આપણી અસ્મિતા સમી લોકગીતની વેલીને ગાયન અને રસદર્શન થકી લીલ્લેરી રાખનારા પરમ મિત્ર નીલેશ પંડ્યાના જીવન-કવન અંગે લખવા બેસું તો કાગળનો પન્નો ટૂંકો પડે છતાંય અલપઝલપ લખવા નમ્ર પ્રયાસ કરું છું. ઉપલેટા સમીપના સમઢિયાળા ગામથી સને ૧૯૮૯ના અંતભાગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ ખાતે પત્રકારત્વનો અભ્યાસ કરવા આવ્યા ત્યારે અમારો મેળાપ થયો. કોઈએ કહ્યું છે ને કે- મન ઐક્ય વિણ મત ઐક્ય નહિ, મત ઐક્ય વિણ નહિ મિત્રતા. યુનિવર્સિટીની હોસ્ટેલમાં એમની સાથે રહેવાનું મને સદ‌્ભાગ્ય સાંપડ્યું ને એમ અમારી મૈત્રી રચાઈ. મોડી રાત સુધી અમે સાહિત્ય, સંગીત, સંસ્કૃતિ, પરંપરા, ફિલ્મ જેવા અનેક વિષયો પર વાતો માંડતા. ટ્રિપલ ગ્રેજ્યુએશન, ડબલ પોસ્ટ ગ્રજ્યુએશન કરનાર નીલેશ પંડ્યા ત્યારે કવિતા, વાર્તા, આર્ટિકલ લખે, મને વંચાવે ને હું મોટાગજાના વિવેચકની અદાથી વાંચી જાઉં પણ એમાં ભાગ્યે જ મારે સુધારો કરવાનો થતો! નીલેશનું પ્રથમ પુસ્તક લઘુકથા સંગ્રહ ‘જૂઈનાં ફૂલ’ પ્રગટ થયું એને આજે ત્રીસેક વર્ષ થઇ ગયાં તોય એ ફૂલડાં હજુ મઘમઘે છે. એ પુસ્તકને ગ્રંથાલય નિયામક, ગાંધીનગર દ્વારા એ વર્ષનું શ્રેષ્ઠ ખરીદવાલાયક પુસ્તક જાહેર કરાયું હતું. પૂર્વના કોઈ સંસ્કારને લીધે સમય જતાં એમણે લોકસાહિત્ય બાજુ યુ ટર્ન લીધો ને લોકગાયન તથા લોકગીતના રસદર્શન ક્ષેત્રે ઝંપલાવ્યું ને લાખો શ્રોતાઓ-વાંચકોનો સ્નેહ એમને મળ્યો. ૯૦ લોકગીતો અને રસદર્શનનું પ્રથમ પુસ્તક ‘ચાંદો ઊગ્યો ચોકમાં’ આપ્યું જેને ગુજરાત સાહિત્ય અકાદમીનું શ્રેષ્ઠ પુસ્તકનું દ્વિતીય પારિતોષિક મળ્યું ને પછી તો એમની યાત્રા વેગીલી બની. ધોળ અને રસદર્શનનું પુસ્તક ‘છેલડા હો છેલડા’, લોકગીત અને રસદર્શનનું બીજું પુસ્તક ‘સોના વાટકડી રે’..., લોકગીત અને ધોળનો તુલનાત્મક અભ્યાસ એટલે કે ‘લોકસરિતાનાં બે વહેણ-લોકગીત અને ધોળ’ જેવાં પુસ્તકો પ્રકાશિત થયાં ને એકાદ વર્ષમાં જ અતુલ્ય વારસો આઈડેન્ટીટી એવોર્ડ, સોસ્યો પ્રાઈડ ઓફ રાજકોટ એવોર્ડ, પુષ્કર ચંદરવાકર એવોર્ડ, ગારડી એવોર્ડ અને લોકસાહિત્યના શિરમોર કવિશ્રી કાગ એવોર્ડથી નીલેશ પંડ્યા વિભૂષિત થયા. આ બહુમાનની પરંપરા હજુ ગતિમાન છે, જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રથમ વર્ષ બી. એ. માં તેમનાં ત્રણ પુસ્તકો ચાંદો ઊગ્યો ચોકમાં, છેલડા હો છેલડા અને સોના વાટકડી રે...રેફરન્સ બૂક તરીકે મુકાયાં છે. બહુ આનંદની વાત એ છે કે નીલેશ પંડ્યાના જીવનકવન પર એક વિદ્યાર્થિની પીએચ. ડી. કરી રહી છે. હવે નીલેશ પંડ્યા ‘આંગણે ટહુકે કોયલ’ લઈને આવ્યા છે. નીલેશનો કંઠ જેવો બુલંદ છે એવું જ એમનું રસદર્શન! સફળતા હંમેશા એમની સાથે જ કદમ માંડતી રહી છે એટલે શ્રદ્ધા છે કે આ ગ્રંથ પણ પારાવાર સફળતા પામશે...

વ્રજલાલ વરસાણી