જનાન્તિકે/છત્રીસ

From Ekatra Wiki
Revision as of 07:07, 9 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|છત્રીસ|સુરેશ જોષી}} {{Poem2Open}} ઘણી વાર આ અસ્થિપિંજરની અંદર પુરા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


છત્રીસ

સુરેશ જોષી

ઘણી વાર આ અસ્થિપિંજરની અંદર પુરાઈને બેઠેલું કોઈક ક્યાંકથી કશોક અણસાર પામીને નાસી છૂટવા બધું હચમચાવી નાખે છે. કશું અકબંધ રહેતું નથી, બધું આઘું પાછું થઈ જાય છે; કેટલુંક તો એવું ક્યાંક તળિયે દબાઈ જાય છે કે ઘણી શોધાશોધ કરતાં ય હાથ નથી આવતું. મારી આ સ્થિતિ ખુલ્લી પડી જતાં પરિચિતો આશ્ચર્યથી પૂછે છે : ‘કેમ, આજકાલ આ શું માંડયું છે?’ અંદર પુરાઈને રહેલાના ઉધામા ને ઊના નિસાસા મનની આબોહવાને બદલી નાખે છે. ક્યાંય કરાર વળતો નથી. કશી જવાબદારી ઉપાડી શકાતી નથી. રજેરજ વિચારોને ખંખેરી નાખું છું. ઝરણાંને તળિયે રહેલા કાંકરાની જેમ પડયા રહીને કાળના પ્રવાહને ઉપરથી વહ્યે જવા દઉં છું. જીવનમાં આવતી આવી તિથિઓનો પુરુષોત્તમ માસ કેવળ મારા જ પંચાંગમાં હોય છે તેથી જ તો આફત ઊભી થાય છે.