યોગેશ જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ/ટ્રેનના વાસ્તવ ભેળું રણનું અતિ-વાસ્તવ

From Ekatra Wiki
Revision as of 14:59, 9 August 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ટ્રેનના વાસ્તવ ભેળું રણનું અતિ-વાસ્તવ
રાધેશ્યામ શર્મા

સિનેમેટિક કળા-મીમાંસામાં કૅમેરાની ‘ફાસ્ટ' ગતિ દૃશ્યો પાત્રોને કોમિકલ દર્શાવે અને ‘સ્લો મોશન' ટ્રેજિકનો અનુભવ આપે. શબ્દની કળા, નવલિકારૂપમાં વિકસતી પાત્ર-ઘટનાની તરાહોમાં પ્રસરે ત્યારે ઝડપી ગતિ એક વિશેષ કરુણ તરફનો સંકેત પણ સિદ્ધ કરી શકે. વાર્તાલેખનમાં નકશીદાર કામ કરતા યોગેશ જોષીના બીજા વાર્તાસંગ્રહ ‘અધખૂલી બારી'માંની ‘ગતિ' નામની કથાકૃતિ ઉપરનો મુદ્દો ઉપસાવી આપે છે. અનેક અર્થછાયાઓથી ફલિત થતી ગતિ અહીં મુખ્યત્વે કરુણ અને અંતે ઉપશમન શાન્ત આકારમાં પરિણમે છે. રચનાની નોંધજોગી લાક્ષણિકતા એ છે કે વાસ્તવને યથાતથ નિરૂપી વાર્તાકાર એ ભૂમિને ચોંટી પડતા નથી અને એથી આગળ વધી અતિવાસ્તવની પ્રવિધિ ટેક્ નિકનો પ્રયોગ પ્રમાણી જોવાનું સાહસ પણ કરે છે. આવાં સાહસ ઉપહાસપાત્ર નથી, પણ સરાહનીય છે. કર્તા આ કેવી યુક્તિથી સિદ્ધ કરે છે કે તેણે કેવી રીતે સિદ્ધ કરવું જોઈએ તેનો અંતિમ ચુકાદો તો કોઈ એક વિવેચક કે સમીક્ષક ભાગ્યે જ આપી શકે. કલારસિકોના સામા છેડાના વિભિન્ન મત-મતાંતરો એક બાબત ચોક્કસ ઘૂંટી આપે કે કૃતિની ગતિમાં અને ગતિની આકૃતિમાં વિત્ત છે જ. દમ છે જ. ન જેવી ઘટનામાંથી ‘ગતિ' માંહ્યની વાર્તાનો આરંભ થાય છે. વિષમ સંજોગોથી દમિત નાયક પાર્થનો બોસ દિવાળીની ચાર રજાઓ પણ મંજૂર નથી કરતો ને ટ્રેનમાં અપ-ડાઉન કરતા પાર્થનો ટ્રેનપ્રવાસ એના માનસપ્રવાસની સમાન્તરે ગતિમાન થાય એવી અમથી વાતનું કલ્પનામય વતેસર તે આ કૃતિનું જીવિત છે . દિવાળીની રજાઓ ભલે સાંપડી નહિ, પોતે તો ચાર્જશીટ મળે તોય ભોગવીને જ રહેવાના નિર્ધાર સાથે પાર્થ ટ્રેનમાં ધકેલાય છે. અપ-ડાઉનિયા મુસાફરોનો રોજનો અનુભવ નાયકમાં બરાબર રોપાયો છે. ‘ટ્રેનની ભીડ મગજમાંય માતી નહિ. મગજ તોડીને ભીડ બહાર ધસી આવશે ને ટ્રેનમાં શરી૨ હાલે એમ પથારીમાંય, ઊંઘમાંય શરીર જાણે હાલ્યા કરતું.' અહીં ટ્રેનની ભીડભીંસપુષ્ટ ગતિને છેક નાયકની પથારીની ઊંઘ સાથે કુશળ કસબથી પાથરી આપી છે. કુશળ એટલા માટે કે વાર્તાના અંતે પણ હૉસ્પિટલની પથારી પર પડેલા નાયકના દિદાર થવાના છે. નાયકના ઓઠે ટ્રેનમાં ટોળાની ગતિ અને ધક્કા, ભીડ ભીંસના ભડાકાના ઇંગિતો, વિષમ વાસ્તવિકતાની વ્યાપક પ્રતીકમૂલ્યતા આંકી આપે છે એ સુજ્ઞોએ વીસરવું ના ઘટે. કેવી રીતે આ વ્યંજિત થતું આવે તે તપાસવું રસપ્રદ છે. બહાર કેવું વરતાય કે નાયક કે અદનો મનુષ્ય એકલો નથી, જીવનની સતત સરકતી ગતિધારી ટ્રેનમાં માનવમેળાની મસમોટી ભીડ છે. ભીડને ના ગણતો હોય, અવગણતો હોય તો એકલો અટૂલો ના પડી જાય વાસ્તે ભીડની ભીંસ પણ ઉપસ્થિત છે અને છતાં ચહેરાવિહોણી ભીડ નાયકની હતાશાભરી કટોકટીમાં રાહતપરિબળ રૂપે કશા કામની નથી. એથી ભીડ-ભીંસનો સેટિંગ, આ લખનારની નવલ ‘ફેરો’ના નાયકની રણાનુભૂતિની નિકટ પહોંચી જવાની યાદ આપે એવો નીપજ્યો છે. “ભીડ સહન કરીને રેલવેસ્ટેશનની ચકલી દાબીને વૉટરબેગ ભરી, ઊંટની જેમ પોતેય પાણીને પેટમાં સ્ટોર કરી શકતો હોય તો કેવું સારું. રસ્તામાં રણ પસાર કરવું પડે તોય વાંધો ન આવે.” ટોળા સાથે પાટા અંડોળતાં નાયક ઊંધે માથે પટકાય છે, પ્લૅટફૉર્મની ધાર વાગતાં તમ્મર આવે છે ને હોઠમાંથી લોહી રેલાય છે. સહપ્રવાસી ‘બ્રેઇન હેમરેજ' જેવો ઉદ્ગાર વેરે છે પણ રૂમાલ દાબી રાખી પાર્થ, ટોળાની ધક્કાગતિથી લગેજના ડબ્બામાં ઘૂસી શકે છે. (અહીં કર્તાએ લસરકામાં એક ઐતિહાસિક ડાયમેન્શન નાયકની સંવેદનામાં રોપ્યું છે તે ભાગલા વખતની ભીડના ઉલ્લેખમાં આ મને તો જચ્યું છે.) હાથ ઊંચો-નીચો ના થઈ શકે એવી ભીડની સાથે કર્તા જરા વધારે પડતા મહત્ત્વાકાંક્ષી થઈને અસ્તિત્વવાદી તત્ત્વ ટૂંપણામાં જરી સરકી પડ્યા છે આ વાક્યમાં: ‘બે બે જન્મ વચ્ચેના અવકાશમાંય આવી ભીડ!’ માથામાં પાર્થને રહેવાય નહિ, સહેવાય નહિ એવો દુખાવો ચાલુ છે. અહીં યોગ્ય સ્થાને ‘અંતિમ ગૂઢ નિદ્રાનો' ઉલ્લેખ અને નાયક જાણે મડદાની માફક ‘સપાટીથી તળિયે ને તળિયેથી સપાટી તરફ ગતિ'ના ધક્કા અનુભવે છે. દરમિયાન ટ્રેનના કાળમીંઢ અંધારામાંથી બાકોરા વાટે અજવાળાના ઘેર જવાની શક્યતાનો તરંગ પણ ફરકી જાય છે. ધક્કાથી ટ્રેનમાં ઘૂસેલો પાર્થ બીજા ધક્કાથી ટ્રેન બહાર પણ બિસ્તરા-સામાનની જેમ ફેંકાય છે. ‘અહીં તે આંખોમાં ચાંગળું પાણી છાંટી સરખું જોવા કરે છે તોય –' વાર્તાકારને ‘તોય' શબ્દ પછીનો ડેશ નાયક પાર્થની સરરિયલ આંતરગતિનો ગ્રાફ અને કર્તાના સંવિધાનનો આંશિક અંદાજ આપે છે. ‘સ્ટેશન જ નહીં! પાટાય નહીં! ચારે તરફ રણ!’ વૉટરબેગમાંથી પાણી પીતાં ગળામાં હૈડિયો ઊંચોનીચે થતો ગયો.‘પાછલા અનેક જન્મોની તરસ જાણે લાવાની જેમ ઊભરાયા કરતી. પાણી ખતમ.' અંતિમ ગૂઢ નિદ્રા (મૃત્યુ) બાદ, રણના જનશૂન્ય વિસ્તાર પછીનું આ નિરૂપણ નાયકના નિધન બાદ થયેલા પુનર્જન્મનું સાર્થક પ્રમાણ પુરવાર થાય એવું છે. “મન થયું – વૉટરબેગ તોડીને અંદરની દીવાલો પર ચોંટેલું પાણી જીભ ફેરવી ફેરવીને ચાટું.” પુનર્જન્મ સાથોસાથ, પુનઃ ગર્ભસ્થ શિશુ થવાના કોડનું આ પ્રવર્તન પોઝિટિવ એસ્કેપ કે કેથાર્સિસનું સરસ ઉદાહરણ ગણાય. સાથોસાથ, ‘રેતીમાં ખૂંપતા પગનેય તળિયેથી કોક ખેંચતું હોય' એવી લેગપુલિંગ પ્રક્રિયા પણ મુકાઈ છે. જોઈ શકાય કે અહીં અતિ-વાસ્તવનું આલેખન, વાસ્તવાનુસન્માન રાખીને જ એક ‘કોલાજ'ની આકૃતિમાં નિસ્યંદિત થયું છે. રણની ડમરી નાયકને ઊંચે અધ્ધર ઉઠાવી ગતિ કરવા લાગી. ઊંચે ને ઊંચે, કશેક અને પછી – “અફાટ રણમાં ઊંધું પડી રહેલું ને રેતી નીચે દટાતું જતું હતું. એનું શરીર ધીમે ધીમે નાનું ને નાનું થતું ગયું ને છેવટે દેખાતું બંધ થઈ ગયું.” ભાવક લેખે, નાયકનું નિઃશેષ થવું અનુભવવું પૂરતું નથી. આ યુગપત્ અનુભૂતિ છે. નિઃશેષીકરણની હારોહાર વાસ્તવથી રણની તરસથી મુક્ત થવા શાહમૃગ સદૃશ વૃત્તિનો શિકાર થયેલા નાયકની કરુણાન્તિકા પણ સૂચવાય છે. છતાં વારતા અહીં પૂરી કરી નથી. વાસ્તવિકતા સાથે એનો મંગલ અંત જોડી દેવા ઇસ્પિતાલની પથારીમાં સૂતેલા પાર્થની નજર પર કૅમેરા ફેરવ્યો છે જેમાં પત્ની, મા, પિતા, બહેન, બનેવી, ભેળા બોસને પણ સાંકળ્યો છે! (બોસને ના સાંકળ્યો હોત તો અંત અધિક વાસ્તવિક લાગત.) અતિવાસ્તવ અને વાસ્તવ, આ વાર્તામાં બે તદ્દન વિભિન્ન ભાગોમાં વહેંચાયેલું લાગે છે, પણ એવું નથી. ઉપર ઉલ્લેખોમાં જોયું તેમ રણનો પૂર્વપ્રતિષ્ઠિત ભીડભીંસસંલગ્ન અનુભવ લેખકે વાસ્તવની પીઠિકા ઉપર વર્ણવી અને અંતે અતિ વાસ્તવિક આંતરદશામાં સંધાન સાધ્યું છે. વાસ્તવનો પીછો કે કેડો છોડ્યો હોત તો કર્તા ‘અતિ'માં જ અંત આણી દેત. ‘અતિ'માં ક્યારે જવું એ કર્તામાત્રનો અબાધિત અધિકાર છે, આદિથી જાય, મધ્યેથી જાય અને અંતે પણ જાય. સમગ્ર રચના કલાકલાપને જ પરખવો પડે. પાર્થ ક્યારે બેભાન થયો? હૉસ્પિટલમાં ક્યારે કોણે દાખલ કર્યો? કેટલું વાગ્યું? જેવા સવાલો, તાળો મેળવીને ચાલતા વાર્તાકારોની પ્રતીતિમાગના ભૂખ્યા અવલોકનકારો માટે કામના છે, સુમન શાહ જેવા સૂક્ષ્મ વાર્તા-વિવેચકો માટે ના જ હોય! (સાહિત્યસંકેત', પ્ર. આ.: ૨૦૦૬, પૃ. ૧૫૧-૧૫૩).