અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મણિલાલ ન. દ્વિવેદી/અમર આશા

From Ekatra Wiki
Revision as of 09:48, 9 July 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search
અમર આશા

મણિલાલ ન. દ્વિવેદી

કહીં લાખો નિરાશામાં, અમર આશા છુપાઈ છે,
ખફા ખંજર સનમનામાં, રહમ ઊંડી લપાઈ છે.

જુદાઈ જિન્દગીભરની કરી રો રો બધી કાઢી;
રહી ગઈ વસ્લની આશા, અગર ગરદન કપાઈ છે.

ઘડી ના વસ્લની આવી, સનમ પણ છેતરી ચાલી;
હજારો રાત વાતોમાં, ગમાવી એ કમાઈ છે.

જખમ દુનિયાં જબાનોનાં મુસીબત ખોફનાં ખંજર;
કતલમાં એ કદમબોસી, ઉપર ક્યામત ખુદાઈ છે.

શમા પર જાય પરવાના, મરે શીરીં ઉપર ફરહાદ,
અગમ ગમની ખરાબીમાં મઝેદારી લૂંટાઈ છે.

ફના કરવું — ફના થાવું, ફનામાં શહ્ સમાઈ છે;
મરીને જીવવાનો મંત્ર, દિલબરની દુહાઈ છે.

ઝહરનું જામ લે શોધી, તુરત પી લે ખુશીથી તું;
સનમના હાથની છેલ્લી હકીકતની રફાઈ છે.

સદા દિલના તડપવામાં સનમની રાહ રોશન છે;
તડપતે તૂટતાં અંદર ખડી માશૂક સાંઈ છે.

ચમનમાં આવીને ઊભો, ગુલો પર આફરીં થઈ તું;
ગુલોના ખારથી બચતાં બદનગુલને નવાઈ છે.

હજારો ઓલિયા મુરશિદ, ગયા માશૂકમાં ડૂલી;
ન ડૂબ્યા તે મૂવા, એવી કલામો સખ્ત ગાઈ છે.

(આત્મનિમજ્જન, ૧૯૫૯, પૃ. ૮૨)