ગુજરાતી બાળવાર્તા સંપદા/બતકનું બચ્ચું

From Ekatra Wiki
Revision as of 14:34, 12 August 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ધીરુબહેન પટેલ

બતકનું બચ્ચું

એક બતકનું બચ્ચું હતું. એની મા કહે : ‘ચાલ તને તરતાં શીખવું.’ બચ્ચું કહે : ‘નહાય કોણ ? તરે કોણ ? ઠંડા પાણીમાં પડે કોણ ? હું તો નહીં તરું ?’ પછી એની મા એને નદી પાસે લઈ ગઈ. નદી તો મોટી હતી. બહુ મોટી, એમાં વહાણો તરતાં હતાં. નદીના પાણીમાં કાચબા હતા, મગરમચ્છ હતા, નાની માછલીઓ હતી, મોટી માછલીઓ હતી. બતકે એના બચ્ચાને કહ્યું : ‘ચાલ નદીમાં નાહીએ, ચાલ નદીમાં તરીએ !’ બચ્ચાએ કહ્યું : ‘નહાય કોણ ? તરે કોણ ? ઠંડા પાણીમાં પડે કોણ ? ઊહું, હું તો નહીં નાહું ! નહીં તરું !’ બતક તો એને તળાવને કાંઠે લઈ ગઈ, તળાવ ગોળ હતું. એમાં કમળના ફૂલ હતાં, શિંગોડાના વેલા હતા, માછલીઓ હતી, કાચબા હતા, બતકે એના બચ્ચાને કહ્યું : ‘ચાલ તળાવમાં નાહીએ, ચાલ તળાવમાં તરીએ.’ બચ્ચું કહે : ‘ના ભાઈ ના ! નહાય કોણ ? તરે કોણ ? ઠંડા પાણીમાં પડે કોણ ? હું તો નહીં નાહું ! હું તો નહીં તરું !’ હવે બતક એને ખાબોચિયા પાસે લઈ ગઈ. સાવ નાનું ખાબોચિયું. થોડુંક અમથું પાણી. ખૂબ બધો કાદવ. કાદવમાં ફરે અળસિયાં, પાણીમાં ફરે દેડકાં. બતક કહે : ‘ચાલ ખાબોચિયામાં નાહીએ, ચાલ ખાબોચિયામાં તરીએ.’ બચ્ચું કહે : ‘ના, ના, ના ! નહાય કોણ ? તરે કોણ ? હું તો નહીં તરું !’ બતક તો મુંઝાઈ ગઈ. બતકનું બચ્ચું તરે નહીં તે કેવી રીતે ચાલે ? મરઘીનાં બચ્ચાં ચાલે ને ચકલીનાં બચ્ચાં ઊડે પણ બતકનાં બચ્ચાં તો તરે જ, ને આ બચ્ચું કહે છે : ‘હું તો નહીં નાહું ! હું તો નહીં તરું !’ આ કેવો ગોટાળો ? પછી તો બતક એનાં બચ્ચાંને વાવ આગળ લઈ ગઈ. વાવ ઊંડી હતી. અંધારી હતી. અંદર પાણી હતું. બીજું શું હતું તે દેખાતું નહોતું. બતક કહે : ‘ચાલ વાવમાં નાહીએ, ચાલ વાવમાં તરીએ.’ બચ્ચું કહે : ‘નહાય કોણ ? તરે કોણ ? ઠંડા પાણીમાં પડે કોણ ? હું તો નહીં નાહું ! હું તો નહીં તરું !’ એટલામાં એના બાપે આવીને કહ્યું : ‘નીચું જો.’ બચ્ચાએ નીચું જોયું. તરત બાપે પોતાની ચાંચથી ધક્કો માર્યો. બચ્ચું ફડફડાટ કરતું નીચે પડ્યું. પાણીમાં અંદર ગયું. પછી બહાર આવ્યું. પછી તરવા લાગ્યું. એને તરતાં આવડી ગયું. પાંખ ફફડાવે ને તરે. એને બહુ મઝા આવી. ગાવા લાગ્યું : તરવાની મઝા ! નાહવાની મઝા ! ઠંડા ઠંડા પાણીમાં પડવાની મઝા ! પછી એ એની મા સાથે ખાબોચિયા પાસે ગયું. ત્યાં પણ એને તરવાની મઝા પડી. પછી એ એની મા સાથે નદી પાસે ગયું. ત્યાં પણ એને તરવાની મઝા પડી. એના બાપે કહ્યું : ‘શાબાશ ! શાબાશ !’