ગુજરાતી બાળવાર્તા સંપદા/કોણ જીત્યું ?

Revision as of 14:42, 12 August 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ઘનશ્યામ દેસાઈ

કોણ જીત્યું ?

એક હતો હાથી. એક હતી કીડી. બેઉ ભાઈબંધ. જંગલમાં રહે. અમસ્તાં વાતોના તડાકા મારે. એક દિવસ વાતોથી કંટાળ્યા એટલે કીડી હાથીને કહે : ‘ચાલો, હાથીભાઈ, કોઈ રમત રમીએ.’ હાથી હસી પડ્યો. મશ્કરીમાં કહે : ‘ચાલો, હાથીભાઈ, કોઈ રમત રમીએ.’ ‘તો પછી તું કહે એ રમત રમીએ.’ હાથીએ કહ્યું. કીડી કહે : ‘સંતાકૂકડી રમવી છે ?’ હાથી કહે : ‘ભલે, પણ જોજે હું તને હરાવી દઈશ.’ ‘મને સંતાતા સરસ આવડે છે. એમાં તો હું જ જીતી જઈશ જોજો ને !’ કીડીએ કહ્યું. હાથી કહે : ‘તો થઈ જા તૈયાર !’ કીડી કહે : ‘હાથીભાઈ, તમે પહેલાં સંતાઈ જાઓ. હું આંખો મીંચું છું.’ હાથીભાઈ એક જાડું ઝાડ જોઈને એની પાછળ ઊભા રહ્યા. કીડીએ આંખો ખોલી. સામે જોયું તો થડની એક બાજુથી હાથીભાઈની સૂંઢ લટકતી દેખાતી હતી અને બીજી બાજુ એની ટૂંકી પૂંછડી હાલતી હતી. કીડી હસી પડી. ‘હાથીભાઈ, તમે તો સાવ ભોળાભટાક છો. સંતાતાં પણ નથી આવડતું. પછી આઉટ જ થઈ જાઓ ને ! હાથીભાઈનો થપ્પો !’ હાથી ઝાડ પાછળથી બહાર નીકળ્યો. કહે : ‘ભલે ને હું આઉટ થઈ ગયો. એમાં શું ? તને પણ હું તરત જ આઉટ કરી દઈશ. હું આંખો બંધ કરું છું. ચાલ, સંતાઈ જા !’ કીડીએ જોયું તો ઝાડની નીચે ખૂબ સૂકાં પાંદડાં હતાં. એક પાંદડાની નીચે એ ભરાઈ ગઈ. હાથીએ આંખો ખોલી. આજુ જોયું, બાજુ જોયું. આગળ જોયું, પાછળ જોયું. ઉપર જોયું, નીચે જોયું. ગોળ ગોળ ફરીને જોયું. પણ કીડી દેખાય જ નહીં ને ! એને થયું કે હવે હું હારી જઈશ. એટલે એણે જોર જોરથી ફૂંફાડા મારવા માંડ્યા. સૂંઢમાંથી સૂસૂસૂ પવન નીકળવા માંડ્યો. ખૂબ પાંદડાં ઊડ્યાં. એક પાંદડા નીચે કીડી સંતાયેલી હતી. એ પાંદડું પણ ઊડ્યું. એણે બૂમાબૂમ કરવા માંડી : ‘બચાવો, બચાવો. હું ઊડું છું.’ હાથીભાઈએ પાંદડાં પર બેઠેલી કીડી જોઈ. એ તરત જ બોલી ઊઠ્યા : ‘કીડીબહેનનો થપ્પો. કેમ આઉટ થઈ ગઈ ને ! બહુ ડંફાસ મારતી હતી તે ?’ કીડી કહે : ‘ભલે. એક વાર તને હાર્યા, એક વાર હું હારી. હવે તમારો વારો સંતાવાનો.’ હાથીએ આ વખતે બુદ્ધિ વાપરી. બાજુમાં કાળા ખડક હતા. મોઢામાં સૂંઢ નાખીને, બે પગ વચ્ચે પૂંછડી દબાવીને ખડકોની વચ્ચે બેસી ગયા. જાણે બીજો ખડક જ જોઈ લો. ખબર જ ના પડે કે હાથીભાઈ છે ! કીડીએ આંખો ખોલી. ચારે બાજુ જોયું. આવડા મોટ્ટા હાથીભાઈ ! પણ ક્યાંય દેખાય જ નહીં. બહુ વાર જોયું, ફરી ફરીને જોયું. આંખો ઝીણી કરીને જોયું. આંખો પહોળી કરીને જોયું, પણ હાથીભાઈ નજરે જ ના પડે. છેવટે કીડી થાકી. એણે કહ્યું : ‘હાથીભાઈ, ક્યાં સંતાયા છો ? બહાર આવો. હું હારી ગઈ, બસ !’ હાથીભાઈ ખડક વચ્ચેથી ઊભા થયા. જોર જોરથી બૂમો પાડવા માંડ્યા : ‘હું જીતી ગયો, હું જીતી ગયો.’ કીડી કહે : ‘કાંઈ વાંધો નહીં. હવે મારો વારો છે સંતાવાનો... તમે આંખો બંધ કરો.’ આ વખતે કીડીએ બહુ વિચાર કર્યો. પછી એ છાનીમાની હાથીભાઈના શરીર પર ચઢીને એમના કાન પાછળ સંતાઈ ગઈ. હાથીની ચામડી જાડી. એમને ખબર પણ પડી નહીં. હાથીભાઈએ આંખો ખોલી. ક્યાંય કીડી દેખાય નહીં. એમણે ઝાડની ઉપર જોયું, ઝાડની નીચે જોયું. પથ્થરમાં જોયું, ખડકમાં જોયું. ડાળીઓમાં જોયું, પાંદડામાં જોયું, પણ કીડીબાઈ દેખાય જ નહીં. છેવટે થાક્યા. હાથીભાઈ કહે : ‘હું હાર્યો, તમે જીત્યાં... કીડીબહેન, બહાર આવો.’ કીડીબહેને હાથીના માથા પર જઈને બૂમ પાડી : ‘હું જીતી ગઈ, હું જીતી ગઈ. હાથીભાઈ તો સાવ ભોળાભટાક છે. એમના માથા પર હું બેઠી છું તોય એમને ખબર પડતી નથી.’ હવે હાથી પણ હસી પડ્યો. એ કહે : ‘કીડીબહેન, એક વાર તમે જીત્યાં, એક વાર હું જીત્યો.’ કીડી કહે : ‘એક વાર હું હારી, એક વાર તમે હાર્યા.’ હાથી કહે : “એ તો ઠીક છે, પણ ‘ઝાડ ઝાડ’ રમ્યાં હોત ને તો હું જીતી જાત.” ‘એ કઈ રમત ?’ કીડીએ પૂછ્યું. ‘એ તો હાથીની રમત છે. જે હાથી મોટામાં મોટું ઝાડ પાડી નાખે તે જીતે.’ હાથીએ કહ્યું. કીડી કહે : ‘એમ તો ‘દર દર’ રમ્યા હોત તો હું પણ જીતી જાત.’ ‘એ વળી કઈ રમત ?’ હાથીએ પૂછ્યું. એ તો કીડીની રમત છે. જે કીડી ઝીણામાં ઝીણા દરમાં પેસી શકે એ જીતે.’ આ સાંભળી હાથી અને કીડી બેઉ હસી પડ્યાં.