ઈશ્વર પેટલીકર : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/સમાજસુધારક પેટલીકર

Revision as of 04:11, 14 August 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૬ સમાજસુધારક પેટલીકર

નવલકથા-વાર્તાદિમાં પણ, થોડાક જ અપવાદો બાદ કરતાં, ઈશ્વર પેટલીકરે સમાજવર્ણન દ્વારા સમાજસુધારણાનું લક્ષ્ય બનાવેલું હતું એ વાત એમની મોટાભાગની સાહિત્યકૃતિઓ પણ કહે છે. એમનું પત્રકારત્વ બહુધા એમની સમાજસુધારક તરીકેની પ્રવૃત્તિઓની જ નીપજ છે. પત્રકાર તરીકે એ રાજકીય સમસ્યાઓને સ્પર્શ્યા છે ત્યારેય એનો ઉદ્દેશ તો લોકકલ્યાણનો રહેલો છે. લોકશાહી લોકજાગૃતિ લાવવાનો સતત પ્રયત્ન કર્યો છે. સુધારક વલણોએ જ્યાં જ્યાં પ્રગટપણે અને અતિમાત્રમાં દેખા દીધી ત્યાં ત્યાં એમની સાહિત્યકૃતિઓ સાહિત્યકૃતિ તરીકે ઊણી ઊતરી છે. એ વિશે આપણે આગળનાં પ્રકરણોમાં વિસ્તારથી વાત કરી ગયા છીએ એટલે કે એમની કથાસાહિત્યમાં જ્યાં જ્યાં સુધારક પેટલીકર દેખાયા હતા ત્યાં ત્યાં એમના સુધારાલક્ષી દૃષ્ટિકોણને આપણે મૂલવ્યો છે/જોયો છે. અહીં એ બધાંનું પુનરાવર્તન ન કરતાં એમની પ્રત્યક્ષ રહેલી સુધારકપ્રવૃત્તિઓને આપણે તપાસી જઈશું. સુધારક તરીકે પેટલીકર ઉદ્દામવાદી નથી. નર્મદની જેમ એ સુધારો પોતાના ઘેરથી, પોતાની જાતથી શરૂ કરવામાં માને છે પણ એમનું વલણતો દલપતરામના શાણા અને ધીર વલણને મળતું આવે છે. પેટલીકર સમય-સંજોગને પરખીને પરિસ્થિતિને મૂલવે છે. લોખંડ ગરમ હોય ત્યારેજ ટીપવામાં આવે તો ઘાટ બંધાય એમ એ માનતા; ને નકામી ઉતાવળ પણ એમને ન ગમતી. સમસ્યાને સુલઝાવવામાં પણ પરિપક્વતા જોવી જોઈએ. કોહી–સડી ગયેલો ભાગ કાપી નાખવો જોઈએ પણ જ્યાં સુધી એ દવાથી મટે તેમ હોય ત્યાં સુધી વાઢકાપને ટાળવાના મતના એ હતા. નવું બધું જ સારું નથી ને પુરાણું બધું જ નકામું નથી હોતું. પેટલીકર બંનેમાંથી વિવેક કરીને સ્વીકાર કરનારા સુધારક હતા. એટલે ક્યારેક એમણે પરંપરા સામે કેડ બાંધીને મેદાને પડવું પડ્યું નથી, એ રીતે નવાના પ્રચાર-પ્રસાર માટે સરઘસો કાઢીને પ્રદર્શન કરવું પડ્યું નથી. ને છતાં એ ક્યારેય, મોકો આવે, પાણીમાં બેસી ગયા નથી. એમને પ્રવૃત્તિઓ મળી રહેતી, પ્રશ્નો મળી રહેતા ને એના ઉકેલોય હતા. સુધારો લાદવાનો નહીં પણ એ માટે લોકમત કેળવવાનો, એ માટેની ભૂમિકા તૈયાર કરવાનો એમનો આશય રહેતો. પ્રજાહિતમાં, જ્ઞાતિ કે સમાજહિતમાં એ એમનું કાર્ય કરતા એટલે લોકો એમાં સરવાળે પોતાનો જ લાભ જોઈને જોડાતા. ‘૩૮ની સાલમાં પેટલીકર શિક્ષક થયા એ દરમ્યાન એમણે બારમું નહીં ખાવાની પ્રતિજ્ઞા કરેલી. ઉંમર બાવીસ વર્ષ. યુવાનીની ધગશમાં બારમું બંધ કરવાની પ્રવૃત્તિ ઉપાડી. ગામમાં પેટલીકરને પક્ષે ચાર જ ઘર રહ્યાં. પણ બાબર ભગત જેવા પોતાના વડીલે પેટલીકરની સાચી વાતમાં સહી કરી. પરિસ્થિતિ ગંભીર બની બાબર ભગતની સખત બીમારી છતાં — એમને ખૂબ માનનારા લોકો પણ — એમને જોવા ન આવ્યા. ને છતાં દાદા-દીકરા અડગ રહ્યા. એમાં દાદાની સમજણે જ એમને ટક વેલા. સમાજસુધારો શું છે? એ કેવું મંથન છે? એમાંથી રત્નો ઓછાં ને ઝેર ઝાઝાં નીકળે છે — એનો એમને ખ્યાલ આવ્યો તિતિક્ષા અને સમજણ વિના સુધારો થતો નથી. એ માટે વ્યવહારુ પણ બનવું પડે. ક્યારેક લીધી વાત તૂટે ત્યાં લગી ખેંચવા કરતાં મૂકી દેવામાં જ સારપ દેખાય. અનુભવો પેટલીકરની કોઠાસૂઝ પાકી કરતા રહેલા ખતીની આવક, લેખનની આવક પણ થતી. એમાંથી ઘર નભતું, પત્ની ઘરની બધી જવાબદારી પતવતાં. એથી પણ પેટલીકરને લેખનપ્રવૃત્તિ અને સુધારાપ્રવૃત્તિમાં પૂરતો સમય મળી રહેતો. લખવાની જેમ કોઈ નેકોઈ સામાજિક પ્રવૃત્તિ, કોઈનો ને કોઈનો પ્રશ્ન ઉકેલવો–એ બધું પેટલીકર માટે સહજ બનતું ગયું. પછી તો એમણેય વિચારી વિચારીને, વીણી વીણીને પ્રશ્નો કાઢ્યા, તપાસ્યા ને એને વિશે જાગૃતિ આણી પેટલી છોડી આણંદને આણંદ છોડી અમદાવાદમાં વસતા થયા એમ એમનું ક્ષેત્ર વિસ્તરતું ગયું. પોતાની જ્ઞાતિથી, ગામથી ઉપાડેલી સુધારાપ્રવૃત્તિ પછી સમાજ અને દેશકારણ સુધી વિસ્તૃત બને છે. ગામ કે શહેર એવા કશા ભેદભાવ વિના એમણે સમાજના પ્રશ્નો જોયા, તપાસ્યા ને સંજોગો પ્રમાણે ઉપાયો કર્યા કે સૂચવ્યા. ધર્મ અને રાજકારણ સુધી એમની પ્રવૃત્તિ વિસ્તરેલી. પણ મોટેભાગે એમણે લગ્નપૂર્વેના, યુવક-યુવતીઓના પ્રશ્નો અને લગ્ન પછીના દંપતીજીવનના પ્રશ્નોને બદલાતા સંદર્ભમાં વખતોવખત મૂલવ્યા છે. એમની આ પ્રવૃત્તિ લોકપ્રિય બની. લગ્નબ્યૂરો જેવી સંસ્થાઓ સાથે એમણે સંકળાવું પડ્યું. ગંભીર સમસ્યાઓ લઈને આવતાં લોકોને એમના પર અતિ વિશ્વાસ. માને ન કહેવાય એવી વાત દીકરી પેટલીકરને કહે, મિત્રને ન કહી શકાય એવી દુઃખદ સ્થિતિ યુવાનો પેટલીકરને કહે. લડતાં કે છૂટાં પડવા માગતાં પતિપત્ની પેટલીકરને મળે, ને નભી જાય, સારું લાગે. છૂટી ગયેલા એક થાય, રોજ દુઃખી થનારાં એમની સલાહથી અળગાં થઈ અળગી જગાએ પાછાં સુખી થાય. પેટલીકર સમાજના વૈદ્ય રહ્યા છે. પ્રો.એમ.આઈ. પટેલે નોંધ્યું છે તેમ એમણે ‘નવું ગોરપદું’ કર્યું છે — ‘પરણાવી આપવાનું અને ઘર પણ ચલાવી આપવાનું.’ લગ્ન અને કુટુંબ બંને સંસ્થાઓ ક્રમશઃ તૂટતી જ્યા છે, પાશ્ચાત્ય સંસ્કૃતિએ એમાં મદદ કરી છે, ત્યારે પેટલીકરે સમય પરખીને હજારોનાં નંદવાતાં જીવન અખંડ રાખવામાં મદદ કરી છે, કોઈના દીવામાં એમણે સમજણનું તેલ પૂર્યું, કોઈને ધીરજ બંધાવીને તો કોઈનો સ્વભાવ સુધારીને એમણે વેરાન થઈ જતા ઉપવનને લીલું રાખ્યું છે. પાણીથી પાતળા થઈને સામાના પેટની વાત જાણવી, સામાનું અહમ્‌ ન ઘવાય એમ વીગતો મેળવવી ને પછી ભૂલો સમજાવવી, પહેલાં પતિ-પત્નીને કે બે પક્ષોને જુદા રાખવા ને પછી એકસાથે રાખીને સમાધાન કરવું વગેરેમાં પેટલીકર કુશળ છે. અહીં એમના મનમાં વ્યક્તિસુખની ભાવના રહેલી છે. વ્યક્તિ સુખી હશે/નરવો હશે તોસમાજ પણ નરવો ને સુખી હશે એમ એ જાણે છે. સમાજજીવનનું નર્યાપણું પેટલીકર ઝંખે છે. વધુમાં વધુ પ્રશ્નો લગ્ન અને જાતીયતાને લીધે ઊભા થાય છે. સમાજનું એ અંગ વ્યાપક સડો પેદા કરે છે. પેટલીકરે જ્યાં ને જ્યારે એવો સડો જોયો છે ત્યાં ને ત્યારે એમણે એમાં ડૉક્ટરની ભૂમિકા નિભાવી છે. યુવાન સંતાનોનાં માબાપ પણ sex-ના પ્રશ્નોને લઈને કંકાસભર્યું જીવતાં હોય છે. ક્યાંક બાપની બદચલનથી દીકરો કે વહુ અકળાય છે ને ઘર તંગ રહે છે, ક્યાંક બાના જાતીય સંબંધોથી ગામમાં ઘરની વગોવણી થાય છે. અકળાયેલાં સ્વજનોની ફરિયાદથી પેટલીકરે આવા કેસોમાંય સાપને મારીને લાઠી આખી રાખી છે. કોઈ સલાહ લેવા આવે તો આપે, ચકાસણી પણ કરે, ને તે છતાં કોઈ એમની વાતને અવગણે તો પેટલીકર એની પરવા ન કરે. ઉપાય સૂચવે, લાદે નહીં. અનુકૂળતા પ્રમાણે અમલ કરાવે ને પાત્રોને એમાં પ્રાણ જણાય તો વાત પાકે પાયે આગળ વધતી. પેટલીકરે કેટલાંય કુટુંબોને તૂટતાં બચાવ્યાં છે ને કેટલાંયને કોર્ટ વકીલોનાં ચક્કરમાંથી ઉગારી લીધાં છે, કશુંય લીધા વિના. મોંઘવારીના યુગમાં એમણે આવી મફતિયા વકીલાત કરી; માટે જ એનું મૂલ્ય છે. એમણે આવી પ્રવૃત્તિઓ નિષ્ઠાથી, પોતાની ગણીને કરી. જશભાઈ વિ. પટેલ સુધારક અને વિધવા સાથે લગ્ન કરવા માગતા હતા. પેટલીકરે એમાં અંત લગી મદદ કરી. જશભાઈ-જયાબહેનનું આ આંતરજ્ઞાતીય લગ્ન હતું, જયાબહેન વિધવા હતાં. પેટલીકરે ‘પાટીદાર’માં આ લગ્નની ઘણી વાતો છાપી સમાજને જગાડેલો. એ વિશે ચર્ચાપત્રો પણ લખાયેલાં. ખાલી ઠઠારો કરવા કે ધ્યાન ખેંચવા નહિ પણ આવાં લગ્નોની પીઠિકા, એના લાભાલાભ સમજાવતી તત્ત્વપૂર્ણ અને તાર્કિક ચર્ચા પેટલીકર કરતા હતા. પેટલીકરે પુરુષપાત્રો કરતાંય સબળ નારીપાત્રો સર્જ્યાં છે. સુધારામાં પણ એમણે નારીનો પક્ષ લીધો છે. વર્ષોથી દબાયેલી, ઉપક્ષાયેલી નારીજાતિને એમણે પ્રેરી, એની મૂંઝવણને વાચા આપી, રસ્તો દેખાડ્યો. નારીકેળવણી, નારી અને નોકરી, ઘર-વર અને સમાજસેવા જેવા અનેક સાંપ્રત પ્રશ્નોને એમણે ખૂલ્લા દૃષ્ટિકોણથી ચર્ચ્યા છે. sex-ની બાબતમાં પેટલીકર ઉદારમતવાદી નથી, અલબત્ત એનો એ સ્વીકાર કરે છે, પણ sexને લગ્નેતર સંદર્ભમાં સમાજ માટે અનિષ્ટ ગણે છે. sex-ને લગ્ન/કુટુંબ આશ્રયી ગણે છે. મુક્ત સહચારના પ્રયોગો કરતાં એમનાં પાત્રો આખરે ઉક્ત સંજ્ઞાઓ કે સંસ્થાઓને આશ્રયે જાય છે. સમાજના સ્વાસ્થ્ય માટે, આપણે ત્યાં, મુક્ત સહચાર ઘાતક છે એમ એ માને છે. પણ sex-ની ચર્ચા આદિથી એ ભડકતા નથી. પેટલીકર રૂઢિજડ નથી, ધર્મમાં પણ એ કંઈક અંશે ઉદાર છે, માનવતાવાદી રહીને એ થોડી છૂટછાટને આવકારે છે ને કર્મકાંડને વખોડે છે. એમની ધર્મ વિશેની બંધાતી આવતી વિચારણાને ગીતા-રામાયણ-મહાભારતના દર્શનને લગતી એમની પુસ્તિકાઓથી સમજી શકાય. પણ કહેવાનો મતલબ એ છે કે પોતે ધર્મનેય જડતાથી વળગવામાં માનતા નથી, ને તે છતાં નર્યા મુક્ત આચારવિચારને એ સુખી-સમૃદ્ધ જીવન માટે ઇષ્ટ ગણતા નથી. એવી મુક્તિ કે અનાચારો સમાજને અસ્વસ્થ કરી મૂકે અને વ્યક્તિજીવનને એનાથી કશો ચિરંતન લાભ થતો નથી. તેમ છતાં પેટલીકરે આવા ઘણા કિસ્સાઓ જોયા-જાણ્યા છે, એમાં એ બદલાતા સમયનાં — નવા યુગનાં — એંધાણ જોતા હશે ને? સંવનનકાળ/પ્રસન્ન દામ્પત્ય/ નવદંપતી જેવા લેખસંગ્રહોમાં એમણે નવા યુગનાં યુવક-યુવતીઓના લગ્નવિષયક ઘણા પ્રશ્નો ચર્ચ્યા છે, ઘણાં ઉદાહરણો લઈને સમીક્ષા કરી છે. લગ્નમાં માબાપની સંમતિ-અસંમતિ ક્યાં સુધી નભે? મોડામાં મોડું કઈ ઉંમરે પરણી જવું?, પતિપત્નીએ એકબીજાથી શું છુપાવવું? દંપતીને જાતીયસંબંધનું જ્ઞાન હોવું જોઈએ, સૌથી પ્રબળ કામના જાતીય સુખની છે, સાથીની પસંદગી, મિશ્ર સમાજમાં પરસ્રી-પુરુષની મૈત્રી, દામ્પત્યજીવનની બદલાતી ઋતુઓ — જેવા એમના અનેક લેખો લગ્ન અને કુટુબસંસ્થાની આસપાસની સમસ્યાઓને વર્ણવે છે. ગ્રામીણ કે શહેરી સમાજના આ પ્રશ્નો બધે જ છે, સમાજ એનાથી વ્યગ્ર થાય છે. પેટલીકરે એ વિશે ઘણા પ્રગતિશીલ વિચારો દર્શાવ્યા છે. દેખાડા માટેના ખોટા ખરચાઓ ન કરવા વિશે, દહેજની બદી વિશે, નાતવરા ને પ્રેતભોજન બંધ કરવા વિશે, સ્રીસન્માનની ભાવના વિશે, ચૂંટણીમાં પ્રજાની ફરજો વિશે, વિધવાલગ્ન અને વિધર્મી કે આંતરજ્ઞાતીય લગ્નો કરવા વિશે, અસ્પૃશ્યતા દૂર કરવા વિશે, નાગરિકની ફરજો અને જાગૃતિ વિશે, ગ્રામોદ્ધાર અને દેશપ્રેમ વિશે, કેળવણીના પુનર્ગઠન વિશે ભ્રષ્ટ આચરણોથી દૂર રહેવા વિશે, નીતિશુદ્ધ અને સમાજ-ઉપયોગી જીવન જીવવા વિશે — આવા અનેક વિષયો વિશે પેટલીકરે પોતાનાં પુસ્તકોમાં, લેખોમાં લખ્યું છે, પ્રત્યક્ષપણે પ્રબોધ્યું છે. વ્યક્તિ વ્યક્તિના વિવાદમાં પેટલીકર તટસ્થ છે. ક્યારેક સમૂહને લગતા પ્રશ્નોનેય એ તટસ્થ રહીને જોતા. પણ જ્ઞાતિ કે ધર્મના પ્રશ્નો—સામસામા ધર્મના પ્રશ્નો, પ્રજાના કોઈ બે વર્ગો વચ્ચેના પ્રશ્નો, વિદ્યાર્થી-અધ્યાપક – સંચાલક મંડળના પ્રશ્નો, પુરુષ અને સ્રીના પ્રશ્નો, વિપક્ષો અને કૉંગ્રેસના પ્રશ્નો — ઇત્યાદિ સમૂહગત પ્રશ્નો કે વિવાદોમાં (રમણલાલ એન્જિનિયર નોંધે છે તેમ) પેટલીકર ઓછા તટસ્થ લાગવા સંભવ છે. ફરિયાદી એમની દોષી લાગે છે અને પ્રતિવાદી ઓછો દોષી! આમ એ નિર્ભિક પત્રકાર ને સુધારક રહ્યા છે. દા.ત. અમદાવાદનું સ્વામિનારાયણ મંદિર ત્યારે હરિજનનો માટે ખુલ્લું નહોતું. આ મંદિરના અધિપતિઓ જ સ્વામિનારાયણ કૉલેજ (મણિનગર) ચલાવતા. એના કોઈ સમારંભમાં ગવર્નરશ્રી (કાનૂનગો) ઉદ્‌ઘાટન માટે જવાના હતા. પેટલીકરે સંદેશમાં લખ્યું કે અસ્પૃશ્યતામાં નહીં માનતી સરકારના વડાએ આવા સમારંભમાં ત્યાં સુધી ન જવું જોઈએ કે જ્યાં સુધી મંદિરનાં દ્વાર હરિજનો માટે ખુલ્લાં ન મુકાય. પેટલીકરના જાહેરપત્રની ધરાર અસર થઈ. મંદિરનાં દ્વાર ખૂલ્યાં. આવો જ બીજો પ્રસંગ છે. દ્વારકાના કોઈ સમારંભમાં જગદ્‌ગુરુ શંકરાચાર્યની સાથે શ્રીમન્નારાયણ (ગવર્નરશ્રી) પણ જવાના હતા. પેટલીકરે લખેલું કે જગદ્‌ગુરુ શંકરાચાર્ય પોતે જાહેર નિવેદન — પોતે અસ્પૃશ્યતામાં માનતા નથી એવું — ન કરે ત્યાં સુધી રાજ્યપાલે જવું ઉચિત નથી. ગવર્નરનો કાર્યક્રમ રદ થયેલો. આવી હિંમત છતાં ઘણી વાર પેટલીકર સમન્વયવાદી બની જાય, સમાધાનો કરવા તરફ વળે. કાગળ પર લખતા એવું બધી વખત એ પાળી શકતા નહોતા. એમનેય માણસ તરીકે આવી મર્યાદાઓ હતી જ. પાટીદારો તરફની એમની કૂંણી લાગણીએ એમના તાટસ્થ્યને શરૂઆતનાં વર્ષોમાં ચલિત કર્યાનાં ઉદાહરણો નોંધાયાં છે. પણ એથી કરીને પેટલીકરની વિવેકપૂતતા ભૂલી શકાય એવી નથી પત્ની કાશીબહેને એમનું ઘર ચલાવ્યું ને એમણે સમાજના રથને દુરસ્ત કરવાનું કામ ક્યારેય ન ા છોડ્યું. સમાજ એમને માટે અનુભવોની કીમતી ખાણ બની રહ્યો. એ સમાજને વાંચીવિચારીને જ એ ‘સાક્ષર’ થયા, સમાજ એની ‘ગીતાંજલિ’ હતો લોકસાગરે એમને જે આપ્યું એ એમણે લોકસાગરને સવાયું કરીને પાછું આપ્યું હતું. બદલાતા સમયને, અનિવાર્યપણે આવી રહેલાં પરિવર્તનોને એમણે પ્રીછ્યાં હતાં, એટલે એમનો સુધારો અટકી અટકીને ચાલ્યો હોવા છતાં ટકીને રહ્યો છે. સમાજ જ એમને માટે માબાપ સમ હતો. એટલે એમણે એ સમાજની સેવા કરવામાં પૂરો સમય ફાળવી દીધો, પોતે કથાલેખનને અટકાવી દઈને, લેખો-નિબંધોને તાબે થયા. એ નિબંધો-લેખો સમાજના હણાતા હરીની ચિંતા કરી બુઝાતા દીવામાં તેલ પૂરવા જેવું કાર્ય કરે છે. ક્યારેક નાનકડા કાર્યનું મૂલ્ય મોટું હોય છે. પેટલીકરની સુધારાપ્રવૃત્તિ અવિરત ચાલી છે, પણ એમણે જ ક્યાંય કહ્યું છે કે મારી પ્રવૃત્તિ મર્યાદિત રહી પણ છાપાના માધ્યમે એનો પ્રચાર વધારે થયો. મને મારા કાર્ય કરતાં બહોળી કદર કરનારા મળ્યા છે. ઘણાંયે ઘણું કર્યું છે તોય એમની પ્રવૃત્તિને પ્રકાશ નથી મળ્યો. પેટલીકરની આ નમ્રતામાં તથ્ય હોઈ શકે છે. પણ એમની સુધારાપ્રવૃત્તિને એનાથી ઓછી આંકવાને કોઈ કારણ નથી. ‘મૉરાલિટી’ અને વિશ્વાસની કટોકટીના આપણા યુગમાં પેટલીકર જેવા સંનિષ્ઠ, પ્રામાણિક અને નખશિખ માણસનું હોવું જ ઘણા મોટા આશ્વાસનની વાત હતી. એમના પ્રબોધક સાહિત્યમાંથી સમાજ કશુંક ને કશુંક જરૂર મેળવશે. પણ પેટલીકરનું અજવાળાની જરૂર વખતે જ બુઝાઈ જવું આપણને વ્યગ્ર કરી મૂકે છે. આપણને જીવન-અરણ્યના તમસમાં મૂકીને ‘માણસાઈનો દીવો’ ઓલવાઈ ગયો છે.

.............................................................

............................................................