ખબરદાર : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/ઉત્તમ ઉન્મેષ : રાષ્ટ્રભક્તિની કવિતા
ઉત્તમ ઉન્મેષ : રાષ્ટ્રભક્તિની કવિતા
ખબરદારે કવિ તરીકેની લગભગ સર્વ વિશેષતાઓ એમનાં ગુજરાતપ્રીતિનાં અને દેશભક્તિનાં કાવ્યોમાં દર્શાવી છે. હૃદયના સાચા પ્રેમનો અભિષેક પામેલી રાષ્ટ્ર પ્રત્યેની આ ભાવનાની અભિવ્યક્તિમાં એમના સર્જકઉદ્રેકો પૂરેપૂરા સક્રિય થયેલા છે. આથી, આ પ્રકારની ઉત્તમ રચનાઓમાં તો, ખબરદારની કચાશો ને મર્યાદાઓ દૂર થઈ છે. છંદ વધુ લયવાહી ને વધુ સુઘડ બન્યો છે, છંદપ્રયોગો ઉચિત અને ઉપકારક નીવડ્યા છે ને કાવ્યબાની પણ સાફસૂથરી અને ઓજસ્વી બની છે. ખબરદારની સર્જકતાના કેટલાક ઉત્તમ ઉન્મેષો એમાં પ્રગટ્યા છે ને એથી ગુજરાતી કવિતામાં સ્થાયી મૂલ્ય ધરાવે એવી એમની કૃતિઓ પણ આ પ્રકારની કવિતમાંથી જ સૌથી વધુ મળી રહે એમ છે. રાષ્ટ્રભક્તિની કવિતા આમ તો એમણે એમની વીસેક વર્ષની વયથી લખવા માડેલી પણ એનો પહેલો નોંધપાત્ર આવિષ્કાર ‘પ્રકાશિકા’માં થયેલો જોવા મળે છે. એ પછી ‘ભારતનો ટંકાર’(૧૯૧૯) નામે એક આખો સંગ્રહ આ વિષયનાં કાવ્યોનો તે આપે છે ને દેશભક્તિની કવિતાના સર્જક તરીકે ધ્યાનપાત્ર બને છે. ‘સંદેશિકા’માં પણ આ પ્રકારની કવિતાની કેટલીક ઉત્તમ રચનાઓ એમના વિકાસની દ્યોતક છે. સ્વતંત્રતા માટેની લડત વ્યાપક અને ગતિશીલ બનતી જાય છે એમ ખબરદારનું કાવ્યસર્જન પણ આ દિશામાં વધુ સક્રિયતા દાખવતું જાય છે. એમાં વિપુલતાના પ્રમાણમાં કાવ્યગુણ સમૃદ્ધ થતો જતો નથી પણ એ કવિતા એટલી લોકપ્રિય બને છે કે એમની રાષ્ટ્રભક્તિની સમગ્ર કવિતાના એક સંગ્રહની માંગ ઊભી થાય છે. આથી પૂર્વેના સંગ્રહોમાંની ને સામયિકોમાંની કવિતાને એકઠી કરીને ૧૯૪૦માં, ‘ભારતનો ટંકાર’ સિવાયની બધી જ કવિતાને, ‘રાષ્ટ્રિકા’ નામે તે સંચિત કરી આપે છે. (એમના અવસાન પછી છેક ૧૯૬૩માં, આ બધાં કાવ્યોમાંથી પ્રેરક યુદ્ધકાવ્યોનું ‘રણહાક’ નામે એક નાનકડું સંપાદન યજ્ઞેશ હ. શુકલને હાથે થાય છે.) લગભગ ચાળીસેક વરસ એક સાતત્યપૂર્વક અને વિવિધ પ્રકારે રાષ્ટ્રભાવને વ્યક્ત કરતી કવિતા એમણે આપી છે. આ કવિતા ખબરદારની લોકપ્રિયતાને ને એમના કવિત્વનો એક મહત્ત્વનો આધારસ્તંભ બની જાય છે. ઐતિહાસિક દૃષ્ટિએ, ખબરદારની આ વિષયની કવિતા નર્મદ, હરિલાલ ધ્રુવ અને બહેરામજી મલબારીની દેશભક્તિની કવિતાનું અનુસંધાન જાળવે છે. એના આરંભકાળે નર્મદ ને હરિલાલ ધ્રુવની કવિતાનો પ્રભાવ પણ એમના પર છે. પોતાના સમકાલીન ન્હાનાલાલની રાષ્ટ્રવિષયક કવિતાના કેટલાક સંસ્કાર પણ એમણે ઝીલ્યા છે. પરંતુ ખબરદારની કલમ આ કવિતામાં ઝાઝો સમય પરોપજીવી રહી નથી એ નોંધપાત્ર છે. એમણે પોતાની સ્વતંત્ર કેડી કોરી છે. કિશોર વયથી જ ગુજરાતી ભાષા તથા ગુજરાત અને ભારતની સંસ્કૃતિ તરફ જાગેલા અનુરાગે ને એથી દૃઢ બનેલા ભાવનાસંસ્કારે એમની સર્જકતાને પણ આ દિશામાં પૂરી ઉત્કટતાથી ને સ્વતંત્રપણે પ્રેરી છે. ને એથી સ્વાભાવિકપણે જ, એમાં એમની આગવી મુદ્રા ને છટા પ્રગટ્યાં છે. ખબરદારનાં રાષ્ટ્રવિષયક કાવ્યોમાં વિચાર-ભાવનાને વિકાસ બહુ લાક્ષણિક રહ્યો છે. ‘અમ હૃદય શૌર્યઅંગાર નથી હોલાયો’ એવા ભાવની મુખ્ય રગમાં વહેતી રહેલી એમની આ ભાવના વિભિન્ન બિંદુઓ પર વિકસતી ગઈ છે. શરૂઆતમાં બ્રિટનની ધજા હેઠળ ઘૂમતા એના વીર ભારતીય સૈનિક તરીકે તે આવો શૌર્યભાવ સ્મરે-અનુભવે છે, પછી વિશ્વયુદ્ધમાં બ્રિટનને પડખે રહી ઝૂઝતાં વિજય મળે છે એનો યશ ભારતીય વીરને આપતાં, એને બ્રિટિશ રાજ્યમાં પણ સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવતા ને ભારત‘માતા’ની ધજા હેઠળ ઘૂમતા સૈનિક તરીકે એ કલ્પે છે. સ્વતંત્રતાના સૈનિક તરીકે ભારતીયનું ગૌરવ પણ એમનાં પાછળનાં કાવ્યોમાં થયેલું જોવા મળે છે. અસ્મિતાને જગાડવા થતું શૌર્યગાન ખબરદારની આ કવિતામાં કેન્દ્રસ્થાને છે. આવાં કાવ્યોમાં યુદ્ધના વાતાવરણને રચતી શબ્દાવલી, ઓજસપૂર્ણ કાવ્યબાની, છંદો અને રાગઢાળોનો એવો જ ઓજસ્વી લય ધ્યાનપાત્ર બની રહે છે. માતૃભૂમિ માટે સ્વાર્પણભાવ ધરાવતો, વિજયાકાંક્ષી ને યુદ્ધતત્પર મધ્યકાલીન શૂર સૈનિક અહીં વર્તમાન ભારતીય વીરના પ્રતીક તરીકે નિરૂપણ પામ્યો છે. ક્યારેક કવિએ સમુદ્રમંથન અને યજ્ઞવિધિના પૌરાણિક સંકેતોને પણ આવી પ્રેરક, ઉદ્બોધનાત્મક રચનાઓમાં ગૂંથ્યા છે. ‘ભારતનો ટંકાર’માં આવી કવિતા વિશેષ છે. આ જ રગમાં ચાલતાં ને પરોક્ષ રીતે પ્રેરક બનતાં તથા દેશપ્રેમ, યુયુત્સાભાવ અને બલિદાનભાવનાને દર્શાવનાર કેટલીક ઐતિહાસિક ઘટનાઓને જુસ્સાપૂર્ણ શૈલીએ આલેખતાં કથાનકકાવ્યો પણ એમણે લખ્યાં છે. ‘હલદીઘાટનું યુદ્ધ’, ‘વીર બાળક બાદલ,’ ‘પુરોહિતની રાજભક્તિ’ જેવી આ રચનાઓમાં વ્યાપકભાવે તો કવિનો રાષ્ટ્રપ્રેમ જ અભિવ્યક્તિ પામ્યો છે. આવા જ વ્યાપક ખ્યાલે એમણે દેશનેતાઓ, સમાજસેવકો અને સર્જકો વિશેનાં અંજલિકાવ્યોને પણ રાષ્ટ્રવિષયક કવિતામાં સમાવિષ્ટ કર્યાં છે. ભારતની વર્તમાન સ્થિતિનું આલેખન કરતાં એમણે દેશવાસીઓનાં સ્થિતિજડતા, નિષ્ક્રિયતા, લાચારી, પરાધીનતા ને કાયરતાનું દર્દવ્યથાભર્યું ચિત્ર ઉપસાવ્યું છે. એમાં ‘આ શી દશા રે દેશની’ ? જેવી વેદના છે, ‘અમો રણબાયલા પૂરા! અમોને ના ગણો શૂરા!’ પ્રકારની આત્મનિંદા છે તો ‘હિન્દના વાસી – સર્વ સંન્યાસી!’ કાવ્યમાં છે એવો કટાક્ષ-ઉપાલંભ છે. એમાં કવિની દ્રવી ઊઠતી ને ઊકળી ઊઠતી ઊર્મિ પ્રતિધ્વનિત થઈ છે. આવી દશામાં પ્રોત્સાહકતાને અનિવાર્ય બનાવતી ઉદ્બોધન શૈલીની કવિતા પણ એમણે કરી છે. ‘ઊઠો દેશી ઊઠો સર્વે, હવે નિદ્રાથી જાગો રે!’ જેવી વિનવણીથી આરંભાતી આ કવિતા બલિદાન માટેના પ્રબળ ઉદ્ઘોષ સુધી વિકસે છે. ભારતની દેવીના મુખમાં મૂકાયેલું ‘ભર ભર મારું ખપ્પર, ભૈયા! હો ભારતના વાસી!’ આ પ્રકારની એક લાક્ષણિક રચના છે. આ બધી કવિતા એમણે છેક ૧૯૦૧ આસપાસ, (એમની તરુણ વયે), લખી છે એ પણ નોંધપાત્ર છે. કાવ્યત્વની દૃષ્ટિએ વધુ સમૃદ્ધ કાવ્યો વતનપ્રેમ અને ગુજરાતભક્તિનાં છે. એમાં અસ્મિતાનું ઉત્સાહ-ઉમંગભર્યું ગૌરવગાન કરતી જુસ્સાપ્રેરક રચનાઓ છે ને સ્થળસૌંદર્ય અને સંસ્કારસમૃદ્ધિનું સ્તુતિગાન કરતી વર્ણાનાત્મક રચનાઓ પણ છે. ‘અમારો દેશ’ પ્રસન્નતા અને ધન્યતાની લાગણીને વ્યક્ત કરતું તથા રાષ્ટ્રની અસ્મિતાના ને એકતાના ભાવને દૃઢાવતું એક ઉત્તમ પ્રેરક કાવ્ય છે. ‘અમે દેશી, દેશી, દેશી! આ દિવ્ય અમારો દેશ’ એ ધ્રુવપંક્તિમાં અનુભવાતા સામૂહિક ઉદ્ઘોષથી જે એક વિશિષ્ટ ભાવગતિ પ્રગટે છે એણે, રાષ્ટ્રીય ઉત્થાનના એ દિવસોમાં, આ પ્રકારની કવિતાને પ્રજાની એક અનિવાર્યતા સાબિત કરી હશે. આવી સમૂહપ્રેરકતમાં ખબરદારની ભૂમિકા મેઘાણી પ્રકારની રહી છે. ‘અમારો દેશ’માં યોજાયેલો દિવ્ય છંદ પણ આવા ભાવોને વ્યક્ત કરવા માટેનું સમુચિત વાહન બનેલો જણાય છે, ‘ભારતનો વિજયધ્વજ’ જેવાં બીજાં કેટલાંક કાવ્યોમાં પણ એનો ઉપયોગ ઉપકારક બનેલો છે. ગુજરાતભક્તિનાં કાવ્યોમાં ગુજરાતનું ભૂતકાલીન ગૌરવ ગાતી ને એના પ્રાકૃતિક સૌંદર્યને આલેખતી કવિત નર્મદ અને ન્હાનાલાલની પરંપરા જાળવે છે પણ એના નિરૂપણમાં ખબરદારની સર્જકતાની નિજી છાપ ઊઠે છે. ‘ગુણવંતી ગુજરાત’ લયમધુર ઢાળમાં રચાયેલું પ્રેમસભર સ્તુતિગીત છે. ભાવાભિવ્યક્તિની દૃષ્ટિએ તો એ સ્મરણીય છે જ, પણ પ્રાસાદિક શબ્દાવલીથી લાલિત્યપૂર્ણ બનેલી ગીતરચના તરીકે એ વધુ સ્પૃહણીય છે. ગુજરાત પ્રત્યેનાં પ્રેમ–ભક્તિને અંતરની ઊલટથી એમણે કાવ્યાંકિત કર્યાં છે, ફરી ફરીને એની ગૌરવગાથા ગાઈ છે. આથી ક્યારેક તો એ બહુ વિગતપૂર્ણ ને શિથિલ પણ બન્યાં છે. પરંતુ ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!’ જેવી પંક્તિથી જાણીતું બનેલું ‘સદાકાળ ગુજરાત’ ખબરદારની ગુજરાતભક્તિનો એક વિશિષ્ટ ઉન્મેષ છે. ગુજરાતીની વ્યક્તિમત્તાને વ્યાપકતાથી દૃઢાવતી ભાવનાશીલતાને રુચિર પદાવલીથી નિરૂપતા આ કાવ્યને સુંદરમે ઉચિત રીતે જ ‘બૃહદ ગુજરાતનું અમર ગીત’ ગણાવ્યું છે. લોકજીભે રમતાં થઈ ગયેલાં ગુજરાતીનાં રાષ્ટ્રભક્તિ વિષયક કાવ્યોમાં ખબરદારની આવી રચનાઓ વધુ નોંધપાત્ર રહી છે. પરંતુ, ખબરદારની સર્જકતાને એની ઉત્તમ કક્ષાએ સિદ્ધ કરતી આ રાષ્ટ્રવિષયક કવિતાને પણ વિપુલલેખનની મર્યાદા તો નડી જ છે. સંવેદનની ઉત્કટતા ઘટી હોય ને કાવ્ય કેવળ ઉત્સાહના ઉદ્ઘોષોમાં ખોવાઈ ગયું હોય એવું ઘણીવાર બન્યું છે. ગુજરાતની ગૌરવગાથા અતિ લંબાણથી વર્ણવાતી હોય કે એકની એક બાબત પુનરાવર્તિત થયે જતી હોય એવાં પણ ઠીક ઠીક કાવ્યો એમાંથી જડશે. કેટલીક લાંબી રચનાઓના ઘણા ખંડો સાવ ગદ્યાળુ પણ બની ગયેલા છે. આ પ્રકારની કવિતાને સામયિકતાનો રંગ લાગેલો હોય છે એથી, એ સમયે સમૂહગાનમાં ઉત્કટ પ્રભાવ જન્માવતાં લાગ્યાં હોય એવાં ગીતો આજે, સમય જતાં, એની મર્યાદાઓ પણ પ્રગટ કરે એ સ્વાભાવિક છે. આવી ઘણી વર્ણનાત્મક ને ઊર્મિપ્રધાન કવિતા આજે ફિસ્સી, શૈલીની એકતાનતા ધરાવતી અને ખબરદારની જાણીતી કચાશોવાળી દેખાય છે. જો કે સમયની કસોટીમાંથી પાર ઊતરેલી થોડીક રચનાઓ પણ એટલી ઉત્તમ ને મૂલ્યવાન છે કે આવો મોટો પદ્યરાશિ આજે અપ્રસ્તુત બની રહેવા છતાં પણ ખબરદારનાં રાષ્ટ્રભક્તિનાં કાવ્યોની ગુણસમૃદ્ધિ ઓછી થતી નથી. ‘રાષ્ટ્રિકા’નાં કેટલાંક કાવ્યોનીચેની નોંધો જોતાં એક લાક્ષણિક બાબત ધ્યાનમાં આવે છે કે એ કાવ્યો સાહિત્ય પરિષદના સંમેલન કે કોંગ્રેસ અધિવેશન જેવા જાહેર મેળાવડાના પ્રસંગે રચાયાં ને ગવાયાં છે. ખબરદારની વ્યાપક લોકચાહના ને લોકાદરનો આ એક મોટો સંકેત છે. કવિ સમગ્ર પ્રજાનાં જાહેર અભિવાદનો પામેલા છે એમાં પણ એમની રાષ્ટ્રભક્તિની કવિતાની પ્રભાવકતાનો મોટો હિસ્સો રહ્યો છે.