અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દક્ષા પટેલ/એકમેકનો હાથ
એકમેકનો હાથ
દક્ષા પટેલ
એકમેકનો હાથ ઝાલી
ઊભેલી હારબંધ ટેકરીઓ સાથે
મારો હાથ મેળવી
ઝરણા જેવી પગદંડીઓ ભેળી
વહીને પહોંચી જઉં છું તળેટીના લોક સુધી.
તળેટીમાં માના પાલવ જેવા
લીલાછમ સુંવાળા ઘાસમાં
ટોળે વળીને વાતો કરતી ઝૂંપડીઓનો
આછો આછો રણકાર
ભરી લઉં છું મારી મૂંગી બંગડીઓમાં.
ઘાસમાં ઊગી નીકળેલાં
સાવ અજાણ્યાં ફૂલો
પંખીની જેમ પાંદડીઓ ફફડાવી
સુવાસના ટહુકા ફેલાવે.
એક ટહુકો
જડી દઉં છું મારા કંઠમાં.
છેક ક્ષિતિજ રેખા સુધી
વિસ્તરેલા મેદાનમાં
સ્વજન જેવાં ઊભેલાં વૃક્ષોને
હરણફાળ ભરતી નજરથી
સ્હેજ અડકી લઉં છું
અને લાંબી રાત પછી,
સૂરજ પ્રગટે એ માટે
ઠેકઠેકાણે વેરાયેલ તડકાના ટુકડાઓ
વીણીવીણી ભેગા કરું છું આંખોની છાબમાં.
એક પગદંડી
મને ઝટ ઓળખી લે છે
ને હું ચાલી નીકળી તેની આંગળી પકડીને
ક્યાં તેની ખબર નથી.
(પરબ સપ્ટેમ્બર, 2019)