રમણીક અગ્રાવતની કવિતા/સારંગી

From Ekatra Wiki
Revision as of 10:19, 18 August 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૪૩. સારંગી

વેદના ઠરી બન્યું વાદ્ય
ઠરી ચૂકેલી પીડા
ગજને ઘસરકે ઘસરકે થાય વહેતી
અર્થોનાં ગચિયાંઓને તાણી જાય
વહેતા સ્વરો

ચીમળાયેલા ગજરાના
ડમરાની ચકચૂર ગંધમાં ઘૂંટાય
મોડી રાતના ઘેનમાં અમળાતી ટિટોડીની વ્યાકુળતા

કટોકટ ખૂલી જાય લાચારીનાં બંધ તાળાં
રઘવાટનાં પશુઓને હંકારી મૂકે વિગલિત સૂરો

બારણાં પછી
બારણાં
ખૂલે નાદલોકમાં

ટીપે ટીપે ઝમતી રાતનાં મઘમઘ આનંદ-પુષ્પો.