રમણીક અગ્રાવતની કવિતા/રાત વિતાવતું ગામ - ૧

From Ekatra Wiki
Revision as of 14:01, 18 August 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૭૩. રાત વિતાવતું ગામ - ૧

ગોંદરે થાકેલી સીમ ઢગલો
પંચાયત ઑફિસમાં તાળે પુરાય માથાકૂટો
ચોરાને ઓટલે ટિચાતી વાતો
ઠરતી ઠરતી લાંબી થાય
ગાંડી સોગઠીને ય ઢબૂરી પગ વાળે ચોપાટ
વાડા, નવેળી, શેરી ચોક ઠરતાં જાય
મંદિરની ધજાને ફડાકે ફડાકે ઠેલાય ચન્દ્ર
મીંચાઈ ગયેલા આકાશને કોચે
એકલદોકલ ટિટોડી
ઓલવાય ને વળી વળીને ઝગે
શિયાળવાની લાળી

અધૂરાં મૂકેલાં ગૂંથણમાં પોરો ખાય
આંગણાં ગજવતા ઉલ્લાસ
ક્યાંક ક્યાંક કાબરચીતરાં અંધારાં ફાંદી
હડફડ નીકળી પડે રોજિંદા કંકાસનું ભગદાળું

પરસાળોમાં ઠૂંઠવાતાં સપનાં
ઘડીમાં અંદરને ઓરડે પૂગે, ઘડીક
ઓકળિયાળાં ફળીમાં, ઘડીક
ઘરવખરીમાં આઘાંપાછાં થતાં
નીકળી પડે પહર ચરાવવા હોકારા-પડકારામાં.