ગુજરાતી અંગત નિબંધો/દાદા
દાદા – ગુલામમોહમ્મદ શેખ
સપનામાં ઘણી વાર ગામ ઓઢીને સૂતેલું ઘર આવે છે. ઘણી વાર માણસના રૂપે દેખાય છે, તો કોઈક વાર પશુ જેવું. કોઈક વાર રેલાની જેમ સરકી જતું દેખાય છે. ઘરને વાસ્તવમાં જોયું નથી એટલું સ્વપ્નમાં જોઉં છું. ઘરને સપનાવીને ઘર સરજું છું. એ સર્જેલું ઘર ઘણી વાર સાચા ઘરથી વધારે આત્મીય લાગે છે. ઘરને સર્જવાની આ ક્રિયા મને અસ્તિત્વના બીજ તરફ ધકેલી જાય છે. ઘેર જતાં પિતાની કબરની મુલાકાતે જવાના આકર્ષણ પાછળ આવો કોઈ ભેદ રહ્યો હશે? કબરો ઓઢીને સૂતેલા દેહમાંથી નીકળેલા છોડ ઉપર નારંગી રંગની ફૂલ-કલગીઓને સાંજના અર્ધજ્વલિત તડકામાં ઝૂલતી જોઉં છું ત્યારે માટીમાં પ્રવેશવાની અદમ્ય અધીરતા મને ઘેરી વળે છે. સુખદુઃખ, આનંદ કે વેદનાના ચોકઠામાં બેસે નહિ તેવી લાગણીઓ માનવીય અનુભવની પરિપાટી ઓળંગી જવા ધક્કા મારે છે, ત્યારે એક શરીરમાંથી બીજા શરીરમાં – પદાર્થમાં, પ્રવેશવાની અશક્યતા પણ ઓગળી જતી દેખાય છે. માંસ-મજ્જાનાં કોતરોમાં અટવાયેલો જીવ ચામડીના દરેક દ્વારે પછાડા નાખતો સંભળાય છે. કબરના દેહને જોઈ ઈર્ષા આવે છે કારણ કે એને આવી અસ્વસ્થતા રંજાડતી નથી, છતાં અસ્તિત્વનો હુંકાર કર્યા વિના રહેવાતું નથી. કબરના દેહમાં વિશ્વને આસ્વાદની ગ્રંથિઓ નથી; અનુભવના ઘર્ષણથી ધ્રૂજવાની શક્તિ નથી. પિતાના દેહની ધૂળમાંથી લોહીનો રંગ હવે લગભગ ઊડવા આવ્યો છે. અજાણતાં જ, શરીર ધારણ કરીને ધૂળને ઉવેખ્યા બદલ ઝણઝણાટી થઈ આવે છે. મનોમન અસ્તિત્વનું બીજ નાખનાર પૂર્વજની હાંસી પણ કરી લઉં છું. માનસિક સ્પંદનો-સંવેદનોની ભૂમિ અને કબ્રસ્તાનની અધભીની, ઊંચી-નીચી, ટાઢ-તડકે પડખાં ફેરવતી ભૂમિ વચ્ચેની ભેદરેખા ભૂંસવા મથું છું ત્યાં, પિતાની કબરથી બે ડગલાં દૂર પિતામહની કબર જોતાં મન ભીની માટીમાં ખૂંચી જાય છે. દાદાને જોયા ત્યારથી જ એ ખાટલાનો ભાગ હોય એવા લાગેલા. એ ખાટલાની વળી જેવા તેમના પગ, એમની લાકડી, એમના ગળા પરની શિરાઓ અને કરચલીઓની ગૂંથણી – બધું એમના ખાટલાની જ યાદ અપાવે. દાદાના વૃદ્ધત્વની જેમ ખાટલામાં ખાડો પડેલો અને દોરીઓ તૂટેલી. આ ખાડાને ગોદડાંથી પૂરેલો, દોરીઓને શેતરંજીથી ઢાંકેલી. ધોયેલાં કપડાંમાં ઘડપણ પહેરી દાદા સૂઈ રહેતા, બેસતા અથવા લાકડીના ટેકે મોરી લગી ફરી આવતા. ઘણી વાર દાદાને ઊભા થવા ટેકો આપેલો તેનો સ્પર્શ યાદ આવતાં, કોઈ અપૂર્વ પદાર્થને ખોઈ નાખ્યાની ભ્રાન્તિ થાય છે. દાદાનો હાથ અને ખાટલાની વળી, દાદાના હાથ પરની નસો અને ચામડીની બરછટતા, ખાટલાની વળી પરથી કાથી અને વળીનું અધછોલાયેલું લાકડું, દાદાના હાથની ચામડીની પોચટતા, દાદાનાં કપડાંમાં અદૃશ્ય થઈ જતું શરીર. દાદા નાની એવી ઓરડીમાં જીવંત શિલ્પની જેમ, આજુબાજુના અવકાશને થથરાવતા બેસતા. ખાટલો, કાથી, ચામડી, પોચું માંસ, શિલ્પ જેવી સ્થિરતા – આટલું ગણતાંગણતાં મન થાકીને બેસી જાય છે, હાંફી પડે છે. અસ્તિત્વના બીજનો અણસાર મને અહીં જડતો નથી. દાદાના અસ્તિત્વની રુક્ષતા, એ બીજ એમના અસ્તિત્વના કયા ખૂણે છુપાયું છે તે જણાવા દેતી નથી. કદાચ એટલે ઊંડે ઊતરવા માતા-પિતાની મદદ જોઈશે એમ માની પાછો ફરું છું. દાદાનું મૃત્યુ થયું ત્યારે પણ આમ જ અસ્તિત્વના ઉમ્બરેથી પાછો ફર્યો હોઈશ. દાદાનું મૃત્યુ થતાં મેં જોયું નથી. શિલ્પને મરતાં જોવું કદાચ જિરવાયું ન હોત. દાદાના અસ્તિત્વની ઉચ્છ્વસિત ઓરડીમાં મારા બાળપણના ફણગા ફૂટ્યા. એમના અદૃશ્ય થવાની સાથે મારું મન શબ્દોને કાચા ફળની જેમ ચાવતુંચાવતું ઊછર્યું. કબ્રસ્તાનમાં વૃક્ષોની ઘટા નથી. છોડમાં મોટે ભાગે થોર અને સરગવા. વૃક્ષોની ડાળીઓમાં શિરાઓ જેવું સૌષ્ઠવ છે. પાંદડાં છૂટાંછવાયાં ખખડે છે તેમાં સૂરજ અને આકાશ કટકેકટકે વેરાય છે. વૃક્ષોની મસ્તકરેખા ગુચ્છાદાર અને લાલાશ પડતી છે અને તે સાંજના તડકામાં હળવેહળવે ડોલે છે. આ ડોલનથી મોહિત થયેલું મન વર્તમાન સ્થળ-કાળના વાઘા ઉતારી નાસવા ઊડુંઊડું થઈ રહે છે.
[‘ઘેર જતાં’, ૨૦૧૮]