પન્ના નાયકની કવિતા/અકળ ગતિ

From Ekatra Wiki
Revision as of 03:04, 22 August 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૩. અકળ ગતિ

મને ગમતી નથી
સભર વહેતી નદી
બારે માસ બે કાંઠા ભરી.

મને ગમે નદી
જેની અકળ ગતિ.

પારંપરિક કવિતાની જેમ
કદીક નિયત માર્ગે વહી
સલામતી આપતી અવલંબિત જીવોને.
કદીક બનતી ક્રાંતિકારી
માઝા મૂકી
વેરાનખેરાન કરતી આસપાસના પ્રદેશને
કદીક સૂકી રહેતી
ભરભર વર્ષાની ઝડીથી
પાતાળને પાઈ દઈ સકળ પાણી—

ત્યાં દૂર દૂર
સાગરની ખારી તરસોને ઘૂઘવતી રાખી
નદી તો નિજમાં વહ્યા કરે તલ્લીન.