પન્ના નાયકની કવિતા/કોણ કહે છે?
મેં વર્ષોથી ભારત છોડી દીધું છે.
ન્યૂયોર્કના
શીતલ ઍરપોર્ટ પર
પરદેશી પોશાકમાં
કોઈનું ધ્યાન ન દોરી શકતી હું
મસાલાને બદલે
લીંબુના રસવાળી ચ્હાની મઝા
માણી શકું છું.
મારા પાસપોર્ટના ભારતીય ચહેરા પર
અમેરિકન આંગળાંઓ
અને અમેરિકન સિક્કાઓની છાપ
ક્યારની પડી ચૂકી છે.
તું હવે આવવો જ જોઈએ-ના
ખ્યાલમાં
‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ ઉથલાવું છું.
ટેવ મુજબ
નજર ખોડાઈ જાય છે
ભારતીય સમાચારને પાને...
આંખો અહેવાલ વાંચે છે ત્યારે
મન
મુગ્ધા બનીને
અંધેરીના પરિચિત ઘરમાં વિહરી આવે છે.
અને પછી
અમેરિકાના
અને બીજા આંતરરાષ્ટ્રીય સમાચારમાંય જાણે
શોધું છું કેવળ ભારતને...
કોણે કહે છે
મેં વર્ષોથી ભારત છોડી દીધું છે?
૧૬. શોધું છું
હું
નાની હતી ત્યારે
મારાં બા
મારા વાળ ઓળતાં.
હાથમાં અરીસો આપીને
એમની આગળ પલાંઠી વળાવીને બેસાડતાં.
છુટ્ટા વાળમાં
એ ઘસી ઘસીને
ઘેર બનાવેલું બ્રાહ્મીનું તેલ નાખતાં.
કાંસકાથી ગૂંચ કાઢી
વિરાટ વનની પગથી જેવી
સેંથી પાડતાં
ને
પછી
લાંબા કાળા ભમ્મરિયા વાળને
બે લટોમાં ગૂંથી લઈ
રંગીન રીબન
કે
ચાંદીનાં ઘુઘરિયાળાં ફૂમતાંથી શોભાવતાં.
વાળ ઓળાઈ જાય
એટલે
મને એમની સામે બેસાડતાં
ને
તપાસતાં
કે
વાળ બરાબર ઓળાયા છે કે નહીં!
મને પૂછતાં :
‘ગમ્યા ને?’
હું મરક મરક હસતી.
કેટલીય વાર
વહાલના આવેશમાં આવી જઈ
સરસ ઓળેલા વાળમાં
એમનો હાથ ફેરવી ફેરવી
એને અસ્તવ્યસ્ત કરી દેતાં.
હું
થોડો ખોટો
થોડો સાચો
ગુસ્સો કરતી.
આજે
મારા વાળ સાવ ટૂંકા છે
તેલ વિનાના સૂકા, બરછટ છે,
ઓળ્યા વિનાના અસ્તવ્યસ્ત ઊડે છે.
નપુંસક ગુસ્સાથી પીડાતી હું
શોધું છું
બા...
બાનો હાથ...