ભારતીય કાવ્યસિદ્ધાંત/કાવ્યલક્ષણ : તુલનાત્મક ચર્ચા

From Ekatra Wiki
Revision as of 02:34, 1 September 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કાવ્યલક્ષણ : તુલનાત્મક ચર્ચા :|}} {{Poem2Open}} ‘क्षणे क्षणे यन्नवतामुपैति तदेव रूपं रमणीयतायाः ।’ એ ન્યાયે કવિતાનું સ્વરૂપ જ એવું છે કે કવિએ કવિએ, કૃતિએ કૃતિએ એ નવાં રૂપ ધારણ કરે. કવિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કાવ્યલક્ષણ : તુલનાત્મક ચર્ચા :

‘क्षणे क्षणे यन्नवतामुपैति तदेव रूपं रमणीयतायाः ।’ એ ન્યાયે કવિતાનું સ્વરૂપ જ એવું છે કે કવિએ કવિએ, કૃતિએ કૃતિએ એ નવાં રૂપ ધારણ કરે. કવિતામાં શબ્દ, અર્થ, લય, ચિત્ર, ભાવ, વિચાર આદિ એટલાં બધાં તત્ત્વોને અવકાશ છે કે એકનું એક કાવ્ય અનેક વ્યક્તિઓને જુદા જુદા રૂપે આકર્ષે છે. આથી જ તો કાવ્યની વ્યાખ્યા ઘણી વાર અંગત રુચિનું આવેદનમાત્ર બની જાય છે. કાવ્યની વ્યાખ્યા બાંધવામાં એક બીજી પણ મુશ્કેલી છે. કાવ્ય એટલે કાવ્યસામાન્ય કે આદર્શ કાવ્ય—મહાન કાવ્ય? કાવ્યના સામાન્ય સ્વરૂપની વ્યાખ્યા કરવાથી કાવ્યપ્રવૃત્તિ સસ્તી થઈ જવાનો સંભવ છે, તો કાવ્યના પરિપૂર્ણ સ્વરૂપની વ્યાખ્યા કરવા જતાં ઘણાં કાવ્યો અકાવ્ય ગણાઈ જવાનો સંભવ છે. છતાં કવિઓ અને વિવેચકો પોતાની રુચિ અને દૃષ્ટિ મુજબ કાવ્યની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કરવાના. આપણે ત્યાં તેમજ પશ્ચિમમાં આવા પ્રયત્નો થયા છે અને તેમાં ઠીક ઠીક દૃષ્ટિભેદ જોવા મળે છે. આ દૃષ્ટિભેદોનું મૂળ જે કાવ્યસ્વરૂપમાં રહેલું છે તેને કવિ-વિવેચકોએ આપેલી વ્યાખ્યાઓને આધારે, કંઈક વ્યાપકપણે, સમજવાની કોશિશ કરીએ. કાવ્યને જોવાની મુખ્યત્વે ત્રણ દૃષ્ટિ છે : એક તો એનું ઉપાદાન શું છે એ દૃષ્ટિએ એનો વિચાર કરી શકાય. બીજું, એમાં કવિવ્યાપાર કઈ જાતનો પ્રવર્તે છે એ રીતે પણ એને નિહાળી શકાય. અને ત્રીજું, એનું સ્વરૂપ, કેવળ સ્વરૂપ, અંતિમ પરિણામ શું હોય છે એ પણ એક દૃષ્ટિકોણ હોઈ શકે. અત્રત્ય અને પાશ્ચાત્ય વિવેચકોની કાવ્યની વ્યાખ્યાઓ જોતાં આ ત્રણમાંથી કોઈ પણ એક કે એથી વિશેષ દૃષ્ટિકોણ તેમણે રાખેલ જણાય છે. કાવ્યના ઉપાદાનનું સ્વરૂપ દ્વિવિધ છે: સ્થૂલ અને સૂક્ષ્મ કે બાહ્ય અને આંતરિક. એનું સ્થૂલ કે બાહ્ય ઉપાદાન છે શબ્દ— અર્થમય શબ્દ. પણ કાવ્યમાં સૂક્ષ્મ ઉપાદાન અભિવ્યક્ત થાય છે આ સ્થૂલ ઉપાદાન દ્વારા. એ બંને વચ્ચે એટલો સંવાદ, એટલો અભેદ જરૂરી છે કે વિશિષ્ટ શબ્દસિદ્ધિ કવિની એક અનિવાર્ય સાધના બની રહે છે. કવિતાના માધ્યમરૂપ શબ્દ તો પસંદ કરેલો, વ્યવહાર કરતાં કંઈક જુદું જ રૂપ પામેલો – અભિપ્રેત અર્થને મૂર્ત કરવા જ નિર્માયેલો શબ્દ છે. ‘इष्टार्थव्यवच्छिन्ना पदावली’ને અને ‘रमणीयार्थप्रतिपादकः शब्दः’ને કવિતા કહેનાર અનુક્રમે દંડી અને જગન્નાથે આ શબ્દમાહાત્મ્ય યોગ્ય રીતે પિછાન્યું છે. પાશ્ચાત્ય કવિ-વિવેચક કોલરિજ પણ ‘Poetry is best words in the best order” કહીને કાવ્યના આ બાહ્ય ઉપાદાનની જ વાત કરે છે. આધુનિક પાશ્ચાત્ય વિવેચક સી. ડી. લુઈ જેવા પણ કાવ્યના ‘શબ્દ’ પર અત્યંત ભાર મૂકે છે. છતાં કાવ્યનું આ બાહ્ય ઉપાદાન એટલું સ્વાભાવિક છે કે ઘણા વિવેચકો વ્યાખ્યામાં એનો ઉલ્લેખ પણ કરતા નથી. દૃષ્ટિભેદ કે મતભેદ જોવા મળે છે તે તો કાવ્યના આંતરિક ઉપાદાન પરત્વે. સામાન્ય રીતે કાવ્યના ઉપાદાન તરીકે સમગ્ર ચરાચર વિશ્વ, માનવ, માનવની વિવિધ ભાવનાઓ, ઊર્મિઓ, વિચારો, તરંગો, વગેરેને ગણાવી. શકાય. માનવજીવનના કેવળ પ્રત્યક્ષ નહિ, પણ અચાક્ષુષ—અરે, અતીન્દ્રિય અનુભવોમાં પણ જે કંઈ આવી શકે તે કાવ્યનું ઉપાદાન થવાને પાત્ર છે. એરિસ્ટોટલે કવિતાને ચરિત્ર, ભાવ અને ક્રિયાનું અનુકરણ કહી, એ જીવનતત્ત્વોને કાવ્યની આંતરિક સામગ્રી તરીકેનું સ્થાન આપ્યું. કોલરિજની વ્યાખ્યા પણ માનવજીવનનાં ભિન્ન ભિન્ન પાસાંઓનો કાવ્યના ઉપાદાન તરીકે સ્વીકાર કરે છે : ‘Poetry is the blossom and fragrance of all human knowledge, human thoughts, human passions, emotions, language.’ વર્ડ્ઝવર્થે પણ કવિતાને ‘the breath and finer spirit of all knowledge’ કહી જ્ઞાનસમસ્તને કાવ્યવિષય માન્યું, તો મૅથ્યુ આર્નોલ્ડ જેવાએ ‘Poetry is at bottom a criticism of life.’ એવી વ્યાખ્યા આપી કાવ્યના મહત્ત્વના ઉપાદાન તરીકે જીવનની પ્રતિષ્ઠા કરી. પણ કેટલીક વાર કાવ્યના ઉપાદાનના ક્ષેત્રને સંકુચિત કરવાનું વલણ પણ જોવા મળે છે. વર્ડ્ઝવર્થે જ એક વાર કવિતાને ‘spontaneous overflow of powerful feelings’ રૂપે વર્ણવી, કવિતામાં જાણે ઊર્મિઓનું જ નિરૂપણ થવું જોઈએ એવો ભ્રમ ઊભો કર્યો. અને આપણે ત્યાં સર રમણભાઈ નીલકંઠ જેવા એ પ્રવાહમાં તણાયા. તો ‘Poetry is musical thought’ એમ કહીને કાર્લાઈલે કાવ્યનું ક્ષેત્ર વિચાર- અલબત્ત, સંગીતમય વિચાર—પૂરતું મર્યાદિત કર્યું. આપણે ત્યાં પ્રો. બ.ક. ઠાકોરે વિચારપ્રધાન કવિતાનો વાદ પ્રચલિત કર્યો, પણ એમનેય ઊર્મિમત્ વિચાર જ અભિપ્રેત હતો. શ્રી. રામનારાયણ પાઠક આ બંને મતોનો સમન્વય કરે છે અને કાવ્યના ઉપાદાન તરીકે લાગણીમય વિચાર અથવા વિચારનિષ્ટ લાગણીને ગણાવે છે.૧ [1] આમ તો લાગણી અને વિચાર બંને માનવજીવનના એટલા વ્યાપક અંશા છે કે એને કાવ્યનાં ઉપાદાન ગણવાથી કાવ્યનું ક્ષેત્ર સંકુચિત થતું નથી. લાગણી એ માનવનો પ્રાણી તરીકેનો ધર્મ છે, તો વિચાર એને બીજાં પ્રાણીઓ કરતાં ઉચ્ચતર ઠરાવતો વિશિષ્ટ ધર્મ છે. માનવની કોઈ પણ વૃત્તિ કે પ્રવૃત્તિ લાગણી કે વિચારથી મુક્ત ન હોઈ શકે. માનવેતર જગત પણ જ્યારે કાવ્યનું વાસ્તવિક ઉપાદાન હોય, ત્યારેય માનવલાગણી કે વિચારથી એ કેવળ અસ્પૃષ્ટ નથી હોતું. ભારતીય કાવ્યશાસ્ત્રીઓએ કાવ્યના ઉપાદાનનો સીધો વિચાર કર્યો નથી, પણ એમણે કવિને માટે જીવનનો અને માનવવ્યવહારનો અનુભવ એટલો બધો જરૂરી ગણ્યો છે કે એમને મન જગત અને જીવન કાવ્યનાં ઉપાદાન હશે એમ માનવામાં કશી હરકત નથી. છતાં માનવભાવોનાં નિરીક્ષણ, વિશ્લેષણ અને નિરૂપણમાં એમને વધારે રસ હશે એમ ‘રસ’ને એમણે આપેલા મહત્ત્વ પરથી સમજાય છે. પણ ભારતીય રસદૃષ્ટિ વ્યાપક છે. તે પ્રકૃતિવર્ણનમાં પણ રસ જોઈ શકે છે, તે એ રીતે કે એમાં ‘ભાવ’ ન હોવા છતાં એ ‘ભાવ’ જાગ્રત કરે છે. કાવ્યના ઉપાદાનનો પ્રશ્ન ખરી રીતે વિવાદાસ્પદ ન હોવો જોઈએ. આપણી પોતાની રુચિ માનવભાવોના નિરૂપણ તરફ હોય તોયે એથી કાવ્યજગતને મર્યાદિત કરવાનો આપણને કશો અધિકાર નથી. ઊર્મિ અને વિચાર વ્યાપક અંશો હોવા છતાં ઊર્મિકવિતા તે જ સાચી કવિતા કે વિચારપ્રધાન કવિતા એ જ સાચી કવિતા એવા આગ્રહ ઈષ્ટ નથી. કાવ્યનું પ્રયોજન ઉપદેશનું હોવું જોઈએ કે નહિ એ ચર્ચા અહીં પ્રસ્તુત નથી, પણ કાવ્યક્ષેત્રમાંથી ઉપાદાન તરીકે ઉપદેશનેય બહિષ્કૃત ન કરી શકાય. પ્રો. ઠાકોર કહે છે તેમ ‘સુબાધક કવિતા ઊર્મિકાવ્ય (Lyric) પણ હોઈ શકે……લાગણીઓના આવેગ સાથેનો બોધ સ્પષ્ટ ઉચ્ચારેલો હો, ધ્વનિત જ હો, એવી કૃતિ ઊર્મિપ્રધાને છે, સુબેધકે છે....’૨[2] તો પછી પ્રો. એબરક્રોમ્બીની જેમ આપણે કહી શકીએ કે જીવનનો કોઈ પણ અનુભવ કાવ્યવિષય બની શકે છે.૨[3] અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થાય. કાવ્યમાં વિષય તરીકે જીવનનો કોઈ પણ અનુભવ આવી શકે, તો પછી વ્યવહારમાં જે અનુભવ આસ્વાદ્ય નથી બનતો તે કવિતામાં કેમ બને છે? આનો જવાબ કાવ્યસર્જનમાં પ્રવર્તતા કવિચિત્તના વ્યાપારમાં રહેલો છે. કાવ્યનો વિષય જીવનનો કોઈ પણ પ્રકારનો અનુભવ હોય, પણ એ એક રીતે વિશિષ્ટ હોય છે. એ અનુભવ કવિના ચિત્તતંત્રમાં સંવેદન જગાડે એવો, પ્રેરણારૂપ બની જાય એવો ઉત્કટ હોય છે. મિડલટન મરી કહે છે તેમ એ અનુભવની આસપાસ ‘emotional field’–ભાવક્ષેત્ર ઊભું થતું હોય છે. આ કારણે જ કવિનો અનુભવ આપણા હૃદયને સ્પર્શી જાય છે. અહીં એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે કાવ્યનું ઉપાદાન ઊર્મિ હોવી જોઈએ એમ કહેવું અને કાવ્યમાં પ્રવર્તતો કવિવ્યાપાર ઊર્મિનો હોય છે એમ કહેવું એ બન્ને વસ્તુ જુદી છે. આથી જ પ્રો. એલેકઝાંડર કહે છે : ‘Doubtless the artistic temperament is specially emotional, but...the subject of the artist is not confined to emotional states but plays over all experience.’ વર્ડ્ઝવર્થે કાવ્યના ઉપાદાન તરીકે તો ઊર્મિની સાથે ‘all knowledge’ને પણ ગણાવેલ. પરંતુ કવિવ્યાપાર પરત્વે તો એ ‘impassioned expression’ – ઊર્મિમય અભિવ્યક્તિ - પર જ ભાર મૂકે છે. આપણે ત્યાં સર રમણભાઈએ વર્ડ્ઝવર્થને અનુસરી અંત:ક્ષોભને કવિતાની મૂળ પ્રેરણા ગણી, સ્વાનુભવરસિક કવિતાને સર્વોત્તમ સ્થાન આપ્યું. પણ આ મતની થોડી મર્યાદા સમજી લેવી જોઈએ. વર્ડ્ઝવર્થની ‘Poetry takes its origin from emotion recollected in tranquility.’ એ વ્યાખ્યામાં એક રીતે એની મર્યાદા દોરાયેલી જોઈ શકાય. એક તો એ કે કવિનો ઊર્મિવ્યાપાર પ્રવર્તે છે તે કાવ્યની ઉત્પત્તિ (origin) પૂરતો. એટલે કે સમગ્ર કાવ્યની રચના હમેશાં કેવળ ઊર્મિવ્યાપારથી થવી જોઈએ એમ ન કહી શકાય. આચાર્ય આનંદશંકર ધ્રુવે ઉચિત રીતે આવા ભ્રમનું નિરસન કર્યું છે અને કાવ્યના છંદોવિધાન આદિ વ્યાપારોમાં કે મહાકાવ્યોની રચનામાં બુદ્ધિવ્યાપાર પણ રહેલો છે એ બતાવ્યું છે. અલબત્ત, આ બુદ્ધિવ્યાપાર શુષ્ક અને કેવળ (abstract) બુદ્ધિનો વ્યાપાર નથી.૧[4] સર રમણભાઈ પણ કવિતામાં બુદ્ધિવ્યાપારનો સદંતર નિષેધ કરે છે એવું નથી. તેઓ તો એટલું જ કહે છે કે ‘બુદ્ધિવિષયક વ્યાપાર જોડે કવિત્વશક્તિને (ઉત્પત્તિ વિચારતાં) સંબંધ નથી.’૨[5] વળી ‘કલાવિધાન વિના મૂર્ત રૂપ ઘડી શકાતાં નથી અને આકૃતિની સુન્દરતા આવી શકતી નથી’૩[6] એવાં સર રમણભાઈનાં વિધાનમાં સૂક્ષ્મ બુદ્ધિવ્યાપારનો સ્વીકાર પણ જોઈ શકાય. વર્ડ્ઝવર્થે ઊર્મિમાંથી કાવ્યોદ્ભવ માન્યો, પણ એ ઊર્મિ ‘recollected in tranquility’ હોવી જોઈએ. અને પ્રો. એલેકઝાંડર કહે છે તેમ એ દરમિયાન ‘it loses its sting.’ આમ, કવિતાની ઉત્પત્તિ અંત:ક્ષોભમાંથી થતી હોવા છતાં એની રચના તો એક પ્રકારની સ્વસ્થતા માગે જ છે. કાવ્યના સર્જનમાં જે બુદ્ધિવ્યાપાર પ્રવર્તે છે તેને આચાર્ય આનંદશંકર ધ્રુવ કલ્પનાવ્યાપાર(imagination)ની કોટિનો ગણે છે. એટલે હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે કાવ્યસર્જનમાં કવિનો વ્યાપાર જીવનના અનુભવને યથાતથ નિરૂપવાનો–અનુકરણનો – છે કે કશુંક નવનિર્માણ કરવાનો–કલ્પનાથી પ્રવૃત્ત થવાનો છે? એરિસ્ટોટલે કવિતાને ‘અનુકરણ’ કહેલી. પણ એ દ્વારા એમને કવિતાએ જીવનની કેવળ છબી પાડવી જોઈએ એવો અર્થ અભિપ્રેત નહોતો એ સ્પષ્ટ છે. શેલી કવિતાને ‘expression of imagination’ કહે છે, તો રસ્કિન ‘Poetry is suggestion by imagination’ એવી વ્યાખ્યા આપે છે, તેમાં કલ્પનાવ્યાપારનો પુરસ્કાર છે. પણ અનુકરણ અને કલ્પના વચ્ચે વિરોધ જોવાની જરૂર નથી. સર રમણભાઈ કહે છે તેમ કવિ કલ્પના કરે છે, પણ તે અનુકરણ કરીને; કારણ કે એનું ઉપાદાન જ જીવન કે જગત છે. ભારતીય આલંકારિકોએ ‘लोकशास्त्रकाव्याद्यवेक्षणात्’ નિપુણતા પ્રાપ્ત થાય છે એમ કહ્યું તેમાં કવિના અનુકરણવ્યાપારનું સૂચન જોઈ શકાય. પણ કલ્પનાને તો તેમણે કવિપ્રતિભાને ‘प्रज्ञा नवनवोन्मेषशालिनी’કહીને કાવ્યમાં ઘણું મહત્ત્વનું સ્થાન આપ્યું છે. ‘વક્રોક્તિ’ને કાવ્યનું પ્રાણભૂત તત્ત્વ લેખનાર કુન્તકે તો સ્પષ્ટ રીતે કલ્પનાવ્યાપારનું ગૌરવ કર્યું છે. મમ્મટે પણ કવિની સૃષ્ટિને બ્રહ્માની સૃષ્ટિ કરતાં અનેક રીતે વિલક્ષણ કહી કવિની કલ્પકતાને અનુપમ અર્ઘ્ય આપ્યો છે. કાવ્યસર્જનમાં જે તટસ્થતાની જરૂર છે તે સૂક્ષ્મ પ્રકારના બુદ્ધિવ્યાપારથી કે કલ્પનાવ્યાપારથી જ સધાય છે. એમ બને ત્યારે કવિનો વ્યક્તિગત અનુભવ બધાને આનંદદાયક બની શકે. આથી, પ્રો. એબરક્રોમ્બી કહે છે કે કાવ્યવિષય બનેલા અનુભવને કવિએ જીવનના પ્રવાહમાંથી જુદો પાડી તટસ્થભાવે કલ્પનામાં પણ અનુભવેલો હોવો જોઈએ.૧[7] કાવ્યની ઉત્તમોત્તમ ભાવના સિદ્ધ કરતા કાવ્યમાં પ્રવર્તતતા કવિવ્યાપાર વિશેનું વ્યાપક, ઉદાર અને સાચું મંતવ્ય આચાર્ય આનંદશંકર ધ્રુવનું છે. કાવ્યમાં ઊર્મિના ઉછાળાને એમણે અનિવાર્ય ગણ્યો, છતાં મહાન કવિતાને તો આત્માની કલા કહી. એટલે કે એ કવિતા મનુષ્યનાં બુદ્ધિ (intellectual), હૃદય (emotional), કૃતિ (moral) અને અંતરાત્મા એટલે કે ધાર્મિકતા (religious-spiritual)ના ફળરૂપ હોય છે અને આત્માની એ બધી જરૂરીયાતોને સંતોષે એવી હોય છે.૨[8] પાશ્ચાત્ય વિવેચકોમાં કોલરિજ અને હેઝલિટ પણ આ જ જાતનું વલણ બતાવે છે. કોલરિજ કવિતામાં પ્રવર્તતા વ્યાપારને ‘કલ્પના’ નામ આપે છે, તેથી સાચી કલ્પનામાં એ આત્માના બધા વ્યાપારો બુદ્ધિશક્તિ, સંકલ્પશક્તિ, ગ્રહણશક્તિ, ઊર્મિશક્તિ – નો સમાવેશ કરે છે. કવિતા રચવી એટલે સમગ્ર જીવન ઉપર સમગ્ર આત્માનો પ્રકાશ નાખવો. (to project the whole of himself upon the whole of life.) હેઝલિટ તો કવિવ્યાપારનું સ્પષ્ટ વિવરણ કરે છે : ‘Impassioned poetry is an emanation of the moral and intellectual part of our nature, as well as of the sensitive – of the desire to know, the will to act, and the power to feel, and ought to appeal to the different parts of our constitution, in order to be perfect.’ પણ આ બધી આળપંપાળ કે વાદાવાદની ભાંજગડમાં પડ્યા વિના કાવ્યસ્વરૂપ ન સમજી શકાય? કાવ્યનું ઉપાદાન ગમે તે હો, એમાં કવિવ્યાપાર ગમે તે પ્રવૃત્ત થતો હો; જે પરિણામ નીપજ્યું તે કેવું છે, એ જ કાવ્યરસિકને માટે મહત્ત્વની વસ્તુ છે. કાવ્યશાસ્ત્રનો અભ્યાસી એ હોય કે ન હોય, પણ કાવ્ય નામે કશુંક સૌંદર્યમય, રમણીય, તલ્લીનતા પ્રેરે એવું સર્જાયું છે કે નહિ એ જ કસોટીએ ઘણી વાર તો કાવ્યને એ કસતો હોય છે. ‘वाक्यं रसात्मकं काव्यम्’ એવી વ્યાખ્યામાં શાસ્ત્રીય રૂપે કાવ્યની આ જ કસોટી મુકાયેલી કહી શકાય, અને જગન્નાથની કાવ્યની વ્યાખ્યા — ‘रमणीयार्थप्रतिपादकः शब्दः काव्यम्’ તો કાવ્યના આ ગુણ ઉપર જ ભાર મૂકે છે. કોલરિજ જ્યારે કવિતાના પરિણામ તરીકે ‘the excitement of emotion for the purpose of immediate pleasure through the medium of beauty’ ને ગણે છે, ત્યારે કવિતાના સૌંદર્યમયતાના અને આનંદપ્રદતાના ગુણને જ અનુલક્ષે છે. ‘Nothing is poetry unless it transports’ એમ કહેનારે તો એ ગુણને જ કાવ્યના અવિનાભાવી તત્ત્વ તરીકે પ્રતિષ્ઠા આપી છે. કવિતાસામાન્યને માપવા માટે આનંદપ્રદતાનું આ ધોરણ વધારે ઉચિત છે. તેથી આ બધી ચર્ચાને અંતે એમ કહેવાનું મન થાય છે કે બધી કવિતા ‘रमणीयार्थप्रतिपादकः शब्दः’થી માંડીને ‘આત્માની અમર કલા’ સુધીની કોઈ કક્ષામાં હોય છે. (૨૩)


  1. ૧. ‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણે’ : પૃ. ૧૧૦
  2. ૧. ‘પારિજાત’નો પ્રવેશક : પૃ. ૧૯
  3. ૨. ‘Principles of Literary Criticism’ : પૃ. ૩૦-૩૧
  4. ૧. ‘કાવ્યતત્ત્વવિચાર’ : પૃ. ૧૪૩
  5. ૨. ‘કવિતા અને સાહિત્ય’ : ગ્રન્થ ૧લો : પૃ. ૫૧ (મોટા ટાઈપ અમે કરેલા છે.)
  6. ૩. ‘કવિતા અને સાહિત્ય’ : ગ્રન્થ ૧ લો : પૃ.. ૨૭૫
  7. ૧. ‘Principles of Literary Criticism’ : પૃ.૩૫-૩૬
  8. ૨. ‘કાવ્યતત્ત્વવિચાર’ : પૃ.૫-૮