ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી

From Ekatra Wiki
Revision as of 11:45, 8 September 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ગૌરીશંકર ગોવરધનરામ જોશી.

એઓ કાઠિયાવાડમાં આવેલા ગોંડલ ગામના વતની અને જાતે બાજ ખેડાવાળ બ્રાહ્મણ છે. એમના પિતાનું નામ ગોવરધનરામ જીવરામ જોશી અને માતાનું નામ ગંગા બ્હેન છે. એમનો જન્મ તા. ૧૨મી ડિસેમ્બર ૧૮૯૨માં ગોંડલ પાસે વીરપુરમાં થયો હતો.

એમણે પ્રાથમિક શિક્ષણ સાત ધોરણ સુધી લીધેલું. પછી હાઇસ્કુલમાંથી સન ૧૯૧૪–૧૫મા મેટ્રીક થયલા. ત્યાર બાદ જૂનાગઢ કૉલેજમાં જોડાયેલા અને સન ૧૯૨૦માં બી. એ,ની પરીક્ષા સાહિત્ય ઐચ્છિક વિષય લઈને પસાર કરી હતી.

એઓ અત્યારે શિક્ષક છે. એમના પ્રિય વિષયો સાહિત્ય અને ઇતિહાસ છે.

ગુજરાતી સાહિત્યમાં ટુંકી વાર્તાનું સાહિત્ય છેલ્લાં વીસ પચીસ વર્ષથી ખેડાવા માંડ્યું છે, અને તેમાંના શરૂઆતના ઘણાખરા પ્રયત્નો અન્ય ભાષાઓમાંથી અનુવાદ માત્ર હતા. સ્વતંત્ર કૃતિઓ ગણીગાંઠી નજરે પડતી. પણ એ શાખામાં–દિશામાં–કોઈએ નવી ભાત અને પ્રતિભા પાડી હોય; અને એક કુશળ અને સ્વતંત્ર લેખક તરીકે નામના મેળવી હોય તો તેનું માન પ્રથમ, જેઓ ‘ધુમકેતુ’ના ઉપનામથી ટુંકી વાર્તાઓ લખે છે, તેમને ઘટે છે. ‘રાજમુગટ’, ‘પૃથ્વીશ’ વગેરે લાંબી અને રાજકીય નવલકથાઓ એમણે લખેલી છે; પણ તેની વસ્તુસંકલના જોઈએ તેવી સફળ થયેલી જણાતી નથી તેમ તેના પાત્રો પણ આકર્ષક નિવડે એટલાં વિકસેલાં જણાતાં નથી. પરંતુ એમની ખરી મહત્તા ઉપર જણાવ્યું તેમ એક ટુંકી વાર્તાના લેખક તરીકે વધુ છે; અને ગુજરાતી સાહિત્યમાં એમનું ‘તણખા’નું પુસ્તક કાયમનું સ્થાન લેશે. આ ઉપરાંત એમણે એકાંકી તેમ ભજવી શકાય એવાં બાળનાટકો પણ લખેલાં છે. નવા સાહિત્યકારોમાં તેઓ આગળ પડતું સ્થાન લે છે; અને એમના તરફથી હજુ વિશેષ મૂલ્યવાન અને તેજસ્વી સાહિત્યકૃતિઓ આપણને મળતી રહેશે, એવી માન્યતા છે.

એમના ગ્રંથોની યાદી:

રાજમુગટ સન ૧૯૨૪
પૃથ્વીશ સન ૧૯૨૫
તણખા સન ૧૯૨૬
તણખા–મંડળ બીજું સન ૧૯૨૮
પડઘા સન ૧૯૨૮