ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/જ્યોતિન્દ્ર હરિહરશંકર દવે

From Ekatra Wiki
Revision as of 02:36, 9 September 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


જ્યોતીન્દ્ર હરિહરશંકર દવે.

એઓ જ્ઞાતિએ વડનગરા નાગર બ્રાહ્મણ અને સુરતના વતની છે. એમને જન્મ સન ૧૯૦૧ના ઑકટોબરમાં સુરતમાં થયો હતો. એમના પિતાનું નામ હરિહરશંકર ભાનુશંકર દવે અને માતાનું નામ ધનવિદ્યાગૌરી છે. મેટ્રીક્યુલેશનની પરીક્ષા સન ૧૯૧૯માં પાસ કર્યા પછી તેઓ સુરતની એમ. ટી. બી. આર્ટસ કૉલેજમાં જોડાયેલા અને સન ૧૯૨૩માં બી. એ.ની પરીક્ષા બીજા વર્ગમાં સંસ્કૃત અને ગુજરાતી ઐચ્છિક વિષય લઈને પાસ કરી હતી. ત્યાર બાદ સુરત કૉલેજમાં એઓ એક વર્ષ માટે ફેલો નીમાયા હતા. એમ. એ. સન ૧૯૨૫માં સંસ્કૃત અને ગુજરાતી ઐચ્છિક વિષય લઈને થયા હતા.

અભ્યાસ પૂરો કર્યા પછી સન ૧૯૨૧થી વર્તમાનપત્રો અને માસિકોમાં લેખો લખવાનું તેમણે શરૂ કર્યું. એમનો પ્રથમ લેખ “લોટરીનું પરિણામ” નામક “સુરત કૉલેજ મેગેઝિન”માં છપાયો હતો. એમના પ્રકીર્ણ લેખો સારી સંખ્યામાં મળી આવશે. તેમણે ‘વિષપાન’ નામક નાટક પણ લખેલું છે. Benjamin Kiddના Social Evolution નામક પુસ્તકનો અનુવાદ (સામાજિક ઉત્ક્રાન્તિ) એમની તથા રા. પ્રસન્નવદન દીક્ષિત પાસે તૈયાર કરાવી વડોદરા સરકારની ભાષાંતર કચેરીએ ઈ. સ. ૧૯૩૦માં પ્રસિદ્ધ કર્યો છે.

અત્યારે તેઓ સાહિત્ય સંસદ્ તરફથી યોજાયલો ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ તૈયાર કરી રહ્યા છે તેમજ જાણીતા “ગુજરાત” માસિકના ઉપતંત્રી હોઈ, તે કાર્ય પાછળ પોતાનો સમય આપે છે.

હળવા–light–સાહિત્યમાં એક પ્રકારની શિષ્ટતા તેમજ વિનોદ આણવાનાં એમના પ્રયત્નો સ્તુત્ય છે.

છેલ્લાં ત્રણ વર્ષથી તેઓ મેટ્રીક્યુલેશનની પરીક્ષામાં ગુજરાતીના પરીક્ષક નિમાય છે.

એમના પ્રિય અભ્યાસનો વિષય સાહિત્ય છે.


એમનો ગ્રંથઃ

સામાજિક ઉત્ક્રાન્તિ સન ૧૯૩૦