ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી

From Ekatra Wiki
Revision as of 03:41, 9 September 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી|–બારિસ્ટર ઍટ–લો}} {{Poem2Open}} જાતે વિસનગરા નાગર બ્રાહ્મણ છે. જન્મ ઇ. સ. ૧૮૫૭માં ૧૧મી ઓકટોબરના રોજ સુરતમાં થયો હતો. મૂળ વતની કપડવણજના પણ એમના દાદાના પ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી

–બારિસ્ટર ઍટ–લો

જાતે વિસનગરા નાગર બ્રાહ્મણ છે. જન્મ ઇ. સ. ૧૮૫૭માં ૧૧મી ઓકટોબરના રોજ સુરતમાં થયો હતો. મૂળ વતની કપડવણજના પણ એમના દાદાના પિતા અમદાવાદમાં આવી રહેલા. એમણે મેટ્રિકની પરીક્ષા પસાર કરેલી અને પછીથી પુનાની સાયન્સ કૉલેજમાં કેટલોક સમય અભ્યાસ કરેલો. ત્યાંથી એમની નિમણુંક રાજકોટમાં કાઠિયાવાડ ટ્રેનિંગ કૉલેજમાં થયલી, જ્યાં તેઓ છેલ્લા એસિસ્ટંન્ટથી એકટિંગ પ્રિન્સિપાલના હોદ્દા સુધી પહોંચેલા. સરકારી નોકરી સાથે સાર્વજનિક હિલચાલ અને જાહેર કાર્યોમાં પણ તેઓ રસપૂર્વક ભાગ લેતા, તેઓ લેંગ લાયબ્રેરી અને વૉટસન મ્યુઝિયમના ઘણાં વર્ષ સુધી ઓ. સેક્રેટરી હતા. હાલનું રાજકોટનું બાર્ટન મ્યુઝીઅમ અને લેંગ લાઇબ્રેરી, એ બે સંસ્થાઓને સમૃદ્ધ અને આબાદ કરવામાં એમનો ફાળો થોડો નથી; એ કિંમતી સેવા બદલ એ સંસ્થાઓના કાર્યકર્તાઓએ એમની છબી ત્યાં મૂકેલી છે. ૧૮૯૩માં એમણે કાઠિયાવાડ સંગ્રહસ્થાન ભર્યું હતું. એક વર્ષ સુધીની જાત મહેનતના પરિણામે એ પ્રદર્શન ઘણું ફતેહમંદ થયું હતું. પ્રદર્શનમાં આવેલા સામાન વડે મ્યુઝીયમ ભરી નાંખ્યું હતું. એમની કાર્યદક્ષતા અને બાહોશીથી, તેમ માયાળુ અને હેતાળ સ્વભાવથી તેમના સમાગમમાં આવનાર સૌ કોઈના દિલ તેઓ હરી લેતા; અને યુરોપિયનોમાં પણ તેઓ એટલા જ લોકપ્રિય હતા. એમની બુદ્ધિની ચંચળતા અને અભ્યાસ માટેની ધગશના કારણે, તેમને કાઠિયાવાડના કેટલાક રાજ્યો તરફથી એમના યૂરોપિયન મિત્રોની સૂચનાથી ઇંગ્લાંડ ભુસ્તર વિદ્યાનો અભ્યાસ કરવા માટે મોકલવામાં આવ્યા હતા; ત્યાં એ વિષયના અભ્યાસ સાથે, પોતે બેરિસ્ટર પણ થઈ આવ્યા અને ગુજરાતમાં ભુસ્તર વિદ્યા મંડળના સભ્ય–ફેલો તેઓ પ્રથમ જ હતા. વળી ત્યાંના વસવાટ દરમિયાન રૉયલ એશિયાટિક સોસાઇટીના સભાસદની ઉપાધિ પ્રાપ્ત કરેલી. અહિં પાછા આવ્યા પછી સરકારી નોકરીનું રાજીનામું આપી, તેઓ પ્રેકટીશ કરે છે; અને જૂદી જૂદી જાહેર હિલચાલોમાં આગળ પડતો ભાગ લે છે અને રીલીઝડ પ્રિઝનર, મુંગા પ્રાણી પ્રત્યે દયા બતાવનારું મંડળ, એ બે સંસ્થાના પ્રાણ અને મુખ્ય સંચાલક છે. ગુજરાત વર્નાકયુલર સોસાઇટીના સભાસદ પણ ઘણા વર્ષોથી છે અને તેની મેનેજીંગ કમિટીના કામકાજમાં ઉત્સાહપૂર્વક આગેવાનીભર્યો ભાગ લે છે.

ટ્રેનિંગ કૉલેજમાં હતા ત્યારે વિદ્યાર્થીઓ માટે પાઠ્ય પુસ્તકો રચેલાં; જેવાં કે, ‘અર્થશાસ્ત્ર’, ‘રસાયનશાસ્ત્ર’, ‘વિદ્યાર્થીઓનો મિત્ર’, ‘પ્રાણી વર્ણન’ વગેરે અને બીજા સમયમાં ‘રણછતસિંહ’ અને ‘સરળ પદાર્થવિજ્ઞાન’ સોસાઇટી માટે લખી આપેલાં. પણ એ પુસ્તકો વિદ્યાર્થી અને સામાન્ય જનતાની દૃષ્ટિએ લખાયાં છતાં લોકપ્રિય નિવડ્યાં છે; અને તેની બેથી વધુ આવૃત્તિઓ થયલી છે.

પણ એ બધાં કરતાં એમની ખ્યાતિ એક કવિ તરીકે, ‘બુલબુલ’ના કર્તા તરીકે વિશેષ છે. ‘ચંખેલી’ અને “બુલબુલ” એ બે કાવ્યો ગુજરાતી કાવ્ય સાહિત્યમાં કાવ્યના ટાઇપમાં ફૉર્મની નવીન દિશા ઉઘાડે છે; અને એ કાવ્યોનાં માધુર્ય, લાલિત્ય અને ગયતાની મુક્તકંઠે પ્રશંસા થયલી છે.

જ્ઞાતિકાર્યમાં પણ પોતે બનતી સેવા કરે છે અને જ્ઞાતિએ, બનારસમાં મળેલી ચોથી વિસનગરા જ્ઞાતિ કોન્ફરન્સના પ્રમુખ નીમી એમને અપૂર્વ માન આપ્યું હતું.

એમની સાહિત્ય સેવા સર્વદેશી છે. પોતે અનુવાદ કર્યાં છે; જેમકે, ‘રણછતસિંહ’, પંચમ જ્યોર્જ; સ્વતંત્ર કૃતિઓ લખી છે; જેમકે, ‘સાઠીનું સાહિત્ય’, અને જુની ગુજરાતી ‘કહાન્ડદે પ્રબંધ’નું અવલોકન કરી તે કાવ્યને શાસ્ત્રીય રીતે, ઊપોદ્ઘાત અને નોટ્સ સાથે એડિટ કર્યું છે, જે બનારસ અને મુંબાઇ યુનિવર્સિટીમાં ગુજરાતીના ઉંચા અભ્યાસ માટે પાઠ્ય પુસ્તક તરીકે વંચાય છે. કહાન્ડદે પ્રબંધનો સરળ અને રસિક ભાષામાં અનુવાદ કર્યો છે, જે વાંચતાં સ્વ. રા. બા. કમળાશંકર કહે છે તેમ, મૂળ કાવ્ય જ હોય નહિ એમ લાગે છે વળી ‘પૌરાણિક કથા કોષ’નું કાર્ય હમણાં તેઓ કરી રહ્યા છે. ‘નર્મ કથા કોષ’ પછી આવું બીજું પુસ્તક થયું નથી. તે મરાઠીના આધારે તૈયાર થાય છે, તેમ છતાં તેમાં સુધારાવધારા અને ફેરફાર મ્હોટા અને વિસ્તૃત છે; અને તે એટલા મ્હોટા પ્રમાણમાં છે કે મૂળ ગ્રંથ કરતાં એનું પૂર દોઢું થયું છે અને પૌરાણિક આખ્યાયિકાઓનો એ ભંડાર જ છે.

સરળ પદાર્થ વિજ્ઞાનની બીજી આવૃત્તિ ઘણી રસિકભાષામાં અને એ શાસ્ત્રના સંપૂર્ણ દિગ્દર્શન રૂપ થઈ છે. અને ગુજરાતી ટ્રેનિંગ કોલેજોમાં અને નિશાળોના અભ્યાસક્રમમાં તે દાખલ થઈ છે.

એમના ગ્રંથોની યાદીઃ

બુલબુલ ૧૮૯૦
હરિધર્મશતક.
અમારાં આંસુ ૧૮૮૪
મધુભૃત
કહાન્ડદે પ્રબંધ–મૂળ ૧૯૧૩
અનુવાદ ૧૯૨૪
વિદ્યાર્થીનો મિત્ર
વનસ્પતિશાસ્ત્ર.
સરળ રસાયનશાસ્ત્ર.
સરળ અર્થશાસ્ત્ર
સરળ પદાર્થ વિજ્ઞાન ૧૮૯૬
રણછતસિંહ ૧૮૯૫
સાઠીના સાહિત્યનું દિગ્દર્શન ૧૯૧૧
ભુસ્તરવિદ્યા ૧૯૩૦
ચમેલી–વસન્ત રજત મહોત્સવ સ્મારક ગ્રંથ ૧૯૨૮
શહેનશાહ પંચમજ્યોર્જ ૧૯૩૦