ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/પાલનજી બરજોરજી દેસાઈ
એઓ નવસારીનાં વતની છે; એમનો જન્મ નવસારીમાં દેશાઇવાડમાં સન ૧૮૫૧માં થયો હતો. એમના પિતાનું નામ બરજોરજી પાલનજી દેસાઇ અને માતાનું નામ બેહમનબાઇ નવરોજજી દેસાઇ છે. સન ૧૮૭૨માં એમણે મેટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી હતી. સન્ ૧૮૭૪માં “રાસ્ત ગોફતાર”માં જોડાયલા તે નિવૃત્ત થયા સુધી એની સાથે સંબંધ જારી રહેલો. લગભગ અઠ્ઠાવીસ વર્ષ સુધી સબ–એડિટર તરીકે કામ કર્યું હતું અને સન ૧૯૦૨ થી ૧૯૧૬માં રીટાયર થયા ત્યાં સુધી તેઓ તેના તંત્રી રહ્યા હતા. આ ૪૨ વર્ષની લાંબી મુદત દરમિયાન એક પત્રકાર તરીકે કઠિન કાર્ય–કર્ત્તવ્ય કરવાની સાથે તેમણે સન ૧૮૮૦ થી ૧૯૦૦ સુધી ‘નુરે એલ્મ’ નામનું માસિક ચલાવ્યું હતું; એટલુંજ નહિ પણ એમના ગ્રંથો, જેની સંખ્યા આશરે તેત્રીસની છે, તે લખ્યા અને સાથે સાથે ભાષણો, પરચુરણ લેખો વગેરે લખ્યાં હતાં, એ બધા પરથી એમની શક્તિ, જ્ઞાન, વાચન અને ઉદ્યોગનો સરસ ખ્યાલ મળશે. એમની એ લાંબી સાહિત્યસેવા અને એક પત્રકાર તરીકેની સેવાની કદર પ્રજાએ એમને સન ૧૯૨૬માં એક જાહેર મેળાવડો કરી એમને રૂ. ૯૦૦૦ની એક પર્સ અર્પણ કરીને કરી હતી; એ એમની બહોળી લોકપ્રિયતાની અને કીર્તિની અચૂક નિશાની છે. વળી એમને એમના ગ્રંથો માટે હિન્દુ, પારસી અને ઇસ્લામી ગૃહસ્થો તરફથી જૂદી જૂદી વખતે ઇનામની સારી રકમો મળી હતી; અને ‘રાસ્ત ગોફતાર’ પત્રના માલિકો મેસર્સ બેહરામજી ફરદુનજીની કુંપનીએ પણ એમને છૂટા થતી વખતે રૂ. ૫૦૦નું ઑનરેરીઅમ બક્ષી, એમના કાર્યથી સંતોષ દાખવ્યો હતો. એમના પ્રિય વિષયો ઇતિહાસ, દંતકથા અને ગુજરાતી ભાષા શુદ્ધિ છે. એમના ગ્રંથો જ એમના વિશાળ વાચન અને ઉંડા અભ્યાસની સાક્ષી પુરશે. વધારે ખુશી થવા જેવું એ છે કે ઘણાં વર્ષોથી શુદ્ધ ગુજરાતી લખવાની તેઓ હિમાયત કરતા આવ્યા છે; અને પારસી લેખકો પર એની સારી અસર નથી થઈ એમ તો નહિજ કહી શકાય.
ગુજરાતી પત્રકારિત્વને ખીલવવામાં અને તે પત્રકારિત્વની ઉંચી પરંપરા ઉભી કરવામાં એમનો હિસ્સો થોડો નથી. એક બાહોશ તંત્રી તરીકે એમનું નામ જાણીતું છે; અને એક વિદ્વાન અને ગ્રંથકાર તરીકે પણ એમણે સારી પ્રતિષ્ઠા અને માન મેળવ્યાં છે.
એમના ગ્રંથો વિધવિધ અને અનેક છે, અને એ જ એમનું જીવંત સ્મારક છે. તેની યાદી નીચે પ્રમાણે છે :–
૧. તવારીખે સાસાનીઆન ઇ. સ. ૧૮૮૦
૨. તવારીખે હખામનીઆન ” ૧૮૮૫
૩. તારીખે શાહાને ઇરાન ” ૧૮૯૬
૪. તવારીખે કયાનીઆન ” ૧૯૧૬
૫. સરોશ ઇજદ [ઇનામી નિબંધ] ઇ. સ. ૧૮૮૩
૬. જરતોશ્તી જવાહીરો [ઇનામી નિબંધ] ” ૧૯૦૦
૭. નવું જરતોશ્ત નામુ [ઇંગ્રેજી અનુવાદ.] ” ૧૯૦૦
૮. અષો જરતોશ્ત ” ૧૯૧૫
૯. હોનવદ ગાથાનું જરતોશ્તી શિક્ષણ [ઇંગ્રેજી ભાષાંતર] ” ૧૯૨૧
૧૦. ફરોહરનામુ; યાને–ફવષિની ફીલસુફી ” ૧૯૨૯
૧૧. શાહજાદો શાપુર (નાટક) ઇ. સ. ૧૮૮૨
૧૨. નવસારીના મોટા દેશાઈ ખાનદાનની તવારીખ ” ૧૮૮૭
૧૩. પુરાતન જમાનાના પારસીઓ ” ૧૮૮૮
૧૪. દિલખુશ અથવા રમુજે ફુરસત ” ૧૮૯૨
૧૫. અરેબ્યન ટેલ્સ-દફતર ૧ લું ” ૧૮૯૭
૧૬. “ “ “ ” ૧૯૦૭
૧૭. કિસ્સે સંજાણ અથવા સંજાણનું પારસી સંસ્થાન ” ૧૯૦૮
૧૮. અહેવાલે રાહનુમાએ માજદયસ્નાન ” ૧૯૨૧
૧૯. ગુલે અનાર (પારસી અને હિંદુસંસારસુધારાની વાર્તા–કાવ્યમાં) “ ૧૯૨૭}}
- ૨૦. ફરંગીજ અથવા વાંધામાં પડેલાં વારેસો ” ૧૮૭૩
૨૧. ચંડાળ ચોકડી ” ૧૮૭૫
૨૨. પૈસાના પુંજારીઓ યાને ચોરને પોટલે ધૂળ ” ૧૯૧૭
૨૩. બેહરામ ગૂર યાને કનોજની રાજકુમારી ” ૧૯૧૮
૨૪. ફરતો આસ્માન યાને અંતઃકરણનો ડંખ ” ૧૯૧૯
૨૫. નોશીરવાનની નેકનામી યાને મજદકી પંથકી નાબુદી ” ૧૯૧૯
૨૬. ખુદાનો લાલ યાને પૈસો વધતો કે બંદો? ” ૧૯૨૦
૨૭. તકદીરનો તીર યાને તકદીર ચઢે કે તદબીર? ” ૧૯૨૧
૨૮. અર્દશીર બાબેકાન ” ૧૯૨૧
૨૯. ખુસરૂ પર્વિજ ભા. ૧ ” ૧૯૨૨
૩૦. “ “ ભા. ૨ ” ૧૯૨૪
૩૧. “ “ ભા. ૩ ” ૧૯૨૫
૩૨. બેહકેલું વાજું અથવા જાત પર ભાત ” ૧૯૨૩
૩૩. જોડિયા ભાઈઓ અથવા એ તે બહેન ” ૧૯૨૫
આ ઉપરાંત તેમણે ૪૦ થી વધુ જાહેર વ્યાખ્યાનો ઇતિહાસ, ગુજરાતી ભાષા, જરતોશ્તી ધર્મ પર જૂદી જૂદી મંડળીઓ તરફથી આપેલાં છે તેમજ અનેક ઐતિહાસિક વગેરે લેખો લખ્યાં છે.
_________________________________________________________________
- નં. ૨૦ થી ૩૩ સુધીની નવલકથાઓ જૂદાં જૂદાં માસિકો અને વર્તમાનપત્રોમાં પ્રકટ થયેલી છે.