ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/મટુભાઈ હરગોવિંદદાસ કાંટાવાળા

From Ekatra Wiki
Revision as of 03:58, 10 September 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મટુભાઈ હરગોવિંદદાસ કાંટાવાળા.

જ્ઞાતે તેઓ વીસા ખડાયતા વણિક છે. તેમનો જન્મ સન  ?? માં  ?? માં થયો હતો. એમના પિતાશ્રી રા. બા. રાજ્યરત્ન હરગોવિંદદાસ ભાઈ, એ નવાં શિક્ષણનાં શરૂઆતના ફળો હતાં અને તેમના જીવનપર કેળવણી અને સાહિત્યની ઉંડી છાપ અને સંસ્કાર પડ્યા હતા, જે સર્વ મટુભાઈમાં ઉતરી આવેલા દૃષ્ટિગોચર થાય છે. એમનો ઘણોખરો અભ્યાસ વડોદરામાં થયેલો. વડોદરા કોલેજમાંથી બી. એ;ની પરીક્ષા સન  ?? માં પાસ કરેલી; કોલેજની ડિબેટીંગ સોસાઈટીમાં સારો ભાગ લેતા, એટલુંજ નહિ પણ કૉલેજ મેગેઝીનમાં વખતોવખત લેખો લખતા. અને તે સામાન્ય અને ચાલુ વિષયોમાં નહિ પણ તે કાળે જે પ્રતિ થોડુંજ અથવા નહિ જેવું લક્ષ અપાતું હતું એવા ગુજરાતી સાહિત્યના વિષયો ચર્ચાતા હતા. આનંદ પામવાનું કારણ આપણને એ છે કે યુનિવરર્સિટીએ એમ. એ;ની પરીક્ષામાં ગુજરાતીમાં સ્થાન અપાતાં, પ્રથમ તે પરીક્ષા પાસ કરવાનું માન એમને ઘટે છે; અને તે બદલ ગુ. વ. સોસાઇટી તરફથી એમને રૂ. ૨૦૦)નું ઈનામ મળ્યું હતું. ઉપર કહ્યું તેમ કેળવણી અને સાહિત્યના સંસ્કાર પિતા તરફથી એમને વારસામાં મળેલા છે; અને તે એમણે એટલા બધા સજીવન અને ચેતનવંતા રાખેલાં છે કે એક મિલ એજંટ તરીકે વ્યવસાયી અને શ્રમભર્યું જીવન વ્યતિત કરે છે, તેમ છતાં સાહિત્ય પ્રત્યેનો એમનો અનુરાગ અને વ્યાસંગ લેશ માત્ર ઓછો થયો નથી, એ તેઓ જે દક્ષતાથી અને કાળજીથી “સાહિત્ય” માસિક ચલાવે છે, તે પરથી સહજ સ્પષ્ટ થશે.

નરસિંહરાવભાઈએ પ્રેમાનંદના નાટકનો પ્રશ્ન ઉથમ ઉપસ્થિત કર્યો ત્યારે પ્રતિપક્ષ તરફથી જે રદ્દીઆ અપાયા હતા તેમાં એમના લેખો, વિશેષ ધ્યાન ખેંચતા હતા અને મૂળ કેસને પાંગળો-લુલો કરવામાં એમનો હિસ્સો ન્હાનોસુનો નથી. તે બતાવી આપે છે કે એમનું જુના ગુજરાતી સાહિત્યનું વાચન અને અભ્યાસ કેટલો બધો વિશાળ અને ઝીણો છે.

તે સાથે એમણે ટુંકી વાર્ત્તાના લેખક તરીકે નામ મેળવેલું છે અને તેમાં આપણા સંસારના ચિત્રો આલેખેલાં છે તે આકર્ષક નિવડ્યાં છે, એમ એના ઘણા વાચકોએ જણાવ્યું છે.

અત્યારે સાહિત્યના ક્ષેત્રમાં એક free lance પત્રકાર તરીકે તેઓ સરસ કાર્ય કરે છે. “સાહિત્ય”માંની એમની નોંધ અને ગ્રંથોના અવલોકન સાહિત્ય રસિકોમાં આતુરતાથી અને લક્ષપૂર્વક વંચાય છે અને એમના અભિપ્રાય કેટલીક વાર એટલા સચોટ, મુદ્દાસર અને સ્પષ્ટ હોય છે કે તે ધારી અસર પેદા કરવામાં સફળ નિવડે છે.

આપણા માસિકોમાં “સાહિત્ય” માસિકે ઉંચુ સ્થાન પ્રાપ્ત કરેલું છે, એ એમની નિયમિતતા, બાહોશી, ઉંચા જ્ઞાન અને વિદ્વતાને આભારી છે. એમના લેખોનો સંગ્રહ મોટો થવા જાય; પણ હાલ તુરત ‘પ્રેમાનંદનાં જ નાટકો’, એ પુસ્તક દ્વારા એમના એ વિષયપરના લેખો છપાવીને એમણે સંતોષ માનેલો છે.

એમનો ગ્રંથઃ

પ્રેમાનંદનાં જ નાટકો? ૧૯૨૮