ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/સોરાબજી મં. દેશાઈ

From Ekatra Wiki
Revision as of 02:38, 11 September 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સોરાબજી મં. દેશાઈ

એઓ નવસારીના જાણીતા દેશાઇ ખાંદાંનના નબીરા છે, પ્રખ્યાત દેશાઇજી ખુરશેદજી ટેમુલજીના છઠી પેઢીના નબીરા છે. ગાયકવાડ સરકારનું ગુજરાતમાં રાજ્ય સ્થાપનારા એ ખુરશેદજી તથા તેમના બાપ ટેમુલજી હતા. એ કારણે ખાંદાંનને મોટી જાગીરો, ઇનામી ગામ, રોકડ નેમણુકો, પાલકીમાં બેશી ફરવાની આસામી, ગાડી મસાલની નિમણુંક વગેરે આપવામાં આવેલી તે આજે પણ ચાલુ છે. બ્રિટીશ સરકાર અને ગાયકવાડ સરકાર વચ્ચે તહનામાં કરાવેલાં હોવાથી તે સરકાર તરફથી પણ ઇનામી જમીનો આપવામાં આવી, અંગ્રેજ સરકારે ગેરંટી આપી બાંહેધરીમાં એ કુટુંબને આજ સુધી રાખેલું છે.

દેસાઈજી ખુરસેદજી ટેમુલજીએ પોતાને હાથે પિતાનું જીવનચરિત્ર (Autobiography) લખી રાખ્યું હતું જે “દેસાઈ ખાંદાન તવારીખ”માં છપાયું છે, તેવીજ રીતે આ ભાઇએ પોતાનું વૃત્તાંત લખી રાખ્યું છે, જેમાંથી ટુંક ટુંક નોંધ નીચે આપી છે.

એવણનો જન્મ તા. ૧૫મી આગષ્ટ ૧૮૬૫માં થયો હતો. એટલે આજે ૬૫ વરસની ઉંમર છે. ન્હાનપણથી શરીરે મજબુત અને લાડકા હોવાથી તોફાની, મસ્તીખોર, અને તીખલી છોકરા હતા. શિખવા ભણવા ઉપર ઝાઝું લક્ષ ન હતું, પણ જે અભ્યાસ કરવા ઉપર આવે તો આસપાસના કંટાળે એટલી મહેનત લેતાં. એવણ પોતે લખે છે તેમ, પ્રખ્યાત થવાની અને કીર્તિ મેળવવાની હોંશ કાચી ઉમ્મરમાંજ એટલી બધી હતી કે, તે ઉંમરેજ લખાણ કરવાનો શોખ લાગ્યો. “અથોરનના શિવાય બેહદીનોથી કુસ્તી નહીં વણી શકાય”, એ બાબતનું ૪ પાનાનું હેન્ડબીલ લખી કાઢી, પાસે પૈસા ન હોવાથી પોતાની કલાસના ગોઠિયાઓ પાસે નકલો કરાવી ઇ. સ. ૧૮૮૧માં નવસારીમાં વહેંચાવ્યા હતાં, મેટ્રીક્યુલેશન સુધીનો અભ્યાસ કરી નવસારીની સર કાવસજી જેહાંગીર હાઈસ્કુલમાં કેળવણી લીધી, પરંતુ નીચલા વર્ગમાં હતા ત્યારથી ન્યુસપેપરો અને ચોપાન્યામાં લખાણો લખી વહેલા પ્રખ્યાત થવા માટે અભ્યાસના પુસ્તકો વાંચવાને બદલે, ઉમદા પુસ્તકો ઉજાગરા કરીને વાંચતાં. ઇ. સ. ૧૮૮૫થી “મધુર વચન”, “ગુલ અફશાંન”, “હિન્દી ગ્રાફીક” વિગેરેમાં ન્હાની ન્હાની બાબતો છપાવવા લાગ્યા. ઈ. સ. ૧૮૮૭થી એવણે અંગ્રેજી તથા કાઠિયાવાડ તથા ગુજરાતનાં ગુજરાતી ૧૦ પેપરોમાં લેખો લખ્યા, અને કેટલાંક ચોપાન્યામાં ૪૫ વરસ લખાણો કર્યા છે, તેની ટીપ પોતાને હાથે લખી છે, જે પેપરો અને ચોપાન્યાંની સંખ્યા ૫૦ ઉપર થાય છે. કોઈ પેપરોમાં ચાલુ ખબરપત્રી, તો કોઈમાં ચાલુ આર્ટીકલો લખતા. ઇ. સ. ૧૮૮૮થી “વડોદરા વત્સલ” નામના વડોદરા રાજ્યનાં ગવર્નમેંટ ગેઝેટમાં રૂા. ૧૦ના પગારથી ગુજરાતી વિભાગ અધિપતિ તરીકે લેખો લખતાં. ઈ. સ. ૧૮૮૯થી “આનંદી” “નવરંગ” અને “નવસારી પત્રિકા”માં પણ એજ મુજબ ૧૯૦૬ સુધી અધિપતિ હતા, જુદી જુદી બાબતોના ન્હાનાં મોટાં ૩૮ પુસ્તકો લખ્યાં, અને “દુઃખીને દિલાસો” જે વિષયની હારમાળા “હિન્દી ગ્રાફીક”માં પ્રથમ છપાઈ હતી તેના બીજા ૫૬ પુસ્તકો હમણાં સુધી બહાર પાડ્યાં, અને ૬૦ પુસ્તકો સુધી છપાવવાનો એવણનો ઇરાદો છે. પોતાની ઉપર દુઃખો પડવાથી જ આ સાહસ એવણે માથે ઉઠાવ્યો છે.

તેઓ કેટલાંક ખાતાંઓના સેક્રેટરી અને “નવસારી જ્ઞાન પ્રસારક મંડળી”ના આજથી ૪૦ વરસ ઉપર સેક્રેટરી નિમાયા હતા તે ઓદ્ધો ૩૮ વરસ ચલાવ્યા બાદ હાલ છુટા થયાથી એ મંડળીએ તેમને કાયમના વાઇસ પ્રેસીડંટ નિમ્યા છે.

પોતાની નોકરીના અંગે અને જાહેર સેવા બજાવવાની મકસદે એવણ લગભગ ૨૦ ખાતાં સાથે, કોઈમાં સેક્રેટરી, કોઈમાં ટ્રસ્ટી, અને કોઈમાં કારોબારી કે ઉપપ્રમુખ રહેલા હતા. આ બધાં કામો નવસારી ડીસ્ત્રીકટ લોકલબોર્ડના અકાઉન્ટન્ટ અને હેડકલાર્કની નોકરી પોતાનાં કામોની સાથે, અને કોર્ટોના કેસોની જંજાળો સાથે સાથે કરતા હતા.

“The Gaikwar and his relations with the British Government” નામની વડોદરા રેસીડંટ કર્નલ આર. વૉર્લસની ૭૨૦ પાનાની અંગ્રેજી ચોપડીનો તરજુમો કરવાનું કામ, દિવાન બહાદુર મણીભાઈ જશભાઈએ રૂા. ૨૦૦૦ રાજ્ય તરફથી મદદના આપવા કહી કરાવ્યું, અને તેનો ભાષાંતરનો હક્ક મરહુમ પ્રોફેસર દાદાભાઈ નવરોજીએ મહા મહેનતે લન્ડન સુધી ખટપટ કરીને અપાવ્યો, ત્યારે કાઉન્સીલે એવું ઠરાવ્યું કે, કમિટી નિમીને ભાષાંતર તપસાવ્યા વગર મદદ આપી ન શકાય, ત્યારે ગુસ્સો આવ્યાથી આખું કોરશ્પાન્ડસ ફાડી નાંખી પોતાનેજ ખરચે ૪૮ ભાગમાં છપાવવા ધાર્યું, અને ત્રણ વરસમાં આ ભાષાંતર પૂરૂ કરવાનું ઠરેલું છતાં રાતને દહાડો એજ કરીને છ મહિનામાં અને તેબી વળી માત્ર એકજ કલમ વાપરીને પુરૂં કર્યું હતું. એવી જ ખંત પકડીને ઝીણા બારીક અક્ષરોના આઠ પોષ્ટ કાર્ડો એવણે લખ્યા હતા, જેમાંનો એક લગભગ ૪૨ હજાર શબ્દનો કાર્ડ મેસર્સ ભમગરાની કુંપની ઇ. સ. ૧૮૮૯ના પારીસનાં પ્રદર્શનમાં લઈ ગઈ હતી, અને લંડન તથા મુંબઇના મ્યુઝીઅમોને, પ્રો. સ્કોટને તથા નવસારીની મહરજીરાણા લાયબ્રેરીને, તથા રાશ્ત ગોફતારની ઓફીસને બીજા કાર્ડો આપ્યા હતા.

મી. બેશિલ હોગ્સન શ્મીડ ઉર્ફે ગેબી મદદગારના નામક સીરીલ ઉપરની ફીદાગીરીને લીધેજ એવણ થીયોસોફીસ્ટ થયા હતા, પરંતુ પોતાની નોંધમાં જણાવ્યું છે તેમ, વેદાન્ત ઉપર વિશેષ ભાવ હોવાથી શ્રી. ગોસ્વામી દેવકીનંદનાચાર્યજી મહારાજનાં શિક્ષણો મેળવવાને ખાસ ઇંત્તેજાર રહી, તેમની સોબતમાં એમને ઘણું જાણવાનું મળ્યું.

મી. દેશાઇને જુના પુરાણા હસ્તલેખો, જુના સિક્કા, પૂરાણી વસ્તુઓનો બેહદ શોખ હોવાથી એમનો આ સંગ્રહ મોટો અને સારો છે. પ્રથમ એમણે જરનાલીઝમમાં ઝીંપલાવ્યું, અને આજ ૨૫ વરસથી એ લાઇન એમણે છોડી દીધી છે. કવિતા કરવા અને કાવ્ય વાંચવાનો ભારે શોખ હોવાથી, તેમજ તવારીખ ખાસ કરીને પારસી તારીખનો ઘણો ચરસ હોવાથી “ગંજે શાયરાન”–“તવારીખે નવસારી”, “પારસી વિષયો”ના પુસ્તકો ખાસ રચ્યાં છે. સંસારનાં સુખ અને સંસારની નીતિ રીતિ વગર બધુ નકામું સમજી હાલ એમણે દશ નવાં પુસ્તકો બહાર પાડ્યાં છે, અને બીજાં ત્રણ છપાવવાની ઉમેદ રાખે છે. જન–સેવા બજાવવાનો એવણને ભારે શોખ છે, પરંતુ હવે અનેક જંજાળો વધવાથી એવણ પોતાનું કામ કમી કરતા જાય છે.

“દુઃખીને દિલાસા”ના પ૬ ભાગો પ્રગટ કીધા પછી સંસારસુખનાં ૧૦ અને જીવનચરિત્રોનાં ૬ પુસ્તકો પ્રસિદ્ધ કર્યો; જેમાં સદ્ગુરૂ શ્રી ઉપાસની મહારાજ જેવા પરમહંસનાં જીવનનાં બે વાલમો વિશેષ વખણાયાં હતાં. આઠ વરસથી એઓ સદ્ગુરુ શ્રી મેહેરબાબા જેવા ખુદારસીલા સાહેબના સમાગમમાં આવ્યા પછી વેદાંતના ધોરણ ઉપર “ખુદા નામું” નામનાં પાંચ વાલમો એમણે રચ્યાં છે, જે પૈકી ૨ દફતરો છપાઈ ચુક્યાં છે. નવસારીમાં ઇ. સ. ૧૯૧૦માં અને ઇ. સ. ૧૯૧૧માં ભરવામાં આવેલાં મોટાં પ્રદર્શનોના એ જનરલ સેક્રેટરી હતા. છેલ્લાં પ્રદર્શનમાં એઓની મહેનતની કદર કરવામાં આવી સોનાનો ચાંદ ભેટ કરવામાં આવ્યો હતો. તેમજ મુંબઈની “બઝમે રોઝે અહુરમઝદ”ની ઘણુંક વરસો સેવા બજાવ્યાથી ચાંદીનું કપ આપવામાં આવ્યું છે. હાલ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થતાં પેનશન ઉપરાંત એમને રૂા. ૧૫૦૦નું વિશેષ ઈનામ આપવામાં આવ્યું હતું. “દુઃખીને દિલાસા”ના ૬૬ ભાગો સાથે ગણતાં એમનાં નાનાં મોટાં પુસ્તકો મળી સરવાળો ૯૫ સુધી થશે. નવસારી ડીસ્ટ્રીકટ લોકલબોર્ડમાં ઇનામદારો તરફે એઓ સભાસદ નિમાયા છે. આજે પણ સાત આઠ માસિક ચોપાનિયામાં પોતાના લેખો ચાલુ પ્રસિદ્ધ કરતા રહે છે. અંગ્રેજી, ફારસી, ગુજરાતી, સંસ્કૃત, ઉરદુ, હિંદુસ્થાની, મરાઠી વિગેરે ભાષાઓના લગભગ છ છ હજાર પુસ્તકોનો સંગ્રહ એમણે કરેલો છે; તેમાં દુર્લભ પુસ્તકો (Rare books) પણ ઘણાં છે. નવસારી હાઇસ્કુલમાં જરથોસ્તી ધર્મના અભ્યાસ માટે બે વાર સ્કોલરશીપો મેળવી હતી. હિન્દુઓના સ્નાન સુતકો જેવાં સ્નાન સુતકો અસલ જરથોસ્તી ધર્મશાસ્ત્ર “વંદીદાદ”માં અનુક્રમવાર જણાવેલાં હોવા વિષે એમણે અંગ્રેજી તથા ગુજરાતી પુસ્તક પ્રસિદ્ધ કર્યાંથી પારીસ એકેડેમીના તેમજ અમેરિકન પાઠશાળાના વિદ્વાન અભ્યાસીઓએ ઉત્તમ અભિપ્રાય આપ્યા છે. “ખુદા નામા” નામના પુસ્તકોમાં વિષ્ણુના ૧૦૦૦ નામોની સરખામણી કરીને જરથોસ્તીઓમાં ભણતાં ૧૦૧ ખુદાના નામોની અને મુસલમાનોમાં અલ્લાહના ૯૯ નામોની સાથે એમણે પુસ્તકો અને માસિકો દ્વારા પ્રકટાવવા માંડી છે. કાવ્યરસનું પુસ્તક જુદા જુદા ૨૨૫ અલંકારની ઘટનાવાળું વિશેષ ઉપયોગી છે, જેમાં અનેક ભાષાનાં દૃષ્ટાંતો આપ્યાં છે.

એમના ગ્રંથોની યાદી:

૧ પારસી અટકો અને નામો સન ૧૮૯૧
૨ આતસબેહરામે દેશાઈ ખોરશેદ ૧૮૯૩
૩ એયામે નૌંસાલો હિંગામે નૌરોઝ ૧૮૯૬
૪ સીહા સંસાર (નાટક) ૧૮૯૭
૫ તવારીખે નવસારી ૧૮૯૭
૬ હિંદુસ્તાનના આતશબહરામો ૧૮૯૯
૭ નવસારીની પારસી પ્રજાને અપીલ ૧૮૯૯
૮ ગાયકવાડ અને બ્રિટાનિયા ૧૮૯૯
૯ ગંજે શાયરાન (કાવ્ય રસ) ૧૯૦૧
૧૦ પારસીઓમાં લગ્નનું જોડું ૧૯૦૧
૧૧ મહારાણી વિક્ટોરિયાનું જીવન ચરિત્ર ૧૯૦૨
૧૨ બંદગી અને માથ્રવાણીની મોતેબરી ૧૯૦૨
૧૩ પારસી સુતકો (વંદીદાદની ૧૨મી પરગર્દનો ખુલાસો) ૧૯૦૪
૧૪ Hindu Sutaks in the Zoroastrian Scripture (Vandidad Pargard 12th) ૧૯૦૪
૧૫ જમશેદની ઇતિહાસિક નિંદા ૧૯૦૫
૧૬ નૂરજેહાન ૧૯૦૬
૧૭ પ્રાણી મંડળ ૧૯૦૭
૧૮ સરસ્વતી વિલાસ ૧૯૦૮
૧૯ એડવર્ડ નામું ૧૯૧૦
૨૦ દાદારજીની દરબાર (નવી સુંદર આવૃત્તિ છે) ૧૯૧૧
૨૧ પારસી વિષયો ૧૯૧૪
૨૨ બેટી તું સાસરે કેમ સમાશે? (ત્રીજી આવૃત્તિ છે) ૧૯૧૯
૨૩ મ્હારા દિકરાને! ૧૯૧૯
૨૪ Omens for auspicious and inauspicious horses “ ૧૯૧૯}}
૨૫ મા–બાપની સેવા ૧૯૨૦
૨૬ સાદી જીંદગીની શોક, ફેશનની ફિસિયારી ૧૯૨૧
૨૭ સલુકની માતા ૧૯૨૧
૨૮ સંસારનો સુકાની (બાપ બનવાનો હુન્નર) ૧૯૨૨
૨૯ દુઃખીને દિલાસો [૫૬ ભાગ] ૧૯૧૪ થી ૧૯૨૨
૩૦ સદ્ગુણી સાસુ ૧૯૨૩
૩૧ બંદો અને બંદગી (સુધારા વધારા સાથે ૨ છ આવૃત્તિ) ૧૯૨૩
૩૨ સાકોરીના સદ્ગુરૂ (ભા. ૧ લો) ૧૯૨૩
33 સાકોરીના સદ્ગુરૂ (ભા. ૨ જો) ૧૯૨૪
૩૪ વિધવા દુઃખ નિવારણ ૧૯૨૫
૩૫ વહેમી દુનિયા ૧૯૨૭
૩૬ ખુદા નામું (દફતર ૧ લું) ૧૯૨૯