ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/ડૉ. હરિપ્રસાદ વૃજરાય દેસાઈ

From Ekatra Wiki
Revision as of 02:56, 11 September 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ડૉ. હરિપ્રસાદ વૃજરાય દેસાઈ

એઓ જ્ઞાતિએ બ્રહ્મક્ષત્રિય છે. એઓ મૂળ વતની ખેડા જીલ્લામાં નડિયાદ પાસે આવેલા અલીણા ગામના છે. એમના પિતાનું નામ વૃજરાય ખુશાલરાય દેસાઈ અને માતાનું નામ સુભદ્રા બ્હેન હતું. એઓ સરકારી નોકરીમાં હોઈ, એમને જૂદે જૂદે ગામે ફરવાનું ઘણું થતું અને તે વખતે નોકરીમાં પગાર પણ જૂજ. તેમ છતાં સુભદ્રા બ્હેન ઘરનો કારભાર, કરકસર કરી કુશળતાથી ચલાવતા. તેઓ બહુ સુશીલ સ્વભાવના અને સંસ્કારી બાઇ હતા; તેમ માયાળુ અને મમતાવાળા પણ એવા જ. એમના મોટા પુત્ર તે ડૉ. હરિપ્રસાદ. એમનો જન્મ સન ૧૮૭૯માં ગોધરામાં થયલો. પ્રાથમિક શિક્ષણ એમણે ગુજરાતની જુદી જુદી નિશાળોમાં લીધેલું. તેઓ સેકન્ડથી સેવંથ સુધી ન્યુ ઇંગ્લીશ સ્કૂલ અમદાવાદમાં ભણેલા. ત્યાં ડી. કે. ગુપ્તે માસ્તર જેઓ ન્યુ ઇંગ્લીશ સ્કૂલમાં હેડ માસ્તર હતા એમની અસર એમના જીવન પર બહુ સારી અને પ્રબળ થયેલી અને મેટ્રિક સુધી પહોંચેલા. બાદ અમદાવાદની મેડિકલ સ્કુલમાં જોડાઈ આસિસ્ટંટ સર્જન થયલા; પણ ત્યાં મતભેદ ઉઠતાં કલકત્તા જઈને એલ. સી. પી. એસ.ની ડીગ્રી મેળવી આવેલા. અત્યારે તેઓ રજીસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટીશનર છે.

બચપણમાંથી માતા પાસેથી ઉન્નત સંસ્કાર પ્રાપ્ત થયલા, તે એમનામાં દિવસે દિવસે ખીલી ફાલ્યા છે. વાચનનો, સભાઓમાં જવાનો, રમતોમાં ભળવાનો શોખ છેક ન્હાનપણથી; વિનોદી સ્વભાવ પણ ખરો. ગરીબ સ્થિતિના એટલે હાથ પણ સંકુચિત રહે; તેમ છતાં મન એવી રીતે કેળવલું કે તેઓ સદા આઝાદી અનુભવે. જૂદા જૂદા પ્રકારના વાચનમાં અને મિત્રોના સહચારમાં; અને એમના એ ન્હાનપણ અને વિદ્યાર્થી અવસ્થાના સ્મરણો પણ સ્ફૂર્તિદાયક અને રમુજી માલુમ પડશે (જુઓ કુમાર વો. ૫ મું.)

એમનો ધંધો ડૉક્ટરનો; પરંતુ એમનો શોખ અને અભ્યાસ જોઈએ તો અનેકવિધ, જૂદા જૂદા ક્ષેત્રોમાં એક સરખો, દરેકમાં ચંચુપાત કરેલો અને તેના મુખ્ય મુખ્ય અંશો ગ્રહણ કરેલાં દેખાશે.

તેથી એમના ભાષણોમાં અને એમના જીવનમાં રસિકતાની વિવિધતા દૃષ્ટિગોચર થાય છે.

એકાદ વર્ષ માટે એમણે સન ૧૯૭૫–૬માં એમની જ્ઞાતિનું ત્રિમાસિક એડિટ કરેલું અને તેને રસ્તે ચઢાવી આપેલું. વળી ઉદ્બોધન નામના રાષ્ટ્રીય માસિકમાં પ્રસંગોપાત લેખો લખેલા. ગુજરાત સાહિત્ય સભાના મંત્રી પણ તેઓ ઘણાં વર્ષો સુધી હતા અને અત્યારે તેઓ તેના ઉપ–પ્રમુખ છે.

કળા અને સંગીતનો શોખ પણ વિશેષ; પંચરંગી લાવણી તો એમની; અને અમદાવાદના એક ચિત્રકાર સ્વ. મગનલાલના ચિત્રોની પહેલવહેલી કદર એમણે જ કરેલી અને કરાવેલી. તે પછી અમદાવાદ અને ગુજરાતની કળાનું એમણે પદ્ધતિસર અને ઐતિહાસિક અવલોકન કરેલું છે.

અમદાવાદમાં ભરાયલી સંગીત પરિષદના સ્વાગત મંડળના તેઓ મુખ્ય સંચાલક હતા અને હાલ પણ રાષ્ટ્રીય સંગીત મંડળના પ્રમુખ છે.

જાતે ડૉક્ટર એટલે આરોગ્ય વિષે સારૂં જ્ઞાન હોય જ. તે માત્ર પોથીમાંનું નહિ; પણ તે અનુભવજન્ય. અમદાવાદ શહેરની આદર્શ સફાઈ કરવાનું માન એમને પ્રાપ્ત થયલું છે અને તે કાર્યમાં થયલો એમનો અનુભવ બીજાને માર્ગદર્શક થઈ બોધપ્રદ નિવડશે.

આ પ્રમાણે જૂદી જૂદી પ્રવૃત્તિઓમાં તેઓ હમેશ જોડાયલા રહે છે; તે સાથે સાહિત્યવાચન અને અભ્યાસ પણ જારી હોય છે. રોજ બે કલાક અભ્યાસમાં ખરા; તે ઉપરાંત વિશેષ અનુકરણિય તે, રાત્રે સુતા પહેલાં રોજના કામનું નિરીક્ષણ–આંતરપરીક્ષણ, એ બધું એમના જીવનની કુંચીરૂપ છે.

વળી ડોકટરનું દવાખાનું એટલે માત્ર દવા મળવાનું સ્થળ નહિ; પણ જૂદી જૂદી પ્રવૃત્તિઓનું અને તેને લગતી માહિતી મેળવવાનું એક જીવંત કેન્દ્ર.

શરીર પણ એમણે શરૂઆતથી સારું ખીલવેલું, એટલે દરજજે કે ઘણાં વર્ષો સુધી અહીંની ન્યુ ઇંગ્લિશ સ્કુલમાં એક કસરત શિક્ષક તરીકે એમણે કામ કરેલું; અને એમના એ વિષય પરના પ્રેમના કારણે પ્રથમ વ્યાયામ પરિષદ સન ૧૯૨૮માં નડિયાદમાં ભરાયલી તેના પ્રમુખ એમને નિમવામાં આવ્યા હતા.

પણ સૌથી વિશેષ આકર્ષક એમનો આશાવાદ; અને દરેકમાંથી કંઈક ને કંઈક રમુજ મેળવવાનો આનંદી સ્વભાવ છે, જે તેમને અધિક ચેતન અને બળ બક્ષે છે, અને તેમના કાર્યને ગતિમાન કરવામાં મદદગાર થાય છે.

એમણે લખેલાં ગ્રંથો પણ આઠેક છે. તે ફકત વૈદક, આરોગ્યને લગતાંજ નહિ પણ વાર્તા, ચરિત્ર વગેરે ભિન્ન ભિન્ન વિષયો પર છે. પ્રકીર્ણ લેખો પણ સારી સંખ્યાનાં મળશે; તેમાં નૈતીતાલ, સાંચી, જર્મન કવિ ગિટિ વગેરે ખાસ ધ્યાન ખેંચે છે.

એમનાં પુસ્તકોની યાદીઃ

મેલેરિયા તાવ.
આરોગ્યની વાતો.
બાળ કલ્યાણ.
સંસારનાં સુખ. (‘Pleasures of Life’નો અનુવાદ.)
પાપીની દશા (ટાલસ્ટૉયની ‘Forty years’ અનુવાદ)
સાહિત્યનો વિકાસ કેમ થાય
સાહિત્યના પ્રેરક બળો
દાદાભાઈ નવરોજજી (જીવનચરિત્ર)
આરોગ્યશાસ્ત્ર