નારીસંપદા : ટૂંકી વાર્તા/બિંદી

From Ekatra Wiki
Revision as of 02:02, 18 September 2024 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
બિંદી

લાભુબહેન મહેતા

એ દિવસ મને હજુયે એવો ને એવો યાદ છે. જોકે, એ વખતે હું ઘણી નાની હતી. લગ્ન કે વેવિશાળનો અર્થ ખાસ સમજતી નહોતી, પરંતુ આજે મને કોઈ જોવા આવનાર છે, મારે બનીઠનીને બેસવાનું છે, મારી સઘળી હોશિયારી બતાવવાની છે એ વાતની મને ખબર હતી. વહેલી સવારથી મારાં પ્રેમાળ દાદીમા બાને સૂચના આપવા લાગ્યાં હતાં : ‘આજ તારા પિયરથી આવેલી લાલ બાંધણીની ઓઢણી ઓઢાડજે ને આછી ભાતવાળું રેશમી પોલકું તથા વેંતના થપ્પાવાળો અતલસનો ચણિયો પહેરાવજે, માથાના વાળનો ચોટલો ન લેતી, પણ મો...ટો કસકસાવીને મજાનો ગાંઠઅંબોડો લઈ વચ્ચે ચાંદીનો ચાક નાખજે. નવી ફેશનનો ચાંદલો કરજે. અને હા, હાથમાંથી આ કાચની બંગડી કાઢી નાખી, ગઈ દિવાળીએ કરાવેલી સોનાની બંગડી પહેરાવી દેજે. તું તો છે ભૂલકણી, એક કરીશ ત્યાં બીજું ભૂલી જઈશ, પણ દીકરી વરાવવી છે, કાંઈ રમતવાત નથી, ને મે’માન બહુ મોટાં ઘરનાં છે સમજી !’ મને પણ એક ખૂણે લઈ જઈ દાદીમાએ ધીમેથી કાનમાં કહ્યું : ‘કમળા ! જો, મે’માનની આડે ન ઊતરવું, ઘરમાં એક બાજુ ડાહ્યાં થઈને બેસી રહેવું, અને જે પૂછે એના નીચી નજર રાખી જવાબ દેવા.’ પળેપળે જેની રાહ જોવાતી હતી તે મહેમાનો આખરે આવ્યા. મારાં ભાવિ સાસુએ મને પાસે બોલાવી, શું ભણું છું, ધર્મનું કાંઈ જાણું છું કે નહિ, રસોઈમાં બાને મદદ કરું છું કે નહિ, એવા થોડા સવાલો પૂછ્યા ને પોતાને ઘેરથી જ નક્કી કરીને આવ્યાં હોય તેમ મારાં દાદીને કહી દીધું, ‘આવતે સોમવારે આવીને ચાંલ્લા કરી જજો અને મારા તરફથી આ હોંશનો સાડલો.’ બાજુમાં પડેલું કાગળનું ખોખું ખોલીને એમણે આગળ કર્યું. જરી ભરતની ઝળાંઝળાં થતી સાડી જોઈ મારું અંતર આનંદના ઉછાળા લેવા લાગ્યું. દાદીમાનું મોં પણ મલક્યું, છતાં એમણે વિવેક કર્યો, ‘એવી શી ઉતાવળ છે? સગપણ થાય ત્યારે આપજો ને !’ મારાં સાસુ ગર્વભર્યું હસીને બોલ્યાં : ‘સગપણ થાય ત્યારે બીજો ક્યાં નથી દેવાતો? આપણે ઘેર પ્રભુની મે’ર છે, કોઈ વાતે તમારી દીકરીને ખોટ આવે એવું નથી.’ બાએ ખોખું બંધ કરી બાજુએ મૂક્યું. સાસુ મારા વિશે મારા સસરાને વાત કરવા બહાર ગયાં ને હું પાછલે બારણેથી મારી બહેનપણી સૂરજને સાડીની વાત કરવા દોડી. સાંજની ગાડીમાં મહેમાન ચાલ્યાં ગયાં. આ બાબતમાં અમારે તો કાંઈ વિચારવાનું હતું જ નહીં. કારણ કે, આખી નાતમાં એ કુટુંબ આબરુદાર ને મોભાવાળું ગણાતું. નક્કી થયા પ્રમાણે બીજા સોમવારે મારા ભાઈઓ એમને ત્યાં વેવિશાળ કરી આવ્યા ને મારે માટે નવાંનવાં કપડાં ને થોડા દાગીના પણ લેતા આવ્યા. એ જોઈ બધાં ખુશ થયાં. દાદીમા કહેવા લાગ્યાં, ‘દીકરી ખરી ભાગ્યશાળી છે, સૂંડલો સોનું પામશે.’ એક વરસ મારું સગપણ ચાલ્યું તે દરમિયાન બાએ મને રસોડાની કેળવણી આપવા માંડી, ‘કાલ સવારે સાસરે જશે, રાંધતાં નહિ આવડે તો શું થશે?’ એમ કહીકહીને મને રસોઈ ને ઘરની સાધારણ રીતભાત શીખવી દીધી. હજુ તો મને પંદર વરસ પૂરાં નહોતાં થયાં, ત્યાં તો મારાં લગ્ન પણ થઈ ગયાં. સાસરે આવી ત્યાં સુધીમાં પતિ શું, સ્ત્રીએ કેવી રીતે રહેવું જોઈએ, પતિવ્રતા સ્ત્રીઓ કેવી હોય, સતી કોને કહેવાય, સ્ત્રીએ પોતાના પતિ પ્રત્યે કેવી ભક્તિ કેળવવી જોઈએ વગેરે બાએ, દાદીમાએ, માસીબાએ અને પરણેલી બહેનપણીઓએ મને શીખવી દીધું હતું. મેં કે ઘરમાંથી બીજા કોઈએ મારા પતિ વિશે ઊંડું જાણવાની દરકાર કરી નહોતી. પતિ વિશે આમ વિચારો તો ઘણા કર્યા હતા, પરંતુ એને વિચારો કહેવા કે સુખદ કલ્પનાઓ કહેવી? સરખી સાહેલીઓ મશ્કરી કરતી, કોઈક પોતાના અનુભવ કહેતી, એ પરથી હું પણ મારા પતિ વિશે સ્વપ્નો રચવા લાગી હતી. લગ્ન પછી સાસરે આવતી વખતે બહેનપણીએ પતિને એમ ને એમ મોં ન બતાવવાની કાનમાં સૂચના કરી, ત્યારે મેં પણ વે’લમાં બેઠાંબેઠાં શું માગીને મોં બતાવવું, એની કેટલીય રંગબેરંગી કલ્પનાઓ કરી હતી. મારી એ કલ્પનાના રંગો સાસરે આવ્યા પછી આઠ દિવસમાં જ ઊડી ગયા. મારા પતિ યુવાન હતા, પ્રેમાળ હતા, પરંતુ લગ્નનો આનંદ એમના મુખ ઉપર દેખાતો નહોતો. હું સાવ અબુધ નહોતી, એમના અંતરમાં લગ્નનો આનંદ નથી એ હું પહેલી જ ક્ષણે પામી ગઈ; પરંતુ એનું કારણ તો લગ્નના આઠેક દિવસ પસાર થયા ને અમે એકબીજા સાથે કાંઈક દિલ ખોલીને વાત કરતાં થયાં ત્યારે જ મને સમજાયું. લગ્નના બીજા દિવસથી જ મને એકલું ન લાગે, મને કોઈ માઠું ન લગાડી જાય, શરમમાં હું ભૂખી ન રહું એ બધી બાબતની તેઓ કાળજી રાખતા. મારાં સાસુ ભલાં હતાં, નણંદો પણ પ્રેમાળ હતી છતાં ‘એમના’ દિલમાં હંમેશ મારે માટે ચિંતા રહેતી અને એ કારણે દિવસમાં બે વાર કામ છોડીને ઘેર પણ આવી જતા. સાસુ મજાકમાં મીઠું હસતાં અને મારાં નણંદો બોલતાં : ‘જોજો ભાઈ, તમે બહાર જાવ ને ઘરમાં ફૂલ કરમાઈ જાય નહિ !’ આ સાંભળીને હું ફૂલી ન સમાતી. મનમાં ને મનમાં આવો પ્રેમાળ પતિ આપવા માટે ઈશ્વરનો પાડ માનતી અને હવે દુનિયામાં મારે કશી જ ચીજની કમી નથી એવા સંતોષથી દિવસ પસાર કરતી. મારા પતિ પણ ધીરેધીરે મારી સાથે એમના ઘરની, એમના મિત્રોની અને ધંધાની વાત કરવા લાગ્યા હતા. હું શરમાતી- સંકોચાતી એમની નજીક બેસતી તો તેઓ કંઈ ને કંઈ બહાનું કાઢી મને સામે બેસાડતા. આનું કારણ હું સમજતી નહોતી, ધીરેધીરે કરતાં આઠદસ દિવસમાં અમે હળીમળી ગયાં, એકબીજાનું જુદાપણું વીસરી એકતા અનુભવવા લાગ્યાં. આવી એકતા થયા પછી એક દિવસ રાત્રે તેઓએ ગંભીર બની મને એમના રાજરોગ-ક્ષયરોગની વાત કરી ! હું સ્તબ્ધ બની ગઈ. પોતે લગ્નનો કેટલો વિરોધ કરેલો એ કહ્યું, ઘરમાં કેટલા દિવસો સુધી કલેશ ચાલેલો એ બધી વાત સવિસ્તાર કહી સંભળાવી. હું હવે ભયથી ધ્રૂજવા લાગી હતી. કંઈ બોલવાનું મને સૂઝતું નહોતું. ક્યાંય સુધી જમીનમાં આંખ ખોડી ચૂપચાપ બેસી રહી. હવે શું થશે? તબિયત કેટલી હદે બગડી હશે? સુધારો શક્ય હશે કે નહિ? કાંઈ અણઘટતું બનશે તો? એવા સ્પષ્ટઅસ્પષ્ટ વિચારે હું કંપતી હતી, પરંતુ મારા પતિએ મને દગો દીધો છે કે મારાં સાસુસસરાએ મારાં માતાપિતાને ફસાવ્યાં છે; એવા વિચારો તો મને આવ્યા જ નહિ ! દાદીમાએ સતી સાધ્વીઓની વાતો કરેલી, સતી સાવિત્રીએ પોતાના પતિને યમના મોંમાંથી કેવી રીતે છોડાવેલા અને બીજી એક સતીએ રોગીષ્ટ પતિની એકનિષ્ઠાથી સેવા કરી પ્રભુની કૃપા કેવી રીતે મેળવેલી, એ બધું મને યાદ આવવા લાગ્યું. મારા અવિકસિત મનમાં મારા પતિને ગંભીર રોગમાંથી મુક્ત કરવાનો જાણતાં-અજાણતાં નિશ્ચય થઈ ગયો. મને ચૂપ બેઠેલી જોઈ એમને બહુ લાગી આવ્યું. એમનો આત્મા ડંખતો હોય એવી વેદના મુખ ઉપર ફરી વળી, હૃદયભાર અસહ્ય થઈ પડ્યો ત્યારે એમણે જોશમાં આવી જઈ મારા બંને હાથ પકડી લીધા ને ઉશ્કેરાટમાં બોલવા લાગ્યા : ‘મારો ગુનો અક્ષમ્ય છે છતાં મને માફ કર, હું તને મારા દિલની આગ કેમ કરી બતાવું? પિતાના ડરથી ને કુળની આબરુ જાળવવા આ પાપ મેં કર્યું છે.’ એમણે ઉશ્કેરાટમાં કપાળ કૂટ્યું, હું ભડકી ગઈ. ઝડપથી એમના હાથ મેં પકડી લીધા, બોલતાં અટકાવવા એમના મોં પર મારો નાનો નબળો હાથ દાબી દીધો અને પથારીમાં સૂઈ જવા વીનવ્યા. એમને મેળવવાથી હું ઘણી ખુશ છું તે બતાવવા મુખ પર સ્મિત લાવી એમના વાળમાં આંગળા પરોવી મેં રમત કરવા માંડી. મારા મનની સાચી સ્થિતિ તો જગન્નિયંતા સિવાય કોણ જાણતું હતું? તે દિવસે મોડી રાત સુધી અમે જાગ્યાં – કેમે ય કરી એમના બળતા જીવને હું શાતા આપી શકી નહિ. છેવટે મેં મારા સોગંદ આપી ઊંઘી જવાની વિનંતિ કરી ત્યારે તેઓ મહાપરાણે ઊંઘી શક્યા. પછી તો અમારા દિવસો ઠીકઠીક પસાર થયા. મારા મન પર એમની માંદગીનો બોજ હતો અને મને એ ઠીક રીતે સતાવ્યા કરતો હતો, પણ મેં એમને એ કદી દેખાવા દીધું નહિ. હું ખૂબ જ સુખી અને આનંદી છું એમ એ જોઈ શકે અને સમજી શકે તેવું મારું વર્તન મેં રાખ્યું. તેઓ ક્યારેક ઉદાસ થઈ જાય તો ખોટો રોષ કરીને એમને આનંદમાં લાવવાની જવાબદારી પણ મેં મારા પર લઈ લીધી અને અમારા દિવસો સુખચેનમાં પસાર થવા લાગ્યા. પણ વિધાત્રીએ સમાજમાં દાખલો બેસાડવા મને જ હાથમાં લીધી હશે અને એના ખેલ મારી દ્વારા જ ખેલવા માગતી હશે તેથી લગ્ન પછી છ-આઠ મહિનામાં જ એમની માંદગી વધી પડી ! મીરજ ને ધરમપુર, પંચગની ને ગામ-પરગામ, ને એમ કેટકેટલી જગાએ મારા સસરાએ એમને લઈને દોડાદોડી કરી. મારે તો ઘરમાં ભગવાન પાસે પ્રાર્થના કરતાં બેસી રહેવાનું હતું, એટલે દિવસે ઘરકામ અને રાતે ઈશ્વરને પ્રાર્થના એ મારો નિત્યનો કાર્યક્રમ બની ગયો હતો. દાદીમાએ સત્યવાન-સાવિત્રીની વાત મગજમાં એવી ઠાંસીઠાંસીને ભરી હતી કે મારા સત્યવાનને યમના હાથમાંથી છોડાવવા મેં પણ કમર કસી. કેટલીય રાતના અખંડ ઉજાગરા કરી પ્રભુને રીઝવવા તપ કરવા માંડ્યું, પણ મારા તપનું ફળ મને ન મળ્યું અને અચાનક એક દિવસે મોડી સાંજે અશુભ સમાચાર આપતો સસરાનો તાર આવી પડ્યો. ઘરમાં રડારોળ થઈ પડી. હું તો એમને પાછા લાવવા વિશેની મારી શ્રદ્ધામાં અચળ બેઠી હતી ત્યાં આ સમાચાર આવ્યા એટલે મારે માટે તો એ એક વજ્રઘાત સમા નીવડ્યા. માથાં કૂટીકૂટીને અને પછડાટો ખાઈખાઈને મેં મારો પ્રાણ આપી દેવાનો નિશ્ચય કરી લીધો, પરંતુ જેમ એમને પાછા લાવવાનો મારો નિશ્ચય નિષ્ફળ નીવડ્યો તેમ પ્રાણ આપવાનો મારો નિશ્ચય પણ નિષ્ફળ જ નીવડ્યો. ઘરનાં બેત્રણ જણાં સતત મારી ચોકી રાખતાં મારી પડખે બેસી રહ્યાં અને બેચાર દિવસના કાળા કકળાટ પછી મારે શાંત થઈ જવું પડ્યું. વડીલોનો ઠપકો, નણંદોની સહાનુભૂતિ, સખીઓની સમજાવટ એમ એક પછી એક સૌએ મારા ઘવાયેલા અંતરને રૂઝવવામાં ફાળો આપ્યો અને દુઃખનું ઓસડ દહાડા એમ મારું ભયંકર દુઃખ દિવસો જતાં સામાન્ય બની ગયું અને સામાન્ય દુઃખને જીરવતી હું દિવસો વીતાવવા લાગી. એકાદ માસ પછી મને મારા પિતા ઘેર લઈ ગયા, ત્યાં પણ એ લોકોએ સાંત્વન આપવા પુષ્કળ પ્રયાસો કર્યા અને આ રીતે મારું હૈયું હળવું બન્યું. મારા પિતા તો મને ફરી અભ્યાસ કરાવવાના મતના હતા. એમણે મારા સસરાને પત્ર પણ લખ્યો કે જો તેઓ રજા આપે તો પિતાજી મને ભણવા મૂકે અને એ રીતે મારું ભાવિ સુધરે તથા દુઃખ વિસારે પડે, પણ મારાં સાસુને આ વાત બિલકુલ રુચી નહિ, એ રીતે ઘરની આબરુ ગુમાવવા તેઓ તૈયાર નથી એમ જણાવી મને સાસરે તેડાવી લીધી. હું પણ એમના વર્તન માટે ખાસ દુઃખ પામ્યા વિના ત્યાં પહોંચી ગઈ અને ઘરની ઘરેડમાં પડી ગઈ. ઘરમાં હવે દિયર-નણંદો યુવાન થઈ ગયાં હતાં, હું પણ દુઃખમાં હોવા છતાં ય મારી યુવાનીને દબાવી નહોતી શકી. મારું રૂપ અને મારું યૌવન એનું કાર્ય કર્યે જતાં હતાં. કુમારિકા નણંદોની સાથે હરોળમાં ઊભી શકું એવી મારી તંદુરસ્તી અને રૂપ બંને હતાં, પરંતુ મારાં ને એમનાં જીવન જુદાં હતાં. તેઓ આખો દિવસ બહાર હરવાફરવા જઈ શકતાં, ઓસરીમાં હીંડોળે બેસી સખીઓ સાથે ગામગપાટા મારી શકતાં, ચાંદની રાત્રે ફળીમાં સરખેસરખાં મળી ગરબા-રાસની રમઝટ બોલાવી શકતાં અને વારેતહેવારે સારામાં સારાં વસ્ત્રો અને આભૂષણોથી એમના રૂપને સોહામણું બનાવી શકતાં. આવા બધા સમયે મારે તો રસોડામાં કે ઓરડામાં જ ભરાઈ રહેવું પડતું. મારા સસરા કે કોઈ પણ પુરુષ વર્ગનું માણસ બહાર હોય એટલે મારાથી બહાર નીકળાતું નહિ અને આનંદ-પ્રમોદ તો એક વિધવાથી કેમ થઈ શકે? ઘરનાં સૌએ વિધવાથી આનંદ ન થાય એ વાત સામાન્ય ગણી સ્વીકારી લીધી હતી એટલે આવા પ્રસંગોમાં મારી ગેરહાજરી કોઈને સાલતી નહિ. તેમ જ મને પણ એ વાતનું બહુ ઝાઝું દુઃખ નહોતું. દાદીમાએ સતીઓની વાર્તાઓમાં પતિના જવા પછીના સ્ત્રીના શા ધર્મો હોય તે પણ શિખવાડેલું હતું એટલે મારું એક મન આનંદ ભોગવવા ઉત્સુક બનતું, તો બીજું વધુ ડાહ્યું મન એ મનને તમાચો મારીને બેસાડી દેતું : ‘આવી પાપી ઇચ્છા કેમ થાય છે?’ એમ કહી એ તરફ જોવાની પણ આંખને ના પાડી દેતું... પછી તો હું મારા ઓરડાનાં બારણાં બંધ કરી પડી રહેવાનું જ યોગ્ય ધારતી. પરંતુ મારી સૌથી નાની નણંદ અને નાના દિયર મારા પ્રત્યે બહુ વહાલ રાખતાં. એમને આવા આનંદના પ્રસંગોએ મારી ગેરહાજરી સાલતી અને સમજાતી નહિ. એટલે એમને જ્યારે ખ્યાલ આવે કે હું ઉપર જઈ બારણાં બંધ કરી બેસી ગઈ છું, ત્યારે તે બેમાંથી એકાદ તો ઉપર દોડ્યું જ આવતું. હું હંમેશ માથું દુખવાની કે એવાં જ કોઈ ખોટાં બહાના કાઢી એમને સમજાવી દેતી. મારી નાની નણંદ તો ક્યારેક હું વાળ ધોઈ ઉપર મારી ઓરડીમાં બારીએ જઈ સૂકવતી ઊભી હોઉં ત્યારે મને જોઈ જ રહેતી અને ઘરમાં સૌથી સુંદર હું જ છું એમ કહી મને વળગી પડતી. આવી સુંદર ભાભી હોવા છતાં વેણી કેમ નથી પહેરતી? કાનમાં લટકણિયાં ને હાથમાં કંકણ શા માટે નથી રાખતી? કપાળમાં જુદીજુદી જાતની બિંદી કેમ નથી ચીતરતી? આટઆટલા રેશમી અને બનારસી સાડીના ઢગ પડ્યા હોવા છતાં સાદી પટીવાળી જ સાડી કેમ પહેરે છે? એવા પ્રશ્નો એને ઉદ̖ભવ્યા જ કરતા ને તે મને પૂછ્યા કરતી. એક દિવસ તો એણે ભારે કરી, એની શાળામાં કાંઈક ઉત્સવ હતો. ઘેરથી એને શણગાર સજીને જવાનું હતું. માથામાં વેણી નાખીને નાની ટીપકીઓવાળો કળામય ચાંદલો કરવાનો હતો. મોટી નણંદો આઘીપાછી હતી એટલે એ મારી પાસે આવી. મેં એના ગોરાગોરા લલાટ પર શોભે એવો કમળનો ચાંદલો કરી આપ્યો. એ તો ખૂબ ખુશ થઈ, પણ એ ખુશીના બદલામાં એણે જે મારી પાસે માગ્યું તે મને જીવનભર યાદ રહી જાય અગર તો ભારે પડી જાય એવું હતું. એણે તો હઠ લીધી, કોઈ પણ ભોગે એ મારા કપાળમાં ચાંદલો કરવા માગતી જ હતી. મેં ઘણું સમજાવી, સાસુની બીક બતાવી પણ ન માની તે ન જ માની. આખરે ઓરડાના બારણાં બંધ કરી એને મારા કપાળમાં બિંદી કરવાની મેં છૂટ આપી. એણે પોતાના નાજુક હાથથી કેરીની રેખા ને ઉપર ત્રણ ટપકાં એવી બિંદી પાડી ને મારી સામે એ ઊભી રહી. બિંદીથી શોભતું મારું લલાટ જોઈ એ એટલી ખુશ થઈ કે નાચવા જ લાગી અને બારીમાં પડેલ અરીસો મારી સામે ધરી આવું સુંદર મુખ અસુંદર રાખવા માટે મને ઠપકો આપવા લાગી. હું ખોટું નહિ કહું, મને પણ આવું બિંદીથી શોભતું લલાટ ગમી ગયું. હું જાણે એ સૌંદર્યના પ્રેમમાં પડી ગઈ, મારું આવું સુંદર લલાટ શું મારે હંમેશ અસુંદર જ રાખવું પડશે? એવી ચિંતાની એક ઝીણી લહરી મારા મગજમાંથી પસાર થઈ ગઈ, પરંતુ તુરત જ સ્વસ્થ થઈ મેં બિંદી ભૂંસવાની ચેષ્ટા કરી, પણ મીનાએ મારો હાથ પકડી રાખ્યો અને બધાને બતાવવું છે એવો આગ્રહ કરી બારણું ખોલવા દોડી. હજુ તો એ બારણું ખોલી બીજી બહેનોને બૂમ પાડે ત્યાં મેં કપાળ ભૂંસી નાખ્યું ને રોષનો દેખાવ કરી મીનાને ઠપકો આપતી હું દાદર ઊતરી રસોડામાં ચાલી ગઈ, પરંતુ તે દિવસ અને તે આખી રાત, સ્વપ્નમાં પણ, હું મારા બિંદીથી ઓપતા લલાટને ભૂલી ન શકી. બિંદીવાળા બનાવ પછી મારું મન અગમ્ય રીતે બીજી જ દિશામાં કામ કરવા લાગ્યું અને કોણ જાણે કેમ હું મારા એ મનથી અંદર ને અંદર ડરવા પણ લાગી. ક્યારેક હું આનંદને હેલે ચડી જતી. મને રંગબેરંગી કપડાં અને સુંદર આભૂષણોથી ઓપતી કલ્પવા લાગતી, ફૂલના ગુચ્છો વેણીમાં પરોવી બગીચામાં કિલ્લોલતી નિહાળવા લાગતી ને બીજી જ ક્ષણે ભયથી ધ્રૂજતી હર્ષથી ઊછળતા હૃદયને કચડી નાખવાની કોશિશ કરતી. સમજ ન પડી, મારું અંતર આમ કેમ ઊડવા લાગ્યું છે? મારું દિલ આમ કેમ બેકાબૂ વિહરવા લાગ્યું છે?... પણ કલ્પનાનો આનંદ અને કલ્પનાનો ભય એમ બે જાતની વૃત્તિઓ વચ્ચે હું ભીંસાવા લાગી. એવામાં વળી એક બીજો પ્રસંગ બની ગયો. સાતમ-આઠમના તહેવારો હતા. ઘરનાં સૌ નવાંનવાં કપડાં-દાગીના પહેરી મંદિરે ગયાં હતાં. ઘરમાં માત્ર એકલી હું જ હતી અને સાતમના મળે જઈ આવેલી નણંદોનાં નવાં કપડાંની ગડી કરી વ્યવસ્થિત કરતી હતી. કોણ જાણે ક્યાંથી મારા મનમાં એ ઝળહળતી લીલા રંગની સાડી ઓઢવાનો વિચાર કૂદી આવ્યો. હું ભાનભૂલી બની એ સાડીને કૂંડામાં પડેલું ગુલાબનું એક ફૂલ લઈ ઉપર દોડી. ઘરનાં સૌ હમણાં જ ગયાં હતાં એટલે એમના પાછા આવવા વિશે મને બિલકુલ ડર નહોતો. મારા ઓરડામાં જઈ મેં સાડી પહેરી, માથામાં ગુલાબનું ફૂલ ખોસ્યું અને તે દિવસના જેવી બિંદી પણ કરી... પછી મારા રૂપનીતરતા સૌંદર્યને જોવા ઓસરીમાં રાખેલ કબાટના મોટા અરીસા સામે જઈ ઊભી રહી. અને ખરેખર મારા દેહલાલિત્યને જોઈ હું સાનભાન વીસરી ગઈ ! હું ક્યાં ઊભી છું? કોઈ અચાનક આવી ચડશે તો? એવા કોઈ પ્રશ્નો મને ન ઊઠ્યા, મારા પર જ હું મુગ્ધ બની ગઈ અને નિરાંતથી મારું રૂપ પીવા લાગી. મને સમયનું પણ ભાન ન રહ્યું. કોણ જાણે કેટલો સમય એમ ને એમ ઊભી રહી હોઈશ... ત્યાં બારણે ટકોરા સંભળાયા, મેં શું પહેર્યું છે, મારાથી આવા વેશે બહાર ન નીકળાય, એવી કશી વાત મને યાદ ન આવી અને મેં તો દોડીને ફટાક કરતું બારણું ખોલી નાખ્યું ને એ જ ક્ષણે મને ભાન આવ્યું. હું એકદમ ડઘાઈ ગઈ, ભયથી સંકોચાઈને એક બાજુ સરી ગઈ, ત્યાં સામેથી મીઠો શબ્દ સંભળાયો : ‘એમાં ગભરાવા જેવું કાંઈ નથી ભાભી, કેવાં સુંદર દેખાવ છો તમે ! આટલાં સુંદર તો મેં તમને ક્યારેય નથી જોયાં !’ કહીને મહેંદ્રભાઈ મારી સામે તાકી રહ્યા. હું પણ કંઈક સંકોચાતી છતાં મારી પ્રશંસાથી રાજી થતી એમની સામે ઊભી રહી ગઈ. જેવી રીતે અરીસા સામે ઊભીઊભી હું મારું રૂપ જોયા કરતી હતી, બસ તેવી જ રીતે મહેંદ્રભાઈ મારી સામે આંખની પલક પણ માર્યા વિના તાકી રહ્યા હતા. એમના મોં ઉપર કેવો આનંદ હતો ! કેવો સ્નેહ હતો ને કેટલું આશ્ચર્ય હતું ! મારા મનને સંતોષ થયો. આટલી પ્રશંસાથી આજ સુધી મારી સામે જાણે કોઈએ જોયું જ નથી એમ મને લાગ્યું... અને એ મારા અંતરના કો’ક સ્વજન હોય એવો મને ભાસ થયો, પણ આ બધું બે-ચાર મિનિટ. પાંચમી મિનિટે તો હું દોડીને મારા ઓરડામાં ભરાઈ ગઈ, કપડાં બદલીને મૂળ સ્વરૂપ ધરી પાછી આવી અને મેં મહેંદ્રભાઈને આવકાર આપ્યો. મહેંદ્રભાઈ મારા પતિના ખાસ મિત્ર હતા. અમારા ત્રણે વચ્ચે સારો સ્નેહ હતો અને મારા પતિની વિદાય પછી પણ અમારા કુટુંબ સાથે એમણે સંબંધ જાળવી રાખ્યો હતો. મહિને-પંદર દિવસે ઘેર આવી બે ઘડી બેસી જતા. આથી વધારે અમારે કોઈ ખાસ સંબંધ નહોતો. તેઓ અપરિણિત હતા એટલે મારા પતિ ઘણી વાર મશ્કરી કરતા ને એમને માટે મારાથી પણ હોશિયાર ને સુંદર કન્યા શોધી લાવવાનું મને ફરમાન કરતા, પણ એ તો માત્ર મજાક જ રહેતી. મહેંદ્રભાઈના આદર્શો કોણ જાણે કેવા હતા કે એમની લગ્નની બાબતમાં તેઓ કોઈને માથું મારવા દેતા જ નહિ ને એ રીતે તેઓ તો હજી પણ અપરિણિત જ હતા. એમના ચરિત્રની છાપ અમારા ઘરમાં અને સમાજમાં એટલી સારી હતી કે વિધવા ભાભીની ખબર કાઢવા આવતાં એમને કોઈ રોકતું નહિ; એટલું જ નહિ પણ ઘરનાં સૌ એમનું સન્માન કરતાં. જ્યારે કપડાં બદલીને હું ફરી મહેંદ્રભાઈ પાસે આવી, ત્યારે તેઓ કશું બોલ્યા નહિ, પણ એમના મોં પર કરુણા ઊપસી આવી. આવ્યા એ સમયનો એમનો આનંદ અને હાસ્ય ઊડી ગયાં. થોડી વાર મૌન રાખી એમણે ઊઠવા માંડ્યું. મારાથી રહેવાયું નહિ એટલે હું પૂછી બેઠી, ‘કેમ મારો આ વેશ તમને ન ગમ્યો?’ ‘એમાં ગમવા ન ગમવા જેવું તો શું છે? પણ મને થાય છે કે આવાં બંધન શા માટે?’ બસ આટલું જ, એક સાધુ પુરુષની જેમ ઉચ્ચારીને એમણે વિદાય લીધી. ત્યાર પછી મારું મન ઘરકામમાં ચોંટ્યું નહિ. મારી નજર સામે એમનો પ્રથમનો હસતો પ્રફુલ્લિત ચહેરો અને વિદાય વેળાનો દુઃખથી કરમાયેલો ચહેરો વારંવાર તરતો હતો... અને અચાનક મારા હૃદયમાંથી સ્નેહની એક સરવાણી ફૂટી નીકળી; પછી તો પ્રયત્નપૂર્વક મારી ઊર્મિઓને દાબી હું ગૃહકાર્યમાં પરોવાઈ ગઈ. તે દિવસ પછી મહેંદ્રભાઈના આગમન માટે મારી ઇંતેજારી વધી પડી. ઓસરીનો પેલો કબાટ અને અરીસો, આ ઘરમાં હું પ્રવેશી ત્યારથી જ હતા, પણ કદી તેમાં જોવાની તાલાવેલી મેં સેવી નહોતી; તે હવે આવતાં ને જતાં એમાં હું મને જોવા લાગી. મારાં કપડાં તો વ્યવસ્થિત છે ને? વાળ તો વિખરાયેલા નથી તો? મોં પર કશા ડાઘડૂઘ તો નથી લાગી ગયા ને? મોં પર અણગમો કે વિષાદ તો નથી ને? આવા કંઈ અવનવા, મેં ક્યારેય નહિ કલ્પેલા વિચારોથી હું અરીસામાં મારું નિરીક્ષણ કરવા લાગી; અને જ્યારે બીજી વાર મહેંદ્રભાઈ મળવા આવ્યા ત્યારે જિંદગીમાં કદી નહિ અનુભવેલો ક્ષોભ મારા હૈયા પર લદાઈ ગયો. એમને મળવાની, એમની સાથે વાતો કરવાની એક અદમ્ય લાગણી... પણ એમની સામે કઈ રીતે બેસી શકાય? કેમ બેસી શકાય? ...મારા હૃદયના ધબકારા વધી પડ્યા, સમસ્ત શરીરનું લોહી એકી સાથે મોં પર ધસી આવ્યું, મારો સંકોચ અને મારી લાગણી પામી ગયા હોય તેમ મહેંદ્રભાઈએ મારો સંકોચ છોડાવવા હસીને કહ્યું : ‘કાં ભાભીસાહેબ ! કોઈક વાર આવીએ તો યે આવકારની ફુરસદ મળતી નથી? ચાપાણી આપશો તો તમને બહુ તકલીફ નહિ પડી જાય !’ છુટકારાનો દમ ખેંચતી હું રસોડામાં ચાલી ગઈ. ચા તૈયાર થઈ ત્યાં સુધીમાં મેં સ્વસ્થતા પ્રાપ્ત કરી લીધી અને મનમાં ને મનમાં મહેંદ્રભાઈની યુક્તિ માટે હસી પણ ખરી. ક્યારેય પાણીનો પ્યાલો તેઓ માગતા નહિ, અત્યારે મને સ્વસ્થ થવાનો સમય આપવા માટે જ એમણે આ યુક્તિ રચી, એ વાત મારાથી છાની ન રહી. ચા પી, બા-બાપુજીને મળી મહેંદ્રભાઈ તો ચાલ્યા ગયા, પણ મારા અંતરમાં એમનું સ્થાન નિશ્ચિત કરતા ગયા. પછી તો તેઓ ઘણી વાર આવે, અમે એકલાં બેસીએ, ક્યારેક એમનાં બહેન મને એમને ઘેર લઈ જાય, એમને ઘેર જાઉં ત્યારે મહેંદ્રભાઈ ખાસ ઘેર રોકાય અને જીવનના આનંદ અને ઉપયોગ વિશે સારી સારી વાતો કરે. મારે ઘરમાં બેસી ન રહેતાં કાંઈક કરવું જોઈએ, જિંદગીને આમ પરાણે કચડી ને વેડફી ન દેવી જોઈએ એમ પણ કહે; પરંતુ એ બધા પાછળ મારા માટેની મમતા છાની ન રહે. એ મમતાનો દોર પકડી ઊંચે આવવાની મારા મનમાં ઇચ્છા થાય, પણ મારા વિચારો અને સ્ત્રીસહજ સંકોચ મને જકડી રાખે. પરંતુ આ બધો સંકોચ બહુ લાંબો ન ચાલ્યો, રોજેરોજની અંતરની વ્યથા અને ઉમંગો દબાવવાનું મારા માટે અશક્ય બન્યું. છેવટે એક દિવસ સાંજે ગાડી કરીને મેં મહેંદ્રભાઈને ઘેર જવાનું નક્કી કર્યું. ત્યાંથી કોઈ મને તેડવા આવ્યું નહોતું એટલે ઘરમાંથી નીકળવાનું જરા મુશ્કેલ હતું, પરંતુ મહેંદ્રભાઈનાં બાની તબિયતનું બહાનું કાઢી હું નીકળી ગઈ. અંતરમાં ઊર્મિઓ ઊછળતી હતી, એને કાબૂમાં રાખવી મુશ્કેલ હતી. માનસિક તરંગોના વહેણમાં તણાતી હું ક્યારે મહેંદ્રભાઈના બારણે આવી ઊભી એનો ય મને ખ્યાલ ન રહ્યો. નીચે માજી બેઠાં હતાં, એમના આવકારનો જવાબ આપ્યો ન આપ્યો ને ઉપર મહેંદ્રભાઈ એમની ઓરડીમાં બેઠાબેઠા છાપું વાંચતા હતા ત્યાં જઈ એમના પગમાં હું આળોટી પડી ! મારો અંબોડો છૂટી એમના પગ ઉપર પથરાઈ ગયો. આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. ધ્રુસ્કે-ધ્રુસ્કે રડીને હૈયાભાર ખાલી કરવા સિવાય એ વખતે હું કાઈ જ જાણતી નહોતી ! પણ મહેંદ્રભાઈ બધું જાણતા હતા. એમને મારી હૃદયઊર્મિનાં દર્શન થઈ ગયાં હતાં, એમના દિલે એનો પડઘો પાડ્યો હતો, પરંતુ મારા પોતા તરફથી કાંઈ સૂચન ન થાય ત્યાં સુધી મૌન સેવી હૃદય પર શિલા ઢાંકી રાખવાનો એમણે નિર્ણય કર્યો હતો. એમણે સ્નેહથી થોડી વાર મને પંપાળ્યા કરી અને રડવા દીધી. પછી મને બેઠી કરી. મારું માથું ખોળામાં લઈ પંપાળવા લાગ્યા. હું બેસી જ રહી. બેઠી હતી ધરતી પર પણ મસ્તક એમના ખોળામાં હતું; ઉપર એમનો સ્નેહનીતરતો હાથ ફરતો હતો. મારી આંખો બંધ હતી. હું અપાર સુખ અને શાંતિનો અનુભવ કરતી હતી. કલ્પનાતીત સુખ મળ્યાના સંતોષથી હૃદય છલકતું હતું. થોડી વાર આ રીતે સાંત્વન આપ્યા પછી એમણે ધીમેથી કહ્યું : ‘ચાલ, બાના આશીર્વાદ લઈ આવીએ !’ ... હું ગભરાઈ ઊઠી, ભયથી મેં પૂછ્યું, ‘બા, નારાજ નહિ થાય?’ ‘નારાજ?’ તેઓ હસ્યા ને એમણે હાથ ઝાલી મને બેઠી કરી. યંત્રવત્ હું એમની પાછળ ચાલી. બાના ચરણમાં અમે બન્નેએ મસ્તક નમાવ્યાં ત્યારે તેઓ આશીર્વચન આપતાં બોલ્યાં : ‘લગ્ન કરીને સુખી થાઓ.’ બીજે દિવસે પાંચસાત મિત્રોની હાજરીમાં એક વિદ્વાન પંડિતને બોલાવી અમે લગ્ન કરી લીધાં. સાસુ-સસરા નારાજ થયાં, બા-બાપુજીએ આંસુ સાર્યાં, છતાં આશીર્વાદ આપવા આવ્યાં. દાદીમા પથારીવશ હતાં તે આ વાત સાંભળીને થોડી વાર મૂર્છિત બની ગયાં. ઉલ્લાસનાં મોજાં ઉછાળતાં આવ્યાં એક મારાં મીનાબહેન ને બીજા નાના દિયર. એ વખતે મેં લીલી સાડી પહેરી હતી, લલાટમાં તે દિવસના જેવી જ બિંદી કરી હતી અને મુખ ઉપર તો સ્મિત રેલાતું જ હતું. મીનાબહેન મને ભેટી પડ્યાં. એમની આંખમાં હર્ષના આંસુ આવ્યાં ને હાજર રહેલા સૌનાં હૈયાને તેનો સ્પર્શ થયો. મહેંદ્રની આંખો પણ એ વખતે ભીની થઈ ગઈ હતી.

વાર્તા અને વાર્તાકાર :

લાભુબહેન મહેતા (૧૭-૧૨-૧૯૧૫ થી ૦૭-૦૪-૧૯૯૪)
વાર્તાકાર, ચરિત્રકાર, બાળસાહિત્યકાર, અનુવાદક

ત્રણ વાર્તાસંગ્રહ :

1. શોધને અંતે (1940)
2. બિંદી (1955) 15 વાર્તા
3. મોનીષા (1970) 23 વાર્તા

‘બિંદી’ વાર્તા વિશે :

1955માં ‘બિંદી’ વાર્તાસંગ્રહ બહાર પડ્યો છે એનો અર્થ વાર્તાઓ 1955 પહેલાં લખાવાની શરૂ થઈ હશે. આ સમયગાળાની અન્ય લેખિકાઓ કરતાં લાભુબહેનની કલમ ભાષાશૈલી અને અભિવ્યક્તિ – બંને દૃષ્ટિએ વધારે પરિપક્વ લાગે. વાર્તા એટલે માત્ર સપાટ કથન, ઘટનાઓનું બયાન, કિસ્સો નહીં એવી સ્પષ્ટ સમજ એમની ‘બિંદી’ વાર્તામાં દેખાય છે. યૌવનમાં પગ માંડતા જ નાયિકાના લગ્ન થાય. પતિ યુવાન, સોહામણો પણ ક્ષયનો દર્દી છે. એની લાખ ના પાડવા છતાં ઘરના લોકોએ પરાણે પરણાવ્યો છે. સમજુ પતિ પત્નીથી દૂર જ રહે છે. ઘરના લોકો વહુને હથેળીમાં રાખતાં. પતિનું મૃત્યુ થયું એ પછી પિતા ફરી ભણવા માટે કહે છે પણ સાસુ ના પાડે છે. અહીં સુધીનું કથન સીધું છે. પણ પછી આ વિધવા સ્ત્રીનું મનોમંથન પ્રગટ થયું છે. પોતાની અંદર ઊઠતાં લાગણીઓના તોફાનને નાયિકા પોતે વ્યક્ત કરે છે. સરખી ઉંમરની નણંદોના વસ્ત્રાલંકારોની સામે એનો વિધવાવેશ. નાની નણંદે એકવાર હઠાગ્રહે એની પાસે કપાળમાં બિંદી કરાવી અને પોતે જ પોતાના રૂપ પર વારી ગઈ. બિંદીથી શોભતા પોતાના કપાળને એ ભૂલી નથી શકતી. લાગણીઓને કચડી નાખવાની, વૃત્તિઓને દાબવાની કોશિશ છતાં ‘મારું અંતર આમ કેમ ઊડવા લાગ્યું છે? મારું દિલ આમ કેમ બેકાબૂ વિહરવા લાગ્યું છે?’ એવો જાતને પ્રશ્ન કરે છે. એક દિવસ ઘરમાં એકલી પડી ત્યારે રંગીન વસ્ત્રો ધારણ કરી અરીસા સામે ઊભી રહે છે અને પોતાના સૌન્દર્યમાં ડૂબી જઈ સમયનું ભાન ભૂલી જાય છે. એના એ જ વેશે બારણું ખોલવા દોડી ગઈ તો બારણે ઊભેલો પતિનો મિત્ર મહેન્દ્ર એને તાકતો રહી જાય છે. મહેન્દ્ર માટે જાગી ઉઠેલી ઊર્મિઓ પછી જ્યારે એ નથી રહી શકતી ત્યારે મહેન્દ્રને ત્યાં જઈ એના પગમાં માથું મૂકી રડી પડે છે. મહેન્દ્ર તૈયાર થાય પરણવા એની નવાઈ ન લાગે પણ મહેન્દ્રનાં બાએ પણ લગ્ન માટે આશીર્વાદ આપ્યા ! વિધવાવિવાહ સુધીની વાત તો ગળે ઉતરે પણ પેલી વૃદ્ધ સ્ત્રી હસીને આશીર્વાદ આપે એ વધારે મહત્ત્વની વાત છે. વાર્તામાં કોઈ જગ્યાએ પ્રચારાત્મકતા નથી પ્રવેશી. નાયિકાને કથાનો દોર સોંપીને લેખિકા બાજુ પર ખસી ગયાં છે. ભૂલમાંય એમણે કશે વાર્તામાં દખલ નથી દીધી.

અન્ય સારી વાર્તાઓ :

પ્રેમની વિદાય, અનવરચાચા (ભારતના ભાગલા વિશેની), બે આંખનું સ્મરણ