નારીસંપદા : ટૂંકી વાર્તા/બંધાણી
વસુબહેન ભટ્ટ
જેટલું કહેવું હતું તેટલું કહી નાખી જદુકાન્ત ઊભા થયા. નરેન બેસી જ રહ્યો. નીચી નજરે અંગૂઠાથી ફરસ પર લસરકા એણે દોર્યા જ કર્યા. ‘તારે મૂંગામૂંગા ધાર્યુ જ કરવું હોય તો...’ કહેતા જદુકાન્ત બારણા તરફ વળ્યા, પણ એમની ઇચ્છા જવાની નહોતી; બારણું પકડી એ ઊભા રહ્યા. એમને જવાબ જેઈતો હતો, પરંતુ મળતો ન હતો. 'શું કારણ છે તે તો ભસી મર...! કે બસ મૂંગા રહી બીજાને ગૂંગળાવી મારવા છે?’ આવું આવું તો એ કેટલુંય બોલી ગયા હતા. ફરી સંભળાવવાની ઈચ્છા પણ નહોતી. ગળું સુકાઈ ગયું હતું; જીભ કોરી પડી ગઈ હતી; અને મગજ એની એ વાતથી ભમવા માંડયું હતું. આટઆટલું, અનેક રીતે કહેવા છતાં, જેને આધારે પોતે આગળ વધી શકે એવી એક પણ કડી એમને લાધી નહીં. આખી વાત જ ધડમાથા વગરની નીકળી હોત તો તો એમને પ્રશ્ન જ ન હતો; પરંતુ સાંભળેલી વાતો અફવા નહોતી, સાચી હતી. ખુદ નરેને પોતે ડોકું ધુણાવી હા કહી એટલે તો છેડાઈને એમણે કહેલું : ‘દશશેરિયો ધુણાવી હા કહે છે, તો કારણ શું છે? શાલિની નથી ગમતી, તે આ બધા ખેલ માંડયા છે? એવું શું બન્યું છે કે આવી ડાહી વહુને છોડી પેલી ભટકેલી પાછળ ભમવા માંડયું છે? હા, એનો કંઈ વાંક-ગુનો હોય, કસૂર હોય તો કહે. ઊંચા સાદે કંઈ બોલી હોય, અણબનાવ થાય એવું કંઈ થયું હોય, તો ચાલ ભાઈ, તારું કહેવું સો ટકા સાચું માન્યું. પણ કંઈ બોલ તો ખરાં, કે રગ હાથ લાગે? તારાથી એને કહી ના શકાતું હોય તો હું કહીશ, તારી મા કહેશે, પણ મોંમાંથી હરફ તો ઉચ્ચાર! લોકો તો જાત- જાતના અને ભાતભાતના ગપગોળા ફેંકે છે એ સાંભળીને આ હૈયું ચિરાઈ જાય છેને, એટલે આટલી પળશી કરું છું! તારી માથી તો આવી વાતો મનાતી જ નથી. શાલિની જોડે બોલતો નથી, એના હાથનું રાંધેલું ખાતો નથી, હાડછેડ કરે છે, વાતેવાતે ઉતારી પાડે છે અને એક ઘરમાં રહેવા છતાંય... લોકોના મોંએ કંઈ ગયણું બંધાય છે? કેવી રૂપાળી વહુ છે! તમને ખાસ્સી ગમતી'તી ને પરણવા તળેઉપર થઈ ગયા હતા ત્યારે તો પરણાવી છે. અમારી માફક નહોતું કે, ભાઈ જેને પરણ્યા તે બૈરી! તોય અમે કેવો સંસાર નભાવ્યો! તમને ગમી ત્યારે નક્કી કર્યું, ને મન માન્યું ત્યારે પરણાવ્યા. રૂપાળી છે, નમણી છે, સ્વભાવે શાંત, ડાહી ને કહ્યાગરી છે. કોઈ દહાડો ઊંચે સાદે બોલવું નહીં કે મન ફાવે તેમ વર્તવું નહીં. કેવી ઠાવકી અને કરેલ છે! ભણેલીગણેલી છે, છતાંયે એ વાતનું ગુમાન નહીં. શરીરેય માંદલી નથી, ઘરખર્ચમાં કસર કરે એવી; જરાયે ઉડાઉ નહીં. સ્ત્રીનો એક ગુણ એનામાં ન હોય એવું નથી અને છતાંયે, એક છોકરીના બાપ થયા પછી મોહી પડ્યા છો રંજના પર! મોહી શાના પર પડયા - એનામાં એવું શું ભાળ્યું કે જે આનામાં નથી? ઉપરથી વાને તો સાવ કાળી છે, શરીરે બેવડા બાંધાની, બોલવામાંય તેજ! હા, બે ઘડી હસો-બોલો એની કોઈ ના કહે છે? અમે એવા જૂનવાણી નથી. પણ આ તો વાત એટલી આગળ વધી છે કે એની જોડે રાતો ગાળવી છે અને વહુને આઘી કાઢવી છે. શાલુ તો સારી વહુ છે કે ઢેડફજેતા નથી કરતી, બાકી બીજી કોઈ પૂરી હોતને તો...’ જદુકાન્તને શ્વાસ ચઢી ગયો. નરેન પાસે બેસી એનો ખભો પકડી કહ્યું : ‘અલ્યા, હું તારો બાપ ઊઠીને તને વિશ્વાસમાં લઈ પૂછું છું તેનીય તને કિંમત નથી? પારકા માણસ પાસે મોં ના ખોલે પણ પોતાનાંનેય પેટ ના આપે?' નરેને ઊંચું જોયું. જદુકાન્તને આશા બંધાઈ, પણ એણે તો પાછું પૂર્વવત્ નીચું જેઈ અંગૂઠાથી ફરસ પર લસરકા દોરવાનું ચાલુ જ રાખ્યું. બે ઊભા લીટા દોર્યા. દૂરદૂરથી પાસેપાસે દોર્યા— છેક એકબીજાને અડી અથડાઈ જાય એટલા. એ બધા ઉપર લીટા દોરી ગેળગેાળ ચકરડાં કરી, બધું ભૂંસી નાખ્યું. ત્રિકોણ કર્યો. એમાંથી ચોરસ, અને વળી પાછું ગોળ...ગોળ – અંગુઠો થાકી જાય ત્યાં સુધી એણે કર્યા જ કર્યું. છેવટે એણે બધાં ઉપર એડી ટેકવી ગોળગોળ ફેરવી આંખો મીંચી દીધી – ગોળમાંથી ઊપસી આવતી આકૃતિ, એનાથી જોઈ ના શકાતી હોય એમ. પાણીમાં પથ્થર પડતાં અનેક લહર વર્તુળમાં વિસ્તરે તેમ છૂંદાયેલાં વર્તુળોમાંથી અનેક પ્રસંગોએ એને ઘેરી લીધો : ‘હા... શાલિની મને ગમતી હતી, ખૂબ ગમતી હતી; એટલે તો “શાલુ! શાલુ!” કહેતા જીભ સુકાતી નહોતી. રૂપાળી, સપ્રમાણુ અને સુડોળ. વાતચીતમાં શરમાળ, પણ એ તો દરેક કન્યા શરૂઆતમાં શરમાય - કેટલું બધું શરમાતી હતી! મોં અને કાન લાલલાલ થઈ જાય ત્યાં સુધી!’ ‘લીલી સાડીમાં એનું લાલ મોં! બધી જ છોકરીઓમાં મને એ જ ગમતી હતી. હું કબૂલ કરું છું કે મને એ પસંદ પડી હતી, ગમી ગઈ હતી; મારી મરજીથી, તળેઉપર થઈને, ઘેલાઘેલા થઈને મેં લગ્ન કર્યાં હતા. એટલી જ સાચી વાત એ પણ છે કે એ હજીયે મને એટલી જ ગમે છે એટલું જ નહીં, એને માટે લાગણી પણ થાય છે. એનું દુ:ખ મારાથી જીરવાતું નથી. એનું દુ:ખ ખમાતું નથી, એમ મારું સહેવાતું નથી. સ્વભાવે ઠાવકી, ઠરેલ અને—‘ ‘—અને ઠંડી! કેટલી બધી ઠંડી! બાપાજીને શું કહું? વાત- વાતમાં શરમ, સંકોચ! અરે, શરમેય કોની પાસે! સહેજ ઉમળકાથી આલિંગન આપવા જાઉં કે પેલાં જુનવાણી બૈરાંની માફક ખસી જઈને કહે, “બારી ખુલ્લી છે!” “બારણાં ઉઘાડાં છે!" "બારીબારણાં, ઝાંપા ખુલ્લા છે તેથી શું થઈ ગયું? હું કોઈ બીજાની સ્ત્રીને બાથમાં લઉં છું? જોશે તો જાણશે કે હું ઘેલો છું!” “હા...તમે તો બોલ્યા, મને તો બહાર મોં બતાવતાં જ મરી જવા જેવું લાગે! દિવસરાત જેયા વગર બસ... ' અને મારું સાંભળ્યા વગર એ જતી જ રહેતી. ઘર-કામકાજમાં પરોવાઈ જતી. દિવસનો સંકોચ તો સમજ્યા, પણ આ તો... કદીક આવેશમાં આવી હું એની પાસે સૂઈ જઉં કે તરત - “બારણું બંધ કરો!” “પડદો આડો કરો!" "લાઈટ બંધ કરો !” સાચું કહું છું, કદી આ આંખે ધરાઈને... અરે, કદીક તાનમાં આવી હું લાડથી કંઈ લવી ઊઠું કે તરત જ નાક પર આંગળી દીધી જ છે ને!" “છી... છી... આવું ગાંડુંઘેલું શું બોલો છો! આવું આવું બેબીના કાને પડશે તો એને જન્મથી જ એવા સંસ્કાર પડશે..." બેબી ઉપર ખરાબ સંસ્કારની છાપ પડી જાય એ બીકે એ મોં દાબી દેતી. મારે ઉમળકો પણ ઠરી જતો. ક્યારેક એ પડીપડી બેબીને સુવાડતી હોય, એનો છેડો ખસી ગયો હોય, ત્યારે મને પણ એની ગોદમાં ભરાઈ જવાનું મન થતું. “તમેય શું આમ નાનાં છોકરાંની માફક...!” એ ક્યારેય એનું ઠાવકાપણું છોડી શકતી નહીં, મારા ઊભરાને વધાવી શકતી નહીં. એ ઊંઘવાનો પ્રયત્ન કરતી હોય ત્યારે વધારે મીઠી લાગે છે. એવે વખતે મારામાં કંઈક ઉછાળો આવે કે હું એને ઉમળકાથી ચૂમી લઉં, કે તરત જ એ લજામણીના છોડની માફક સંકોચાઈ જાય, મારી ઉષ્માને આવકારવાને બદલે ઠંડી પડી જાય! એના આવા વર્તનથી ભોંઠો પડી જઈ હું ભીંત સાથે ભટકાઈને પાછો પડ્યો હોઉં ત્યારે એ ઠાવકાઈથી પાસું ફેરવીને કહે, “બહુ ઉજાગરા કામના નહીં. કાલે વહેલા ઊઠવાનું છે. રાતના ઊંઘવાને બદલે ઉજાગરા કરવાના પછી સવારના થાક ના લાગે તો થાય શું?” “ધરાયા હોઈએ તો ઉજાગરાનો થાક ના લાગે, અજંપાનો થાક આખું હાડ ગાળી નાખે છે.” મારી સમજાવટને એ નિરર્થક પ્રલાપ ગણી બાલિશતામાં ખપાવતી. ક્યારેય એ મારી માફક અધીરાઈ દાખવતી નહીં, ક્યારેય ઈચ્છા પ્રગટ કરતી નહીં, ત્યારે મને સાચે જ શંકા જતી... ના, પણ એવુંય નથી. મારે માટે એને લાગણી છે, અનહદ લાગણી છે. મારા આવેગને એના તરફથી આવકાર ન મળતાં હું છેડાઈ જઈને સૂતસૂતો કણસતો હોઉં ત્યારે એ આવીને અડીને બેસતી, પૂછતી: “ ઠીક નથી ? બામ ઘસી આપું?” “ મારે કશું ઘસવું નથી.” “હું તમને ના કહું છું તોય... થાક લાગ્યો હોય શરીરમાં...” “મને થાક નથી લાગ્યો.” હું દાંત પીસીપીસીને બોલું, પણ એ તો એનો જ મત ચાલુ રાખતી – “ આજે ત્રણ જ રોટલી ખાધી. ભાવતું શાક હતું છતાંય ચોથી રોટલી લીધી નહીં. ભાત ચમચો જ લીધો. તમારું ભાવતું કરવા છતાંય..." "શું ભાવતું ને શું ગમતું, ધૂળ...!” હું દાંત પીસીને, હોઠ મરડીને વ્યંગમાં બોલતો, પણ વ્યર્થ. હારીને હું સીધું જ કહી દેતો કે મારે શું જોઈએ છે. “એ શું, દર ત્રીજે દિવસે એની એ જ વાત!" હું રિસાઈ જતો. કેમ જાણે હું ભિક્ષુક હોઉં અને મારી પર મહેરબાની કરીને એ આપતી હોય! અંતે મેં ઈચ્છા વ્યક્ત કરવાનુ જ છોડી દીધું. પણ એની એને ક્યાં પડી હતી? પંદર દિવસ...મહિનો... જાણે કંઈ ખૂટે છે એમ એને લાગતું જ નહીં! હું ભૂખથી વ્યાકુળ થઈ જતો ત્યારે એ તો નિર્દોષ ભાવે કહેતી રહેતી— “હમણાનું સારું વંચાય છે, નહિ! લો આ ટચૂકડી બોધકથા વાંચી જાઓ: સંત તુકારામને કેવી રીતે પ્રભુપ્રાપ્તિ થઈ!” મને આવી વાતોમાં જરાયે રસ પડતો નહીં. ક્યારેક મારી પાસે બેસી એ એકચિત્તે કથા વાંચી સંભળાવતી, ત્યારે એનો સ્પર્શ મને ગમતો. એ સ્પર્શે મારા સંકલ્પમાંથી ચળી જઈને એની એકાગ્રતાનો લાભ હું જુદી રીતે લેતો. કથામાંથી હું વાતને મારી ઈચ્છા મુજબ કુનેહથી વાળતો કે તરત જ- “બીજું કંઈ સૂઝે છે? હરીફરીને...?” “તારા જેવી રૂપાળી પત્ની હોય, એકાંત હોય, પછી એવું જ સૂઝેને! તું જ કહે, બીજું શું સૂઝે?” હું એનો હાથ પકડી મારી તરફ ખેંચતો, એ મારી ભીંસમાંથી છૂટવાનો પ્રયત્ન કરતી – “ધીમે...ધીમે...ઓહ, છોડો! વાગે છે...” બળજબરીથી પકડી રાખવાનો શો અર્થ! હું હાથ છોડી દેતો અને એ હાશ અનુભવતી. મને ચીઢ ચઢવા લાગી. એક નહીં તો બીજા બહાને હું ચીઢ વ્યક્ત કરતો. પણ મારી ચીઢ, છણકા વગેરે બધું એ સહી લેતી, એને મારી પ્રકૃતિનું સ્વાભાવિક પાસું ગણી એ તરફ મુદ્દલ ઉશ્કેરાટ કે ફરિયાદ ન કરતી. મેં એને મારી પાસે બેસાડી. મારા ઉશ્કેરાટનું, ક્રોધનું માનસ-શાસ્ત્રીય કારણ આપી સાથે સમજાવી – “પ્રેમના આવેગ સાથે પતિ, પત્ની પાસે આવે, ત્યારે તેને ઉત્તેજિત કરવાને બદલે ઠંડો પાડવાથી દાંપત્ય જીવન કથળી જાય. હું તો ઈચ્છું છું કે, કયારેક તું પણ મારા જેટલી જ તીવ્રેચ્છા વ્યક્ત કરે; તારી લાગણીનો એવો તો સરસ પડઘો પાડું કે તું બસ..." એ શાંતિથી સાંભળી રહી. મને થયું કે એ ઊંડાણથી કંઈક વિચારે છે. મેં એનો હાથ પકડી પંપાળી એ જ વાત ફરીથી સ્પષ્ટ કરી. એણે આંખો નીચી ઢાળી દીધી. થોડી વારે એમાંથી ઊનાં આંસુ મારા હાથ પર પડ્યાં. મને થયું કે એને મારા કહેવાથી દુ:ખ થયું છે. “આ તો સહેજ તને સમજાવવા, બાકી... ” એ એમ જ બેસી રહી. એક ક્ષણ માટે મને સંદેહ થયો કે, એ બીજા કોઈને પ્રેમ કરતી હશે? પણ એ તો મારી, પુરુષની, પાયા વગરની શંકા જ હતી. એણે મને સ્પષ્ટ જ કહી દીધું હતું કે, એના જીવનમાં હું જ પ્રથમ પુરુષ છું અને એની સચ્ચાઈ વિષે મને અનહદ માન છે. મારી આ શંકાને પોષણ મળે એવું ક્યારેય કશું બન્યું જ નહોતું. સાચે જ, એ મને ખૂબ ચાહે છે. મને પણ એના માટે એટલી જ લાગણી છે. એનાં આંસુ મારાથી સહી શકાતા નથી. મેં એની હડપચી પકડી હસીને લાડથી પાસે લીધી. એનાં આંસુ લૂછવાં. એણે મારા ખભે માથું ઢાળી દીધું. મને ગમ્યુ. થોડી વારે હીબકાં ખાઈ એણે કહ્યું : “ તમે કોઈ ખોટી સોબતમાં ફરતા હો એમ લાગે છે.” એની આ શંકાથી મેં આંચકો અનુભવ્યો, મારા ધાર્યા કરતાં બાજી બીજી તરફ પલટાતી જોઈ મને ચીડ ચઢી. આમ છતાં રાષને કાબૂમાં રાખી ધીમે રહી પૂછયું, “કેમ એમ?" "એવું નહીં હોય તો કોઈ ખરાબ ચોપડીઓ વાંચવા માંડી છે." મારી સમજાવટની નિષ્ફળતા તરફ હું જોઈ રહ્યો. એ દયામણી બની ગઈ. મને એની દયા આવી. હા, એ કહ્યાગરી છે – હું દબાણ કરું તો વશ થાય એવી. પણ... તો પછી મારો આનંદ? હું તો ઈચ્છતો હતો કે, ઉભયને આનંદ થાય - એક આપે અને બીજું લે, એમ નહીં; આપવામાં લેવાનો અને લેવામાં આપવાનો આનંદ. આપીએ છીએ કે લઈએ છીએ તે વિચાર જ અસ્તિત્વ ન ધરાવે; બસ, રસમસ્તીના એ ઘેનમાં જ એકાકાર થઈ જવાય. ઠરેલ, ઠાવકી અને ઠંડા સ્વભાવની કહી બધાં એનાં ગુણુ ગાય ત્યારે મારે એ ગુણોને કારણે ગૂંગળાવાનું, એ આચરણને કારણે આપઘાત કરવાનો... અમને પરણ્યે ત્રણ વર્ષ થયાં. એક સુંદર બેબી પણ છે. આમ છતાં હું અમારાં એકત્વનો સંતોષ કદી પામ્યો જ નથી, એમ કહું તો કોણ માને? મારી ભૂખ પર મને પોતાને ચીઢ ચઢવા માંડી. એની મેળે ભૂખ મરી જશે એવા વિચારે મેં જાત પર દમન શરૂ કર્યું. એ સામે ચાલીને આવે નહીં ત્યાં સુધી માગણી કરવી નહીં એવો દઢ નિશ્ચય કર્યો. પરિણામે મારા સ્વભાવમાં વિકૃતિઓ દાખલ થવા માંડી. હું વાતવાતમાં એને ઉતારી પાડવા લાગ્યો, બેદરકારી બતાવવા લાગ્યો અને અનિયમિત બનવા લાગ્યો. એ દુઃખી થતી હતી, છતાં સ્વસ્થ હતી. એની આ સ્વસ્થતા જેઈ હું વધારે અકડાઈ કરવા લાગ્યો. મારું મગજ ભમતું હતું, હૈયું તલસતું હતું, મન આળું બની ગયું હતું. બસ, એવામાં જ રંજના મારા જીવનમાં આવી. જે હું ઝંખતો હતો તે મારી સામે આવીને મળ્યું. આમ છતાં, હજી આજે પણુ, શાલિની મને વધારે વહાલી છે. એને માટે મારો જીવ ખેંચાય છે, તેમ છતાં પણ, રંજનાની સોબત મને વધારે ગમે છે. મને ખબર છે, લોકોને રંજના ગમતી નથી. કાળી કાળી કહી લોકો એને ઉતારી પાડે છે. કાળી છે, પણ એનો સિક્કો સરસ છે. મને તો ગમે છે, ખૂબ ગમે છે. એનો આવેગ - એણે મને આલિંગન આપ્યું ત્યારે જ મને સ્ત્રીની ઉષ્માનો પ્રથમ પરિચય થયો. એ પકડ જ એટલી મૃદુ અને છતાં એવી મજબૂત હતી કે એમાં બંધાઈ રહેવું ગમે. મેં એને પ્રથમ ચુંબન કર્યું, ત્યારે જે ભાવ અને બોલથી એણે મારું સ્વાગત કર્યું એનું ઘેન તો હજીય ઊતર્યું નથી. મારી ઈચ્છાનો એ એટલો તો સરસ પડઘો પાડતી કે મને એની આદત પડી ગઈ. પછી તો હું ઈચ્છા વ્યક્ત કરું તે પહેલાં જ એ સમજી જાય. હું તોફાન આરંભું તે પહેલાં તો એ પોતે શરૂ કરી દે. એની આવડત, એની શક્તિ અને કુનેહ પર હું આફરીન થઈ ગયો. એકાકાર થઈ જવાનો આનંદ મેં એની સાથે પ્રથમ અનુભવ્યો. મને તૃપ્તિ થઈ. રંજના ધારદાર છે, તીખી પણ છે, એટલે તો હું એને સાચી વાત કહી શકતો નથી. એ મોટા ઘરની સ્વતંત્ર સ્વભાવની તોરી છોકરી છે. એ મને આપે છે, કારણ એને આ સુખ જોઈએ છે. આમ છતાં, મારે એને જે કહેવું છે તે કહી શકાતું નથી. મારો વિચાર મારા લગ્નજીવન વિષે વાત કરી આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દેવાનો હતો. મને થયું કે હવે મને તૃપ્તિ થઈ છે. કહી દેવાને તૈયાર પણ થયો, પરંતુ તૃપ્તિને બદલે ભૂખ ઊઘડી હતી-કકડીને લાગી હતી. અશક્ય...! અશક્ય...! હું બંધાણી બની ગયો છું. એવું અંગુઠાથી 'નશો'... નશો' એમ બે વાર લખ્યું. કહેવું છે પણ કહી શકાતું નથી, બોલવું છે અને જીભ ઊપડતી નથી. એણે આંખ ઊંચી કરી. જદુકાન્ત હજી બારણું પકડીને જ ઊભા રહ્યા હતા— “મૂંગા મરી બીજાને ગૂંગળાવી મારવા છે! ખબર છે, કોઈના પ્રેમને ગૂંગળાવવાથી શું થાય? પ્રેમનો પડઘો ના પડે તો માણસને મરવાનું, આપઘાત કરવાનું મન થાય!” એ ફિક્કું હસ્યો. જદુકાન્તે એમની રીતે એનો અર્થ તારવ્યો અને બારણું પછાડી દાદર ઊતરી ગયા.
❖
વાર્તા અને વાર્તાકાર :
- વસુબહેન ભટ્ટ (૨૩-૦૩-૧૯૨૪ થી ૧૩-૧૨-૨૦૨૦)
6 વાર્તાસંગ્રહ :
- 1. પાંદડે પાંદડે મોતી (1963)
- 2. સરસિજ (1966)
- 3. દિવસે તારા અને રાતે વાદળ (1968)
- 4. માણારાજ (1973)
- 5. ઘડી અષાઢ ને ઘડી ફાગણ (1980)
- 6. બે આંખની શરમ (1996)
‘બંધાણી’ વાર્તા વિશે :
અહીં પસંદ કરેલી વસુબહેન ભટ્ટની ‘બંધાણી’ વાર્તા જરા જુદી ભાતની છે. માત્ર જાતીયભૂખ સંતોષવા માટે પુરુષ બીજી સ્ત્રી પાસે ગયો હોય અને વર્ષો સુધી એ સંબંધ નિભાવ્યો હોય એની વાત કરે છે આ વાર્તા. પત્ની પ્રેમાળ, દેખાવડી, લાગણીશીલ હોય એટલે પતિને ગમે એ વાત સાચી પણ પુરુષને માત્ર પત્નીને જોવાથી કે એના આજ્ઞાકારી હોવાથી સંતોષ નથી થતો. એને જાતીય ભૂખ સંતોષવા માટે હુંફાળી, સાથ આપતી પત્ની જોઈએ. નરેનને શાલિની ગમતી હતી. શાલિનીને એના પ્રત્યે લાગણી છે એ પણ એ જાણતો હતો. પણ... જાતીય ઉમળકા બાબતે એ સાવ ઠંડીગાર... એને એ બધામાં રસ જ નહોતો. નરેન મોઢે ચડીને માંગે તો પણ ‘એ શું, દર ત્રીજે દિવસે એની એ જ વાત !’ કહીને મોઢું ફેરવી લે છે. નરેનનો ગુસ્સો, છણકા બધું એ વેઠી લેતી. નરેન એને સમજાવે છે બેસાડીને... દામ્પત્યજીવન આ રીતે કથળી જાય એવું સ્પષ્ટ શબ્દોમાં કહે છે પણ એના જવાબમાં શાલિની રડવા માંડે છે અને એને પૂછે છે : ‘તમે કોઈ ખોટી સોબતમાં ફરતા હો એમ લાગે છે... એવું નહીં હોય તો કોઈ ખરાબ ચોપડીઓ વાંચવા માંડી છે...’ નરેન હદ બહાર અકળાતો જતો હતો એ દિવસોમાં રંજના એની જિંદગીમાં આવે છે. જાતીયભૂખ બાબતે બરાબર પડઘો પાડે એવી રંજનાએ નરેનને પહેલી વાર સ્ત્રીની ઉષ્માનો પરિચય કરાવ્યો. રંજના દેખાવે કાળી છે, સામાન્ય છે તોય શાલિની જેવી દેખાવડી પત્નીનો પતિ શા માટે બહાર મોઢું મારે છે એ બાબતે નરેનના પિતા એની પાસે જવાબ માગે છે. આવી ગુણિયલ વહુને હેરાન કરવાની? એની સાથે ગમે તેમ વર્તવાનું? જોડો ક્યાં ડંખે છે એની પહેરનારને જ ખબર હોય એમ દામ્પત્યના પ્રશ્નો માત્ર પતિ-પત્ની જ જાણતાં હોય છે. નરેન જાણે છે કે આ સંબંધમાં પ્રેમ નથી, નરી જાતીય ભૂખ છે. એ માનતો કે સંતોષ થશે, તૃપ્તિ થશે એટલે હું આ સંબંધ છોડી દઈશ... પણ એ પોતે જ કબૂલે છે : ‘અશક્ય...! અશક્ય...! હું બંધાણી બની ગયો છું...’ વાર્તા નરેનના ચિત્તતંત્રમાં ચાલતાં મનોમંથન નિમિત્તે આગળ ચાલે છે એટલે એની ભૂખ, એની અકળામણ બધું પ્રતીતિકર લાગે છે. ‘વિવશ’ પણ લગભગ ‘બાંધણી’ જેવી જ વાર્તા છે. જાતીય સુખ અન્ય ભૂખ જેટલું જ જરૂરી છે એવું પત્ની સ્વીકારવા તૈયાર નથી એટલે અન્ય સ્ત્રી પાસે જવું પતિની વિવશતા છે.