નારીસંપદા : ટૂંકી વાર્તા/શમિક, તું શું કહેશે?

From Ekatra Wiki
Revision as of 01:50, 19 September 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
શમીક તું શું કહેશે?

ઈલા આરબ મહેતા

યોગિની ! યોગિની ! સોમવારની સવારે શમીકની બૂમ આખા ઘરમાં ફરી વળી, યોગિની ત્યારે બેડરૂમની બાલ્કની—ખોબા જેવડા બેડરૂમને કપાળે નાની લાલ ટીલડી કરી હોય તેવડી બાલ્કની—માં ઝૂકી પડેલી બદામ વૃક્ષની ડાળીઓ ને પાંદડાં જોઈ રહી હતી. અદ્ભુત કોમળ લાલાશ પડતા એક સાવ કૂણા પાંદડા પર તે હાથ ફેરવવા જતી હતી ત્યાં ફરી શમીકનો અવાજ કાને પડ્યો. યોગિની! યોગિનીનો હાથ સ્થિર થઈ ગયો. ફરી એક બૂમ ને તે દોડતી શમીક પાસે ગઈ અને શમીકના મોં પર હાથ દાબી દીધો. ‘કેટલીવાર કહ્યું કે યોગિની નહીં કહો.' આટલું કહેતાં તેનો અવાજ તરડાઈ ગયો. ચહેરો ક્રોધમાં કે નારાજગીમાં તરડાઈ ગયો. શમીક આશ્ચર્યથી પત્નીને જોઈ રહ્યો. ન સમજતો હોય તેમ. છેલ્લાં દસ વર્ષથી જેને પોતે યોગિની જ કહેતો આવ્યો છે તેને વળી યોગિની’ ન કહેવાની વાત થઈ'તી જ ક્યારે? માત્ર અવાજ કે ચહેરો નહીં, પત્ની જ તનમનથી તરડાઈ ગઈ હોય તેવું એ અનુભવી રહ્યો. ત્યાં યોગિનીય સ્વસ્થ બની. જરા હસવાના પ્રયત્ન સાથે કહ્યું, ‘આટલા નાના ઘરમાં આમ વજનદાર બૂમો પાડો તો પડોશીનેય સંભળાયને? “ગિની એમ આસ્તેથી કહી દેવાનું.' શમીક ઘણું ખરું જે વાત જેમ મળે તેમ સ્વીકારી લેતો હતો. અત્યારેય એટલું જ કહ્યું, ‘ઓ. કે. મારા શર્ટને બટન ટાંકી આપ તો પછી હું નાહવા જાઉં.' ‘હા.’ શમીક બાથરૂમ તરફ ગયો. યોગિની ત્યાં જ ઊભી રહી. ‘આખું ઘર' જોઈ રહી. ‘આખું ઘર' એટલે સાડાચારસો સ્ક્વેર ફીટનો એક બેડરૂમનો ફ્લેટ. નાનું રસોડું, નાની બાલ્કની, પહેલા માળની બાલ્કનીમાં ઝૂકી આવતી બદામના વૃક્ષની ડાળીઓ. શમીકે એક વાર ડાળીઓ કાપી કાઢવા વિશે કહેલું ત્યારે યોગિનીએ એકદમ જુસ્સાથી કહ્યું હતું કે 'અરે હોય! એમ તે કંઈ ડાળીઓ કપાય? વૃક્ષે આ વાત સાંભળી લીધી હોય તેમ ઘણી વાર પોતાનાં મોટાં લાંબાં પાંદડાંઓ બાલ્કનીમાં પસારી દેતું. યોગિની ડાળીઓ પર ને પાંદડાં પર હાથ ફેરવતી. જોકે એકાદ-બે વાર શમીકે યોગિનીની ગેરહાજરીમાં ડાળો કાપી નાખી હતી ત્યારથી વૃક્ષે પણ પોતાની સરહદ નક્કી કરી હતી. વધારે વિસ્તાર માંડી વાળ્યો હતો. વૃક્ષની આ ડાળીઓ, આ બાલ્કની, આ બેડરૂમ સાથેનું આખું ઘર યોગિનીના અસ્તિત્વમાં પતિના અસ્તિત્વની જેમ જ તંતેતંતમાં ગૂંથાઈ ગયું હતું. આટલી નાની બાલ્કનીમાં પ્લાસ્ટિકની ખુરશી પર યોગિની બેસતી ત્યારે આખુંય ઘર જાણે તેના ગળામાં ઝૂલતા મંગળસૂત્રમાંના કીંમતી પેન્ડન્ટની જેમ તેને ગળે ચીપકી રહેતું. રવિવારની સવારે તેઓ આ ઘરનાં ખૂણેખૂણે શ્વસતાં. જીવતાં. યોગિની અને શમીક. સોમવારની સવારે ઘરને પણ ફોલ્ડિંગ પલંગની જેમ ફોલ્ડ કરી દઈ, તેને બાજુ પર મૂકી દેતાં ને સોમથી શનિ ઓફિસ-જીવન શરૂ થતું.

આ ઑફિસ-જીવન એટલે ઘરનો હપ્તો ભરવા, ઘરને ટકાવી રાખવા, તેને પોતાનું કહી જીવી જવા માટેનું જીવન. વારંવાર સંધાવી પહેરાતાં ચંપલોનું જીવન. “યોગિની!” કહેતાં શમીક રસોડામાં આવી પહોંચ્યો. ઘડી પહેલાં જ ‘યોગિની' ન કહેવા માટે તેને કહેવામાં આવ્યું હતું તે યાદ આવ્યું. “ચા તૈયાર છે. થેપલાં સાથે ખાઈ લેજો. હું નાહવા જાઉં છું.’ યોગિનીએ ચા ગાળી લઈ ચા ને થેપલાં બહાર ડાઇનિંગ ટેબલ પર મૂક્યાં. ‘હું… મને શું થઈ ગયું છે?’ “શમીકે ‘યોગિની’ કહ્યું તેમાં… તેમાં કંઈ એનો ઇરાદો થોડો ખરાબ હોય? આઈ મીન, એને તો કંઈ આવી ખબરેય નથી.” તેનાથી એક ઊંડો શ્વાસ લેવાઈ ગયો. શમીકે તેના તરફ જોઈ પૂછ્યું, ‘શું થાય છે? શું થયું?’ ‘શું થયું? કંઈ નથી થયું. તે એકી શ્વાસે બોલી ગઈ. ‘મને એમ કે… હં… ઠીક.’ “હમ્ અચ્છા, તારા ખાતામાંથી બસો રૂપિયાનો ચેક લખી આપ. આ મહિનો ખેંચી કાઢું. આજ જોકે છવ્વીસમી તો થઈ. પણ સ્કૂટીમાં પેટ્રોલ ભરાવવું પડશે. ‘બસો... ઓહ... હા.. નાહીને આપું. તમારી જોડે તો નીકળું છું.” કહેતાં તે બાથરૂમમાં ચાલી ગઈ. નકામી ગભરાઈ ગઈ. કંઈ નથી થયું શમીકની નોકરીને શમીક એક મલ્ટિનેશનલ કંપનીમાં નોકરી કરતો હતો. પોતે મ્યુનિસિપલ ઑફિસમાં કારકુન હતી. એક ઊંડો ભય તેને સતાવ્યા કરતો. શમીકની નોકરી જાય તો ઘરના હપ્તા કેવી રીતે ભરાશે? આજકાલ તો રજા આપી દેતાં વાર નથી લાગતી. આ ઘર અમારું થતાં દસ વર્ષ લાગશે. ભગવાન! ત્યાં સુધી નોકરીઓ ટકાવજે અમારાં બેઉની. નાહીને તેણે પોતેય લૂસલૂસ ચા ને થેપલાં ખાઈ લીધાં, શમીકને ચેક આપ્યો. ઘર બંધ કરી નીચે ઊતર્યાં. 'બારીઓ બંધ કરી?' શમીકે પૂછયું. 'હા, હા. ચાલો, બારીઓ પર ગ્રિલ છે. કોણ ઘૂસી જવાનું છે?' કહી તે સ્કૂટરની પાછળ બેસી ગઈ. નવાં નવાં રહેવા આવ્યાં ત્યારે આવી ફડક મનમાં રહેતી. કોઈ ઘરમાં ઘૂસી જાય, કોઈ તાળાં તોડી ઘરમાં આવી જાય. બે વરસ થઈ ગયાં. છતાં...

ફ્લેટમાં ભલે કોઈ ઘૂસી નથી આવ્યું પણ યોગિની મુનશીની ઓફિસમાં આ કોણ ઘૂસી આવ્યું? કોણ? કઈ રીતે? તે દિવસે ઓફિસમાં પગ મૂક્યો ત્યારે જ તે જરા વાર દરવાજામાં જ સ્તબ્ધ બની ઊભી રહી ગઈ હતી. તેની મ્યુનિસિપલ ઓફિસના એક મોટા કમરામાં હારબંધ ટેબલો હતાં. તેમાં સહુથી દૂર એક મોટું ટેબલ હતું. સાહેબનું ટેબલ. પણ તેની ખુરશી પર તેના ઉપરી કામદારસાહેબ નહોતા બેઠા પણ કોઈ બીજું જ બેઠું હતું. કાળી ફ્રેમનાં ચશ્માં પાછળની તેની આંખો યોગિનીનાં અંગોને ભોંકાઈ. તે મનમાં ને મનમાં સિકુડાઈ ગઈ. સાડીનો છેડો શરીર ફરતો વીંટાળી દઈ તે ઝડપથી જઈ પોતાની ખુરશી પર બેસી ગઈ. પર્સ મૂકી એકદમ ખાનું ખોલી ફાઈલો કાઢી. પાણી માટેના નળનાં નવાં જોડાણો માટે અરજીઓની થોકડી હતી. અરજદારો બહાર બાંકડાઓ પર હારબંધ બેઠા હતા. દસ વાગતાંમાં તો ઓફિસમાં ગરમી થવા માંડી હતી. સરકારી કર્મચારી જેવી ગતિએ પંખાઓ ફરી રહ્યા હતા. સુકન્યાબહેનનું ટેબલ તેની બાજુમાં હતું. યોગિનીએ પોતાની ફાઈલો તેમના તરફ ખસેડવાના બહાને જરા ઝૂકીને પૂછ્યું. 'કોણ છે આ?' ફૂસફૂસ અવાજમાં તેમણે જવાબ આપ્યો, ‘નવા સાહેબ છે. અશ્વિનભાઈ શાહ,' 'પણ આ કેમ આવ્યો? કામદારસાહેબ?’ ‘શી... પછી લન્ચ બ્રેકમાં.' સુકન્યાએ પોતાના કામમાં ડૂબી જવાનો દેખાવ કર્યો. યોગિનીએ પણ તેમ જ કર્યું. કારણ કે બંનેએ ત્રાંસી આંખે જોઈ લીધું હતું કે શાહસાહેબ તેમનું ટેબલ છોડી તેમના તરફ આવી રહ્યા છે. સાહેબની ચાલ થોડી લચકાતી હતી. જાણે રેમ્પ પર કોઈ મૅચો મૉડેલ સ્વિમિંગ કોસ્ચ્યુમનું મૉડેલિંગ કરી રહ્યો હોય! યોગિનીના ટેબલથી થોડે દૂર ઊભા રહી તેમણે જોરથી પૂછ્યું, ‘અરે પંડ્યા, આ લાલ બ્લાઉઝમાં છે તેમનું નામ શું કહ્યું તમે? યોગિનીબહેન, યોગિનીબહેન મુનશી. પંડ્યાએ ઊભા થઈ કહ્યું. 'હં… અચ્છા. અચ્છા.' અશ્વિન શાહે હોઠ પર જીભ ફેરવતાં કહ્યું, ‘યોગિની!” યોગિની ઊભી થઈ ગઈ. ‘જી સાહેબ!” સાહેબની સામે જોતાં યોગિનીના શરીરમાંથી લોહી જાણે ફરવું બંધ થયું. સાહેબના ચહેરા પર ચિતરાયેલી લાલસા તે વાંચી શકી. સાહેબે જરા હોઠ વડે બુચકારો બોલાવ્યો. ઓફિસના ચાર પુરુષ કર્મચારીઓ પોતાને જોઈ રહ્યા છે તે વાતથી જરા સાવધ બનતાં સાહેબે કહ્યું, 'જરા પાણી લાવવાનું કહેશો ચપરાસીને! હોઠો તો ચોંટી પડ્યા છે જાણે! એકબીજાને સ્તો!” કહી પોતાની ખુરશી પર જઈ બેઠા. યોગિની સમસમી ગઈ. નોકરીના આ છ વર્ષમાં કોઈ વાર કોઈ ઉપરી અધિકારીએ તેને આ રીતે પાણી લાવવાનો હુકમ નહોતો કર્યો! તેણે લાચારીથી પંડ્યા તરફ જોયું. પંડ્યાભાઈ આ ઑફિસમાં જ જન્મ્યા ને ઓફિસમાં જ મરશે તેટલા જૂના કર્મચારી હતા. તેમણે જાતે જ પાણી લાવી સાહેબના ટેબલ પર મૂક્યું. પાણી પીતાંય, કામમાં હોવાનો ડોળ કરતાંય શાહસાહેબની નજર તો બંને સ્ત્રી- કર્મચારીઓ પર જ ફરતી રહી. સાંજે ઘર તરફ પાછા ફરતાં સુકન્યાએ કહ્યું, ‘આ વળી ક્યાંથી આવ્યો? સાવ હલકટ દેખાય છે.” 'દેખાય છે શું વળી? છે જ.” યોગિનીએ ગુસ્સાથી કહ્યું. કંઈ આગળ બોલે તે પહેલાં તો કચેરિયાભાઈનું સ્કૂટર તેમની બાજુમાંથી પસાર થયું. પાછળની સીટ પર અશ્વિન બેઠો હતો. હલકટ… બંને સ્ત્રીઓ તરફ હાથ હલાવી તેઓ હસ્યા. રસ્તે જતા રાહદારીઓ જોઈ રહ્યા. સુકન્યાબહેન પોતાના વિચારમાં ડૂબેલાં હતાં, પણ યોગિનીબહેને તો શાહસાહેબના શબ્દો બરાબર સાંભળ્યા. ‘કેમ છો યોગિનીબહેન? બાય.' પણ આ શબ્દો પાછળ એક અત્યંત વિકૃત મનનો કોહવાયેલો કચરો હતો. શાહે તેના નામના ત્રણ અક્ષરોમાંથી વચલો અક્ષર ઉડાવી દીધો હતો. પસાર થતા સ્કૂટર પાછળ દોડી એ અધમને ખેંચીને જમીન પર પછાડવાને જાણે યોગિનીના પગ તરફડી રહ્યા, પણ તે ડહાપણ વાપરી પસાર થતી રિક્ષા થોભાવીને તેમાં બેસી ગઈ. ત્યારથી તેને કોઈ પોતાના પૂરા નામે બોલાવે તો કમકમાં આવી જતાં હતાં.

શાહસાહેબે કામ શરૂ કર્યાને જોતજોતાંમાં મહિનો વીતી ગયો. પહેલાં મ્યુનિસિપલ ઑફિસનું મકાન જેટલું શુષ્ક અને ઊપટી ગયેલા રંગવાળું હતું તેવું જ ઑફિસનું વાતાવરણ રહેતું. જાતજાતના લોકો અહીં જાતજાતની અરજીઓ, વાંધા- અરજીઓ, ફરિયાદો, વધારે વેરો વસૂલ થયાની ઘાંટાઘાંટો, રિફન્ડની માગણી કરતી વિનંતીઓ લઈ જમા થતા. ઑફિસમાં કામ કરતી બે બહેનો સુકન્યા વાઘેલા અને યોગિની મુનશી સિવાય અહીં ભૂખરાં, ઝાંખાં પડી ગયેલાં રંગવાળાં શર્ટો પહેરેલા, પગમાં બે પટ્ટીનાં સ્લીપર પહેરનારા પુરુષો કામ કરતા હતા. શાહસાહેબે આવ્યા પછી જરા જરા ઑફિસના વાતાવરણમાં સ્ત્રીઓને તેઓ સ્ત્રી હોવાનો અહેસાસ થાય તેવો પલટો કર્યો હતો. શરૂઆત સ્ત્રીઓ વિશેની જોક્સ- રમૂજોથી થઈ હતી. લન્ચ અવરમાં આવી જોક્સ કહેવાતી કે ઓફિસમાં ખાસ અવરજવર ન હોય ત્યારે ને પુરુષો હસી પડતા. શરૂ શરૂમાં લાગવા માંડ્યું કે સાહેબ ગમતીલા છે. રંગ જામે છે. સાહેબનું પોતાનું પેટ વધી ગયેલું. માથે ટાલ હતી ને ગુટકો ચગળી ચગળીને દાંત કાળા સડી ગયેલા છતાં તેઓ સ્ત્રીઓના દેખાવની, ઉંમરની કે ફિગરની રમૂજો કરતા. અરજી કરવા કે આપવા આવેલી યુવાન સ્ત્રીઓને સામે બેસાડતાં ને વૃદ્ધ કે આધેડ સ્ત્રીઓને માટે જાણી જોઈને ‘માજી' શબ્દ વાપરતા. પછી આંખ મિચકારી કહેતાં, “જોજો હોં! કે. ડી. આ કેવી ભઠ્ઠાય છે તે!” પુરુષો હસતા. પંડયાભાઈ એમાં ભાગીદાર ન થતા. સુકન્યા અને યોગિનીને નવાઈ લાગતી કે આ ઓફિસમાં આવી ગટરની ગંદી વાસ આવે છે છતાંય પુરુષો નાક આડે રૂમાલ નથી રાખતા? કે તેઓ શું કરે છે તેનું તેમને ભાન નથી માટે માફ કરી દેવાના? બીજું શું? સુકન્યાએ કહ્યુંય ખરું, 'લક્ષ જ નહિ આપવાનું. જાણે જાણતાં જ નથી.' યોગિનીને પણ તેમ જ મુનાસિબ લાગ્યું. સાહેબની જૉકજાળ ફેલાતી જતી હતી. ઑફિસના કર્મચારીઓ લન્ચ અવરમાં ખાવા બેસતા ત્યારે હવે પોલિટિક્સ કે ઑફિસના રાજકારણને બદલે સાહેબની જોક્સ પર વાત કરતા. 'આ શાહસાહેબ, જૉક બહુ મારે હોં!” કચેરિયા કે. ડી.ને કહેતા હતા. 'હાસ્તો. આ યોગિનીબહેન પર કેવી જૉક કરી, નહીં?” 'શું જોક કરી હેં ? હું જરા બહાર ગયેલો.’ ચંદુભાઈએ અધીરા બનીને પૂછ્યું. 'શું યાર! આ બધી જોક્સ તો સાહેબના મોઢે જ સાંભળવી જોઈએ.’ 'હા પણ યાર, વાઈફનાં મધર સિક છે તો જરા લન્ચ અવરમાં જોઈ આવ્યો. બોલોને !' 'કાલે અમે લન્ચમાં બધાં સાથે જમતા હતા. સાહેબ પણ હતા. ત્યાં કંઈ પોલિટિક્સની વાત નીકળી. આપણા ધારાસભ્યો પાટલીઓ બદલે છે તેની પછી તો… હી… હી... સાહેબ કહે કે કચેરિયા, પાટલી ને પાલટી બેઉ સરખાં. આપણને તો આપણી આ મુનશીપાટલી બહુ ગમે. કેમ યોગિનીબહેન મુનશી? ‘હો… હો…' કરતાં તેઓ હસ્યા. પણ તોય ચંદુભાઈ માથું ખંજવાળતાં બોલ્યા, “આ યોગિનીબહેન મુનશી છે એ તો મને યાદેય નહોતું. ‘શું તમેય ચંદુભાઈ, સાંભળો તો ખરા. પછી શાહસાહેબ કહે, પાટલી ને પાલટી બેઉ સરખા એટલે આપણે તો ભાઈ, મુનશીની પાટલીની નોકરી કરીએ છીએ એમ માનવાનું.' હં… પણ આમાં જોક ક્યાં આવી? ‘શું યાર! આ લેડીઝો સાડી પહેરે તેને પાટલી હોય કે નહીં? આ મુનશીબહેનની પાટલીની શાહસાહેબ જોક કરતા હતા. આ શાહસાહેબને આવી બધી લેડીઝોની આઇટમની ખબર પડે. આપણને ન પડે.' પંડ્યાભાઈ લન્ચનો ડબ્બો બંધ કરતાં બોલ્યા. “તેમાં તમે ક્લાર્ક રહી ગયા ને શાહભાઈ તમારા સાહેબ થઈ ગયા! કચેરિયાભાઈએ ટોણો માર્યો. ફરી બધા હસ્યા. યોગિની તો તીવ્ર રોષથી ખળભળી ઊઠી. અત્યાર સુધી ‘લેડીઝો’ની થતી મજાકો હવે આસ્તે આસ્તે અંગત નામો તરફ જવા લાગી હતી. હસતાં હસતાં સહુ તેના તરફ જોતા હતા. તેણે શું કરવાનું? હસવામાં જોડાવાનું? ગુસ્સે થવાનું? લન્ચ અવર પૂરો થતાંમાં ગુટકા ચગળતાં શાહસાહેબ અંદર આવ્યા. બહુ દિવસોથી એક મોટી ઉંમરના મહમ્મદભાઈ નવા જોડાણ માટે ધક્કા ખાતા હતા. અરજી તો ક્યારની આપી દીધી હતી. પત્ની બીમાર રહેતી હતી. છોકરાઓ કામધંધે નીકળી જાય. ઘરઆંગણે નળ હોય તો સારું. આ ઉંમરે બાલદીઓ ઊંચકીને ચાલવું નહીં. આગળ પણ બેત્રણ વાર કે તેથીય વધારે વાર મળી ગયા હતા. આજ તે પણ શાહસાહેબની પાછળ તરત આવ્યા. આવીને યોગિનીબહેનના ટેબલ આગળ ઊભા રહ્યા. યોગિનીએ તરત તેમની અરજી શોધી કાઢી ને તેમને લઈ પોતે શાહસાહેબ પાસે ગઈ. અશ્વિનભાઈના ટેબલ આગળ જઈ તેણે અરજીનો કાગળ તેમના હાથમાં આપવા હાથ લંબાવ્યો. 'બેસો. બેસો. સામે નહીં, અહીં બેસો તો મને સારી રીતે સમજાવાશે કે આ શેની અરજી છે.” આટલું કહી સાહેબે પોતાની ખુરશીની બાજુની ખુરશી બતાવી. યોગિનીએ આજુબાજુ જરા જોઈ લીધું. ઓફિસનો ઓરડો ચિક્કાર ભરેલો હતો. બધાં ટેબલો પર કર્મચારીઓ કામ કરતા હતા ને દરેક કર્મચારીની સામે બબ્બે-ત્રણ-ત્રણ જણ કંઈ ને કંઈ વાતચીત કરતા હતા. પણ અરજી સાહેબના હાથમાં આપતાં તેનો હાથ દબાયો તે કોઈએ જોયું નહીં. યોગિનીએ હાથ ખેંચી લીધો. સાહેબના સ્મિતના ગઢની એકેય કાંકરી ખરી ન હતી. ‘હોય કંઈ? મને વહેમ પડ્યો નકામો.’ એવું વિચારતી તે સાહેબની બાજુની ખુરશી પર બેઠી. મહમ્મદભાઈ પણ ત્યાં આવીને ઊભા રહ્યા. લો, સાહેબના હાથમાંથી અરજી નીચે પડી ગઈ! તે વાંકી વળી લેવા ઝૂકી. કાગળ ઉપાડી સાહેબના હાથમાં આપતાં તો જાણે ચપ્પુ ચપ્ દઈને કોઈએ તેના અંગમાં ભોંકી દીધું હોય તેવી ચિરાઈ ગઈ. સાહેબનું મોં લાળ ટપકાવતા શ્વાન જેવું તેના દેહ તરફ મંડાયેલું હતું. કારણ? કારણ પોતે. અર્ધી ગાફેલ, અર્ધી ઉતાવળી, અર્ધી રિફલેક્સ એક્શનમાં, અર્ધી સેવાભાવનામાં ઝડપથી નીચે વળી ત્યારે સાડીનો સરકી ગયેલો છેડો ખ્યાલમાં જ ન આવ્યો ! ઝડપથી તે ખુરશી ખસેડી ઊભી થઈ ગઈ ને સડસડાટ પોતાની ખુરશી પર જઈ બેસી ગઈ. સાડીના પાલવને તેણે ગળા ફરતો વીંટાળી દીધો. સાહેબે ક્યાં કશું કર્યું હતું પણ તોય? ‘બની જાય આવું કોઈ વાર. જોને, સાહેબના હાથમાં અરજીપત્ર બરાબર આપ્યો હતો તોય કેવો પડી ગયો!” તેણે પોતે પોતાને કહ્યું. તોય એનું માહ્યલું મન સમજી ગયું હતું કે અરજીપત્ર પડવાની ઘટના વૃક્ષ પરથી પાંદડું ખરે તેવી ઘટના ન હતી. વૃક્ષ પર કુહાડી મારવા જેવી ઘટના હતી.

અત્યાર સુધીની વહી જતી યોગિની—સુકન્યાની નોકરી હવે ધારદાર ખડકો વચ્ચેથી અફળાતી, કુટાતી, ક્યારેક ગંદા નાળામાં ઠલવાતી વહી રહી છે. શાહસાહેબની સ્ત્રીઓને કેન્દ્રમાં રાખીને તો ક્યારેક મુનશીપાટલી જેમ નામઠામ સાથેની ઠઠ્ઠામશ્કરીઓ અવારનવાર થતી રહે છે. અરે સાદાંસીધાં વાક્યો કે શબ્દોમાંથી દ્વિઅર્થી મજાકો પણ થતી રહેતી હતી. ઓફિસના થોડા પુરુષ કર્મચારીઓ ખુલ્લું હસતા કે પછી એક—બીજા તરફ જોઈ આંખ મારતા હતા. બધા જોકે બધી વાર આમ ન વરતતા. પંડયાભાઈ જેવા પોતાનું કામ કર્યા કરતા તો જશવંતભાઈ ચપરાસી બહાર ચાલ્યા જતા. નાના શહેરની મ્યુનિસિપાલિટી ચાલી રહી છે. વેરાઓ ઉઘરાવાય છે. શહેરના રસ્તાઓ કોઈ કોઈ વાર સાફ થાય છે. ગટરોનાં પાણીનો નિકાલ થાય છે. માત્ર સુધરાઈની પોતાની ઓફિસમાં જે ગટર છે તેની વાસ કોઈને આવતી નથી. યોગિની અને સુકન્યા પોતપોતાના કામમાં ડૂબી જઈ તેમની ઉપેક્ષા કરતી. એમને જાણે એવી આશા હતી કે જેમ આ બધું શરૂ થયું છે તેમ તે એક દિવસ આપોઆપ દૂર થશે. પણ દરેક વખતે ઉપેક્ષા નથી થતી. એક વાર લન્ચઅવર શરૂ થયો ને શાહસાહેબે સામેના ટેબલ પર બેઠેલા કે.ડી.ને કહ્યું, ‘અરે કે.ડી. તમારે ત્યાં ગુજરાતી ન્યુઝપેપર આવે છે?' 'હા સાહેબ.' ‘તો આજનું વાંચજો. એમાં આપણી પુરાણની કથા છે. એક ઘરડા હસબન્ડને એની વાઇફ પાછો કેવો જુવાન બનાવી દે છે તેની ઇન્ટરેસ્ટિંગ વાત છે.” 'ભલે સાહેબ' વાત પતી જાત. પણ શાહસાહેબે ઉમેર્યું, ‘જો આપણી લેડીઝો ફૉરેનનાં જેવાં કપડાં પહેરેને ટાઇટ બ્લાઉઝ, ટાઇટ સ્કર્ટ તો બહુ સ્માર્ટ લાગે! વર એની મેળે જુવાન થઇ જાય. હા...હા... યોગિની અને સુકન્યા પોતપોતાના લન્ચના ડબ્બા લઈ બહાર ચાલી ગયાં. રોજ તેઓ બહાર ઓફિસના કમ્પાઉન્ડમાં આવેલા એક વૃક્ષના ઓટલા પર બેસી સાથે લન્ચ લેતાં. ઓટલા પર બેસતાં સુકન્યા ચિડાઈને બોલી, ‘સાલો નફ્ફટ! ગુસ્સો તો એવો આવે છે કે બસ!' 'મનેય તે થાય છે સાલાને ચંપલે ચંપલે ઝૂડી નાખું.' યોગિનીએ કહ્યું. "પણ કોને ફરિયાદ કરવી? કોઈ મને કહેતું હતું કે એની લાગવગ બહુ છે. કોઈ પ્રધાનના સગા છે.' મૂળ તો કહેવુંય શું? એ સાલો તો એમ જ કહેવાનો કે હું તો સાદીસીધી વાત કરું છું. ક્યાં આ લેડીઝોને કહું છું? પછી આપણું મોં શું રહે?' ઉપેક્ષા ગમે તેટલી કરો, મનમાં ક્યાંક ગોબો તો જરૂર પડ્યો છે. ગુસ્સો કોઈ બીજી રીતે ભડકે છે. ઘરે પહોંચતી ત્યારે યોગિનીને નવાઈ લાગતી કે શમીક કેમ એને પૂછતો નથી કે કેમ તારું મોં આટલું પડી ગયેલું લાગે છે? તું આટલી ટેન્સ કેમ દેખાય છે ગિની? ઇઝ ધેર એની પ્રોબ્લેમ?” ગિની… યસ ગિની. વારંવાર ટોકીને તેણે શમીકને પોતાના બાળપણનું હુલામણું નામ કહેવાની ટેવ પાડી છે. ખેર, ગિની કહે કે ન કહે, પણ તે બીજું તો કંઈ પૂછતો નથી. ઑફિસેથી આવીને પથારીમાં પડતો. ટી.વી. જોતો. બસ, ફ્લૅટના હપ્તા ભર્યા એટલે પતી ગયું!!

આ બધું ગિનીના મનમાં રહેતું. તે સાંજે જલદી રસોઈ કરી નાખતી. બાલ્કનીમાં બેસતી. વૃક્ષની ડાળીઓને હવે તે હાથ ફેરવી વહાલ નથી કરતી. તે દિવસે સાહેબે તેના હાથ પર હાથ ફેરવી લીધો પછી, ચિત્ત હજાર વિચારોથી ઘેરાઈ જાય છે. વિચારોના ચક્રવ્યૂહ વચ્ચેય એક વાતની સતત તેને નવાઈ લાગે છે. ન મનાય તેવી વાતની નવાઈ. ખરેખર, કોઈ માણસ આવું સાવ છેક હોય કે તેને જ્યાં ત્યાં સેક્સના જ અર્થો સૂઝી આવે? દરેક વાતે સેક્સની જ જૉક, સ્ત્રીઓ, તેમનાં અંગો, કપડાંલત્તાંની જ વાતો કરવાની? ‘અરે સોજા રાજકુમારી.' જેવા સાયગલના ગીત પર દ્વિઅર્થી મશ્કરી? પાણીનાં નવાં કનેક્શનની વાત થઈ નથી ને ‘નવા કનેક્શન' ‘જૂના કનેક્શન’ની બૂમો પડી નથી! શાહસાહેબના જોક્સની અવગણના કરી શકાય. સુકન્યાબહેનને, યોગિનીને નોકરીઓ સાચવવાની છે. પણ કોઈવાર વાત સીધા ઉલ્લેખો પર પહોંચતી. “મુનશીમેડમ, આ મોતીની માળા આમ જરા વધારે નીચે ઝૂલતી રાખો તો?” “આ યલો બ્લાઉઝમાં તમે તો સૂરજમુખી જેવાં ખીલેલાં જણાઓ છો!” લન્ચ લેતી વખતે તેઓ વાતો કરતાં. ‘સુકન્યાબહેન, મને તો થાય છે કે હું એક રિવૉલ્વર લઈને સાલાની જીભ પર જ ગોળી ચલાવું! ‘હવે એ તો મરશે એના પાપે તમે પણ જેલભેગાં થશો તેનું શું? પોઈન્ટ.' “એના કરતાં આપણે એક નાનું રેકોર્ડિંગ મશીન ખરીદી તે જે બોલે તે બધું ટેપ કરી લેવાનું. પછી કોઈ પ્રધાનને સંભળાવવાનું.' સુકન્યાબહેને કહ્યું. વિચાર સારો હતો. ફિલ્મ કે ટી.વી. સિરિયલમાં ફિટ થાય તેવો. પણ જિવાતી જિંદગીમાં આ મશીન ક્યાંથી લાવવું ને કેટલાનું મળે, તે જ ‘સાલો' ‘નફ્ફટ'થી વધુ જે આગળ ગાળો પણ બોલી શકતી ન હતી તે સ્ત્રીઓ માટે એક પ્રાણપ્રશ્ન હતો. ‘મરશે સાલો. આવા લોકો પ્રમોશનની ખટપટમાં જ હોય. જશે અહીંથી એટલે જાન છૂટશે.' સુકન્યાએ વ્યવહારુ ડહાપણની વાત કરી. પણ વાત ધારી હતી તેટલી સીધી ન બની. થોડા દિવસો પછી એક દિવસ સવારે યોગિની ઓફિસે આવી ત્યારે દરવાજે જ થંભી ગઈ. પગના તૂટેલા ચંપલ કરતાંય સામેના દૃશ્યને કારણે. ઓફિસના એક ખૂણે સુતારો સુતારીકામ કરતા હતા. તેણે પ્રશ્નાર્થ નજરે આજુબાજુ જોયું. જે બેત્રણ પુરુષો કામે આવી ગયા હતા તેઓ હજુ ટોળટપ્પા કરતા હતા. ખાલી પંડ્યાભાઈ કામમાં હતા. સુતારોની ઠોકાઠોકના અવાજો ઓફિસમાં ગાજતા હતા. તે પોતાના ટેબલ પર બેઠી. કામ શરૂ કર્યું. ત્યાં શાહસાહેબ આવ્યા. મલપતા. સાથે એક કારીગર હતો. વિજેતાની અદાથી દરવાજામાંથી બધો સર્વે કરી શાહસાહેબ પણ માણસને સાથે લઈ સુતારો તરફ ગયા. ‘મનસુખભાઈ, આ શું પાટિયાં છે આવાં? યાર, ફર્સ્ટ ક્લાસ મટીરિયલ લાવો.' ‘સાહેબ, જે બજેટ હોય તેમાં ફિટ બેસે તેવું જ લાકડું લાવવું પડે.’ “અરે બજેટ તો છે જ. પણ જુઓ, મારે ફર્સ્ટ ક્લાસ કેબિન જોઈએ સમજ્યા? ને અહીંયાં મને આ ઓપનમાં બહુ ડિસ્ટર્બ થાય છે. લોકો આવી આવીને હેરાન કરે છે નકામા!” “હા સાહેબ, તમારી કેબિન હોય તો કોઈ તમને ડિસ્ટર્બ ન કરે.” યોગિનીના હાથમાંથી ફાઈલો પડતાં રહી ગઈ. તો આ કેબિન બનાવાય છે? સાહેબ માટે? તો… તો…

બીજા કર્મચારીઓ પણ સાંભળવા લાગ્યા. જુઓ ગજ્જરભાઈ, આ કેબિનમાં મારે કાચનાં પાર્ટિશન નથી જોઈતાં. સમજ્યા? લોકોને ખબર પડે કે હું અંદર છું એટલે કેડો ન મૂકે!” એટલે કેબિનમાં શું ચાલે છે તે કોઈ જાણી ન શકે? યોગિની અને સુકન્યાએ એકમેકની સામે જોયું. પંડ્યાભાઈએ શાહસાહેબ તરફ જોયા કર્યું પણ સાહેબ તો કેબિનના પ્લાનિંગમાં રત હતા. આજ તે ઘરે પહોંચી ત્યારે એનું મગજ ઠેકાણે ન હતું. કાલ પરમદહાડે તો કેબિન તૈયાર થઈ જશે. શાહસાહેબની ઘંટડી વાગશે ને પોતાને ફાઇલો લઈ અંદર જવું પડશે (જાણે સાહેબને શરીરમાંથી ઑક્ટોપસના જેટલા હાથ ફૂટી નીકળ્યા છે). શરીર ધ્રૂજી ઊઠ્યું (આ હાથો તેનાં અંગો તરફ લંબાયા છે). તે અને શમીક જમવા બેઠાં (હાથોએ ભરડો લીધો. તે ચીખી). યોગિનીની ભીતર જે ભયંકર ઊથલપાથલ થતી હતી તેનાથી તે બિલકુલ બેખબર હતો. (મારી ચીસ નથી સંભળાતી? હમણાં એ જોરથી બીજી ચીસ પાડશે ને કહેશે શમીક, કાલ ને કાલ ચાલ મારી સાથે ઓફિસમાં ને એ હલકટની કેબિન તોડી પાડ. તું જાણે છે શમીક આ છેલ્લા પાંચછ મહિનાઓથી અમારે માથે શું વીતે છે તે? ધારો કે તે ચીસ પાડે, ધારો કે શમીક સમજે ને… ને… ધારો કે શમીક કહે પ્લીઝ ગિની. જરા રિલેક્સ થા. હજુ ક્યાં કંઈ થયું છે? નોકરી ખતરામાં આવે એવું કંઈ ન કરતી… તો? તો એ પતિને ક્યારેય માફ નહીં કરી શકે. શમીક, તું શું કહેશે?

કાચ વગરની કેબિનમાં એ પુરાઈ ગઈ હોય તેમ તે પડખાં ફેરવતી રહી. ધીરે ધીરે તે ઊંડે નીંદરમાં સરતી ગઈ. શમીક પાસે સૂતો છે. પણ એણે ક્યાં શમીકને કંઈ પૂછ્યુંય છે કે પૂછવું છે? સવારે ઊઠી તેણે જલદી કામ આટોપવા માંડ્યું. જાણે ઑફિસે પહોંચવા અધીરી બની હતી. શમીકે પણ તે નોંધ્યું. ત્યાં યોગિનીએ કહ્યું, જરા વહેલા નીકળજો.' 'કેમ? ઑફિસે વહેલા પહોંચવું છે? “ના, રોજના ટાઈમે. પણ તે પહેલાં મને બજારમાં લઈ જાઓ.’ ‘કેમ?’ ‘મારાં ચંપલ જૂનાં થયાં છે… તૂટી ગયાં છે. મારે એક જોડી મજબૂત ચંપલ લેવાં છે.”

*