નારીસંપદા : ટૂંકી વાર્તા/ગ્રહણ

From Ekatra Wiki
Revision as of 02:52, 19 September 2024 by Meghdhanu (talk | contribs) (+1)
Jump to navigation Jump to search
ગ્રહણ

મેધા ત્રિવેદી

પાર્કને આવરી લેતા પર્વતોની ટોચ પર વાદળાં મંડરાઈ રહ્યાં હોવાથી પાર્કમાં હવે વરસાદનાં છાંટણાં પડવાં શરૂ થયાં હતાં. રીતિએ તેને જોયો ત્યારે તે દૂર પ્રકૃતિમાં કોઈ આકાર ખૂંદતો હોય અને એ આકારને પડી રહેલાં છાંટણાંઓમાં ઝીલવા મથતો હોય તેમ તેણે ખોબો ધરી રાખ્યો હતો. રીતિ હસી પડી હતી, “પાણીની જાત, આમ ખોબામાં શી રીતે ઝીલાય !” ખોબામાંથી સરી પડતી બુંદો સાથે જ બન્નેએ હૃદયમાં ઉમટેલાં છાંટણાંઓને વહાવી દીધાં હતાં. કોઈ નક્કી ન કરી શકે, પારખી ન શકે કે જુદાં ન કરી શકે. એ અણસમજ માણસ ગેરુઆ રંગની માટીને ઢાંકી દેતી લોન પર ગોઠવેલી બેન્ચ પર બેઠો હતો. રસ્તા પર વેચાતી સસ્તી કેપ તેણે પહેરી રાખી હોવાથી તેનું અડધું કપાળ ઢંકાઈ ગયું હતું. “રીતિ, તેં પાળેલાં અંધારા-અજવાળાની વચમાં હું ઊભો છું. મારે ક્યાં જવું તેનો નિર્ણય હવે તારે કરવાનો છે.” હાથના ખોબાને છૂટો પાડતાં તેણે બેફિકરાઈથી માથાની કેપ ઉતારી, ઊભો થયો અને ચાલવા લાગ્યો. “અંધારા-અજવાળાનો કોઈ ભેદ હોઈ શકે ખરો ! દિવસ ઊગવાથી રાત્રી થોડી જ સમાપ્ત થાય છે ! વીતતી રાત્રીને પળે-પળ અજવાળાની તો આશ હોય છે. દિશાઓના અંતે તો અજવાળું હોય જ ને, ત્યાં તું આવી શકે છે.” પરંતુ આ સાંભળવા તે ક્યાં રોકાયો હતો ! રીતિ તેને રોકી પણ નહોતી શકી. ખાલીપણાના અભાવથી રીતિ તેને જતાં જોઈ રહી. જે સહજ હતું ત્યાં હવે હાથ ફેરવતાં ઊપટી ગયેલા કોરા ધાબા સિવાય કશું નહોતું. ક્યારેક કોઈ સાંજ, અનેક સાંજોની હયાતીથી ભરી-ભરી હોય અને તેનો અચાનક અંત આવતાં તમે ઉદાસ થઈ જાઓ તેમ છતાં એ સાંજના અનુભવે આભારવશ બની જવાય એ રીતે, રીતિ તેની જાતને ન પૂછવાના સવાલો પૂછી બેઠી. તેનામાં કોઈ બદલાવ આવ્યો હતો? શું તે થાકેલો જણાતો હતો? સંજોગો સાથે આપણે કેવા બદલાઈ જઈએ છીએ, નહીં ! ખરે જ ! જુઓને મનુષ્યના જન્મથી મૃત્યુના કાળ દરમિયાન તેનામાં કેટલા ફેરફારો નજરે ચઢે છે. વીસ વર્ષે તેને તેના આદર્શો ઉત્સાહિત કરે છે, જેનાથી તેનું જીવન ખીલી ઊઠે છે. ચાળીસ વર્ષે આ જ આદર્શોને જડ સાબિત કરી તેને ઠુકરાવે છે, જેનાથી તે કઠોર બને છે. વૃદ્ધાવસ્થાના આરે પહોંચતાં તે જીવનને એક ફિલોસોફરની જેમ મૂલવતો થાય છે, ‘મેં આમ કર્યું, કારણ કે તે સમયે હું મારી જાતને ધરમૂળથી બદલવા માગતો હતો.’ કેટલીક વાર તમે કહેવા માગો – બસ થઈ ગયું, એમ જ કોઈ કારણ નહીં. – તમે કેવી રીતે સમજાવી શકો કે વર્ષોનાં વર્ષો એના એ નિયમોથી ફીંડલું વાળતાં તમે કંટાળી ગયા હતા. એ ઊગી નીકળેલા છોડને મૂળસોતો ખેંચી નાખવાને બદલે તમે તેને ઊગવા દીધો હતો. તેનાથી તમારા એકધારા જીવનમાં થોડી ઊથલ-પાથલ જરૂર થવા પામી હતી. તમારું આખુંય જીવન એક્સટ્રીમ સાચા અને ખોટા વચ્ચેની ધારણાઓ, ઇરેશનલ ડિઝાયર્સ જે કદાચ તમે સ્વપ્નમાં જ અનુભવી હોય તેમાં ઝોલાં ખાતું થઈ ગયું હતું. તમે માનો છોને, સ્વપ્ન જોવાં સારી વાત છે. પરંતુ સ્વપ્નો આગ જેવાં હોય છે, સહેજે વધારે ઘી હોમાતાં તે જોનારને આખે-આખો બાળી નાખે છે. અનુજ સાવ અજાણ્યો તો નહોતો જ. કૉલેજના છેલ્લા વર્ષની પરીક્ષા પૂરી થઈ હતી. રીતિ બીજી છોકરીઓ સાથે પેપર ડિસ્કસ કરતી ચાલી રહી હતી ત્યાં જ તેની નજર અનુજ પર પડી. તે કૉલેજના કેમ્પસમાં ઊગેલા ભરાવદાર વૃક્ષ નીચે ઊભો રહી યોગ-ક્લાસનાં ફરફરિયાં વહેંચી રહ્યો હતો. તેના હાસ્યમાં હિંમત, મોહકતાની સાથે ભળી જતી ખુમારીને કારણે રીતિ યોગ-ક્લાસનું ફરફરિયું લેતાં જરૂર કરતાં થોડું વધારે જ ઊભી રહી આથી તે હસીને બોલ્યો, “તમે આવશો તો ગમશે.” રીતિએ તે કાગળ સાચવી રાખ્યો, ફાઇનલ પૂરી થવાને કારણે તેની પાસે સમય જ સમય હતો. રીતિ, એ યોગના ક્લાસમાં સમયસર પહોંચી ગઈ. આખા હૉલમાં નીરવતા હતી. “હવે તમે આંખો બંધ કરી આ શબ્દો મારી સાથે છેક અંદરથી દોહરાવો, હું મને પ્રેમ કરું છું, મારી અંદર રહેલા આત્માને પ્રેમ કરું છું, મારામાં ઈશ્વરનો વાસ છે.” અનુજ પહેલી લાઈનમાં શિક્ષક જે બોલાવતા તે એકચિત્તે બોલી રહ્યો હતો. ચાર દિવસ પછી રીતિને કશું અડવું નહોતું લાગ્યું, અનુજની ભાડાની રૂમની દીવાલ ફરતે મૂકેલી જ્યુટની ચટાઈઓ, કુશનો, ઓરડાની વચ્ચે ટેબલ પર બાઉલમાં તરતું કમળ, સિરામિકના વાઝમાં ઊગાડેલા બામ્બુ, જાસ્મિનની સળગતી અગરબત્તી અને રૂમના છેવાડે મૂકેલા ઈઝલ પર અડધું ચીતરેલું કેન્વાસ. “તો એમ વાત છે, તમે ચિત્રો પણ દોરી શકો છો !” અનુજ રીતિની પાછળ આવી ઊભો રહ્યો અને તેના વાળમાં આંગળા પરોવતો બોલ્યો, “એ મારો બાળપણનો શોખ છે અને હવે એમાંથી થોડી રોજી-રોટી કમાઈ લઉં છું.” આ પછીનાં અઠવાડિયાં બન્ને કુશન ખોળામાં મૂકી વાતો કરતાં રહેતાં. અનુજ કહેતો, “ચિત્રો સ્વજન જેવાં હોય છે, તેમનાં સુખ-દુઃખ જોનાર સામે કશો પડદો રાખ્યા વિના રજૂ કરી દે છે.” ઘણી વાર તેઓ આ અજાયબ દુનિયાની સેર કરવા આર્ટ ગેલેરીઓની મુલાકાતે જતાં અને લાંબો સમય ચર્ચા કરતાં રહેતાં. એ શુક્રવારની સવારે રીતિએ નાહીને માથું ઓળ્યું. નવાં જ સલવાર-કમીઝ પહેર્યાં, દુપટ્ટાને ખભા પર ગોઠવી રહી હતી ત્યાં મમ્મી ધસી આવી, “રીતિ, સવારે-સવારે ક્યાં જાય છે ! તને ખબર છે પરીક્ષા પછી તું ઘરમાં રહી જ નથી અને આ શી વાત આવી છે, તું કોઈના રૂમ પર જાય છે.” રીતિએ છેલ્લી વાર દર્પણમાં જોયું અને મમ્મી તરફ ફરી બોલી, “તેં જે કાંઈ સાંભળ્યું છે તે સાચું છે, એ મારો મિત્ર છે.” મમ્મી રાડ પાડી ઊઠી, “રીતિ, તું જે કાંઈ કરે છે તે બરાબર નથી.” રીતિ અનુજના રૂમ પર પહોંચી ત્યાં સુધી મમ્મીના શબ્દો સંભળાઈ રહ્યા હતા. અનુજ ચિત્ર દોરવામાં મશગૂલ હતો. આખો ઓરડો અસ્ત-વ્યસ્ત પડ્યો હતો. રીતિએ ઓરડાને વ્યવસ્થિત કર્યો. જાસ્મિનની અગરબત્તી કરી. અગરબત્તીની સુગંધ આવતાં જ તેણે રીતિ સામે જોયું. “અરે, રીતિ તું ક્યારે આવી.” તેણે રંગવાળા બ્રશને ટર્પેન્ટાઇનથી લૂછતાં કહ્યું, “આજે તું આવી છો તો હું તને સરસ જમવાનું ખવડાવું.” રીતિએ અનુજની સામું જોયું અને તે રડી પડી. તે કશું જ બોલ્યા વિના સર્વિંગ ટ્રેમાં ખાવાનું લઈ આવ્યો. જમવાનું સારું બન્યું હતું અથવા તો તે સમયે રીતિને એ રૂમનું બધું જ સારું લાગી રહ્યું હતું. જમ્યા પછી અનુજે રીતિનો હાથ તેના હાથમાં લીધો. “રીતિ, હવે પછીનું આપણું જીવન સાથે જ અંકાશે.” રીતિ અનુજને બાઝી પડી. મમ્મીએ રોકકળ કરી મૂકી. પપ્પાએ ઠંડા અને ક્રૂર અવાજે કહ્યું, “આટલું સારું ભણતર અને ઉછેર પછી પણ તું અભણ રહી ગઈ.” પરંતુ પછી કચવાતા મને અનુજને સ્વીકાર્યો હતો. પણ દૂઝતા ઘામાં કળતર હવે શરૂ થયું હતું. અનુજ ક્યારેય રીતિના કુટુંબ સાથે ભળી શકતો નહીં. બને ત્યાં સુધી તે મળવાનું ટાળતો, પ્રસંગોપાત મળવાનું બનતું તો અજાણ્યા શહેરમાં ભૂલા પડેલા માણસની જેમ ખોવાયેલો રહેતો. ઘણી વાર રીતિ અનુજને કુટુંબના સભ્યો સાથે વાતોમાં જોડવાનો પ્રયત્ન કરતી, પણ અનુજ ટેબલ પર પડેલી કોઈ વસ્તુને રમાડ્યા કરતો અથવા ઘડિયાળના કાંટાને જોયા કરતો. રીતિ સમજી જતી અને મમ્મી પાસે જવાની રજા માગતી. મમ્મી ચિડાઈ જતી, “હજુ હમણાં તો આવી છો, એમ નથી જવાનું, બધાની સાથે જમીને જ જવાનું છે, તું કહે તો હું અનુજકુમારને કહું.” રીતિથી આગળ કશું ન બોલાતું. જમવાના ટેબલ પર પપ્પાની ઊલટતપાસ શરૂ થતી, “શું કરો છો આજકાલ, ક્યાં સુધી આવ્યું તમારું કામ-કાજ.” ધીમે-ધીમે પપ્પા ન કહેવાનું સઘળું સંભળાવી દેતા. ત્યારબાદ મમ્મીનો શિખામણનો દોર શરૂ થતો. અનુજ ક્યાંય સુધી સાંભળ્યા પછી, રવૈયાના શાકનો બધો મસાલો છૂટો કરી ભાણા પરથી ઊભો થઈ જતો. “રીતિ, મારે કામ છે, ઘરે આવતાં મોડું થશે.” રીતિ પાછળ દોડતી પણ ત્યાં સુધીમાં તો તે દૂર પહોંચી ગયો હોય. રીતિ જામેલું ડૂસકું રૂમાલમાં દબાવી ઘરમાં પાછી ફરતી. સાંજે પપ્પા કારમાં મૂકવા આવતા અને કારમાં જ બેસી રહેતા. રીતિને થતું મમ્મી પણ ન આવે તો સારું, મમ્મી અચૂક રીતિની પાછળ આવતી અને એક-એક વસ્તુનું બારીકાઈથી નિરીક્ષણ કરતી, “રીતિ આ પેઇન્ટિંગનો સામાન આમ ખુલ્લો મૂકવાનો, આ દીવાલ આખી રંગવાળી થઈ ગઈ, અને આ ટેબલક્લોથ, બદલ તો ખરી ! છી-છી જરાય ચોખ્ખાઈ નહીં.” શરૂઆતમાં રીતિને પણ અજૂગતું લાગતું, તે ગોઠવવા પ્રયત્ન કરતી તો અનુજ રીતિના હાથ પકડી લેતો અને તેના ગાલ પર મૂકતાં કહેતો, “રીતિ, જો તો મારા ચહેરા પર હાથ ફેરવી, એક્કે રેખા સીધી છે, તો મારા સર્જનને પણ એવી રીતે વિકસવા દેને, જોને આ ક્લોથ પર રંગોની કેવી ભાત ઊપસી આવી છે. બધું જ જો વ્યવસ્થિત હોય તો આકારો ક્યાંથી જન્મ લે !” રીતિને આ દલીલ ગમી જતી. ત્યારબાદ તે અનુજના કહ્યા પ્રમાણે બધું એમ જ રહેવા દેતી. રીતિ મમ્મીનો હાથ પકડી બારણા સુધી લઈ જતી. “મમ્મી, પપ્પા તારી રાહ જુએ છે.” મમ્મી જતાં જતાં કહેતી, “જો તું માને તો ઘરમાં સોફા, ચેર...” “તું ચિંતા ના કર હું આમાં જ ખુશ છું.” રીતિ મમ્મીને જેમતેમ વિદાય કરી છુટકારાનો દમ લેતી. આ દરમિયાન અનુજનાં થોડા ઘણા સ્કેચ વેચાતા તેમાંથી ખાવાનો જોગ તો થઈ જતો પરંતુ ભાડું ચડી જતું. પૂરતી આવકની તો હંમેશાં ખેંચ રહેતી. કોઈક વાર તે સારું કમાતો ત્યારે રેસ્ટોરામાંથી મોંઘીદાટ વાનગીઓ ઉપાડી લાવતો. આ વાનગીઓની મજા રીતિ લઈ શકતી નહીં. તે કહેતી, “આના કરતાં તું જો અઠવાડિયાનું રેશનિંગ લાવ્યો હોત તો મને વધારે ખુશી થાત.” અનુજ ધુંધવાઈ ઊઠતો અને કશું જ બોલ્યા વિના રીતિને એકલી મૂકી ત્રણ-ચાર કલાક માટે ચાલ્યો જતો. રીતિ જાતને કોસતી બેસી રહેતી. રીતિ કોઈક વાર તેને ઢંગની નોકરી લેવા સમજાવતી. તે આશ્ચર્યથી રીતિ સામે જોઈ રહેતો. “હું નોકરી કરવા સર્જાયો નથી. રીતિ મારે એવું કાંઈક સર્જન કરવાનું છે જે અત્યાર સુધી કોઈએ ન કર્યું હોય.” આવી બાબતો હવે રોજની થઈ પડી હોવા છતાં રીતિ અનુજ તરફ લોહચુંબકની જેમ ખેંચાતી રહેતી. ઘણી વાર પાસેની કૉલેજમાં ભણતી છોકરી અનુજનાં ચિત્રો માટે મોડલિંગ માટે આવતી. અનુજ અને તેની વચ્ચે સારી દોસ્તી થઈ ગઈ હતી. એક વાર રીતિ ઘરનો સામાન ખરીદી પાછી ફરી રહી હતી ત્યારે રીતિએ તે છોકરીને કાંઈક બેશરમીથી તો કાંઈક છોકરમતથી કપડાં સંભાળતી ઘરની બહાર નીકળતાં જોઈ. એ દિવસે રીતિએ તેની જાતને બરાબર દર્પણમાં નીરખી, તેની સામે ઘસાયેલાં કપડાં પહેરેલી, સુકાયેલી, જેની વાળની એક-બે લટો ધોળી થતી જતી હતી એવી સ્ત્રી દેખાઈ રહી હતી. ન તો તે આગળ જઈ શકતી હતી ન પાછળ. રીતિ જે પહેલાં સમજી નહોતી શકી તે હવે સ્પષ્ટ દેખાતું હતું. અનુજ, તેણે ચીતરેલાં સ્વપ્નોમાં રાચનારો, તેની જાત સાથેની મુસાફરીમાં રમમાણ જેમાં રીતિ માટે કોઈ જગ્યા નહોતી, જેને રોજ-બરોજની જિંદગી સાથે કશીયે લેવા-દેવા નહોતી. વળી તે સમાજે મૂકેલી શરતોની ધરી પર ફરવા તૈયાર નહોતો જ્યારે રીતિ આ શરતોથી અલિપ્ત થઈ નોખી રીતે જીવી શકતી નહોતી. અનુજ કહેતો રહ્યો, “રીતિ, તું ભૂલ કરે છે, જે તેણે જોયું તે સત્ય નથી, કશું જ બદલાયું નથી, તે ફક્ત રીતિને અને રીતિને જ પ્રેમ કરે છે અને રીતિ, નરી વાસ્તવિકતા આત્માને રૂંધી નાખે છે.” કેટલી વાર સાંભળ્યું હતું આ વાક્ય. ત્યારે કેટલું સરળ લાગતું હતું. એ વિશે વધુ વિચારવાની જરૂર પણ લાગતી નહોતી, પરંતુ હવે આવી ભ્રમણાઓ એના જીવનને છિન્ન-ભિન્ન કરી નાખતી હતી. રીતિ એનું જે કાંઈ હતું તે સમેટતાં બોલી, “હું તને હવે ક્યારેય ચાહી નહીં શકું.” પરંતુ આ સાચું નહોતું. અનુજ એક એવા ફળ જેવો હતો જેનો સ્વાદ તો મધુર હતો, અસર વિપરીત હતી. રીતિને તેનાં મા-બાપને ત્યાં કશી ચિંતા નહોતી, ન તો રેશનિંગની કે ન તો ડામાડોળ જીવનની. ઘર હતું, તેનો અલાયદો રૂમ હતો પણ હવે રોજ સવારે રીતિ, રીતિના સંગીતથી દીવાલો શણગારાતી નહોતી. રૂમમાં હવે કોરા કેન્વાસની થપ્પીઓ, રંગની ટ્યુબો કે ઓઈલની વાસ નહોતી. રાત્રે ફૂટેલા સ્વપ્નાએ સવારે કેવો રંગ પકડ્યો હશે તે જોવાની ઉત્સુકતા નહોતી. માટીથી અળગું થયેલું થડ છેવટે કોરાઈ જાય તેમ રીતિ એકલતામાં કોરાઈ રહી હતી. શું અનુજ ફક્ત તેણે ઉછેરેલી કલ્પનાનો ભાસ જ હતો. રીતિ માટે એક અનિવાર્ય જૂઠ. તો પછી સાથે લીધેલી પ્રતિજ્ઞાનું શું? પ્રતિજ્ઞા બંધિયાર હોઈ શકે ! એમાંય વ્યક્તિગત પસંદગીની મોકળાશ તો જરૂરી છેને? અનુજે તો આવી મોકળાશ ઘણી આસાનીથી શોધી લીધી હતી. એટલી સહેલાઈથી તે એમ કરી શકતી નથી? સતત આવતી સાચા અને જૂઠાની ભરતી-ઓટ વચ્ચે રીતિ ફંગોળાતી રહેતી અને એક દિવસ માન્યામાં ન આવે એ રીતે કશાય તમાશા વિના રીતિ અનુજથી કાયદેસર રીતે છૂટી પડી ગઈ. અનુજે લખી આપ્યું હતું, “હું, મારું જે કાંઈ અત્યારે અને ભવિષ્યમાં હશે તે બધા પર રીતિનો હક છે.” આ પછી ઘણા ઝડપી બનાવો બનતા ગયા. પપ્પાનું વ્યવહારકુશળ આયોજન અને મમ્મીના જક્કી દુરાગ્રહ સામે રીતિએ નમતું જોખવું પડ્યું હતું. મૈત્રેયને તે બાળપણથી ઓળખતી હતી. તે શાંત અને પરિપક્વ માણસ હતો તે ઉપરાંત મમ્મી-પપ્પાની અને દુનિયાદારીની વ્યાખ્યામાં પૂરેપૂરો બંધ બેસતો હતો. આ વાતને ત્રણ વર્ષ થવા આવ્યાં હતાં. અનુજને રીતિએ જોયો નહોતો પણ શ્રવણને હીંચોળતાં, નવરાવતાં, તેનાં ઝીણાં, ઝીણાં કામો કરતાં ઘણી વાર ઇચ્છા-અનિચ્છાએ ગમે ત્યારે, ગમે ત્યાંથી આવી ચડતી નિરંકુશ સુગંધની જેમ અનુજની સ્મૃતિ રીતિના શાંત જીવનને ડહોળી નાખતી. રીતિ શું ઇચ્છતી હતી તેની જાણ તેને જ થઈ રહી નહોતી. એક બપોરે ઘરકામથી પરવારી રીતિ લીવિંગરૂમના સોફા પર શ્રવણને તેના પગ પર બેસાડી ઝુલાવી રહી હતી. શ્રવણને આવી રીતે હીંચવાની મજા પડી રહી હતી ત્યાં અચાનક ડોરબેલ વાગી, બારણું ખોલતાં રીતિ ચકિત થઈ ગઈ. સામે અનુજ અદબવાળી જાળીને અઢેલીને ઊભો હતો “તમે ભૂતકાળમાં મળેલી મારી પ્રિય વ્યક્તિ છો એટલે મળવા આવ્યો છું.” રીતિના હૃદયમાં એકદમ ઉછાળ આવ્યો. એક ક્ષણ માટે તે ધબકારો ચૂકી ગઈ. એ જ ક્ષણમાં અનુજે સાવ સ્વાભાવિકપણે અધૂરો સમય જોડી નાખ્યો હતો, જાણે કશું જ બન્યું ન હોય તેમ તે બોલ્યો, “રીતિ, મારાં ચિત્રોનું સોલો પ્રદર્શન ભરાયું છે. અઠવાડિયા સુધી હું અહીં છું પછી આપણે સાથે ચાલ્યાં જઈશું. શહેરથી દૂર, જ્યાં આપણા જીવનને કોઈ ખલેલ ન પહોંચાડી શકે. રીતિ, હવે હું સારું કમાઉં છું. તારે હવે કશી ચિંતા નહીં રહે. અને હા રીતિ, ઘરની આસપાસ તને ગમતાં ફૂલો ખીલી ઉઠ્યાં છે, તારી જ આવવાની રાહ જોતાં.” અનુજ બોલે જતો હતો. રીતિ કાંઈ સમજે કે જાતને સંભાળે તે પહેલાં, ઘરની અંદરથી શ્રવણનો રડવાનો અવાજ આવ્યો. અનુજ કાંઈક બોલવા જતો હતો, પરંતુ અવાજ સાંભળી રોકાઈ ગયો. તેની આખોમાં ઘડીભર નવાઈ ઊપજી અને પછી વેદના. રીતિ અને અનુજ મૂંગા-મૂંગા એકબીજાની આંખોમાં પડતાં પ્રતિબિંબને જોઈ રહ્યાં. થોડી વારે તે આશ્ચર્યમાંથી બહાર આવ્યો, “ઓહ, બાબો છે કે બેબી?” “બાબો. શ્રવણ. અને હવે હું મૈત્રેય સાથે શાંતિથી જીવન જીવી રહી છું.” તે એકદમ રીતિની નજીક આવી બોલ્યો, “રીતિ, કોઈકને ઉત્કંઠાથી ચાહવું અને જીવન જીવવું એ તદ્દન અલગ વાત છે.” શ્રવણે હવે રીતસરનો ભેંકડો તાણ્યો હતો. રીતિ ઘરમાં દોડી, પાછળ અસહાય અને આજીજીભર્યો સ્વર આવતો હતો, “રીતિ, હું પાસેના પાર્કમાં તારી રાહ જોઉં છું, જ્યાં સુધી તું નહીં આવે.” રીતિ ક્યાંય સુધી આ આઘાતમાંથી બહાર આવી શકી નહોતી. વહેતી નદીની જેમ તે આવ્યો હતો જેનું પાણી જમીનને અડતાં જ જમીન બદલાઈ જતી હતી. અનુજને નહીં મળવાનાં લાખ વચનો રીતિએ પોતાની જાતને આપ્યાં છતાંય, તે સાંજે રીતિ પાર્કમાં જઈ ચડી અને અનુજ જે બાંકડા પર બેઠો હતો ત્યાં બેઠી. અનુજે તેની સામું જોયા વિના જણાવ્યું કે, તે આમ જ રીતિની રાહ જોતો કલાકોથી બેસી રહ્યો છે. થોડી મિનિટો એમ જ પસાર થઈ ગઈ. રીતિએ કોઈ જવાબ આપ્યો નહીં તેથી તે થોડો આવેશમાં આવી ગયો. “બનાવટ, નકરી બનાવટ. રીતિ, તું સત્ય સાથે જીવતી નથી, ફક્ત છળ કરે છે, તારા જીવન સાથે, તારા આત્મા સાથે, મારી સાથે, તારા પતિ સાથે અને તારા બાળક સાથે સુદ્ધાં.” હવે તે એકદમ ગળગળો થઈ ગયો, “રીતિ, તું તારી અંદર જો, ગંભીરતાથી વિચાર કર. ત્યાં તને ફક્ત હું જ દેખાઈશ. પૃથ્વી અને પ્રકૃતિ ભિન્ન કલ્પી ન શકાય એ જ રીતે આપણે સાથે જીવવા સર્જાયાં છીએ. આ સત્યને તું જુઠલાવી ન શકે, પરંતુ હવે એ પણ એટલું જ સત્ય છે કે તારા પતિ અને બાળકની આડખીલીરૂપ થવા હું માગતો નથી એટલે રીતિ તું નક્કી કર, હું આવું તો ક્યાં આવું.” કહેતાં તેની આંખમાં આંસુ ઉભરાયાં. રીતિ ક્યાંય સુધી શૂન્યમનસ્ક તેને જતાં જોઈ રહે છે. શ્રવણ રડતો હશે એ ખ્યાલ આવતાં તે ઊભી થઈ ઘર તરફ વળે છે. તે ઘરે પહોંચે છે ત્યારે મૈત્રેય ઑફિસેથી આવી ગયો છે. તે શ્રવણ માટે કોઈ રમકડું લાવ્યો છે. એક જવાબદાર પિતા તેના પુત્રને કોઈ અઘરો પાઠ શિખવાડતો હોય એટલી ગંભીરતાથી મૈત્રેય શ્રવણના નાજુક હાથોમાં રમકડું પકડાવવાની કોશિશ કરી રહ્યો છે. શ્રવણ આ નવીન રમકડાથી ખુશ છે. બન્ને એકબીજામાં એટલા તો મશગૂલ છે કે રીતિના આવ્યાની નોંધ લેવાતી નથી. મૈત્રેય સાથે જીવન જીવવું કેટલું સરળ છે, નહીં ! આખરે મનુષ્ય શું ઇચ્છતો હોય છે. પરસ્પરની હૂંફ, સહારો. કોઈક વ્યક્તિ સાથેનું હંમેશનું સુરક્ષિત જીવન. રીતિ મૈત્રેય સાથે કશા દબાણ વિના શ્વાસ લઈ શકે છે, જીવન સાથે તાલ-મેલ મેળવી શકે છે. મૈત્રેય રીતિને ગમે છે કારણ તે વગર કહે તેનું અને શ્રવણનું, નાની વસ્તુઓનું ધ્યાન રાખે છે. સાવ સાદી સમજ. ત્યાં જ શ્રવણ તેની ડોકી રીતિ તરફ ફેરવે છે. રીતિને જોઈ તે તેના બોખા મોઢાથી હસી પડે છે, અને તેને તેડી લેવા તેના નાનકડા હાથ રીતિ તરફ લંબાવે છે. રીતિને સંસારનું સારુંય સુખ હાથ ફેલાવી બોલાવી રહ્યું છે. જેને સહારે તે જીવન તરી જઈ શકે છે. એ જ ઘડીએ સૂર્ય જાણે ગ્રહણમાંથી મુક્ત થયો હોય તેમ રીતિ અનુજના વશીકરણમાંથી છૂટી જાય છે.

વાર્તા અને વાર્તાકાર :

મેધા ગોપાલ ત્રિવેદી (૧૧-૦૮-૧૯૫૩)

ત્રણ વાર્તાસંગ્રહ :

1. પ્રથમાક્ષર (2010) 16 વાર્તા
2. અક્ષરબીજ (2014) 16 વાર્તા
3. સૂત્રિત (2019) 13 વાર્તા